Monday, May 24, 2021

સીરતુલ નબી ૧૭ થી ૨૮

 

ઇસ્લામના પ્રચારમાં શિષ્ટાચાર

સીરતુલ નબી

૧૭     

ડૉ. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના પ્રચાર અન્વયે અનેક વિચારો પ્રવર્તે છે. ઈતિહાસમાં તલવાર અને સત્તાના જોરે ઇસ્લામના પ્રચારની વાતો વારંવાર દોહરાવામાં આવે છે. પણ ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફ અને હઝરત મહંમદ સાહેબની હદીસોમાં ઇસ્લામના પ્રચારમાં શિષ્ટાચાર અર્થાત તહેજીબનો સતત આગ્રહ સેવવામાં આવ્યો છે. કુરાને શરીફમાં તે અંગેની અનેક આયતો આપવામાં આવી છે. જેમાં ઇસ્લામનો પ્રચાર કેમ કરવો તેના સ્પષ્ટ આદેશો આપવામાં આવેલ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“લા ઇકરાહ ફિદ્દીન” અર્થાત “ધર્મની બાબતમાં કોઈ પ્રકારની બળજબરી ના હોવી જોઈએ.”

કુરાને શરીફમાં પહેલેથી છેલ્લે સુધી અનેક સ્થાનો પર ધર્મનો પ્રચાર કેમ કરવો તે સમજાવતી આયાતો આપવામાં આવી છે. તેમાં શરુઆતની કેટલીક આયાતોમાં કહ્યું છે,

“લોકોને તેમના રબ ( ખુદા )ના રાહ પર આવવા કહે ત્યારે તેમને હોશીયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ. તેમની સાથે ચર્ચા કરે, તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર.”

“અને તેઓ જે કઈ કહે તે ધીરજથી સાંભળ અને સહન કર અને જયારે તેમનાથી જુદો પડ ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી જુદો પડ.”

“જે લોકોએ તારો ધર્મ સ્વીકાર્યો છે તેમને કહી દે કે જેઓ તારી વાત માનતા નથી અને જેમને તેમના કૃત્યોના ફળ ઈશ્વર તરફથી મળશે એવો ડર નથી. તેમના પર ગુસ્સે ન કર. જે કોઈ ભલાઈ કરશે તે પોતાના  આત્મા માટે જ કરશે.  અને જે બૂરાઇ કરશે તે પણ પોતાના આત્મા માટે જ કરશે. પછી સૌએ એ જ રબ (ખુદા) પાસે પાછા જવાનું છે.”

“તારું અથવા કોઈ પણ  રસૂલ (પયગંબર) નું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા ઉપરાંત વધારે કઈ નથી. પછી તેઓ મોં ફેરવીને ચાલ્યા જાય તો ભલે જાય. તારું કામ કેવળ તારી વાત સમજાવી દેવા પૂરતું જ હતું.”

“ જે લોકો પાસે બીજા ધર્મ પુસ્તકો છે તેમની સાથે ચર્ચા ન કરો અને કરો તો બહુ મધુર શબ્દોમાં કરો. પછી કોઈ હઠ કરે અને ન માને તો ભલે ન માને. તેમને કહો કે ઈશ્વરે જે પુસ્તક અમને આપ્યું છે તેને અમે માનીએ છીએ. અમારો અને તમારો અલ્લાહ એક જ છે. અને તે જ એક અલ્લાહ આગળ આપણે માથું નમાવીએ છીએ.”

“આ જ વિચારો તરફ લોકોનું ધ્યાન ખેંચતો રહે, અને તને હુકમ કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે તારું પોતાનું જીવન ગુજાર. બીજાઓના વહેમોમાં ન ફસાઈશ. અને કહી દે કે હું અલ્લાહના બધા પુસ્તકોને માનું છું. મને ન્યાયથી વર્તવાનો હુકમ છે. અલ્લાહ મારો અને તમારો સૌનો રબ છે. તમે જે કરશો તેનું ફળ તમને મળશે અને હું જે કરીશ તેનું ફળ મને મળશે. આપણી વચ્ચે કશો ઝગડો નથી. અલ્લાહ આપણા સૌને ભેગા કરશે. આપણે બધાએ તેની જ પાસે પાછા જવાનું છે.”

મહંમદ સાહેબની પોતાનો ધર્મ ફેલાવાની રીત આખી જિંદગી સુધી કુરાનમાની આ આયાતો મુજબ જ હતી. તેમના જીવનમાં એક પણ દાખલો એવો નથી મળતો જેમાં તેમને કોઈને પણ તલવારને જોરે કે કોઈ પણ જાતનું દબાણ કરીને પોતાના ધર્મમાં સામેલ કર્યા હોય. કોઈ કબીલા કે ટોળાને પોતાના ધર્મમાં લાવવા માટે તેના પર ચડાઈ કરી હોય, અથવા એ કામને માટે એક પણ લડાઈ લડ્યા હોય. ધર્મની બાબતમાં બીજો પાસેથી જેટલી સ્વતંત્રતાની તેઓ આશા રાખતા હતા તેટલી સ્વતંત્રતા બીજાને પણ આપતા હતા. મદીના પહોંચ્યા પછી મહંમદ સાહેબે પોતાનો ધર્મ ફેલાવવા મદીના બહાર દૂર દૂરના કબોલાઓમા સમજુ માણસોને મોકલવા શરુ કર્યા હતા. અને તે અનુયાયીઓને તેઓ ખાસ કહેતા,

"લોકોને તેમના રબ (ઇશ્વર) ના રાહ પર આવવા કહે ત્યારે તેમને હોશિયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ. તેમની સાથે ચર્ચા કરે તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર અને તેઓ જે કંઈ કહે તે ધીરજથી સાંભળસહન કર અને જયારે તેમનાથી છૂટો પડે ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી છૂટો પડ."

“લોકો સાથે નમ્રતાથી વર્તવું, કોઈ સાથે સખતાઈ ન કરવી. તેમના દિલ રાજી રાખવા તેમનું અપમાન ન કરવું. તેઓ તમને પૂછે કે, સ્વર્ગની કૂંચી શી છે ? તો જવાબ દે જો કે “ઈશ્વર એક છે” એ સત્યમાં અને ભલાઈમાં વિશ્વાસ આણવો અને ભલા કામ કરવા એ જ સ્વર્ગની કૂંચી છે.

અને એટલે જ મહંમદ સાહેબ તેમના અનુયાયીઓને વારંવાર કહેતા છે,

---------------------------------------------------------------------

 

 

 

 

 

 

મુસીબતના તેર વર્ષ

સીરતુલ નબી

૧૮      

ડૉ. મહેબૂબ દેસાઈ

ત્રણ વર્ષની સખત મહેનત પછી માંડ ચાલીસ માણસોએ મહંમદ સાહેબનો ધર્મ અંગીકાર કર્યો. તેમાં તેમના પત્ની હઝરત ખતીજા, અબૂ તાલિબનો નાની ઉમરનો પુત્ર અલી, ઝેદ, અબૂ બકર અને ઉસ્માન એ પાંચ પહેલા હતા. અબૂ બકર એક ધનવાન સોદાગર હતા. બાકીના તમામ ગરીબ અને નાણા માણસો હતા. અને ઘન તો ગુલામો હતા. જેમને તે સમયે અરબસ્તાનમાં જાનવરો જેમ વેચવામાં આવતા હતા.  

મહંમદ સાહેબ જ્યાં જ્યાં પ્રચાર માટે જતા ત્યાં ત્યાં તેમની મજાક ઉડાડવામાં આવતી. કટાક્ષ કરવામાં આવતો. અને ગાળો આપવામાં આવતી. તેઓ ઉપદેશ કરવા ઉભા થતા ત્યારે તેમના પર મળ અને મરેલા જાનવરના આંતરડાફેકવામાં આવતા. લોકોને કહેવામાં આવતું,

“અબ્દુલાનો પુત્ર પાગલ થઇ ગયો છે. તેનું કોઈ સાંભળશો નહિ”

વળી, શોર મચાવીને તેમની વાત કોઈ સાંભળે નહિ, તેવા પ્રયાસો થતા. કેટલીકવાર તો તેમના પર પથ્થરમારો કરીને  તેમેણ લોહી લુહાણ કરી નાખવામાં આવતા. એકવાર તો કાબા શરીફની અંદર મહંમદ સાહેબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. એ સમયે અબૂ બકરે તેમને બચાવી લીધા. અન્યથા તે દિવસે મહંમદ સાહેબ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હોત. પણ ખુદાએ જેમને પોતાના પયગંબર બનાવીને મોકલાયા હોય તેમને ખુદા એનકેન પ્રકારે અવશ્ય બચાવી છે. આવ તમામ પ્રયાસો છતાં મહંમદ સાહેબે તેમનું કાર્ય ચાલુ રાખ્યું. ત્યારે લોકોએ તેમના અનુયાયીઓ પર અત્યાચાર કરવા માંડ્યો.  આરંભના દિવસોમાં ઇસ્લામ માટે શહીદો થયેલા અસંખ્ય હતા. અદીના પુત્ર ખુબેબ પર બહુ નિર્દયતા પૂર્વક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેણે કહેવામ આવ્યું હતું, “ઇસ્લામ છોડી દે એટલે અમે તને છોડી દઈશું” તેણે જવાબ આપ્યો “આખી દૂનિયા છોડી દઈશ પણ ઇસ્લામ નહિ છોડું” એટલે એક એક કરીને તેના હાથ પગ કાપી નાખ્યા.

 

ઈ.સ.૬૧૫માં મહંમદ સાહેબને ઇસ્લામનો પ્રચાર કરતા પાંચ વર્ષ થઇ ગયા. પાંચ વર્ષમાં માત્ર સો સવાસો  માણસો ઇસ્લામમાં દાખલ થયા. એમ પણ ગરીબ લોકો વધારે હતા. કુરેશીઓની દુશ્મનાવટ વધતી જતી હતી. અને મહંમદ સાહેબ અને તેમના સાથીઓના જીવ હરઘડી જોખમમાં રહેતા હતા. પણ મહંમદ સાહેબ ઉપદેશ અને ધર્મપ્રચારના કાર્યને મક્કમતાથી વળગી રહ્યા.

 કુરેશીઓએ અંતે મહંમદ સાહેબના કાકા અબૂ તાલિબને ધમકી આપી, “આપના ભત્રીજાને પ્રચાર કરતા નહિ રોકો તો તો પણ અલ્લાહનો હુકમ છે ત્યાં સુધી તેનો અને તેના સાથીઓનો જીવ સલામત નથી” મહંમદ સાહેબને તેમના કાકા એ સમજાવ્યા ત્યારે મહંમદ સાહેબ બોલી ઉઠ્યા,

“જેના હાથમાં મારો જન છે તે અલ્લાહના કસમ લઉં છું કે લોકો મારા જમણા હાથમાં સૂરજ અને ડાબા હાથમાં ચન્દ્ર મુકે તો પણ અલ્લાહનો હુકમ છે ત્યાં સુધી હું મારા સંકલ્પમાંથી ચલિત થઈશ નહિ.”

મહંમદ સાહેબને ઇસ્લામનો પ્રચાર કરતા સાત વર્ષ વીતી ગયા. હજુ સુધી મક્કાની શેરીઓમાં તેમનો જીવ જોખમમાં હતો. પણ તેમની સત્ય નિષ્ઠા અને નિર્ભયતા હવે લોકોની નજરમાં આવવા લાગ્યા હતા. ૫૦ વર્ષની ઉમરે હવે લોકો તેમનો ઉપદેશ શાંતિથી સંભાળતા હતા. પણ તેમના મોટા હિમાયતી તેમના કાકા અબો તાલીબનું ૮૦ વર્ષે અવસાન થયું. અબૂ તાલીબના અવસાનને ત્રણ દિવસ પણ નહોતા થયા અને તેમના બીજા મોટા મદદગાર, તેમના પત્ની હઝરત ખદીજાનું પણ અવસાન થયું. પણ આ તમામ આઘાતો મહંમદ સાહેબને ડગાવી શક્યા નહિ. મક્કા અને તાયફમાં તેમણે ઇસ્લામનો પ્રચાર ચાલુ રાખ્યો. યસરબ (મદીના)ના લોકોના આગ્રહથી મહંમદ સાહેબે પોતાનો એક સાથી મુસઅબને ધર્મ પ્રચાર અર્થે યસરબ મોકલ્યો. મક્કામાં વધતા જતા વિરોધને કારણે મહંમદ સાહેબે પોતાના સાથીઓ સાથે મદીના હિજરત કરી અને ત્યારથી હિજરી સંવતનો આરંભ થયો.

ઇ.સ. ૬૧૦ થી ૬૨૨સુધીના તેર વર્ષમાં મહંમદ સાહેબે જે દ્રઢતા, વિશ્વાસ,ધીરજ અને હિમતથી અનેક મુસીબતો વેઠતા વેઠતા ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા એ ઘટના જ વિશ્વ ઇતિહાસમાં અદભૂદ ઘટના છે. આ તેર વર્ષમાં માત્ર ૩૦૦ માણસોએ ઇસ્લામનો અંગીકાર કર્યો. અને છતાં મહંમદ સાહેબને તેમન અલ્લાહ અને તેના મઝહબમાં અતૂટ વિશ્વાસ અકબંધ રહ્યો હતો એ ઘટના જ માનવ સમાજમાં પ્રેરક છે.  

 

---------------------------------------------------------------------------

 

 

 

 

 

મહંમદ સાહેબ (સ.અ.વ) ઉત્તમ સેનાપતિ

સીરતુલ નબી

૧૯     

ડૉ. મહેબૂબ દેસાઈ

મહંમદ સાહેબ ઉત્તમ સેનાપતિ અને યુદ્ધ વ્યૂહરચનાના જ્ઞાતા હતા. પણ તેમના યુધ્ધોનો મુખ્ય સિધ્ધાંત રક્ષણાત્મક કે રચનાત્મક હતો. આક્રમક કે  હિંસાત્મક ન હતો. મહંમદ સાહેબે તેમના જીવનકાળ દરમિયાન કુલ ૨૪ યુદ્ધોમાં ભાગ લેવો પડ્યો હતો.  તમામ યુધ્ધો 

સત્તા કે વિસ્તારની અભિલાષા માટે નહોતા લડાયા. પરંતુ પ્રજાના રક્ષણ માટે  મહંમદ સાહેબે તેમાં 

લશ્કરને દોર્યું હતું. મહંમદ સાહેબે લડવા પડેલા ૨૪ યુધ્ધો આક્રમક નહિપણ સંપૂર્ણ પણે રક્ષણાત્મક

હતાતે તેમાં થયેલા માનવ સંહારના આંકડાઓ પરથી જાણી શકાય છે. ૨૪ યુદ્ધોમાં મહંમદ 

સાહેબના લશ્કરના માત્ર ૧૨૫ સૈનિકો શહીદ થયા હતા. જયારે સામા પક્ષે ૯૨૩ સૈનિકો  

મરાયા હતા. જો કે મૃતકોની  સખ્યામાં યુદ્ધના મેદાનમાં મરાયેલા સૈનિકો તો જુજ  હતા. પણ કુદરતી આફતો અને રોગચાળામાં મરાયાની સંખ્યા વિશેષ હતી. યુદ્ધમાં પકડાયેલા કેદીઓ સાથેનો તેમનો વ્યવહાર પણ માનવીય અને રચનાત્મક હતો.

જંગેબદ્ર (બદ્રના યુદ્ધ)માં પકડાયેલા કેદીઓને શી સજા કરાવી એ અંગે બધા વિચારી રહ્યા હતા. કોઈકે આ અંગે મહંમદ સાહેબને પૂછ્યું,

"યુધ્ધમાં પકડાયેલા કેદીઓને આપણે શી સજા કરીશું ?"

આપે ફરમાવ્યું,

"દરેક ભણેલો કેદી દસ દસ અભણોને લખતા વાંચતા શીખવે એ જ તેની સજા છે. દંડ છે."

યુદ્ધનો પરિચય તો મહમંદ સાહેબને આઠ દસ વર્ષની વયે જ થઇ ગયો હતો. અરબસ્તાનના ઇતિહાસમાં  “હરબે ફિજાર” અર્થાત અપવિત્ર યુધ્ધના મહંમદ સાહેબ સાક્ષી હતી. આ લાંબા યુધ્ધમાં હઝરત મહંમદ સાહેબે પોતાના કાકાને તીરો આપવાનું કાર્ય કર્યું હતું. ૫૫ વર્ષની વયે મહંમદ સાહેબને યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો.

મક્કાથી ૨૮૬ માઈલ દૂર મદીનામાં મહંમદ સાહેબે સ્થાપેલ સામ્રાજયની હિફાઝત. માટે કુરેશીઓ સામે યુદ્ધ કરવું પડ્યું હતું. એક દિવસ ૭૦૦ ઊંટો, ૧૦૦૦ ઘોડા, અને એક હજાર ચુનંદા સૈનિકો સાથે કુરેશઓ મદીના પર ચડી આવ્યા. ત્યારે નાછૂટકે મહંમદ સાહેબએ ખુદા પાસે તેમનો સામનો કરવની પરવાનગી માંગી. અને તેમની એ દુઆના સંદર્ભમાં એક આયાત ઉતરી. તેમાં કહેવામાં આવ્યું હતું,

“શું તમે એવા લોકો સામે નહિ લડો, જેમણે પોતે જ લાડીનો આરંભ કર્યો છે ?”

ખુદાનો આવો આદેશ મળતા મહંમદ સાહેબ માત્ર ૩૧૩ સૈનિકો સાથે રક્ષણાત્મક યુદ્ધ માટે નીકળી પડ્યા હતા.”બદ્ર” નામની હરિયાળી ખીણમાં ઈ.સ. ૬૨૪માં આ યુદ્ધ લડાયું. એટલે તેને ઇસ્લામિક ઇતિહાસમાં “જંગેબદ્ર” અર્થાત બદ્રની લડાઈ કહે છે. કુરુક્ષેત્રના યુદ્ધ જેમ જ આ યુધ્ધમાં પણ અંત્યત નીકટના કુટુંબીજનો સામસામે હતા. યુદ્ધ પહેલા મહંમદ સાહેબે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા. પણ કુરેશ લશ્કરને તેની તાકાત અને શસ્ત્ર સરંજામનો ભરપૂર અહંકાર હતો.

યુદ્ધ પૂર્વે કુરૈશનું એક હજારનું લશ્કર મૈદનમાં મોકાની જગ્યાએ મોરચો માંડી ગોઠવાઈ ગયું હતું. જ્યાં તેમનો પડાવ હતો, ત્યાં જમીન સમથળ હતી. જમીન પર ધૂળ અને માટી હતી. જેથી સૈનિકો આસાનીથી ફરી શકતા. મહંમદ સાહેબના લશ્કરનો પડાવ રેતાળ જમીન પર હતો. જેથી સૈનિકોને હરવા ફરવામાં તકલીફ પડતી હતી. આસપાસ કોઈ કુવો કે પાણીનો ઝરો પણ ન હતા. જેથી પાણીની સમસ્યા પણ સતાવતી હતી. મહંમદ સાહેબ યુધ્ધના ઉત્તમ આયોજક હતા. તેમણે છેલ્લી ઘડીએ લશ્કરનો પડાવ બદલી નાખ્યો. કુરૈશના લશ્કરથી ઊંચાણવાળા સ્થળે લશ્કરને ફેરવી નાખ્યું. ત્યાં પાણીની પુરતી સગવડ હતી. ઊંચાણવાળો ભાગ હોઈને કુરીશના લશ્કરની બધી હિલચાલ જોઈ શકાતી. યુધ્ધના આરંભ પૂર્વે મહંમદ સાહેબે સાંકેતિક શબ્દ “શિઆર” (આચરણ) પોતાના લશ્કરને અંતિમ સમયે આપ્યો. આ શબ્દ દુશ્મન પર અચાનક હુમલો કરવા કે પોતાના સૈનિકોને ઓળખવા માટે વપરાયો હતો. મહંમદ સાહેબની આવી યુદ્ધ કુનેહ અને ખુદની રહેમતથી માત્ર ૩૧૩ સૈનિકો કુરૈશના ૧૦૦૦ના લશ્કર પર ભારે પડ્યા. ખુદાએ યુધ્ધના સમયે જ ભારે વરસાદ મોકલી આપ્યો. એટલે નિચાળવાળા ભાગમાં જ્યાં કુરૈશ લશ્કરનો પડાવ હતો, ત્યાં પાણી ભરાવાથી ભયંકર અવ્યવસ્થા સર્જાય. અને મહંમદ સાહેબ હિંસાના જરા પણ અતિરેક વગર યુદ્ધ જીતી ગયા.

--------------------------------------------------------

 

 

 

 

 

 

 

આદર્શ પિતા : મહંમદ સાહેબ (સ.અ.વ.) 

સીરતુલ નબી

૨૦       

ડૉ. મહેબૂબ દેસાઈ

એક પિતા તરીકેની મહંમદ સાહેબની ભૂમિકા કપરી રહી છે. પિતા તરીકે પોતાનો સમગ્ર પ્રેમ હઝરત ફાતીમા પર વરસાવનાર મહંમદ સાહેબને જાણવા માણવાએ લહાવો છે. પુત્રીના પ્રેમ સામે ઇસ્લામના નિયમો સાથે મહંમદ સાહેબે ક્યારેય બાંધછોડ નથી કરી. અને છતાં આપ  આદર્શ પિતા બની રહ્યા હતા. હઝરત ફાતીમાની શાદી મહંમદ સાહેબે ઈચ્છ્યું હોત તો અરબસ્તાનના ધનાઢય કુટુંબમાં કરી શક્યા હોત. પણ મહંમદ સાહેબે ધન કરતાં સંસ્કારો અને ઇસ્લામના આદર્શોને પ્રાધાન્ય આપ્યું હતું. અને તે પણ હઝરત ફાતીમાની સંમતિ સાથે. એક દિવસ હઝરત અલીએ જ્યારે ફાતિમાના હાથની માંગણી કરી ત્યારે સૌપ્રથમ એક આદર્શ પિતા તરીકે પુત્રી ફાતિમાની મરજી જાણવાનું મુનાસીબ સમજ્યું. અને પુત્ર ફાતિમાને આપે પૂછ્યું, “બેટા ફાતિમા, આ રિશ્તા અંગે તારું શું મંતવ્ય છે ?”

પુત્ર ફાતિમા પ્રશ્ન સાંભળી મૌન રહ્યા. પણ તેમના ચહેરા પર સંમતિનું સ્મિત હતું. મહંમદ સાહેબએ તે જોઈ ફરમાવ્યું,

“બેટા ફાતિમા, તારી ખામોશીમાં મને તારી મરજી દેખાય છે”

અને આમ ચારસો મિસકાલ મિહર (લગભગ એકસો આઠ રૂપિયા)ની રકમથી હઝરત અલી અને ફાતિમાના નિકાહ થયા. નિકાહનો ખુત્બો (પ્રાર્થના) ખુદ મહંમદ સાહેબે જાતે જ પઢયો. જેના અંગે મહંમદ સાહેબે ફરમાવ્યું છે,

“મને અલ્લાહતાલા નો હુકમ છે કે હું ફાતિમાના નિકાહ હઝરત અલી સાથે કરાવી દઉં. હું તમને સૌને ગવાહ બનાવીને કહું છું કે મેં ફાતિમાના નિકાહ ચારસો મિસકાલના બદલામાં અલી સાથે કરાવ્યા છે.”

નિકાહ પછી એક પિતા પોતાની પુત્રીને જેમ દુઃખી હદય વળાવે તેમજ મહંમદ સાહેબ ભારે હદયે પુત્રીને પોતાના ઘરના બારણા સુધી વળાવવા ગયા હતા. અને વિદાય આપતા પૂર્વે પુત્રી ફાતિમાના કપાળ પર ચુંબન કરી ફરમાવ્યું હતું,

“હવે તમે બંને તમારા ઘરે જાવ.”

વિદાય વેળાએ પ્યારા પયગમ્બર મહંમદ સાહેબએ ધાર્યું હોત તો પોતાની વહાલી પુત્રી હઝરત ફાતીમાને દહેજ દુનિયાની તમામ સોગાદો આપી હોત. પણ મહંમદ સાહેબ સાદગી અને સહજતાની  મિશાલ હતા. તેમણે પોતાની પુત્રી ફાતિમાને વિદાય વેળાએ કુલ અગિયાર વસ્તુઓ આપી હતી. જેમાં એક ખજૂરના વાણનો ખાટલો, એક ચામડાનું ગાદલું જેમાં ખજૂરના પાંદડા ભરેલા હતા, બે  પાણીની ગાગર, બે માટીના વાડકા, એક પાણી ભરવાની મસ્ક, એક ખજૂરીનો મસ્સ્લો  (નમાઝ પઢવાની શેતરંજી), એક તસ્બીહ (માળા) અને એક લોટ દળવાની પથ્થરની ઘંટી.

વિદાયના બીજે દિવસે મહંમદ સાહેબ પોતાની પુત્રી ફાતિમાને મળવા તેમના ઘરે ગયા. દરવાજા બહાર એક પિતાએ પોતાની પુત્રીના ઘરમાં પ્રવેશવા રજા માંગી. પિતાનો અવાજ સાંભળી પુત્રી ફાતિમા દરવાજે દોડી આવ્યા. મહંમદ સાહેબ પુત્રી ભેટી પડ્યા. પછી એક વાસણમાં પાણી મંગાવ્યું  અને પોતાના બન્ને હાથો પાણીથી ભીના કર્યા. પછી પ્રથમ જમાઈ હજરત અલી પર પાણીનો છંટકાવ કર્યો. પછી પુત્ર ફાતિમાના માથા પર ભીનો હાથ ફેરવ્યો અને ફરમાવ્યું,

“ફાતિમા મેં પોતાના ખાનદાનના. સૌથી ઉચ્ચ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે તારા નિકાહ કર્યા છે.”

અને બીજો હાથ હઝરત અલીના ખભા પર મુકતા ફરમાવ્યું,

“અલી તારી પત્ની સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓની માની છે. તે મારા કલેજાને  ટુકડો છે.”

અને મહંમદ સાહેબની ગળાની ભીનાશ આંખોમાં ઉતરી આવી અને ચૂપચાપ તેઓ ઘરમાંથી બહાર નીકળી ગયા

નિકાહ પછી ઘર સંસારના વહનમાં પુત્રી ફાતિમાએ પિતાની હિદયાતોને કેન્દ્રમાં રાખી હતી. 

એકવાર હઝરત અલી સફરમાંથી ઘરે આવ્યા અને કહ્યું,

“મને ભૂખ લાગી છે જે કઈ જમવાનું હોય તે મને આપો.”

“ત્રણ દિવસથી ઘરમાં જવનો દાણો સુદ્ધાં નથી.”

 હઝરત અલી નવાઇ પામ્યા.

 “તે મને કહ્યું કે નહીં ?”

 હઝરત ફાતીમા ફરમાવ્યું,

 “મારા પિતાની નસીહત (શિખામણ) છે કે પતિ ને કદી સમસ્યાઓથી પજવીશ નહીં”

અને એટલે જ બીબી ફાતેમા ઘરનું તમામ કામ જાતે કરતા. પાણી ભરવું, વાસણો સાફ કરવા અને લોટ દળવો. કયારેક તો લોટની ઘંટી ચલાવતાં ચલાવતાં તેમના હાથમાં છાલા પડી જતા. છતાં સબ્રથી ઘરકામ કરતા રહેતા. એકવાર હઝરત અલીએ પત્નીની દયા ખાઈ મહંમદ સાહેબે ફરમાવ્યું,

“ફાતિમા ઘરનું કામ કરીને ખૂબ થાકી જાય છે. એટલે ગનીમતના માલમાં જે નોકરાણીઓ આવી છે તેમાંથી એક આપો તો ફાતિમાને કામમાં રાહત થાય,”

મહંમદ સાહેબે શાંત સ્વરે ફરમાવ્યું,

“હાલ મસ્જીદે નબવીમાં ચારસો ઇસ્લામના પ્રચારકો આવ્યા છે. તેમની ખિદમત (સેવા)માંથી નોકરોને ફારિગ (મુક્ત) કરી શકાય નહીં”

અને હઝરત અલી ચૂપ થઈ ગયા. પિતા પુત્રીનો આવો સ્પષ્ટ અને સાચુકલો પ્રેમ ઇસ્લામની  જણસ છે. 

----------------------------------------------------------------------------------

 

મહંમદ સાહેબ (સ.અ.વ.)નું દામ્પત્ય જીવન   

સીરતુલ નબી

૨૧        

ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગંબર સાહેબે પોતાની ૬૧ વર્ષની આયુમાં કુલ ૧૦ નિકાહ કર્યા હતા. પરંતુ તેમના પ્રથમ નિકાહ હજરત ખદીજા સિવાયના બાકીના નિકાહોઓ સમયની રાજકીય અને સામાજિક અનિવાર્યતાને કારણે કર્યા હતા. અંગે ઇતિહાસ સ્ટનલી લેનપોલ લખે છે,

બાકીના લગ્નોનો ઉદ્દેશ કેવળ રાજકીય એટલે કે એકબીજાની વિરુદ્ધના પક્ષોના સરદારોને એક સૂત્રમાં બાંધવાનો હતો.”

 આમ છતાં દરેક પત્ની સાથેનો મહંમદ સાહેબનો વ્યવહાર વર્તન અને પ્રેમ સમાન હતા. એક પણ પત્ની સાથે કડવાસ કે અસમાનતા મહંમદ સાહેબના સમગ્ર જીવનમાં ક્યાંય જોવા મળતી નથી. મહંમદ સાહેબના પ્રથમ લગ્ન હજરત ખદીજા સાથે થયા હતા. હજરત ખદીજા મહંમદ સાહેબ કરતા ૧૫ વર્ષ મોટા હતા. છતાં તેમની સાથેનો મહંમદ સાહેબનો વ્યવહાર પ્રેમાળ વિશ્વાસ પૂર્ણ હતો. હઝરત ખદીજા પ્રથમ વ્યક્તિ હતા, જેમણે સૌ પ્રથમવાર મહંમદ સાહેબ પર વિશ્વાસ મૂકી ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. ઇસ્લામના પ્રચાર-પ્રસારના આરંભિક દિવસો અત્યંત કપરા હતા. લોકો મહંમદ સાહેબને ધુત્કારતા, મારી નાંખવાની ધમકીઓ આપતા, એવા સમયે હજરત ખદીજાની હિંમત તેમનું બળ હતું.

૨૫ થી ૫૦ વર્ષની ઉંમર સુધી મહંમદ સાહેબએ એક પત્ની હજરત ખદીજા સાથે જિંદગી ગુજારી હતી. તેમનું લગ્નજીવન આદર્શ હતું. ઇતિહાસ સ્ટનલી લેનપોલ અંગે લખે છે

“૨૫ વર્ષ સુધી મહંમદ સાહેબ પોતાનાથી મોટી ઉંમરની પત્ની સાથે વફાદારીપૂર્વક રહ્યા. તેમની પત્નીની ઉંમર ૬૫ વર્ષની હતી ત્યારે પણ તેને નિકાહ વખતે જેટલી ચાહતા હતા તેટલી ચાહતા હતા. ૨૫  વર્ષમાં મહંમદ સાહેબના સદવર્તન સામે ક્યારે કરશો શ્વાસ સુતા સંભળાયો નહોતો.”

 હઝરત ખદીજાના અવસાન પછી મહંમદ સાહેબે જીવનના અંતિમ તેર વર્ષોમાં નવ લગ્ન કર્યા. અને તમામ લગ્નો સામાજિક અને રાજકીય સમસ્યાઓ અને સંગઠનના સંદર્ભે   કર્યા હતા.  હઝરત ખદીજાના અવસાન બાદ મહંમદ સાહેબના બીજા લગ્ન તેમના જિંદગીભરના સાથે હઝરત અબુબકરની પુત્રી હઝરત આયેશા સાથે થયા હતા. તે સમયે હઝરત આયેશાની ઉંમર અઢાર વર્ષની હતી.

મહંમદ સાહેબની સમજદારીની પરાકાષ્ઠા આમાં નજરે પડે છે. પંદર વર્ષ મોટી પત્ની હજરત ખદીજા સાથે સમજદારી અને પ્રેમપૂર્વક પચ્ચીસ વર્ષ સુધી રહેનાર મહંમદ સાહેબ પોતાનાથી ઘણી નાની ઉંમરની પત્ની હઝરત આયશા સાથે પણ તેના માનસિક સ્તરે જઈ, એક આદર્શ પતિ તરીકે કામિયાબ રહ્યા હતા. તેની પાછળનું મૂળભૂત કારણ મહંમદ સાહેબની પત્નીઓ સાથેની નિખાલસતા, અહંમથી પર પ્રેમાળ મોહબ્બત હતી. અરબસ્તાનના બાદશાહનો ખિતાબ ધરાવતા હોવા છતાં મહંમદ સાહેબની સાદગી અને સહજ વ્યવહાર સૌ પત્નીઓને ગમતો હતો.

મહંમદ સાહેબ હંમેશા પ્રેમાળ અને પ્રફુલ્લિત ચહેરે પોતાની પત્નીઓ સાથે વર્તતા. પત્નીને ઘરના  કામમા સહાય કરતા. પત્ની લોટ ગૂંદતી હોય તો મહંમદ સાહેબ તેમને પાણી આપતા. કદી ચૂલા માટે લાકડા લઇ આવતા. ક્યારેક પલંગની પાટી ઢીલી પડી ગઈ હોય તો તે ખેંચવા બેસી જતા. પત્નીઓના મિજાજ અને ગુસ્સાનું તેઓ ખાસ ધ્યાન રાખતા.

એકવાર હઝરત આયેશાએ મહંમદ સાહેબને જરાક  વક્ર શબ્દોમાં કહ્યું,

આપ તો ફરમાવો છો કે હું ખુદાનો પયગંબર છું.”

મહંમદ સાહેબ હઝરત આયશાના શબ્દો સાંભળી હસી પડ્યા. અને હસતા હસતા  ફરમાવ્યું,

“આયશા, તારી નારાજગી અને ખુશી બંનેને હું બરાબર ઓળખું છું.”

 કેવી રીતે ?” હજરત આઈશાએ પૂછ્યું.

મહંમદ સાહેબે ફરમાવ્યું,

જયારે તું ખુશ હોય છે ત્યારે “કસમ છે મહંમદના ખુદાની” કહે છે. અને જ્યારે તું નારાજ હોય છે ત્યારે તું કહે છે “કસમ છે ઈબ્રાહિમના ખુદાની”

 હઝરત આયશા મહંમદ સાહેબની વાત સાંભળી એકદમ હળવા થઈ ગયા. અને બોલ્યા,

“બેશક ખુદાના રસુલ આપે સાચું ફરમાવ્યું છે. જ્યારે હું નારાજ હોઉં છું ત્યારે હું આપનું નામ નથી લેતી.”

મહંમદ સાહેબના સમગ્ર જીવનમાં પત્નીઓ સાથેના અસમાન અને અપમાનીત વ્યવહારનું એક પણ દ્રષ્ટાંત જોવા મળતું નથી. મહંમદ સાહેબે પોતાના ઉપદેશોમાં પણ પત્ની સાથેના રહેવા અંગે વારંવાર કહ્યું છે,

 મુસ્લિમ પોતાના હાથથી  લુકમો  (કોળીયો) બનાવીને પોતાની પત્નીના મુખમા મૂકે તો તેનો પણ સવાબ (પુણ્ય)છે.”

હજરત ખદીજાના અવસાન સમયે હઝરત મહંમદ સાહેબ અત્યંત દુઃખી હતા. એ સમયે હજરત ખદીજાના બહેન બીબી હાલહરે મહંમદ સાહેબને સાંત્વના આપતા કહ્યું હતું,

એ વૃદ્ધના અવસાનથી આપ આટલા દુઃખી કેમ છો ?”

ત્યારે મહંમદ સાહેબે દુઃખી સ્વરે ફરમાવ્યું હતું,

જ્યારે લોકો મને ધિક્કારતા હતા ત્યારે તેણે મને પ્રેમ અને હિંમત આપ્યા હતા. જ્યારે કોઈ મારો મદદગારો હતો, ત્યારે ખદીજા મારી સાચી હમદર્દી હતી.”

 વિશ્વમાં પતિનો દરજ્જો ભોગવનાર પુરુષોનો તોટો નથી. પણ ખુદાના પેગંબર અને અરબસ્તાનના બાદશાહનો દરજ્જો ભૂલી એક સામાન્ય પણ આદર્શ પતિ બની રહેનાર તો એકમાત્ર હઝરત મહંમદ પયગંબર હતા અને રહેશે.

 

--------------------------------------------------------------------------------

મહંમદ સાહેબ (સ.અ.વ.)ની બોધ કથાઓ   

સીરતુલ નબી

૨૨           

ડૉ. મહેબૂબ દેસાઈ

એક વખત એક ચીંથરેહાલ ગરીબ મહંમદ સાહેબ પાસે આવ્યો. અને બોલ્યો,

"યા રસુલ્લીલાહ, કેટલાય દિવસોથી ભૂખ્યો છું. કઈ ખાવાનું હોય તો આપો"

આપે આપના ઘરમાં પૂછ્યું"કઈ ખાવાનું છે ?"

જવાબ મળ્યો, "પાણી સિવાય કશું જ નથી"

આપે સાથીઓને ફરમાવ્યું,

"કોઈ છે જે આ ગરીબને આજે પોતાનો મહેમાન બનાવે ?"

મહંમદ સાહેબના પ્રખર અનુયાયી હઝરત અબૂ તલહાએ ઉભા થઇ કહ્યું,

"યા રસુલ્લીલાહ, હું આજે તેને મારો મહેમાન બનાવું છું"

અને અબૂ તલહા એ ગરીબને લઇ પોતાના ઘરે પહોંચ્યા. મહેમાનને બેઠકમાં બેસાડી અંદર જઈ તેમણે પત્નીને પૂછ્યું, " કઈ ખાવાનું છે ?"

"માત્ર તમારા જેટલું જ ખાવાનું બાકી છે" પત્નીએ જવાબ આપ્યો.

થોડું વિચારી હઝરત અબૂ તલહાએ પત્નીને કહ્યું," ઘરના તમામ ચિરાગો બુઝવી નાખો"

પછી અંધારામાં પેલા ગરીબને બોલાવી તેને ખાવાનું પીરસ્યું. અને પોતે પણ તેની સાથે બેઠા. અંધારમાં પેલો ગરીબ ખાતો રહ્યો. અબૂ તલહા અંધારામાં એવી રીતે હાથ મો ચલાવતા રહ્યા જાણે પોતે પણ મહેમાન સાથે જમતા ન હોય ! ગરીબ મહેમાને પેટ ભરીને ભોજન કરાવી વિદાય કર્યો. મહેમાનની વિદાય પછી પત્નીએ પૂછ્યું, "તમે ગરીબ મહેમાનને ભરપેટ જમાડ્યો અને તમે અંધારામાં જમવાનો દેખાવ કેમ કરતા રહ્યા ?"

હઝરત અબૂ તલહાએ કહ્યું, "તમે તંગી ભલે ભોગાવો પણ ગરીબ મઝલુમોને શકાય તેટલું આપો"

**********

હઝરત મહંમદ સાહેબ ન્યાય, ઇન્સાફના ખુબ આગ્રહી હતા. એક વખત મખઝૂમ કબીલાની એક  સ્ત્રીએ ચોરી કરી. ઇન્સાફ માટે ફરિયાદી મહંમદ સાહેબ પાસે આવ્યો. ઔસામા બિન ઝૈદી પ્રત્યે મહંમદ સાહેબને ખુબ માનતા. આથી ચોરી કરનાર સ્ત્રી ઔસામા બિન ઝૈદીને સાથે લઈને મહંમદ સાહેબ પાસે આવી. ઔસામા બિન ઝૈદને જોઈ મહંમદ સાહેબ બોલી ઉઠ્યા,

"ઔસામા, શું તમે ન્યાયની વચ્ચે પડવા આવ્યા છો ?"

"મહંમદ સાહેબનો પ્રશ્ન સાંભળી ઔસામાની નજર શરમથી ઢળી પડી. મહંમદ સાહેબે સાથીઓને સંબોધતા કહ્યું,

"તમારી પહેલાની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઈ ગઈ છે. કારણ કે તેમણે ગરીબો મઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યો ન હતો. ખુદાના કસમ, જો ફાતિમાએ (મહંમદ સાહેબના પ્રિય પુત્રી) ગુનો કર્યો હોય તો એને પણ સજા કરું"

*****************

હઝરત મહંમદ સાહેબ ભોજનમાં ક્યારેક ઉંટ કે બકરાનું માંસ લેતા. પરંતુ સામાન્ય રીતે તેમનો ખોરાક ખજુર અને પાણી અથવા જવની રોટી અને પાણી જ હતો. દૂધ અને મધ તેમને પસંદ હતા. પણ તે મોંઘા હોવાને કારણે તેઓ વધુ ન લેતા. એકવાર એક સાથીએ તેમને બદામનો લોટ આપ્યો અને કહ્યું,

"રસુલ્લીલાહ, આપ આવું જ ભોજન લો"

આપે ફરમાવ્યું,

"આ ઉડાઉ લોકોનો ખોરાક છે" એમ કહી તેમણે તે લેવાનો ઇનકાર કરી દીધો. ડુંગળી અને લસણ પ્રત્યે તેમને અણગમો હતો. ડુંગળી અને લસણ નાખેલો કોઈ ખોરાક તેઓ ખાતા નહિ. તેમની આજ્ઞાના હતી કે મસ્જિતમાં ખુદાની ઈબાદત માટે ડુંગળી કે લસણ ખાઈને કોઈએ ન આવવું. હઝરત અબૂ ઐયુબ જણાવે છે,

"એકવાર અમે ડુંગળી અને લસણ નાખી ભોજન બનાવ્યું. અને રસુલેપાકની સેવામાં મોકલ્યું. ભોજન આપે આરોગ્ય વગર પરત કરી દીધું. હું ગભરાઈ ગયો. અને રસુલેપાકની સેવામાં પહોંચી ગયો.અને પૂછ્યું,

"યા રસુલ્લીલાહ, આપે ભોજન લીધા વગર પરત કેમ પરત મોકલ્યું ?"

મહંમદ સાહેબે જણાવ્યું,

"ભોજનમાં ડુંગળી અને લસણની વાસ આવતી હતી. અલ્લાહના ફરિશ્તા રાત દિવસ મારી પાસે આવતા રહે છે. હું તેમની સાથે વાતો કરું છું. ફરિશ્તાઓને ડુંગળી અને લસણની વાસ પસંદ નથી. જેથી મેં ભોજન પરત મોકલી દીધું. પણ તમે ખુશીથી તેને ખાઈ શકો છો"

હઝરત અબૂ ઐયુબે મહંમદ સાહેબની વાત સાંભળી કહ્યું,

"જે વસ્તુ રસુલેપાકને પસંદ ન હોય તેને અમે કેવી રીતે પસંદ કરીએ ? આ બનાવ પછી અમે પણ ડુંગળી અને લસણનો ઉપયોગ ભોજનમાં કરવાનું છોડી દીધું.

--------------------------------------------------------------------

મહંમદ સાહેબ (સ.અ.વ.)ની બોધ કથાઓ-૨    

સીરતુલ નબી

૨૩            

ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)એ ઉત્તર સીરિયાની સરહદેથી દક્ષિણે હિન્દી મહાસાગર સુધી પોતાના રાજ્યનો ફેલાવો કર્યો હતો. આ વિશાલ રાજ્યના જુદાજુદા પ્રાંતોમાં પ્રજાપ્રિય શાસનતંત્ર સ્થાપવા પ્રાંતના હાકેમોની પસંદગી મહંમદ સાહેબ ખુદ કરતા. હાકેમ ઇસ્લામના સિદ્ધાંતો પર વિશ્વાસ રાખી પ્રજાપ્રિય શાસન ચલાવવા કાબેલ છે કે નહિ તેની ચકાસણી પણ મહંમદ સાહેબ કરતા. જબલના પુત્ર મુઆઝને યમન પ્રાંતના હાકેમ તરીકે મોકલવાનો હતો. મહંમદ સાહેબએ મુઆઝને બોલાવ્યો અને પૂછ્યું,

"તારા પ્રાંતના રાજ્યકારભારમાં કઈ વસ્તુને પ્રમાણ માનીને નિર્ણય કરીશ ?"

મુઆઝે જવાબ આપ્યો,

"કુરાને શરીફની આયાતોને"

"પરંતુ કોઈ પ્રસંગને અનુરૂપ આયાત (શ્લોક) કુરાને શરીફમાં ન મળે તો ?" મહંમદ સાહેબે પૂછ્યું.

"ત્યારે હું પયગમ્બરનો દાખલો મારી સમક્ષ રાખીને વર્તીશ"

"પણ જો પયગમ્બરના દાખલામાં પણ એ મુજબની બંધબેસતી આજ્ઞા ન મળે તો ?"

"ત્યારે હું મારી અક્કલ હોશિયારીથી નૈતિક રીતે નિર્ણય કરીશ"

મહંમદ સાહેબ મુઆઝનો જવાબ સાંભળી ખુશ થયા. અને તેને ઉપદેશ આપતા કહ્યું,

"જયારે બે માણસો તારી પાસે ન્યાય માટે આવે ત્યારે બંનેની વાત સારી રીતે સાંભળ્યા વગર કદી ચુકાદો ન આપીશ"

****************************

મહંમદ પયગંબર સાહેબ (સલ.) પોતાની દરેક વાત લોકો આંખ બંધ કરીને ન માને તે માટે પુરતી તકેદારી રાખતા. અંધ વિશ્વાસના તેઓ સખત વિરોધી હતા.

એકવાર મહંમદ સાહેબ એક ખજૂરના બગીચા પાસેથી પસાર થતા હતા. કેટલાક માણસો બગીચામાં ખજુરની કલમો રોપતા હતા. મહંમદ સાહેબને તેમાં રસ પડ્યો. એટલે ત્યાં ઉભા રહ્યા. કલમો રોપી રહેલ માણસોને સુચન કરતા તેઓ બોલ્યા,

“સાથીઓમને લાગે છે તમે ખજૂરના રોપાઓને એમ ને એમ જ જમીનમાં ઉભા રોપી દો તો સારું.”

ખજૂરના રોપા જમીનમાં વાવતા લોકોએ કશું જ વિચાર્યા વગર મહંમદ સાહેબની વાત માની લીધી. અને મહંમદ સાહેબે કહ્યું તેમ ખજૂરના રોપા જમીનમાં રોપી દીધા. મોસમ આવતા વૃક્ષો પર ખજુર ઓછી આવી. મહંમદ સાહેબને તેની જાણ કરવામાં આવી કે,

“જે રોપા આપના કહેવા મુજબ રોપવામાં આવ્યા હતા તેના પર ખજુર બહુ જ ઓછી આવી છે.”

હઝરત મહંમદ સાહેબે ફરમાવ્યું,

“હું ખુદાનો પયગામ (સંદેશ) લાવનાર પયગંબર છું. ખુદા નથી. અંતે તો બધું ખુદાની મરજી મુજબ જ થાય છે. જયારે હું તમને ધર્મની બાબતમાં કઈ કહું છું ત્યારે તે અવશ્ય માનજો. પણ જયારે ધર્મ સિવાઈ અન્ય કોઈ બાબત વિષે કઈ કહું ત્યારે તમે પ્રથમ વિચાર જો અને પછી વર્તજો. અંધ વિશ્વાસ ઇસ્લામમાં ક્યાંય નથી.”

*************************************

મદીનામાં હઝરત મહંમદ પયગંબર સાહેબનું ભવ્ય સ્વાગત થયું. મદીનાના અમીર ઉમરાઓ મહંમદ સાહેબ માટે ધન દોલત લુંટાવવા તૈયાર હતા. પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો. મદીનામાં મહંમદ સાહેબની ઊંટણી જે ખુલ્લી જગ્યામાં બેઠી હતી, તે જમીન પર એક મસ્જિત બાંધવાનો વિચાર મહંમદ સાહેબે જાહેર કર્યો. એ ખુલ્લી જગ્યા સહલ અને સુહૈલ નામના બે યતીમ બાળકોની હતી. આ બન્ને બાળકો મઆઝ બિન અફરાસની સરપરસ્તીમાં હતા. મહંમદ સાહેબની ઈચ્છાની જાણ મઆઝને થતા તે મહંમદ સાહેબ પાસે દોડી આવ્યો અને બોલ્યો,

“યા રસુલ્લીલાહ, હું રાજી ખુશીથી આ જમીન આપની સેવામાં પેશ કરું છું. આપ ખુશી તેના પર મસ્જિત બનાવો.”

મહંમદ સાહેબે તેમની વિનંતીનો અસ્વીકાર કર્યો અને કહ્યું,

“હું એ યતીમ બાળકોની જમીન મફતમાં નહિ લઉં. એ જમીન તેમની પાસેથી મો માંગી કિંમતે ખરીદીશ અને પછી જ તેના પર અલ્લાહનું ધર બનાવીશ.”

ઘણી સમજાવટ છતાં મહંમદ સાહેબ પોતાના આ નિર્ણયમાં મક્કમ રહ્યા. તેમણે એ જમીન દસ સોના મહોરમાં ખરીદી અને એ જમીન પર “મસ્જિદ એ નબવી” નું સર્જન થયું. “મસ્જિત એ નબવી” એ  મસ્જિત છે જેના બાંધકામમાં અન્ય સાથીઓ સાથે મહંમદ સાહેબએ પણ ઈંટ, પથ્થરો અને માટી ઉપાડવામાં ખભેથી ખભો મિલાવી મહેનત કરી હતી. મસ્જિતના બાંધકામ સમયે ઇંટો ઉપાડતા ઉપાડતા સાથીઓ સાથે ઉત્સાહભેર મહંમદ સાહેબ દુવા પઢતા હતા,

“તમામ ભલાઈ બસ અંતિમ દિવસ (કયામત) માટે જ છે, જેથી તું બેસહારાઓ પ્રત્યે તારી રહેમત ફરમાવ.”

***********************************

સન હિજરીના રમઝાન માસની ૧૭મી તારીખ હતી. બદ્રના મેદાનમાં કુફ્ર અને ઇસ્લામનું  પ્રથમ પ્રથમ યુદ્ધ થવાનું હતું. સત્ય અને અસત્યના  યુધ્ધના સેનાપતિ હઝરત મહંમદ પયગમ્બર હતા. પરોઢનું અજાવાળું રેલાતા મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફજરની નમાઝનું એલાન કર્યું.સૈનિકો સાથે મહંમદ સાહેબ નમાઝ પઢી.પછી સૈનિકોને સંબોધન કરતા ફરમાવ્યું,

“યાદ રાખો જીત કે ફતહનો આધાર સંખ્યા બળ પર નથી. શાનોશૌકત કે જાહોજલાલી પર નથી. વિપુલ હથિયાર કે અખૂટ સાધન સામગ્રી પર નથી. જીત કે ફતહ માટે જે વસ્તુ સૌથી વધુ અગત્યની છે તે સબ્રદ્રઢતા અને અલ્લાહ પર અતુટ વિશ્વાસ છે.”

મહંમદ સાહેબનું આધ્યાત્મિક અને શાસકીય જીવન એક  હતું. ખુદાના પયગંબર તરીકે તેમણે જે મુલ્યો પ્રજા સમક્ષ મુક્યા હતા. તે  મુલ્યોને અમલમાં મૂકી તેમણે ઇસ્લામી સામ્રાજ્યનું સંચાલન કર્યું હતું. ઇસ્લામ એટલે હિંસા નહીપણ શાંતિસમર્પણત્યાગબલિદાનની વિભાવના તેમણે સત્ય પૂરવાર કરી બતાવી હતી.

----------------------------------------------------------------------------------

 

 

 

 

 

મહંમદ સાહેબ (સ.અ.વ.)ની બોધ કથાઓ- ૩     

સીરતુલ નબી

૨૪             

ડૉ. મહેબૂબ દેસાઈ

હિજરત એટલે મજહબ (ધર્મ) માટે પોતાનું કુટુંબ, વતન છોડી પરદેશ જવું. હિજરતને મહંમદ સાહેબે ઈબાદત (ભક્તિ) નો દરજ્જો આપ્યો છે. મક્કાથી હિજરત કરી તેઓ દુશ્મનોથી બચવા એક ગુફામાં છુપાયા હતા. દુશ્મનોએ તેમનો પીછો કર્યો. ગુફાના મુખ પાસે દુશ્મનો પહોંચ્યા ત્યારે એક બોલી ઉઠ્યો,

“અહિયાં ક્યાં આવ્યા ? જોતો નથી કરોળિયાનું જાળું તો મહંમદની પૈદાઇશ પહેલાનું લાગે છે. કોઈ અંદર  ગયું હોત તો આ જાળું સલામત હોત ખરું ?”

એમ કહી દુશ્મનો પાછા ફરી ગયા. ત્રણ દિવસ અને ત્રણ રાત મહંમદ સાહેબ એ ગુફામાં રહ્યા. એ પછી ત્યાંથી આગળ જવા હઝરત અબુબકરે એક ઊંટણીની વ્યવસ્થા કરી. અને મહંમદ સાહેબને કહ્યું

“યા રસુલિલ્લાહ, આપ આના પર સવાર થઇ આગળ નીકળી જાવ”

મહંમદ સાહબે ફરમાવ્યું,

“મારી પોતાની ખરીદેલી સવારી ઉપર જ હું બેશીશ.”

હઝરત અબુબકરે મહંમદ સાહેબને ખુબ સમજાવ્યા. પણ તેઓ એકના બે ન થયા. અંતે મહંમદ સાહબે તે ઊંટણી હઝરત અબુબકર પાસેથી ખરીદી અને પછી તેના પર સવાર થઇ આગળ જવા નીકળ્યા. રસ્તામાં એક અનુયાયીએ આપને પૂછ્યું,

“યા રસુલિલ્લાહ, હઝરત અબુબકરે તો આ ઊંટણીની કીમત કરતા પણ વધુ જાનમાલથી આપની ખિદમત (સેવા) કરી છે, પછી આપે આ ઊંટણીની કિંમત આપવાનો શા માટે આગ્રહ રાખ્યો ?”

હઝરત મહંમદ સાહબે ફરમાવ્યું,

“હિજરત એક મહાન ઈબાદત છે. આ મહાન ઇબાદતમાં હું કોઈને ભાગીદાર બનાવવા માંગતો નથી. ખુદાની રાહમાં હિજરત જેવી મહાન ઈબાદત પોતાના જાનમાલથી કરવી જોઈએ.”

*************************************************

મહંમદ સાહેબના ઉપદેશો અને વ્યવહારમાં હંમેશા માનવ મુલ્યો કેન્દ્રમાં રહેતા. એકવાર એક

અનુયાયી મહંમદ સાહેબ પાસે આવ્યો. અત્યંત ગુસ્સામાં તે બોલ્યો,

“એક માનવીએ મને જાનમાલનું અઢળક નુકસાન કર્યું છે. મને તેનો બદલો લેવાની પરવાનગી આપો”

મહંમદ સાહેબ માત્ર એટલું જ બોલ્યા, “તેને માફ કરી દે”

મહંમદ સાહેબે એક વખત ઉપદેશ આપતા કહ્યું હતું,

“જે માણસ એક બાજુ નમાજ પઢશે, રોઝા રાખશે, દાન આપશે. અને બીજી બાજુ કોઈના ઉપર જુઠ્ઠો

આરોપ મુકશે, બેઈમાની કરીને કોઈના પૈસા ખાઈ જશે, કોઈનું લોહી રેડશે અથવા કોઈને દુઃખ દેશે.

એવા માનવીની નમાઝરોઝાદાન કશું જ કામ નહિ આવે. તેણે જે કઈ જીવનમાં સદકાર્યો કર્યા હશે

તેના બધા પુણ્યો જેમના પર તેણે જુલમ કર્યા હશે તેના હિસાબમાં ઉમેરી દેવામાં આવશે.

એકવાર કોઈ કે મહંમદ સાહેબને પૂછ્યું,

“જન્નત (સ્વર્ગ) માં જવાનો માર્ગ કયો ?”

આપે ફરમાવ્યું,

“જે માનવી શાંત, સદાચારી અને બીજાના સુખમાં સુખી રહેશે, તે કયારેય દોઝાક (નરક)માં નહિ જાય.”

*******************************************

મહંમદ સાહબે એકવાર કહ્યું“મૃત્યુ પછી અલ્લાહ પૂછશે, હે માનવીહું બીમાર હતો અને તું મને જોવા નહોતો આવ્યો.” માનવી કહેશે“હે મારા ખુદા હું તને કેવી રીતે જોવા આવી શકું ? તું તો આખી દુનિયાનો માલિક છે.”

અલ્લાહ ફરીવાર પૂછશે, “હે માનવ મેં તારી પાસે ભોજન માગ્યું હતું. અને તે મને ભોજન આપ્યું નહોતુ.

માનવી કહેશે“હે મારા ખુદા તું તો આખી દુનિયાનો માલિક છે હું તને ભોજન કેવી રીતે આપી

શકું ?”

અલ્લાહ પૂછશે, “ હે માનવી, મેં તારી પાસે પાણી માંગ્યું હતું અને તે મને પાણી નહોતું આપ્યું,”

માનવી ફરી વાર નવાઈ સાથે કહેશે, “ હે મારા ખુદા હું તમને કેવી રીતે પાણી આપી શું ? તું તો

આખી કાયનાતનો સર્જનહાર છે.”

પછી અલ્લાહ જબાબ આપશે,

“હે માનવી, શું તને ખબર નથી મારો એક બંદો બીમાર હતો ત્યારે તું તેને જોવા નહોતો ગયો. જો તું તેને જોવા ગયો હોત તો મને તેની પાસે જ જોત. મારા એક બંદાએ તારી પાસે પાણી માંગ્યું હતું, જો તે તેની પ્યાસ બુઝાવી હોત, તો મને તેની પાસે જ પામત. મારો એક બંદો ભોજન માટે વલખી રહ્યો હતો. પણ તે તેને ભોજન ન આપ્યું. જો તે તેની ભૂખ સંતોષી હોત તો તું મને તેની પાસે જ જોત.”

***************************************

મહંમદ સાહેબની હિદયાતો -૧  

સીરતુલ નબી

૨૫    

ડૉ. મહેબૂબ દેસાઈ

હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) સાહેબે સહાબીઓ (અનુયાયીઓ)ને અવારનવાર સામાન્ય વાતચીતમાં કે ઉપદેશાત્મક મજલિસો આપેલ સુવર્ણ હિદયાતો અઢળક છે. પણ તેમાંથી ચૂંટી અત્રે થોડી આપવા પ્રયાસ કરું છું.

 

સૌ પ્રત્યે પ્રેમ મારી રીત છે.

જેણે મારી જેમ સૌ સાથે પ્રેમ રાખ્યો,

તેણે મારી સાથે પ્રેમ રાખ્યો.

અને જેણે મારી સાથે પ્રેમ રાખ્યો

તે મારી સાથે જન્નત (સ્વર્ગ)માં રહેશે.

***

બળવાન તે નથી જે બીજાઓને નીચે પાડી નાખે છે,

આપણામાં બળવાન તે છે,

જે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખે છે.

***

પોતાનો પાડોશી પાસે ભૂખ્યો પડ્યો હોય

ત્યારે પણ જે માણસ પોતે પેટ ભરીને જમે

તે મોમીન (મુસ્લિમ) નથી.

***

સૌ પ્રાણીઓ પરમાત્માનું કુટુંબ છે.

અને જે પરમાત્માના કુટુંબનું ભલું કરે છે

તે પરમાત્માને સૌથી પ્રિય છે.

***

ધન સંપતિથી મોટી દોલત સંતોષ છે.

મોમીના (મુસ્લિમ) થવા માંગતો હોય તો,

તારા પાડોશીનું ભલું કર,

અને મુસ્લિમ થવા ઇચ્છતો હોય તો

જે કઈ તારા માટે સારું માનતો હોય તે જ સૌને માટે માન.

***

મોમીન તે છે

જેના હાથમાં પોતાનો જાન અને માલ સોંપીને

સૌ નિશ્ચિત થઈ જાય છે.

***

એક સહાબી (અનુયાયી)એ મહંમદ સાહેબને પૂછ્યું,

"ઇસ્લામની સૌથી મોટી ઓળખ કઈ ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું, " ભૂખ્યાને ભોજન આપવું

અને જાણીતા કે અજાણ્યા સૌનું ભલું ઇચ્છવું"

***

જેનામાં પ્રમાણિકતા નથી,

તેનામાં ઇમાન નથી.

***

અલ્લાહ જે અગ્નિનો માલિક છે,

તેના સિવાય બીજા કોઈને અધિકાર નથી

કે બીજાને અગ્નિ વડે શિક્ષા કરે.

***

ઈમાન (શ્રદ્ધા)

માનવીને દરેક પ્રકારનો જુલ્મ કરતા અટકાવવા માટે છે.

કોઈ ઈમાનદાર (શ્રદ્ધાવાન) માનવી કોઈ માનવી પર જુલ્મ ન કરી શકે.

***

એક સહાબીએ મહંમદ સાહેબને પૂછ્યું,

ઇસ્લામ એટલે શું ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું,

"વાણી પવિત્ર રાખવી અને અતિથિનો સત્કાર કરવો એટલે ઇસ્લામ"

***

કોઈ પણ નશાની ચીજનો ઉપયોગ કરવો

એ સો પાપોનું પાપ છે.

***

અલ્લાહ રહીમ (દયાળુ) છે.

તે દયાળુ પર દયા કરે છે.

જેઓ પૃથ્વી પર છે

તેમના પર તમે દયા કરો

અને આસમાન પર છે

તે તમારા પર દયા કરશે.

***

આ દુનિયાનો મોહ રાખવો

એ જ બધા પાપોનું મૂળ છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.

***

વૈધ કાર્યોમાં અલ્લાહને

સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.

***

જેની ઇચ્છાઓઅભિલાષાઓ ખુદા પર દ્દઢ હોય.

જે ખુદામય હોયખુદાને જ માલિક માનતો હોય;

હર પલના શ્વાસ માટે પણ ખુદાનો શુક્ર અદા કરતો હોય

તે પાક મુસ્લિમ છે.

***

ભલાઈનેકીઅહેસાનખિદમત

અને માનવતાનાં કાર્યોમાં જે હંમેશાં અગ્રીમ રહે છે.

તે આદર્શ મુસ્લિમ છે.

*** 

સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે

એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે.

***

દરેક મુસ્લિમ સ્ત્રી-પુરુષ માટે

શિક્ષણ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે.

***

"લોકોને તેમના રબ(ઇશ્વર)ના રાહ પર આવવા કહે

ત્યારે તેમને હોશિયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ.

તેમની સાથે ચર્ચા કરે તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર

અને તેઓ જે કંઈ કહે તે ધીરજથી સાંભળસહન કર

અને જયારે તેમનાથી છૂટો પડે ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી છૂટો પડ."

***

અજ્ઞાનતા અને જહાલતાના યુગના બધા જ પૂર્વગ્રહો અસ્ત પામે છે. અલ્લાહની દૃષ્ટિએ ઉત્તમ કે ઊંચ એ છે જે અલ્લાહનો ખોફ (ડર)રાખે છે

અને પરહેજગારી (સંયમ) કરે છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જે અલ્લાહના માર્ગમાં જાનમાલની જેહાદ કરે છે.

***

વૈધ કાર્યોમાં અલ્લાહને

સૌથી વધુ નાપસંદ કાર્ય તલાક છે.

***

જેની ઇચ્છાઓઅભિલાષાઓ ખુદા પર દ્દઢ હોય.

જે ખુદામય હોયખુદાને જ માલિક માનતો હોય;

હર પલના શ્વાસ માટે પણ ખુદાનો શુક્ર અદા કરતો હોય

તે પાક મુસ્લિમ છે.

***

ભલાઈનેકીઅહેસાનખિદમત

અને માનવતાનાં કાર્યોમાં જે હંમેશાં અગ્રીમ રહે છે.

તે આદર્શ મુસ્લિમ છે.

*** 

સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે

એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે

 

--------------------------------------------------------------------------------------

 

મહંમદ સાહેબની હિદયાતો-૨  

સીરતુલ નબી

૨૬      

ડૉ. મહેબૂબ દેસાઈ

 

અલ્લાહે મને હુકમ આપ્યો છે કે

નમીને ચાલ અને નાનો બનીને રહે,

જેથી કરીને કોઈ બીજાથી ઊંચો ન થઇ જાય,

તેમજ બીજા કરતાં મોટો હોવાનો ઘમંડ ન કરે.

જેના મનમાં રતીભાર પણ ઘમંડ છે

તે કદી સ્વર્ગમાં નથી જઈ શકતો.

સૌ માનવીઓ આદમનાં સંતાન છે

અને આદમ માટીમાંથી પૈદા થયો છે.

***

સૌથી મોટાં પાપો છે,

શિર્ક અર્થાત અલ્લાહ (ઈશ્વર) સાથે

બીજા કોઈને તેની બરાબર માનવું,

માતા પિતાની આજ્ઞા ન માનવી,

કોઈ પ્રાણીને ઈજા પહોંચાડવી,

જૂઠા સોગંદ ખાવા અને જૂઠી સાક્ષી આપવી.

***

જે માણસ એક બાજુ નમાઝ પઢશે,

રોઝા (ઉપવાસ) રાખશે અને દાન કરશે,

અને બીજી બાજુ કોઈના પર જૂઠ્ઠો આરોપ મૂકશે,

બેઈમાની કરીને કોઈના પૈસા ખાઈ જશે

કે કોઈનું લોહી રેડશે

અથવા કોઈને દુઃખ દેશે;

એવા માનવીની નમાઝરોઝા અને દાન

કશું કામમાં નહિ આવે.

 

***

તમારામાંથી જેઓ કુંવારા છે

તેમના નિકાહ કરાવી દો

અને તમારા ગુલામ તથા દાસીઓમાં પણ

જે નિકાહને લાયક છે

તેમના પણ નિકાહ કરાવી દો.

***

પ્રેષિતોની છત નીચે ધન ન હોય.

***

તમે તમારા તરફથી મને છ બાબતોની ખાતરી આપો

અને હું તમને જન્નત (સ્વર્ગ)ની ખાતરી આપું છું.

૧. જયારે બોલો ત્યારે સત્ય બોલો

૨. વચન આપો તે પાળો

૩. કોઈનો વિશ્વાસઘાત ન કરો

૪. દુરાચારથી બચો

૫. નજર હંમેશ નીચી રાખો

૬. કોઈની સાથે જબરજસ્તી ન કરો.

***

જયારે બે માણસો તારી પાસે ન્યાય માટે આવે

ત્યારે બંનેની વાત સારી રીતે સાંભળ્યા વગર કદી ઇન્સાફ ન આપીશ.

***

જયારે કોઈ પુરુષ કોઈ પર સ્ત્રી સાથે એકાંતમાં બેસે છે,

ત્યારે તેમની બંનેની વચ્ચે શૈતાન આવીને બેસે છે.

***

ઇમાનમાં પરિપૂર્ણ તે છે,

જે નૈતિકતામાં શ્રેષ્ઠ છે.

***

ખરેખર અલ્લાહે તમને પોતાની માંની

આજ્ઞાનો ભંગ કરવાની અને પોતાની પુત્રીઓને જીવતી દાટી દેવાની

સખ્ત મનાઈ કરી છે. અને લાલચને હરામ ઠેરવી છે.

***

તમારી પહેલાની પ્રજા પૃથ્વી પરથી ભૂંસાઈ ગઈ છે.

કારણ કે તેણે ગરીબોમઝલુમો પ્રત્યે ઇન્સાફ કર્યો ન હતો.

ખુદાના કસમજો ફાતિમાએ (મહંમદ સાહેબના પ્રિય પુત્રી) ગુનો કર્યો હોય તો એને પણ સજા કરું.

***

મા-બાપની સેવાથી જ જન્નત મળે છે

અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી

દોજખ મળે છે.

***

જો તને સત્કાર્ય કરતા આનંદ થાય

અને દુષ્કર્મ કરતા દુઃખ થાય

તો તું ઇમાનદાર છે.

***

હે કબરવાસીઓ,

તમને સર્વેને ખુદાતાલા શાંતિ બક્ષે.

તમને અને અમને ખુદાતાલા ક્ષમા બક્ષે.

એ દિવસે તમે સુખી થાવ જે દિવસે ખુદા તમને ફરીવાર જગાડે.

તમે અમારાથી પહેલા ચાલ્યા ગયા છો

અને અમે તમારી પાછળ જ આવીએ છીએ.

***

હું પણ મારી જાતને તમારા કરતાં ઊંચી નથી માનતો.

જે પોતાને પોતાના સાથીઓ કરતાં ઉચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.

***

આપણી લેણદેણ માટે આ જગતમાં શરમાવું સારું છે.

જેથી ખુદાને ત્યાં કષ્ટ સહન કરવું ન પડે.

***

મજૂરનો પરસેવો સુકાતા પહેલાં

તેને તેની મજૂરી ચૂકવી દો.

*** 

જે મુસ્લિમ ક્ષમા કરે છે તે મામલો સુધારી લે છે.

જે મુસ્લિમ ગુસ્સો કરે છે તે સંબંધો બગાડી નાખે છે.

***

પવિત્રતા અને સ્વછતા

ઇમાન (શ્રદ્ધા)નો અડધો ભાગ છે.

***

જે લોકો પોતાની ઇબાદત(ભક્તિ)ને રક્ષતા રહે છે,

ઊઠતાબેસતા કે ઊંઘમાં પડખાં ફેરવતાં હોય ત્યારે પણ

ખુદાની ઇબાદત કે સ્મરણ કરતા રહે છેતેની હિફાઝત ખુદા કરે છે.

***

સાચો મુસ્લિમ વિપત્તિઓ-મુશ્કેલીઓમાં સબ્ર કરે છે.

પોતાની મુશ્કેલીઓ-યાતનાઓ બીજા પર નથી નાખતો.

ખુદાને તેને માટે જવાબદાર નથી ઠેરવતો.

પણ સબ્ર કરી તે સહી લે છે.

કુરાને શરીફમાં કહ્યું છે, "ઇન્નલ્લાહ મઅસ સાબરીન"

અર્થાત અલ્લાહ સબ્ર કરનારાઓ સાથે છે.

***

સૌથી શ્રેષ્ઠ મોમિન (મુસ્લિમ) એ છે

જેની ઇચ્છાઓઅભિલાષાઓ ખુદા પર દ્દઢ હોય.

જે ખુદામય હોયખુદાને જ માલિક માનતો હોય;

હર પલના શ્વાસ માટે પણ ખુદાનો શુક્ર અદા કરતો હોય

તે પાક મુસ્લિમ છે.

***

ભલાઈનેકીઅહેસાનખિદમત

અને માનવતાનાં કાર્યોમાં જે હંમેશાં અગ્રીમ રહે છે.

તે આદર્શ મુસ્લિમ છે.

*** 

સૌથી શ્રેષ્ઠ સદકો (દાન) એ છે કે

એક મુસ્લિમ શિક્ષણ પ્રાપ્ત કરી બીજા મુસ્લિમને શીખવે.

***

દરેક મુસ્લિમ સ્ત્રી-પુરુષ માટે

શિક્ષણ પ્રાપ્ત કરવું અનિવાર્ય છે.

***

અજ્ઞાનતા અને જહાલતાના યુગના બધા જ પૂર્વગ્રહો અસ્ત પામે છે. અલ્લાહની દૃષ્ટિએ ઉત્તમ કે ઊંચ એ છે જે અલ્લાહનો ખોફ (ડર)રાખે છ

અને પરહેજગારી (સંયમ) કરે છે.

***

ઇમાન(શ્રદ્ધા)ના સિત્તેરથી વધુ દરજ્જા છે.

તેમાં લા-ઇલાહા ઇલ્લલ્લાહ” (અલ્લાહ સિવાય કોઈ બંદગીને લાયક નથી)

ઇમાનનો સૌથી ઉંચો દરજ્જો છે.

***

જે માનવી સહદયતાથી વંચિત રહ્યો,

તે વાસ્તવમાં ભલાઈથી વંચિત રહ્યો.

***

હે લોકોમારા ગયા પછી એકબીજાની જાનના દુશ્મન બનશો નહિ.

એકબીજાની ગરદન કાપશો નહીં. ઇસ્લામી ભાઈચારાનો દામન મજબૂતીથી

પકડી રાખશો. હું આ દુનિયાથી પરદો કરીને વિદાય લઈશત્યારે તમારી

વચ્ચે નહિ રહું. પણ બે અમૂલ્ય વસ્તુઓને તમારા માટે મૂકતો જાઉં છું. એક છે

અલાહની કિતાબ કુરાન-એ-શરીફ અને બીજી છે પવિત્ર સુન્નત અર્થાત હદીસ,

જે તમને ગુમરાહીથી બચાવશે.

***

પ્રત્યેક પયગંબરને પોતાની કોમ માટે મોકલવા આવેલ છે.

પરંતુ મને (હઝરત મહમદ સાહેબને)

સમગ્ર માનવજાત માટે મોકલવામાં આવેલ છે.

***

ઈશ્વર તમારા ધન-દોલતને નથી જોતો,

બલકે તે તમારા ઇરાદા અને કર્મોને જુવે છે.

***

તમે દુનિયામાં એવી રીતે રહો

જાણે તમે પરદેશી કે વટેમાર્ગુ છો.

-------------------------------------------------------------------------------

મહંમદ સાહેબના અંતિમ દિવસો

સીરતુલ નબી

 

ડૉ. મહેબૂબ દેસાઈ

આમ તો મહંમદ સાહેબ (...)ની વફાત થઇ કે તેઓ અવસાન પામ્યા એવું કહેવા કરતા ઇસ્લામના અનુયાયીઓ મહંમદ સાહેબએ (...) "પર્દા ફર્માંયા" કહેવાનું વધારે પસંદ કરે છે. મહંમદ સાહેબ (...) "પર્દો ફરમાવ્યો"  દિવસ હતો જૂન ..૬૩૨, સોમવાર,મુસ્લિમ ચાંદ ૧૨ રબીઉલ અવલ હિજરી સન ૧૧. સમય મધ્યાહન પછી. છેલ્લા થોડા દિવસોથી મહંમદ સાહેબ બિમાર રહેતા હતા. બીમારીના આરંભ વિષે ઇબ્ને હિશામીની સીરતુલ નબીમાં લખ્યું છે,

"બીમારીની શરૂઆત એવી રીતે થવા પામી કે મહંમદ સાહેબ (...) અર્ધી રતના સમયે પોતાના ઘરમાંથી નીકળીને "જન્ન્તુલ બકી"(મદીનામાં આવેલ મશહુર કબ્રસ્તાન)માં ગયા. ત્યાં તેમણે કબ્રસ્તાન વાસીઓ માટે દુવા ફરમાવી.   આપ કબ્રસ્તાનથી પોતાના મકાને તશરીફ લાવ્યા. પછીના દિવસે સવારે આપ ઉઠ્યા ત્યારે આપે માથાના દુખાવાની વાત કરી હતી"

તેમની માંદગીનો આમ આરંભ થયો. જૂનની રાતે તેમને તાવ ખુબ વધ્યો. તેમની બેચેની જોઈને તેમની એક પત્ની ઉમ્મ સલમા રડવા લાગ્યા. મહંમદ સાહેબે તેમને શાંત પાડતા કહ્યું,

"રડો નહિ. જેને અલ્લાહ પર વિશ્વાસ છે તે આમ રડતા નથી"

આખી રાત મહંમદ સાહેબ કુરાનની આયાતો, જેમાં અલ્લાહની સ્તુતિ કરવામાં આવી છે તે વારંવાર પઢતા રહ્યા. જૂને મહંમદ સાહેબને ખુબ અશક્તિ મહેસૂસ થવા લાગી. બિમાર થયા તે દિવસથી તેઓ ઉપવાસ કરતા હતા. એટલે અશક્તિ સ્વાભાવિક હતી. અને તાવ પણ હતો . રવિવારે અર્ધ જાગૃત અવસ્થામાં કોઈ કે તેમને દવા પીવડાવવાની કોશિશ કરી. તેથી તેઓ નારાજ થયા. દિવસે તેમણે પત્ની આયશા ને કહ્યું,

"તમારી પાસે બિલકુલ પૈસા રાખશો. જે કઈ બચાવીને ક્યાંય રાખ્યું હોય તે ગરીબોને વહેચી દો"

આયશા થોડો વિચાર કર્યો પછી તેમને યાદ આવી જતા, પોતાની પાસે સાચવીને રાખેલા સોનાના દીનાર મહંમદ સાહેબના હાથમાં મૂકી દીધા. મહંમદ સાહેબે તુરત કેટલાક ગરીબ કુટુંબોમાં તે વહેચી દીધા.પછી બોલ્યા,

"હવે મને શાંતિ મળશે. હું અલ્લાને મળવા જાઉં અને સોનું મારી મિલકત રહે ખરેખર સારું નથી."

રાત્રે ઘરમાં દીવો કરવા તેલ સુધ્ધાં હતું. પત્ની આયશાએ દીવો કરવા માટે પડોશીને ત્યાંથી થોડું તેલ માંગી, દીવો કર્યો. મહંમદ સાહેબની રાત્રી પણ માંદગીમાં વીતી. જૂન સવારે તાવ થોડો ઓછો થયો હતો. મહંમદ સાહેબને ખુદને તબિયત કંઇક સારી લાગતી હતી. મહંમદ સાહેબના નિવાસ બહાર મસ્જિતના ચોકમાં હજારો પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પયગમ્બર સાહેબની ખબર જાણવા ઉત્સુક બની ઉભા હતા. ફઝરની નમાઝનો સમય થયો. અબુબક્ર નમાઝ પઢાવવા ગયા. હજુ પ્રથમ રકાત પૂરી થઇ હતી. એટલામાં આયશાની ઝૂંપડીનો પરદો ઊંચકાયો. બે માણસોના ટેકે મહંમદ સાહેબ બહાર આવ્યા. તેમને જોઈ બહાર ઉભેલા સૌના ચહેરા ખીલી ઉઠ્યા. મહંમદ સાહેબે સસ્મિત પોતાના  સાથી ફઝલને ધીમા સ્વરે કહ્યું,

"અલ્લાહે સાચ્ચે મને નમાઝ બતાવીને મારી આંખો ઠારી છે"

એજ ટેકાથી મહંમદ સાહેબ નમાઝ પઢતા લોકો તરફ આગળ વધ્યા. લોકોએ ખસીને મહંમદ સાહેબને રસ્તો કરી આપ્યો. અબુબક્ર નમાઝ પઢવતા હતા. તેઓ પાછે પગે ખસીને મહંમદ સાહેબ માટે ઈમામની જગ્યા કરવા ગયા. પણ મહંમદ સાહબે હાથના ઈશારાથી તેમને ના પડી. અને તેઓ નમાઝ પઢાવવાનું ચાલુ રાખે તેમ સૂચવ્યું. અને પોતે તેમની પાસે જમીન પર બેસી ગયા. અબુબકરે નમાઝ પૂરી કરી.

નમાઝ પછી મહંમદ સાહેબ ફરી પાછા આયશાની ઝૂંપડીમા ચાલ્યા ગયા. એઓ અત્યંત થાકી ગયા હતા. એક લીલું દાતણ માંગીને તેમણે દાંત સાફ કર્યા. પછી કોગળા કરીને સુઈ ગયા. આયશાનો હાથ મહંમદ સાહેબના જમણા હાથ પર હતો. તેમણે તેને પોતાનો હાથ ખસેડી લેવા ઈશારો કર્યો. થોડીવાર પછી તેમના મુખમાંથી ધીરે ધીરે શબ્દો નીકળ્યા,

"હે અલ્લાહ, મને ક્ષમા આપ અને મને પરલોકના સાથીઓ સાથે મેળવ"

પછી "સદાને માટે સ્વર્ગ !" "ક્ષમા " "હા  પરલોકના મુબારક સાથીઓ" શબ્દો સાથે મસ્જિતમાંથી પાછા ફર્યા પછી થોડા કલાકમાં હિજરી સન ૧૧ રબીઉલ અવ્વલની ૧૨ તારીખને સોમવાર .. ૬૩૨ જૂનના રોજ મધ્યાહન પછી થોડીવારે મહંમદ સાહેબે "પર્દો ફરમાવ્યો".

બહાર મસ્જિતમા લોકોનું ટોળું ભેગુ થયું હતું. ઘણાને વિશ્વાસ નહોતો પડતો કે ઇસ્લામના પયગમ્બર મહંમદ સાહેબ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા છે. સમાચાર મળતા અબુબક્ર મહંમદ સાહેબના રૂમમાં આવ્યા. અને તેમણે મહંમદ સાહેબના મુખ પરથી ચાદર ખસેડી અને તેમનું મોઢું ચૂમ્યું અને પછી કહ્યું,

"આપ જીવનમાં સૌના પ્રિય રહ્યા અને મૃત્યુમાં પણ પ્રિય રહ્યા છો. આપ મારા મા અને બાપ બંને કરતા મને પ્રિય હતા.આપે મૃત્યુના કડવા દુઃખો ચાખી લીધા. અલ્લાહની નજરમાં આપ એટલા કીમતી છો કે તે આપને મૌતનો પ્યાલો બીજીવાર પીવા નહિ દે"

બહાર આવી અબુબક્રએ લોકોને કુરાને શરીફની બે આયાતોનું સ્મરણ કરાવ્યું. એક આયાત કે જેમાં ખુદાએ મહંમદ સાહેબને ફરમાવ્યું હતું,

"અવશ્ય તું પણ મરણ પામશે અને બધા લોકો પણ મરણ પામશે"

અને બીજી આયાતમા ખુદાએ ફરમાવ્યું છે,

"મહંમદ એક રસુલ છે. તો પછી મરી જાય કે માર્યો જાય તો શું તમે તમારા ધર્મ (ઇસ્લામ) થી વિમુખ થઇ જશો ?"

 

અલી,ઓસામ,ફજલ અને અન્ય સહાબીઓએ મહંમદ સાહેબના પાર્થવી શરીરને સ્નાન કરાવ્યું. તેમના શરીર પર બે ચાદરો લપેટવામાં આવી. સૌથી ઉપર યમનની એક કીનારીદાર ચાદર ઓઢાડવામાં આવી. એમના પાર્થવી શરીરને અંતિમ દીદાર માટે રાખવામાં આવ્યું. પછી મંગળવારે અબુબકર અને ઉમરે જનાજાની નમાઝ પઢાવી. અને તે દિવસે આયશાની ઝૂંપડીમાં જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો, ત્યાજ તેમને દફનાવવામાં આવ્યા.

-----------------------------------------------------------

 

 સીરતુલ નબી-૨૮

સૌને ઈદ મુબારક 

ડો. મહેબૂબ દેસાઈ

આજથી ૧૩૯૮ વર્ષ પહેલા ઇસ્લામના અનુયાયીઓએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી. હિજરી સન બીજી ઇ.સ. ૬૨૩ના રમઝાન માસથી ખુદાએ રોઝાને ફર્જ (ફરજિયાત) કર્યા. આ જ રમઝાન માસ પૂરો થવાના બે દિવસની વાર હતી, ત્યારે હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને ખુદાએ ઇદ-ઉલ-ફિત્રની નમાજ અને સદકા-એ-ફિત્ર માટે એક આયાત દ્વારા આદેશ આપ્યો. એ આયાત (શ્લોક)માં ખુદાએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને ફરમાવ્યું હતું.

બેશક એ વ્યકિત સફળ થયો, જેણે બુરાઈઓથી પોતાની જાતને પાકસાફ કરી, ખુદાનું નામ લઈ નમાઝ અદા કરી.

હજરત અબુલ આલિયહ અને હજરત ઉમર બિન અબ્દુલ અઝીઝ આ આયાતનું અર્થઘટન કરતા કહ્યું, ‘સફળ થયો એ વ્યકિત કે જેણે સદકા-એ-ફિત્ર અદા કરી અને ઇદ-ઉલ-ફિત્ર ની નમાઝ પઢી.

આમ, ઇસ્લામમાં ઈદ-ઉલ-ફિત્રનો પ્રારંભ થયો. ઈદશબ્દ મૂળ અબદપરથી આવ્યો છે. અબદએટલે પુનરાવર્તન. દરસાલ પાછી ફરતી ખુશી એટલે ઈદ. અને ફિત્ર એટલે દાન. ઇદના દિવસે સદકા-એ-ફિત્ર દરેક મુસ્લિમ માટે વાજિબ છે. ઇદની નમાઝ પહેલા દરેક મુસ્લિમે સદકા-એ-ફિત્ર અદા કરવો જોઈએ. સદકા-એ-ફિત્રમા વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અથવા તેની રોકડમાં કિંમત ગરીબોને આપવાનો હુકમ સરીયાતમાં છે. આજના સમયમા મોટે ભાગે મુસ્લિમો રોકડમાં સદકા-એ-ફિત્ર આપવાનું પસંદ કરે છે. જેથી ગરીબ માનવી તે પૈસામાંથી પોતાની જીવન જરૂરિયાતની વસ્તી ખરીદી શકે.

ઇદનો ચાંદ દેખાય તેની સાથે જ ઈદ-ઉલ-ફિત્રની રાત્રીનો આરંભ થઈ જાય છે. આ મુબારક રાત્રીને "લૈલતુલ જાઈઝા" કહે છે. અર્થાત ઇનામ અને ઇકરામ મેળવવાની રાત્રી. એક હદીસમાં લખ્યું છે,

"જે કોઈ આ રાત્રીએ ઈબાદત માટે જાગરણ કરશે, તેના માટે જન્નત વાજિબ થશે" 

ઇદની રાત્રી જેમ જ ઇદના દિવસનું પણ ખુબનું મહત્વ છે. સૌ મુસ્લિમો સમગ્ર રમઝાન માસ દરમિયાન રોઝા (ઉપવાસ) અને ઇબાદત (ભકિત) દ્વારા ઇસ્લામના માનવીય સિદ્ધાંતોને અનુસરવા સંનિષ્ઠ પ્રયાસ કરે છે. એ તપસ્યાનું પુણ્ય મેળવવાની ખુશી પણ ઇદની ખુશી સાથે જોડાયેલી છે. એ દિવસે અલ્લાહ ગર્વથી તેમના ફરીશ્તાઓને કહે છે,

"મારા બંદાઓએ મારા માટે સમગ્ર રમઝાન માસ દરમિયાન અન્ન, જળ અને વાસનાઓનો ત્યાગ કર્યો છે."

અને એટલે જ ઇદના દિવસે ખુદા તેના પાબંદ બંદોઓ પર બે દ્રષ્ટિએ રહેમત ઉતારે છે.

૧. સમગ્ર રમઝાન માસમા કરેલ સખ્ત ઈબાદતનું ફળ ખુદા ઇદને દિવસે તેના બંદાઓને આપે છે.

૨. ઇદના દિવસે ખુદા તેના પાબંદ બંદાઓની દરેક દુવા કબુલ ફરમાવે છે.

આમ ઈદ એ આધ્યાત્મિક ખુશીનો તહેવાર છે. અને એટલે જ તેના આરંભે નીચેની કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

૧.ઇદના દિવસે વહેલા ઉઠી જાવ. ૨. મિસ્વાક એટલે દાતણ કરો, ગુસલ અર્થાત સ્નાન કરો ૩.પોતાની પાસે ઉપલબ્ધ હોય તેમાંથી સ્વચ્છ અને સારા કપડા પહેરો ૪. અત્તર લગાડો. પણ આજે મળતા આલ્કોહોલ વાળા પરફ્યુમ કે સેન્ટનો ઉપયોગ ન કરો. ૫. ઈદની નમાઝ પઢવા ઈદગાહ કે મસ્જિતે સમયસર પહોંચી જાવ ૭. શક્યા હોય ત્યાં સુધી ઈદગાહ કે મસ્જીતે પગપાળા જાવ. ૮.નમાઝ પઢવા  જતા પૂર્વે ઉપર જણાવ્યા મુજબ સદકા-એ-ફિત્ર અદા કરો ૯. ઈદની નમાઝ પૂર્વે કોઈ મીઠી વસ્તુ ખાવ. ૧૦. મસ્જિત કે ઈદગાહ પર નમાઝ અદા કરવા જાવ તે જ રસ્તે પાછા ન ફરો. બીજા રસ્તે ઘરે પાછા જાવ.

 

ઈદના દિવસે દરેક મુસ્લિમને ત્યાં ખીર બને છે. ખીર એ પવિત્ર ભોજન છે. દૂધ, ખાંડ, સેવ અને સૂકો મેવો નાંખી બનાવવામાં આવતી આ વાનગી જીવનમાં પુન: મીઠાશ પ્રસરાવવાનો સંદેશ આપે છે. ઇદની નમાઝ સમાનતાના સંદેશ છે. નાના-મોટા, ગરીબ-અમીર સૌ એકજ સફ અર્થાત કતારમાં ઉભા રહી ઈદની નમાઝ પઢે છે. નમાઝ પછી મુસાફો (હસ્તધૂનન) કે એકબીજાને ભેટીને, ગળે મળીને વીતેલા વર્ષમાં સંબંધોમાં વ્યાપેલ કડવાશ ભૂલી જઈ, મનને સ્વરછ કરી, પુન: પ્રેમ, મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે. કોઈ પણ મુસ્લિમ કે ગેરમુસ્લિમ મન, હૃદય સ્વચ્છ કરી મુસ્લિમ બિરાદરને ત્યાં ઈદ મુબારકકરવા આવે છે ત્યારે તેને ઉમળકાતી આવકારવમા આવે છે. પછી બંને એકબીજાના ગળે મળે છે. અને ખીરની મીઠાશથી સંબંધોની કડવાશને દૂર કરે છે. આમ બંનેના હૃદય પુન: શુદ્ધ-નિર્મળ બને  છે.

ઈદએ દ્રષ્ટિએ એકબીજાની ભૂલોને માફ કરવાનો,પ્રાયશ્ચિત કરવાનો દિવસ પણ છે. હઝરત કાબા બિન માલિકે પોતાની ભૂલોની ખુદા પાસે આવીને ક્ષમા માંગી હતી અને ખુદાએ તેમની તમામ ભૂલો માફ કરી દીધી હતી. ત્યારે સૌ તેમને મુબારકબાદ આપવા ગયા. સૌથી છેલ્લે મહંમદસાહેબ (સ.અ.વ.)તેમને મુબારકબાદ આપવા ગયા ત્યારે આપે ફરમાવ્યું હતું,

કાબા, તમારી જિંદગીનો ઇદ સમો આ દિવસ છે. આ ખુશીમાં મને પણ સામેલ કરો અને મારી પણ મુબારકબાદ સ્વીકારો.

આવી પ્રાયિશ્ચતની ક્રિયાઓ જ ઇદને સામાજિક ઉત્સવ બનાવે છે અને એટલે જ ઈદ એ આપણા સંબંધો પર ચડી ગયેલી ધૂળને ખંખેરવાનું પર્વ પણ છે. એક વાર હજરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું, ‘ઇદના દિવસે શું જરૂરી છે?’ મહંમદસાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું. ઈદના દિવસે ખુલ્લા દિલથી ખુશીનો એજહાર (અભિવ્યકિત) કરો. મનની કડવાશથી મુકત થાવ. ખાઓ-પીઓ અને ખુશીની આપ-લે કરો. ખુશીને માણો અને ખુદાને યાદ કરતા રહો.

 

ચાલો, આપણે સૌ ઈદની ઉજવણી તેના ઉદેશને છાજે તેમ કરીએ. અને એ સાથે સૌ હુંદુ-મુસ્લિમ વાચકોને મારા આકાશ ભરીને ઇદ મુબારક.