મઘ્યકાલીન ગુજરાતમાં ભકિત અને સૂફી આંદોલન
ડો. મહેબૂબ દેસાઈ
૨૦ અને ૨૧ જાન્યુઆરી ૨૦૦૬ના રોજ એચ.કે.આટ્ર્સ કોલેજ, અમદાવાદ અને દર્શક ઇતિહાસ નિધિના સંયુકત ઉપક્રમે ‘મઘ્યકાલીન ગુજરાતમાં ભકિત અને સૂફી આંદોલન’ વિષયક એક સેમિનાર યોજાયો હતો. ગુજરાતભરમાંથી ઇતિહાસ વિષયકના પરચાસેક સ્નાતક-અનુસ્નાતક અઘ્યાપકો તથા આઘ્યાત્મિક ચિંતન અને મનનમાં રસ ધરાવતા સુજ્ઞજનો તેમાં સક્રિય રીતે ઉપસ્થિત રહ્યા હતા.
સૂફી અને ભકિત આંદોલનનાં જુદાં જુદાં પાસાઓને વ્યકત કરતા એકવીસ જેટલા શોધપત્રો સેમિનારમાં રજૂ થયા હતા. એ શોધપત્રોનું સંપાદન કરી દર્શન ઇતિહાસ નિધિ દ્વારા હાલમાં જ ‘મઘ્યકાલીન ગુજરાતમાં ભકિત અને સૂફી આંદોલન’ નામક ગ્રંથ પ્રસિદ્ધ થયો છે.
મઘ્યકાલીન ગુજરાતમાં ભકિત અને સૂફી આંદોલનને પામવા, જાણવા કે માણવા ઇરછતા સૌ માટે આ ગ્રંથ પાયાની સામગ્રી પૂરી પાડે છે. ગ્રંથના સંપાદકો (મકરંદ મહેતા, ભારતી શેલત, આર.ટી.સાવલિયા)એ તેમની પ્રસ્તાવનામાં લખ્યું છે, ‘તેરમા સૈકાથી શરૂ કરીને છેક અઢારમા સૈકા સુધીનાં ૬૦૦ વર્ષ સુધી ચાલેલી આ પ્રક્રિયા એવી સુગ્રથિત હતી કે તેને ‘ભકિત અને સૂફી આંદોલન’ તરીકે ઓળખવામાં આવે છે.
ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી, નિઝામુદ્દીન ઓલિયા, શેખ સલીમ ચિશ્તી, હજરત કુતુબે આલન શાહ, અહમદ ખટુ ગંજબક્ષ અને પીર કાયમુદ્દીન ચિશ્તી જેવા સૂફીઓ અને કબીર, ચૈતન્ય, નામદેવ, નરસિંહ મહેતા, મીરાંબાઈ, સંત રોહીદાસ, દાદુ-દયાળ, અખો અને મહાકવિ પ્રેમાનંદ જેવા સૂફીઓ અને સંતોએ સામાન્ય માણસો સુધી પહોંચવા માટે સાદી, સરળ અને પ્રવાહી ભાષા અને શૈલીમાં ઉપદેશો આપ્યા હતા અને ભજનકીર્તનો તથા કથાવાર્તા, આખ્યાનો વગેરે રરયાં હતાં. તેમણે હિંદને અનુરૂપ બહુત્વવાદી અને સમતાવાદી સમાજની નવરચના માટે ભગીરથ પ્રયાસો કર્યા હતા.’
ગ્રંથમાં સમાવિષ્ટ થયેલા નોંધપાત્ર શોધલેખોમાં ગુજરાતમાં સૂફીવાદ: ઉદય, વિકાસ અને અસરો (ડો. મહેબૂબ દેસાઈ), સૂફીસંત બાબા ધોરી (ડો. રિઝવાન કાદરી), ગુજરાતની કોમી એકતાના રાહબર પીર કાયમુદ્દીન ચિશ્તી (ડો. આર.ટી સાવલિયા) સૂફી સંતોની દરગાહના શિલાલેખો (ડો. ભારતી શેલત), ગુજરાતના જૈનસંતો અને અકબર (ડો. શિરીન મહેતા), ગુજરાતમાં કૃષ્ણ પ્રણામધર્મ સંપ્રદાયનું સામાજિક ઉત્કર્ષમાં પ્રદાન (અબુલકાદર કાસમભાઈ મહેતર), કથક અને ભવાઈ પર સૂફી પરંપરાનો પ્રભાવ (ડો. રૂપા મહેતા), મઘ્યકાલીન સંત સુધારક દાદુ દયાળની વિચારસરણી (ડો. મકરંદ મહેતા), મઘ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદોમાં ભકિત પરંપરા (ડો. કૃષ્ણકાંત કડકિયા), સંતકવિ છોટમની ભકિત કૃતિઓ (હરિપ્રસાદ શાસ્ત્રી), પુષ્ટિમાર્ગમાં ગોપીભાવ (અમીત અંબાલાલ), સંત ભજનિક દાસી જીવણ (પ્રવીણસિંહ વાધેલા), સંત શિરોમણી (ડો. રમેશચંદ્ર પરમાર) અને સૂફી કાવ્યોમાં પ્રતીક યોજના (ડો. નિરંજન વોરા). આવા ભકિત અને સૂફી આંદોલન પર ઉજાસ પાથરતા વિઘ્વતાપૂર્ણ લેખો ગ્રંથનું સારચે જ આભૂષણ બની રહ્યા છે.
ગુજરાતમાં મોગલ શાસનકાળ દરમિયાન સૂફીસંત ખ્વાજા ગરીબ નવાઝની જેટલી ચાહના હતી, તેનાથી વિશેષ મોગલ શાસકોના દરબારમાં દરેક ધર્મના સાધુસંતોનું માન અને સ્થાન હતું. ડો. શિરીન મહેતાએ તેમના શોધપત્ર ‘ગુજરાતમાં જૈનસંતો અને અકબર’માં તેને સઆધાર અસરકારક રીતે વ્યકત કરેલ છે. અકબરની સવારી આગ્રાના મુખ્ય માર્ગોપરથી ભવ્ય રીતે પસાર થઈ રહી હતી.
એ સમયે સામેની જૈનસાધુ સંતો અને શ્રાવકોનું સરઘસ,‘હીરવિજયસૂરિની જય હો’ના સૂત્રો પોકારતું આવતું હતું. એ પ્રત્યે સમ્રાટ અકબરે જરા પણ અણગમો વ્યકત કર્યા વગર એ સરઘસને પ્રથમ પસાર થવા દીધું. અને પછી મુનિશ્રી હીરવિજયસૂરિને પોતાના દરબારમાં ઉપસ્થિત રહી દરબારની શોભા વધારવા નિમત્રંણ પાઠવ્યું. છેક પાટણથી સંપૂર્ણ માનસન્માન સાથે હીરવિજયસૂરિ દિલ્હી દરબારમાં ઉપસ્થિત રહ્યા અને અકબરને સંપૂર્ણ સ્વસ્થતાથી કહ્યું પણ ખરું,
‘શા માટે મનુષ્યના પેટને પ્રાણીઓનું કબ્રસ્તાન બનાવવું જોઈએ?’ આ વિધાનથી અકબર વધુ પ્રભાવિત થયો અને મુંડકાવેરો (૧૮૫૪) નાબૂદ કર્યો. ઇતિહાસ સંશોધન પ્રત્યેના હકારાત્મક અભિગમને વાચા આપતા આવા પ્રસંગો ડો. શિરીન મહેતાએ પોતાના શોધપત્રમાં બખૂબી રજૂ કર્યા છે.
ડો.આર.ટી. સાવલિયાએ ગુજરાતના કોમીએકતાના રાહબર પીર કાયમુદ્દીન ચિશ્તીમાં પણ હિંદુ-મુસ્લિમ પ્રજામાં વ્યાપેલ સંપ્રદાયિક સમન્વયને પીર કાયમુદ્દીનના વ્યકિતત્વની ઓળખ સાથે રજૂ કરેલ છે. પીર કાયમુદ્દીનના શિષ્યો અભરામબાવા, રતનભાઈ, જીવણ મસ્તાન, સુલેમાન ભગત, ઉમરબાવા, નબીમિયાં, પૂજાંબાવા કોમી એખલાસની મિસાલ હતા. એ જ રીતે ડો. રિઝવાન કાદરીનો શોધલેખ ‘સૂફી બાબા ધોર’ પણ એ જ ધરા પર વિકસે છે.
‘કોન અમર લાયા જગ મેં, કિસને અમર દેખા જગ મેં
અમર નામ અલ્લાહ જગ મેં, અમર લાયા અલ્લાહ નબી જગ મેં.’
જેવી રચનાઓના રચયતા બાબા ઘોરે પોતાના સમન્વયદાર વિચારોથી હિંદુ-મુસ્લિમ પ્રજામાં સમાનતા, એકતા અને બંધુત્વને સાકાર કહ્યું હતું.
ડો. રૂપા મહેતાનો શોધલેખ પણ ભારતીય અને સૂફી પંરપરાના સમન્વયની સુગંધ પ્રસરાવે છે. ‘કથક અને ભવાઈ પર સૂફી પરંપરાનો પ્રભાવ’ નામક તેમના શોઘલેખમાં લખે છે,
‘છેક પ્રાગ ઐતિહાસકાળથી શરૂ કરી ૨૧મી સદીના આરંભ સુધીમાં ‘કથક’ના શિષ્ટ નૃત્યશૈલી તરીકેના વિકાસમાં અનેક પરંપરાઓનો તેના પર પ્રભાવ પડયો છે. અને તેમાંય ખાસ કરીને મઘ્યકાળ દરમિયાન ઉઠેલા ભકિત આંદોલન અને સૂફી પરંપરાની આ નૃત્યના વિકાસમાં વિશિષ્ટ અસરો જોવા મળે છે.’ મઘ્યકાલીન ભકિત અને સૂફી આંદોલનના આવા તો અઢળક ઉજળાં અને ઉંડાં પાસાઓને સાકાર કરતા આ ગ્રંથના સંપાદકો સારચે જ અભિનંદનને પાત્ર છે અને એટલા જ અભિનંદનના હક્કદાર દર્શક ઇતિહાસ નિબંધ સંચાલક હસમુખ શાહ છે, જેમણે આઘ્યાત્મિક સમન્વયની પરંપરાને આ ગ્રંથ દ્વારા વિકસાવી છે.
No comments:
Post a Comment