મીરા દાતાર : શ્રદ્ધાની પ્રજવલિત મશાલ
ડો. મહેબૂબ દેસાઈ
ગુજરાતના સૂફીસંતોની પરંપરામાં સૈયદઅલીનું સ્થાન નોંધપાત્ર છે. સલ્તનતકાળના એ સૂફીસંત તેમની પ્રજાલક્ષી શહાદતને કારણે આજે મીરા દાતાર તરીકે પ્રસદ્ધિ છે. ગુજરાતના મહેસાણા જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ઉનાવા ગામમાં પુષ્પાવતી નદીના કાંઠે તેમની મઝાર-દરગાહ છે.
સૈયદઅલીના પિતાનું નામ ડોસુમિયાં હતું. ડોસુમિયાંને બે પુત્રો હતા. મોટો પુત્ર અલુ મહંમદ અને નાનો પુત્ર સૈયદઅલી. સૈયદઅલીનો જન્મ હિજરી સંવત ૮૭૬ (ઇ.સ. ૧૪૭૪) રમજાન માસના ૨૯મા ચાંદે, જુમેરાત (ગુરુવારે) થયો હતો. સૈયદઅલીનું ખાનદાન હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાથે જૉડાએલું હતું. સૈયદઅલીના પરદાદા હજરતઅલી, મહંમદસાહેબ (સ.અ.વ.)ના જમાઈ હતા. મહંમદ સાહેબ (સ.અ.વ.) પણ સૈયદઅલીના માતા પક્ષે નાના થતા હતા.
બાલ્યાવસ્થાથી જ સૈયદઅલી ખુદાની ઇબાદતમાં રત હતા. નેકી અને પરહેજગારી (સંયમ) તેમના જીવનમાં વણાએલાં હતાં. કુરાને શરીફનું નિયમિત તેઓ પઠન કરતા, હજરત ઇમામ હુસેન તેમના આદર્શ હતા. તેઓ હંમેશાં ખુદાને દુવા કર્યા કરતાં.
‘હે ખુદા, મને હજરત ઇમામ હુસેનની રાહ પર ચલાવજે, મને તેમના જેવી શહાદત બક્ષજે.’
ગુજરાતના મઘ્યકાલીન યુગમાં અનેક સૂફીસંતોએ ગુજરાતમાં આગમન કર્યું હતું. એમાંના એક સૈયદઅલીના દાદા ઇલુદીન પણ હતા. હિજરી સવંત ૮૩૦ (ઇ.સ. ૧૪૨૬)માં હજરત ઇલુદીન ગુજરાત આવ્યા હતા. અહમદશાહ બાદશાહ (ઇ.સ. ૧૪૧૧થી ૧૪૪૨)ના દરબારમાં આવી, ગુજરાતમાં નિવાસ કરવાની પરવાનગી માગી હતી.
અહમદશાહ બાદશાહે તેમને આવકાર્યા અને પોતાના લશ્કરમાં સ્થાન આવ્યું. એક વાર અહમદશાહ બાદશાહે ઇલુદીનને કહ્યું, ‘તમે ઘોડેસવારો લઈ લીલાપુર ગામ જાવ. પાટણ નગરમાં ભીલ અને ડાકુઓએ પ્રજા પર કેર વર્તાવ્યો છે. તેનાથી પ્રજાનું રક્ષણ કરો.’
હિજરી સંવત ૮૮૦ (ઇ.સ.૧૪૭૫) ઇલુદીને રાજા મેવાસ સાથે યુદ્ધ કરી ભીલો અને ડાકુઓથી પ્રજાનું રક્ષણ કર્યુô.
બાદશાહ મહંમદ બેગડાના શાસનકાળ (ઇ.સ. ૧૪૫૯થી ૧૫૧૧)ના સમય દરમિયાન માંડુંના રાજાએ પણ એવો જ અમાનુષી અત્યાચાર પ્રજા પર કર્યો. તેનાથી પ્રજાને બચાવવા મહંમદ બેગડાએ લશ્કર સાથે કૂચ કરી પણ માંડુંના રાજાની લશ્કરી તાકાત સામે મહંમદ બેગડાનું લશ્કર ટકી શકયું નહીં. ઘણા પ્રયાસો છતાં સફળતા ન મળી. એક દિવસ ખુદાની ઇબાદતમાં લીન હજરત ઇલુદીનને જૉઈ મહંમદ બેગડાએ તેમને વિનંતી કરી, ‘માંડુંના રાજાના અત્યાચારથી પ્રજાને બચાવવાનો માર્ગ બતાવો?’
હજરત ઇલુદીને એક પળ આકાશ તરફ મીટ માંડી અને કહ્યું, ‘આ કામ ખુદાએ સૈયદઅલીને સોપ્યું છે.’
અને મહંમદ બેગડાએ સૈયદઅલીને રણભૂમિથી પર તેડાવ્યા. સૈયદઅલીની નેતાગીરી નીચે માંડુંના રાજા સાથે ભીષણ યુદ્ધ થયું. યુદ્ધમાં માંડુંનો રાજા હાર્યો. પણ માંડુંના રાજાએ સૈયદઅલીને દગાથી એક ગુફામાં લઈ જઈ હણ્યો. અને આમ સૈયદઅલી શહીદ થયા. એ દિવસ હતો મહોરમ માસનો ૨૯મો ચાંદ હિજરી ૮૯૮ (ઇ.સ. ૧૪૯૨) શુક્રવારનો દિવસ હજરત સૈયદઅલીને ઉનાવા ગામમાં દફનાવવામાં આવ્યા. આજે એ જ જગ્યાએ તેમની દરગાહ છે.
સૈયદઅલીને મીરા દાતારનું ઉપનામ આપવામાં આવ્યું છે. મીરા એટલે બહાદુર અને દાતાર એટલે દાનવીર. સૈયદઅલીની શહાદત લોકો યાદ કરે છે. તેમની દરગાહ પર શ્રદ્ધાળુઓનો મેળો લાગે છે. પ્રતિ વર્ષ મહુર્રમની ૨૮મી તારીખે ઉર્સ ભરાય છે.
No comments:
Post a Comment