Tuesday, April 13, 2021

સીરતુન-નબી : ૧ થી ૧૬

 

સીરતુન-નબી

૧.  

ઇસ્લામના પુનઃ સર્જક અને પ્રચારક મુહંમદ સાહેબ(...)નો જન્મ ઇસ્લામી માસ રબ્બી ઉલ અવ્વલની ૧૨મી તારીખે સોમવારના દિવસે સવારે થયો હતો. અંગ્રેજી તારીખ ૨૦ અપ્રિલ ..૫૭૧. મહંમદ સાહેબ(...)ના જન્મનું વર્ણન ઇસ્લામિક ગ્રંથોમાં અત્યંત પ્રભાવશાળી રીતે આપવામાં આવ્યું છે. જે સાચ્ચે માણવા જેવું છે. વસંત ઋતુની સોહામણી સવાર હતી. વાતવરણમાંથી પ્રભાતના કિરણોની કોમળતા હજુ ઓસરી હતી. મક્કા શહેરમા આવેલા કાબા શરીફની નજીક હાશમની હવેલી(આજે તે મકાન પાડી નાખવામાં આવ્યું છે)ના એક ઓરડામાં બીબી આમેના સુતા હતા. આજે વહેલી સવારથી તેમની ઊંઘ ઉડી ગઈ હતી.પ્રભાતના પહેલાના કિરણોના આગમન સાથે તેમને અવનવા અનુભવો સતાવી રહ્યા હતા. જાણે પોતાના ઓરડામાં કોઈના કદમોની આહટ તેઓ સાંભળી રહ્યા હતા. સફેદ દૂધ જેવા કબૂતરો તેમની નાજુક પાંખો બીબી આમેનાની પ્રસવની પીડાને પંપાળીને ઓછી કરવા પ્રયત્ન કરતા હતા. અને તેમના પ્રયાસથી બીબી આમેનાનું દર્દ ગાયબ થઈ જતું હતું. અનુભવો દરમિયાન બીબી આમેનાના ચહેરા પર ઉપસી આવતા પ્રસ્વેદના બુન્દોમાંથી કસ્તુરીની ખુશ્બુ આવતી હતી. ઓરડામાં જાણે સફેદ વસ્ત્રોમા સજ્જ ફરિશ્તાઓ પુષ્પોની વર્ષા કરતા, હઝરત મુહંમદ સાહેબ(...)ના આગમનની આતુરતાથી રાહ જોઈ ઉભાં હતા. આવા આહલાદક વાતાવરણમાં બીબી આમેનાની કુખે ખુદાના પ્યારા પયગમ્બરનો જન્મ થયો. તેમના જન્મ સાથે આખો ઓરડો પ્રકાશથી ઝળહળી ઉઠ્યો. આસપાસ ઉભેલી સ્ત્રીઓની આંખો નૂરાની પયગમ્બરના આગમનથી અંજાઈ ગઈ.અને સાથે દુનિયાને ઇસ્લામના સિધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવવા હઝરત મહંમદ પયગમ્બર (...)સાહેબે દુનિયામાં આંખો ખોલી.

હઝરત મહંમદ સાહેબ(...)ને જન્મ આપી, દૂધપાન કરાવી માતા આમેના તો ધન્ય બની ગયા. પણ ધન્યતાને પામનાર એક બાંદી સુબીયાહ પણ હતા. જન્મ પછી આપને સાત દિવસ સુધી માતા આમેનાએ દૂધપાન કરાવ્યું. પછીના સાત દિવસ આપને બાંદી સુબીયાહએ દૂધપાન કરાવ્યું હતું. ઘટના માનવતાના મસીહા મહંમદ સાહેબ (...)જીવન ભર ભૂલ્યા હતા.હઝરત ખદીજા સાથે આપના નિકાહ થયા પછી પણ આપના જીવનમાં સુબીયાહનું સ્થાન માનભર્યું અને માની બરાબરીનું રહ્યું હતું. જયારે જયારે સુબીયાહ આપને મળવા આવતા ત્યારે ત્યારે આપ ખુદ ઉભા થઈ તેમનું સ્વાગત કરતા. હિજરત પછી પણ આપ હંમેશા સુબીયાહને આદરપૂર્વક ભેટ સોગાતો મોકલતા રહેતા. હિજરતના સાતમાં વર્ષે સુબીયાહના અવસાનના સમાચાર મળતા આપ ગમગીન થઈ ગયા હતા. સુબીયાહના અવસાન પછી પણ તેમના કુટુંબની તમામ જવાબદારીઓ મુહંમદ(...)સાહેબે અદા કરી હતી.

------------------------------------------------------------

 

સીરતુન-નબી

 

હઝરત મહંમદ સાહેબને માત્ર સાત દિવસ દૂધપાન કરાવનાર એક સામન્ય બાંદી સુબીયાહ જેમ પોતાની દૂધ બહેન શૈમાસને પણ હઝરત મુહંમદ સાહેબ(...)જીવનભર ભૂલ્યા હતા. બચપણમાં મહંમદસાહેબ (...) હઝરત હલીમાને ત્યાં રહેતા હતા. હઝરત હલીમાની પુત્રી શૈમાસ રોજ મહંમદ સાહેબ(...)ને ગોદમાં ઉપાડી ફરતા, રમાડતા. એક દિવસ શૈમાસ મહંમદ સાહેબને ગોદમાં ઉપાડી રમાડતા હતા, અને અચાનક બાળક મહંમદે શૈમાંસના ખભા પર બચકું ભરી લીધું. શૈમાસના ખભામાંથી લોહી નીકળ્યું. અસહ્ય વેદનાને કારણે શૈમાસની આંખો આંસુઓથી ઉભરાઈ ગઈ.પણ તેણે મહંમદ સાહેબ(...)ની ચેષ્ઠા સામે જરા પણ રોષ કર્યો. મહંમદ સાહેબે ભરેલા બચકાનું નિશાન શૈમાસના ખભા પર કાયમ માટે અંકિત થઈ ગયું. લગભગ પંચાવન વર્ષ પછી ગઝવ--હુનૈનની લડાઈમા એક દિવસ કેટલાક સિપાઈઓ એક વૃદ્ધાને પકડીને લાવ્યા. ત્યારે સ્ત્રીએ કહ્યું,  મારે તમારા નબીને મળવું છે. ઘણી આનાકાની પછી સિપાઈઓ મહંમદ સાહેબ પાસે સ્ત્રીને લઈ ગયા. ૬૦ વર્ષની વૃદ્ધાને જોઈ મહંમદ સાહેબ (...) બોલ્યા, “તમારે મારું શું કામ છે ?” “મને ઓળખી ? હું તમારી દૂધબહેન શૈમાસ છું. અને મહંમદ સાહેબ (...)પોતાના સ્થાન પરથી એકદમ ઉભા થઈ ગયા. આત્મીય સ્વરે આપ પૂછ્યું, “તમેં શૈમાસ છો ?” “હા, હું શૈમાસ છું. એમ કહી પેલી વૃદ્ધ સ્ત્રીએ ખભા પરનું કપડું ખસેડી પેલું નિશાન બતાવ્યું. નિશાન જોઈ મહંમદ સાહેબને પંચાવન વર્ષ પહેલાનો પ્રસંગ યાદ આવી ગયો. અને મહંમદ સાહેબના કદમો શૈમાસ તરફ ઝડપથી ઉપડ્યા. શૈમાસ પાસે આવી પોતાના ખભા પરની કાળી કામળી જમીન પર પાથરી આપે ફરમાવ્યું, “બહેન શૈમાસ, તમે તો વર્ષો પછી મને મળ્યા. આવો કામળી પર બેસો અને ફરી એકવાર મને રમાડતા મારા બહેન બની જાવ દ્રશ્ય જોઈ રહેલા સિપાયોની આંખો પણ ભાઈ-બહેનનું મિલન જોઈ આનંદના આંસુઓથી ઉભરાઈ આવી. પછી તો ભાઈ-બહેને કલાકો સુધી બચપનની વાતો વાગોળી. અંતે મહંમદ સાહેબે ફરમાવ્યું, “બહેન, મારી સાથે મદીના ચાલો. ત્યાં રહેજો. તમે બચપનમાં મારી ખુબ સંભાળ રાખી છે. હવે હું તમારી સંભાળ રાખીશ પણ શૈમાસે પોતાના વતન જવાની ઇચ્છા વ્યક્ત કરી. મહંમદ સાહેબે તેની સંપૂર્ણ વ્યવસ્થા કરી આપી. અને અશ્રુભીની આંખે પોતાની દૂધ બહેનને વિદાય આપી. માનવ સંબંધોનું આવું અદભૂત જતન કરનાર મહંમદ સાહેબ(...)નું જીવન માનવ ઇતિહાસમાં એક મિશાલ છે.

------------------------------------------------------------------------------

 

સીરતુન-નબી

૩ 

ઇસ્લામનો ત્રીજો માસ રબી ઉલ અવ્વલ બે બાબતો માટે જાણીતો છે. એક બાબત તો સર્વ વિદિત છે. મહંમદ સાહેબનો જન્મ આ જ માસમા થયો હતો. “ઈદ એ મિલાદ” અર્થાત મહંમદ સાહેબના જન્મ દિવસની ઉજવણી આ જ માસમાં ઇસ્લામના અનુયાયીઓ કરે છે. પણ બીજી બાબતથી મોટે ભાગે સૌ અજાણ છે. આ જ માસમાં મહંમદ સાહેબે મક્કાથી મદીના હિજરત કરી હતી. અને ત્યારથી ઇસ્લામિક હિજરત સંવતનો આરંભ થયો છે. હિજરત ફારસી ભાષાનો શબ્દ છે. હિજરત એટલે સ્થળાંતર. પ્રયાણ. મહંમદ સાહેબ પર મક્કામાં ઇસ્લામના પ્રચાર સમયે જે યાતનાઓ મક્કાવાસીઓએ ગુજરી હતી, તે ઇસ્લામનો પ્રચાર તલવારથી થયાનું કહેનાર સૌ માટે જાણવા જેવી છે. આજે તેનો થોડો ચિતાર આપણે અનુભવીએ.

મહંમદ સાહેબની વય ૫૦ વર્ષની થઈ હતી. ઇસ્લામના પ્રચાર અર્થે મક્કામાં તેઓ અનેક અડચણો અને પ્રતિકુળ સંજોગો સામે લડી રહ્યા હતા. એ સમય દરમિયાન જ તેમના સૌથી મોટા મુરબ્બી અને ચાહક અબુ તાલિબનું અવસાન થયું. અબુ તાલીબના અવસાનને ત્રણ દિવસ પણ નહોતા થયા અને તેમની પચ્ચીસ વર્ષની સાથી અને પત્ની હઝરત ખદીજાનું અવસાન થયું. મૃત્યુ સમયે હઝરત ખાદીજાની ઉમર ૬૫ વર્ષની હતી. તેમણે મહંમદ સાહેબને મુશ્કેલીના સમયમાં ઘણી હિંમત અને સાંત્વન આપ્યા હતા. આમ મહંમદ સાહેબના મુખ્ય સહાયક બે સ્તંભો તૂટી પડતા, કુરેશીઓ અને ખાસ કરીને કુરેશીઓના સરદાર અબુ સૂફિયા અને અબુ જહાલે મહંમદ સાહેબ માટે મક્કામાં રહેવું કપરું કરી મુક્યું. એક દિવસ મહંમદ સાહેબ ઉપદેશ આપવા મક્કાની બજારમાં નીકળ્યા ત્યારે તેમના માથા પર મળ નાખવામાં આવ્યું. મહંમદ સાહેબ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર ઘરે પાછા આવ્યા. તેમની દીકરીએ તેમનું માથું ધોઈ આપ્યું. પણ આવી યાતનાઓ જોઈ તે રડી પડી. મહંમદ સાહેબે તેને શાંત પાડતા કહ્યું,

“બેટા, રડીશ નહિ, અલ્લાહ તારા પિતાને અવશ્ય મદદ કરશે.”

---------------------------------------------------------------

 

 

સીરતુન-નબી  

 

ઇસ્લામના પ્રચાર અર્થે થોડા દિવસની સફર ખેડી મહંમદ સાહેબ અને તેમના શિષ્ય ઝેદ તાયફ ગયા. ત્યાં માનવ જૂથોમાં મહંમદ સાહેબ ઇસ્લામ ધર્મની લોકોને સમજ આપતા અને કહેતા,

“ઈશ્વર ખુદા નિરાકાર છે. તેના સિવાઈ કોઈની ઈબાદત ન કરો. અને સત્કાર્યો કરો.”

પણ તેમના ઉપદેશની કોઈ અસર ન થઈ. તેઓ બોલવાનું શરુ કરતા કે તુરત લોકો શોર મચાવી તેમને બોલતા બંધ કરી દેતા. ઘણીવાર તો તેમના પર પથ્થરમારો કરી તેમને ઘાયલ કરવામાં આવતા. છતાં મહંમદ સાહેબ હિમ્મત ન હાર્યા. અને ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા. એક દિવસ તો લોકોએ તેમને પકડી જબરજસ્તીથી શહેર બહાર કાઢી મુક્યા.અને થોડા માઈલો સુધી લોકો તેમની મજાક ઉડાડતા,ગાળો દેતા અને પથ્થરો મારતા તેમની પાછળ પાછળ દોડ્યા. પથ્થરોના મારથી મહંમદ સાહેબ લોહીલુહાણ થઈ ગયા હતા. ઝેદે તેમને બચાવવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ તેમાં તેને કોઈ ખાસ સફળતા ન મળી. લગભગ ત્રણ માઈલ સુધી આ રીતે લોકોએ તેમનો પીછો કર્યો. પછી લોકો પાછા વળ્યા. મહંમદ સાહેબ અને ઝેદ થાકીને એક ઝાડના છાંયામા બેઠા. થોડીવાર પછી મહંમદ સાહેબે ધૂંટણીએ પડી ખુદાને પાર્થના કરી,

“હૈ મારા ખુદા, મારી કમજોરી, લાચારી અને બીજો આગળ જણાતા મારા ક્ષુદ્રપણાની હું તારી પાસે જ ફરિયાદ કરું છું. તું જ સૌથી મહાન દયાળુ છે. તું જ મારો માલિક છે. હવે તું મને કોના હાથોમાં

સોંપીશ ? શું મને ચારે તરફથી ઘેરી વળેલા પરદેશીઓના હાથમાં ? કે મારા ઘરમાં જ તે દુશ્મનોના હાથમાં જેમનો પક્ષ તે મારી વિરુદ્ધ બળવાન બનાવ્યો છે ? પણ તું મારા પર નારાજ ન હોય તો મને  કશી ફિકર નથી. હું તો માનું છું કે તારી મારા પર બહુ દયા છે. તારા દયાભર્યા ચહેરાના પ્રકાશમા જ હું  આશરો માંગું છું. તેનાથી જ અંધકાર દૂર થાય છે અને આ લોક તથા પરલોકમા શાંતિ મળી રહે છે. તારો ગુસ્સો મારા પર ન ઉતારો. તું ખુશ ન થાય ત્યાં સુધી ગુસ્સે થવું એ તારું કામ જ છે. તારાથી બહાર નથી કોઈમાં કશું બળ કે બીજો ઉપાય !”

હવે મહંમદ સાહેબને ખુદા સિવાઈ બીજા કોઈનો આધાર ન હતો. તાયફમાંથી તેમને અપમાનીત કરી  કાઢી મૂકવામા આવ્યા હતા. તેથી તેઓ થોડા દિવસ જંગલમાં રહ્યા. દરમિયાન તેમણે ઝેદને મક્કા મોકલી ત્યાં એક ઓળખીતાનું ઘર પોતાના રહેવા માટે રાખ્યું. કેટલાક વર્ષો તેઓ એ ઘરમાં જ રહ્યા. કાબાની યાત્રા અર્થાત હજના દિવસો દરમિયાન હજ યાત્રાએ આવતા યાત્રાળુઓને તેઓ ઇસ્લામનો ઉપદેશ આપતા. એકવાર તેઓ હજ યાત્રાએ આવેલા યાત્રાળુઓને અક્બની ટેકરી ઉપદેશ આપી રહ્યા હતા, ત્યારે યસરબના કેટલાક યાત્રાળુઓનું ધ્યાન તેમના તરફ ગયું. યસરબ અર્થાત આજનું મદીના શહેર. મહંમદ સાહેબના ઉપદેશની યસરબ વાસીઓ ઉપર ઘાટી અસર થઈ. તેથી તેમાના છ જણાએ ઇસ્લામ અંગીકાર કર્યો. બીજા વર્ષે બીજા છ માનવીઓ હજયાત્રાએ આવ્યા. આ માણસો યસરબના બે મોટા કબીલા ઓસ અને ખઝરજના મુખ્ય માણસો હતા. તેમણે પણ ઇસ્લામ અંગીકાર કર્યો. અને પોતાની સહી સાથે નીચેના વચનો મહંમદ સાહેબને લખીને આપ્યા.

“અમે એક ખુદા સાથે બીજા કોઈને ઇબાદતમાં સામેલ કરીશું નહિ. એટલે કે ખુદા સિવાઈ કોઈની ઈબાદત નહિ કરીએ, ચોરી નહિ કરીએ. દુરાચાર નહિ કરીએ. અમારા બાળકોની હત્યા નહિ કરીએ. જાણીબૂઝીને કોઈના પણ જુઠ્ઠો આરોપ નહિ મુકીએ. અને કોઈ પણ સારી વસ્તુની બાબતમાં પયગમ્બરના હુકમનો અનાદર નહિ કરીએ. અને સુખદુઃખ બંનેમા પયગમ્બરને પૂરેપૂરો સાથ આપીશું.”

ઇસ્લામના ઇતિહાસમાં આ લખાણને “અક્બાની પહેલી પ્રતિજ્ઞા” કહે છે. આ પછી મહંમદ સાહેબે ઇસ્લામના પ્રચાર માટે પોતાના એક વફાદાર સાથી મુસઅબને યસરબ મોકલ્યો. યસરબના લોકોના પ્રેમ અને પ્રોત્સાહનને કારણે એ પછી મહંમદ સાહેબે યસરબમા જઈને વસવાનો નિર્ણય કર્યો. આમ મહંમદ સાહેબ રબી ઉલ અવલની આઠમીની સવારે ઈ.સ. ૬૨૨ના સપ્ટેમ્બરની ૨૦મી તારીખે મહંમદ સાહેબ યસરબ પહોંચ્યા.એ ઘટનાને ઇસ્લામમાં હિજરત કહેવામા આવે છે. અને ત્યારથી ઇસ્લામી સંવત “હિજરી” નો આરંભ થયો.

----------------------------------------------------------

સીરતુન-નબી  

 

હઝરત મહંમદ પયગમ્બર સાહેબે પયગંબરી મળ્યા પછી, ઇસ્લામના પ્રચાર પ્રસાર માટે કેટલાક રાષ્ટ્રોના શાસકોને પત્રો લખ્યા હતા. આવા કેટલાક પત્રો અને તેના અસલ ફોટોગ્રાફ્સનો અભ્યાસ કરવાની તક સાંપડી. આ ઐતિહાસિક પત્રોની ભાષા અને ઇસ્લામના સિદ્ધાંતોનો સ્વીકાર કરવાની મહમદ સાહેબની વિનંતી ઇસ્લામનો પ્રચાર-પ્રસાર તલવાર કે બળના જોરે થયાની આપણી સામાન્ય માન્યતાને ખોટી પાડે છે. જેમાં રોમના રાજા હરક્યુલસ, ઈજીપ્તના રાજા, બેહરીનના ગવર્નર મુનબીર, પર્શિયના બાદશાહ ખુશરો પરવેઝ અને હબશાના બાદશાહ નજાશીને મહંમદ સાહેબે ઇસ્લામ આવવા નિમંત્રણ આપતા લખેલા અસલ પત્રોના ફોટા ઉપલબ્ધ છે.

હબશ એ અરબી શબ્દ છે. તેને એ સમયે હબશહ તરીકે પણ ઓળખવામા આવતો હતો. અરબની દક્ષિણે પૂર્વ આફ્રિકા પાસે આવેલા આ દેશને ઇથોપિયા કે એબીસીનીયા તરીકે પણ ઓળખવામા આવે છે. મહંમદ સાહેબને પયગંબરી મળ્યાના સમયમાં ત્યાં અસ-હમદ બિન અબરાજ નામક બાદશાહ શાસન કરતો હતો. એ સમયે ત્યાં ખ્રિસ્તી ધર્મનું વર્ચસ્વ હતું. ઇ.સ. ૬૧૪મા મક્કામાં કુરેશીઓના અત્યાચારથી હિજરત કરીને મુસલમાનોને હબશ અર્થાત એબીસીનીયા જવાનો આદેશ મહંમદ સાહેબે આપ્યો હતો. ત્યારે મહંમદ સાહેબે હિજરત કરી જતી બીજી ટુકડીના સરદારને હબશાના શાસક નજાશીના નામે એક પત્ર આપ્યો હતો. એ પત્રનું લખાણ મહંમદ સાહેબના એ સમયના ઉદાર વ્યવહારને સુંદર રીતે વ્યકત કરે છે. એ પત્રમાં લખ્યું હતું,

"હું તે અલ્લાહની પ્રસંશા કરું, જેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી. જે સમગ્ર વિશ્વનો માલિક છે,પાક છે, રક્ષણદાતા છે, સલામતી અર્પનાર છે. હું ઈકરાર કરું છું કે ઈસા બિન મરિયમ અલ્લાહની રૂહ અને તેનો કલિમા છે. ઈસા મરિયમની કુખેથી જન્મ્યા છે. અલ્લાહે તેમને પોતાની રૂહ અને પોતાની શક્તિથી એવી રીતે પેદા કર્યા જેવી રીતે તેમણે આદમને પોતાના હાથે પેદા કર્યા હતા."

ખ્રિસ્તી ધર્મની આટલી પ્રશંશા પછી ઇસ્લામની દાવત આપતા મહંમદ સાહેબ લખે છે,

"હું આપને એક માત્ર અલ્લાહ તરફ આવવા નિમંત્રણ પાઠવું છું. જેનો કોઈ ભાગીદાર નથી. અલ્લાહ ઉપર ઈમાન લઇ આવો. અલ્લાહની તાબેદારીમાં મને સાથ આપો. મારી પયગંબરી સ્વીકારો. કારણ કે હું અલ્લાહનો સંદેશવાહક છું"

આ પછી ઈ.સ. ૬૨૯મા મહંમદ સાહેબ એક પત્ર હબશાના શાસકને લખ્યો હતો. જે પત્ર લઈને હઝરત અમ્ર બિન ઉમૈયહ દમરી હબશા ગયા હતા. મહંમદ સાહેબનો પત્ર હબશાના બાદશાહને આપ્યા પછી તેમણે અસરકારક પ્રવચન કરતા કહ્યું હતું,

"હે આલીજાહ બાદશાહ,મારું કર્તવ્ય હક-સત્ય વાતની તબલીગ (પ્રચાર) કરવાનું છે. અને આપનું  કર્તવ્ય સત્યને સાંભળવાનું છે. અમને આપના ઉપર એટલો વિશ્વાસ અને સંતોષ છે કે અમે આપને અમારી જમાતથી અલગ નથી ગણતા.અમારી અને આપની વચ્ચે ઇન્જીલ કિતાબ સૌથી મોટી સાક્ષી છે.માટે રહેમતના પયગંબર મહંમદ (સ.અ.વ.)ની પેરવી સ્વીકારવી એ સુરક્ષા, બરકત, માન અને પ્રતિષ્ઠાનો ભંડાર પ્રાપ્ત કરવા સમાન છે"

------------------------------------------------------------------------------------

 

સીરતુન-નબી

૬ 

મહંમદ સાહેબે રોમન શહેનશાહના દરબારમાં પણ પોતાના એક રાજદુત હઝરત દિહયર બિન ખુલૈફહ કલ્બી પોતાના પત્ર સાથે મોકલ્યો હતો. કલ્બી અંત્યત ખુબસુરત અને વિદ્વાન હતો. એ સમયે રોમના સામ્રાજયનું પાટનગર કુસ્તુન-તુનીયા નામક શહેર હતું. અને તેના બાદશાહનું નામ કૈસર હતું. તે હરક્યુલસ તરીકે પણ જાણીતો હતો. હરક્યુલસ ખ્રિસ્તી ધર્મનો ચુસ્ત અનુયાયી હતો. ઈશ્વરીય ગ્રંથો તવરાત અને ઈંજીલનો પ્રખર અભ્યાસુ હતો. મહંમદ સાહેબે પોતાના રાજદુત કલ્બી સાથે રોમના બાદશાહને મોકલેલ પત્રનું વાંચન ખુલ્લા દરબારમાં કરતા પહેલા મહંમદ સાહેબના રાજદુત કલ્બીએ ખુલ્લા દરબારમાં વક્તવ્ય આપતા કહ્યું હતું,

"હે બાદશાહ, અલ્લાહના જે પયગમ્બરે મને આપના દરબારમાં પોતાનો એલચી બનાવીને મોકલ્યો છે, તેઓ જગતના તમામ ઈન્સાનોમાં સૌથી શ્રેષ્ટ અને ઉંચો દરજ્જો ધરાવે છે. અને જે અલ્લાહે તેમને પોતાના પયગમ્બર બનાવ્યા છે તે સારાએ આલમમા સૌથી મહાન અને શ્રેષ્ટ છે. માટે જે કઈ હું વિનંતી રૂપે કહું તેને ધ્યાનથી, શાંતચિત્તે, દિલથી સાંભળશો અને સંપૂર્ણ વિચારીને તેનો ઉત્તર પાઠવશો. જો પુરા ધ્યાનથી મારી વાતો સાંભળવામાં નહિ આવે તો આ મુબારક પત્રના હાર્દ સુધી પહોંચવું આપના માટે શકય નહિ બને"

આટલી ભૂમિકા પછી એલચી કલ્બીએ મહંમદ સાહેબનો પત્ર ખુલ્લા દરબારમાં વાંચ્યો. જેમાં લખ્યું હતું,

"આ પત્ર મહંમદ જે અલ્લાહનો બંદો અને તેનો રસુલ છે, તેના તરફથી રોમના રઈસે આઝમ હીરકલસના નામે મોકલવામાં આવી રહ્યો છે. આ પત્ર દ્વારા હું આપને ઇસ્લામની દાવત આપું છુ. મુસ્લિમ બની ખુદાની સલામતી મેળવી લો. અલ્લાહ તમને બમણો બદલો આપશે. અલ્લાહની પનાહ નહિ સ્વીકારો તો તમારા દેશવાસીઓના તમે ગુનેગાર બનશો. હે અહેલે કિતાબ, આવો એ તરફ જે અમારી અને તમારી વચ્ચે સરખી છે. આપણે અલ્લાહ સિવાય કોઈની બંદગી નહિ કરીએ. આપણામાંથી કોઈ અલ્લાહને છોડીને એકબીજાને પોતાના પાલનહાર નહિ બનાવીએ"

પત્ર પૂર્ણ થતા સમગ્ર દરબારમાં એક પળ માટે સમશાનવત શાંતિ પ્રસરી ગઈ. એ શાંતિનો ભંગ કરતા રોમના બાદશાહ હરક્યુલસે તેના દરબારીઓને કહ્યું,

"તમારી ઈચ્છા હોય કે દેશ ખુદાની રહેમતથી સલામત રહે અને તમે સફળતા મેળવતા રહો તો, અરબના આ નબીની પેરવી ગ્રહણ કરવી એ જ એક માત્ર નેકીનું કામ છે"

---------------------------------------------------------------------------------

સીરતુન-નબી

   

ઇસ્લામમાં પણ હઝરત મહંમદ સાહેબ અને તેમના પ્રથમ પત્ની ખદીજાનો પ્રેમ પવિત્રતાની આદર્શ મિશાલ છે. આજે મહંમદ સાહેબ અને હઝરત ખદીજાના પવિત્ર અને ત્યાગી પ્રેમની વાત કરાવી છે. જે આજના યુવાનો માટે પ્રેરક દ્રષ્ટાંત છે.

વેપારમાં સતત સક્રિય રહેતા હઝરત ખદીજા દર વર્ષે અનુભવી લોકોને વેપારના માલ સાથે પરદેશમાં મોકલતા. એ વર્ષે પણ વેપારનો માલ લઈ કોઈ સારા વેપારીને સિરિયા  મોકલવાની તેમની ઈચ્છા હતી. એ સમયે મહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઉંમર ૨૫ વર્ષની હતી. હઝરત ખદીજા એ મહંમદ સાહેબની પસંદગી કરી. મહંમદ સાહેબ (સ.અ.વ.) ની ઈમાનદારીકાબેલીયત અને તેમના વ્યક્તિત્વથી હઝરત ખદીજા ખુબ પ્રભાવિત થયા. અને પ્રથમ નજરે જ તેમના પ્રેમમાં પડ્યા. તેમની આ પાક મોહબ્બતને તેઓ વધુ સમય દબાવી કે છુપાવી ન શક્ય. તેમણે મુહંમદ સાહેબ(સ.અ.વ.)ની ઈચ્છા જાણવા પોતાની સખી નફીસાહને મુહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે મોકલ્યા. રમતિયાળ ,ચબરાક નફીસાહ મુહંમદ સાહેબ પાસે પહોંચી ગઈ અને તેમને પૂછ્યું,
મહંમદ સાહેબઆપ શાદી કેમ કરતા નથી ?”
હું તો ગરીબ માણસ છું. વેપારમાં રોકાયેલો રહું છું. એટલે હજુ સુધી શાદી કરવાનો વિચાર જ આવ્યો નથી”
હાપણ માલ અને જમાલ બંને આપને બોલાવે તો આપ શાદી કરો કે નહિ ?”
તું કોની વાત કરે છે?”
મક્કાની ખુબસુરત અમીરજાદી ખદીજા બિન્તે ખુવૈલીદની”
ખદીજા મારી સાથે શાદી કરશે ?”
એની જિમ્મેદારી હું લઉં છું. આપ તો બસ આપના તરફથી હા કહી દો”
આમ હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો પૈગામ મોકલનાર હઝરત ખદીજાએ પણ પોતાના પ્રેમનો એકરાર અત્યંત તેહજિબ અને સુસંસ્કૃત માર્ગે કર્યો હતો. અને તેનો સ્વીકાર પણ મહંમદ સાહેબે આદર પૂર્વક કર્યો હતો. એક 

દિવસ હઝરત ખદીજાએ મહંમદ સાહેબ (સ.અ.વ.)ને નિકાહનો સંદેશો મોકલ્યો,

"કુરૈશી સમાજમાં આપની શરાફતઆપની અમાનતદારીઆપની સહનશીલતા અને આપના બેનમુન સંસ્કારોની ઘેરઘેર ચર્ચા ચાલે છે.  કારણે મારું દિલ આપની તરફ આકર્ષાયું છે.તેથી નિકાહના પવિત્ર બંધનથી જોડાઈ જવાની મારી પ્રબળ ઈચ્છા છે.આશા રાખું છું કે મારી  દાવતને આપ મંજુર ફરમાવશો"

આમ ઈ.સ. ૫૯૬મા મહંમદ સાહેબ અને ખદીજાના નિકાહ થયાત્યારે બંનેની ઉમરમાં ૧૫ વર્ષોનો ખાસ્સો ફેર હતો.

નિકાહ પછી મહંમદ સાહેબ(સ.અ.વ.)માટે કપરો સમય શરુ થયો હતો. ૧૫ વર્ષની સખ્ત ઈબાદત પછી ૪૦ વર્ષની વયે તેમને ખુદાનો પૈગામ (વહી) હઝરત ઝીબ્રાઈલ દ્વારા સંભળાવા લાગી હતી. છતાં તેમની એ વાત કોઈ માનવા તૈયાર ન હતું. ત્યારે એક માત્ર તેમની પત્ની ખદીજાએ તેમના પર વિશ્વાસ કર્યો હતો. અને તેમને સાથ આપ્યો હતો.

૬૫ વર્ષની વયે ઈ.સ. ૬૨૧માં હઝરત ખદીજાનું અવસાન થયું. ત્યારે મહંમદ સાહેબ (સ.અ.વ.) અત્યંત દુઃખી હતા. તેમની આંખો આંસુઓથી સતત ઉભરાયેલી હતી. આ જોઈ હઝરત ખદીજાના બહેન બીબી હાલહા બોલી ઉઠ્યા,
આપ એ વૃદ્ધાના અવસાનથી આટલા દુઃખી શા માટે છો ?”
ત્યારે મહંમદ સાહેબે ફરમાવ્યું,
જયારે લોકો મને ઠુકરાવતા હતા ત્યારે ખદીજાએ મને સાચો માન્યો હતો. જયારે બીજોઓ કાફિર બની મારી મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે ખદીજા મારી વાતો પર ઈમાન લાવી હતી. જયારે મારો કોઈ મદદગાર ન હતો ત્યારે ખદીજા એક માત્ર મારી મદદગાર બની હતી”
આટલું બોલતા તો મહંમદ સાહેબ(સ.અ.વ.) ભાંગી પડ્યા હતા. તેમની આંખોમાંથી આંસુઓ અવિરત પણે વહી રહ્યા હતા.

જે પ્રેમમાં ઈબાદત છે, સાદગી છે. સરળતા છે, ત્યાગ છે. સમર્પણ છે. બલિદાન છે. પવિત્રતા છે. તે જ સાચો પ્રેમ છે.

----------------------------------------------

સીરતુન-નબી

   

“જે અન્યાય કરે તેને તું ક્ષમા આપ. જે તને પોતાનાથી વિખુટો કરે તેની સાથે મેળ કર. જે તારી પ્રત્યે બુરાઈ કરે, તેની પ્રત્યે તું ભલાઈ કર. અને હંમેશા સત્ય બોલ. ભલે પછીએ એ તારી વિરુદ્ધ જતું હોય”

જેમની તલવારની મુઠ પર આ શબ્દો કોતરાયેલા હતા, એ ઇસ્લામના સર્જક હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબના કેટલાક જીવન પ્રસંગો મનન કરવા જેવા છે. એક વખત હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ)ને તેમના એક અનુયાયીએ પૂછ્યું,

 ‘મારા સારા ઉછેર અને સંસ્કાર માટે કોને જવાબદાર ગણી શકાય?’
મહંમદસાહેબે કહ્યું, ‘તારી માતાને.
 વ્યકિતએ પૂછ્યું, ‘માતા પછી કોણ?’
તારી માતા’ ફરી   જવાબ મળ્યો.
 પછી કોણ?’
મહંમદસાહેબે ફરમાવ્યું,  ‘ પછી તારા પિતા.
એક સહાબીએ મહંમદસાહેબને પૂછ્યું, ‘ઔલાદ પર મા બાપના શા હક્કો છે?’
આપે ફરમાવ્યું, ‘ઔલાદની જન્નત (સ્વર્ગ) અને દોઝક (નર્ક ) માબાપ છે.
અર્થાત્ મા બાપની સેવાથી જન્નત મળે છે અને તેમની સાથેની નાફરમાની અને ગેરવર્તણૂકથી 

દોઝક મળે છે.
મહંમદસાહેબને અવારનવાર સોનું-ચાંદી અને કમિંતી ચીજવસ્તુઓની ભેટો મળતી રહેતીપણ 

પોતાની કુટીરમાં તે વસ્તુઓ એક રાત પણ તેઓ રાખતા નહીં. વસ્તુઓ જેવી આવે કે તરત તેને 

 

 

જરૂરતમંદોમાં તકસીમ (વહેંચી) કરી દેતા. એક રાત્રે તેમને બેચેની જેવું લાગવા માંડયું. કંઇ 

ચેન  પડે. અંતે તેમણે પત્ની આયશાને પૂછ્યું, “આપણી છત નીચે પૈસા કે કંઇ 

સોનું-ચાંદી નથી ને ?’ આયશાને યાદ આવી જતાં બોલી ઉઠ્યા, ‘અબ્બા (અબુબક્ર) ગરીબો માટે થોડા પૈસા આપી ગયા છે. તે પડયા છે.
રસૂલેપાક (સ.ચ.વ)એ ફરમાવ્યું, ‘અત્યારે ને અત્યારે તે પૈસા હાજતમંદોમાં વહેંચાવી દે. તને ખબર નથીપ્રેષિતોની છત નીચે ધન  હોય.

મુસાફરીમાં એક વાર સાથીઓ સાથે હજરત મહંમદ પયગમ્બરસાહેબ પગપાળા જઇ રહ્યા હતા

ભોજનનો સમય થતા કાફલો એક જગ્યાએ રોકાયોરાંધવા માટે સૌએ કામની વહેંચણી કરી લીધીપયગમ્બર સાહેબે બળતણ ભેગું કરવાનું પોતાના માથે લીધુંસાથીઓએ કહ્યું, ‘આપ  તકલીફ  લો કામ અમે કરી લઇશું.’
મહંમદસાહેબે બોલ્યા,

પણ હું મારી જાતને તમારા કરતાં ઉંચી રાખવા નથી માગતોજે પોતાને પોતાના સાથીઓ કરતાં 

ઉચ્ચ ગણે છે તેને ખુદા નથી ચાહતા.’ 

---------------------------------------------------------------

સીરતુન-નબી

હઝરત અલી ઇસ્લામના ચોથા ખલીફા હતા. તેમણે ઈ.સ. ૬૫૬ થી ૬૬૧ સુધી ઇસ્લામિક સામ્રાજ્ય પર ખલીફા તરીકે શાસન કર્યું હતું. ઇસ્લામી શિયા સંપ્રદાય અનુસાર તેમણે ઇ.સ. ૬૫૬ થી ૬૬૧ સુધી પ્રથમ ઈમામ તરીકે કાર્ય કર્યું હતું. ઇસ્લામી ઇતિહાસમાં હઝરત અલી ઇબ્ને અબુ તાલિબ તેમની બહાદુરીજ્ઞાનઈમાનદારીત્યાગ. ઈમાનઅને મહંમદ સાહેબ પ્રત્યેની શ્રધ્ધા અને વફાદારી માટે જાણીતા છે. મહંમદ સાહેબે તેમની વહાલી પુત્રી હઝરત ફાતિમાના નિકાહ તેમની સાથે કર્યા હતા. માત્ર ૧૦ વર્ષની ઉંમરે ઇસ્લામનો અંગીકાર કરનાર તેઓ વિશ્વના સૌ પ્રથમ પુરુષ હતા. આ ઉપરાંત તેઓ ઇસ્લામના અંતિમ અર્થાત ચોથા ખલીફા પણ હતા. હિજરી સન નવમાં મહંમદ સાહેબે તાબુક પર ચડાઈ કરી ત્યારે હઝરત અલીને યુધ્ધમાં સાથે લેવાને બદલે તેમને કુટુંબ અને કબીલાની સંભાળ રાખવા રાખ્યા. પરિણામે કેટલાક લોકોએ હઝરત અલીને ટોણા માર્યા કે,

"પયગમ્બર સાહેબ તમારામાં કઈ કુવત જોવે તો યુધ્ધમાં સાથે લઇ જાય ને ?"

આથી હઝરત અલી મહંમદ સાહેબ સાથે યુધ્ધમાં જવા તૈયાર થઇ ગયા. પણ મહંમદસાહેબે તેમને અટકાવતા કહ્યું,

"તુ તો મારો હારુન છે. ફરક એટલો જ છે કે મુસા પછી હારુન પયગમ્બર થયા હતા. પણ હું આખરી પયગમ્બર હોવાથી તું પયગમ્બર નહિ બની શકે"

મહંમદ સાહેબના આવા પ્રખર અનુયાયી હઝરત અલીની હત્યાની માનવીય કથા ઇસ્લામિક ગ્રંથોમાંહદય સ્પર્શી રીતે આલેખવામા આવેલી છે. ખ્વારીજ અબ્દ અલરહેમાન ઇબ્ન મુલજિમ નામનો એક યુવક એક યુવતી સાથે પ્રેમમાં હતો. 

 યુવતી બની તમીમ કબીલાની હતી. તેના પિતા,ભાઈ અને નજીકના સ્વજનો હઝરત અલીના 

સમયમાં થયેલ નહરવાનના યુદ્ધ (ઈ.સ.૬૫૯ ઈરાક)મા મરાયા હતા. તેથી તે હઝરત અલીને 

નફરત કરતી હતી. પોતાના સ્વજનોના મૌતનો બદલો લેવા માંગતી હતી. એટલે તેણે પોતાના 

પ્રેમી ઇબ્ન મુલજિમને કહ્યું,

"જો તું મારી સાથે નિકાહ કરવા ઇચ્છતો હોઈ તોહઝરત અલીનું માથું લાવીને મને આપ"

આમ હઝરત અલીના કત્લની સાઝીશ રચાય. જેમાં બીજી બે વ્યક્તિઓ પણ જોડાઈ. ત્રણેએ 

પોતાની તલવારોને ઝેરથી તરબતર કરી અને કુફાની  મસ્જિતમા આવી સંતાયાજ્યાં હઝરત અલી નિયમિત નમાઝ પઢવા જતા હતા.  દિવસે હઝરત અલી ફજર (પ્રભાત)ની નમાઝ પઢવા મસ્જીદના આંગળામાં પ્રવેશ્યા કે તુરત ત્રણે હુમલાખોરોએ હઝરત અલી પર ઘાતકી હુમલો કર્યો. 

હઝરત અલી ગંભીર રીતે ઘવાયા.  ઘટનાને કારણે આસપાસના માણસો ભેગા થઈ ગયા. લોકોએ એક હત્યારાને ત્યાં  મારી નાખ્યો. ઇબ્ન મુલજિમ પકડાયો. તેને ઘાયલ હઝરત અલી સામે 

લાવવામાં આવ્યો. તેને હુમલો કરવાનું કારણ પૂછવામાં આવ્યું. પણ તેને તેના અપકૃત્યનો જરા 

પણ અફસોસ  હતો. તેણે હઝરત અલી સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. હઝરત અલી 

શાંતચિત્તે તેની વાણીમાં વ્યક્ત થતા ઝેરને સાંભળી રહ્યા. પછી જરા પણ ક્રોધિત થયા વગર 

પોતાના પુત્ર હઝરત હસનને કહ્યું,

"ઇબ્ન મુલજિમને સુરક્ષિત જગ્યાએ રાખજો. તેના ઉપર કોઈ જુલમ કે સખ્તી  કરશો. જો મારું 

અવસાન થાય તોઇસ્લામિક કાનુન મુજબ તેની હત્યા કરજો. પણ તેના મૃતક શરીરનું અપમાન  કરશો. હઝરત મહંમદ પયગમ્બર સાહેબે તેમ કરવાની મનાઈ કરી છે"

અને આમ ૧૭ રમઝાન હિજરી ૪૦જાન્યુઆરી ૨૫ ..૬૬૧ના રોજ હઝરત અલીનું અવસાન 

થયુંકરબલાથી લગભગ ત્રીસેક માઈલ દૂર ઈરાકના નજફે અશરફમા તેમની અંતિમ આરામગાહ છે

------------------------------------------------------

સીરતુન-નબી

યુવાનીમાં "અલ અમીન" અર્થાત શ્રધ્ધેય અથવા વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે આખા અરબસ્તાનમાં જાણીતા બનેલા મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબમાં આવી રહેલ આધ્યાત્મિક પરિવર્તનની નોંધ લેતા સર વિલિયમ મ્યુર તેમના પુસ્તક "લાઈફ ઓફ મહંમદ" માં લખે છે,

"મહંમદ સાહેબમાં શરૂઆતથી જ ચિંતનની આદત અને એક જાતની ગંભીરતા દેખાતી હતી. હવે તે ઘણી વધી ગઈ હતી. અને હવે તેઓ પોતાનો ઘણો સમય એકાંતમાં ગાળવા લાગ્યા હતા. તેમનું મન ધ્યાન અને ચિંતનમાં ચોંટેલું રહેતું હતું. પોતાની કોમની પડતીનો તેમના મન પર ભારે બોજો હતો. સાચો ધર્મ શોએ વિષય એમના આત્માને અસ્વસ્થ કરતો હતો. તેઓ ઘણું ખરું મક્કાની નજીકની સૂમસામ ખીણો અને ટેકરીઓ પર એકાંતમાં રહેવાચિંતન કરવા અને શાંતિ પ્રાપ્ત કરવા ચાલ્યા જતા. હીરા પહાડની તળેટીમાં ઉપર આવેલી એક ગુફા તેમની સૌથી પ્રિય જગ્યા હતી.

અને એક દિવસ તેમને ખુદાનો સંદેશ પ્રાપ્ત થયો. એ સંદેશ લોકો સુધી પહોંચાડવા તેમણે અનેક કષ્ટોયાતાનો અને અપમાનો સહન કર્યા. પણ ખુદાએ આપેલ આદેશને તેઓ વળગી રહ્યા. ધીમે ધીમે અરબસ્તાનના લોકોમાં તેમનો વિશ્વાસ વધતો ગયો. લોકો તેમની વાતને ગંભીરતાથી સાંભળવા લાગ્યા. અને ત્યારે પણ પોતાની વાત નમ્રતા અને શાંતિથી જ લોકો સમક્ષ તેઓ મુકતા.” યુરોપિયન તત્વજ્ઞાની કાર્લાઇલ કહે છે,

"તેઓ શરૂઆતથી શાંત અને મહાન હતા. ધ્ય્યના પાકા અને દિલના સાચા થયા સિવાઈ રહી જ શકે નહિ એવાઓમાના તે એક હતા. આ પ્રકારના પુરુષોને ખુદ પ્રકૃતિ શરૂઆતથી જ સાચા બનાવે છે. બીજા લોકો રીતરિવાજો પ્રમાણે અને સાંભળેલી વાતો પ્રમાણે ચાલે છે, એટલાથી જ તેમને સમાધાન મળી રહે છે. પરંતુ આ પ્રકારના પુરુષનો આત્મા રીતરિવાજના પડદા પાછળ છુપાઈ રહી શકે તેમ નહોતું. તેમને પૂરા દિલથી વસ્તુઓનું સાચું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કર્યો. તેમણે આ જીવનના જબરજસ્ત રહસ્યને, તેની બિહામણી બાજુઓ અને તેનો પ્રકાશ બન્નેને પૂરીપૂરી રીતે સમજવાનો પ્રયાસ કર્યો. કોઈ સાંભળેલી વાત તેમના આત્માને, તેમની હસ્તીને દબાવી શકતી નહોતી. આવી સાચી લગનીવાલા માણસમાં ઈશ્વરનો કાઈક ખાસ અંશ હોય એમાં શંકા નથી.

તેઓ પ્રકૃતિના મોટા ખોળામાંથી નીકળેલો એક જબરજસ્ત બળનો અગ્નિ હતાજગતના સર્જનહારની આજ્ઞાથી જગતને પ્રકાશમાન કરવા અને તેને જગાડવા માટે આવ્યા હતા."

યુરોપના એક અન્ય વિદ્વાન બોસ્વર્થ સ્મિથ તેમાના પુસ્તક "મહંમદ એન્ડ મહંમદઇઝમ"માં લખે છે,

"મહંમદ સાહેબને એક સાથે ત્રણ વસ્તુ સ્થાપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એક કોમ (નેશન)એક રાજય (સ્ટેટ) અને એક ધર્મ. ઇતિહાસમાં ક્યાય આ જાતનો બીજો દાખલો જોવા નથી મળતો"

ઇતિહાસકાર ટી. ડબલ્યુ. આર્નોલ્ડ તેમના પુસ્તક "પ્રીચિંગ ઓફ ઇસ્લામ" માં લખે છે,

"મહંમદ સાહેબના અવસાન પછી સો વરસે આરબોનું સામ્રાજ્ય જેટલું મોટું અને જેટલી દૂર સુધી વિસ્તરેલું હતું તેટલું મોટું અને તેટલું દૂર સુધી વિસ્તરેલું તો રોમન સામ્રાજય પણ પોતાનાં સારા કાળમાં ન હતું" 

 

સીરતુન-નબી

 

મહંમદ સાહેબ ન તો કોઈ બાદશાહ હતા, ન કોઈ શાશક હતા. તેઓ ન કોઇ સેનાપતિ હતા, ન કોઈ સમાજ સુધારક હતા. તેઓ ન કોઈ ચિંતક હતા, ન કોઈ વિદ્વાન હતા. અને આમ છતાં તેમણે પોતાના આદર્શ જીવન કવન દ્વારા અરબસ્તાનની જંગલી પ્રજામાં અદભુદ પરિવર્તન આણ્યું હતું. તેઓ કયારે કોઈ સિંહાસન પર બેઠા નથી. છતાં હજારો લાખો માનવીઓના હદય પર તેમણે શાશન કર્યું હતું. કોઈ મહેલોમાં રહ્યા નથી. છતાં અરબસ્તાનના દરેક ધરમા એમનો વાસ હતો. કોઈ ભવ્યતાને સ્પર્શ્યા નથી. છતાં અનેક ભવ્યતાઓ તેમની સાદગીમાં ઓગળી ગઈ હતી. તેમણે કોઈ આદેશો આપ્યા નથી. આમ છતાં અરબસ્તાનની પ્રજા તેમના એક વચન પર કુરબાન થવા તૈયાર હતી. કારણ કે તેમણે અરબસ્તાનની પ્રજાના દિલો પર શાશન કર્યું હતું. મહમદ સાહેબે પોતાના જીવનકાળ દરમિયાન માનવ સમાજના દરેક પાસાઓને બખૂબી નિભાવ્યા હતા. એક શિષ્ટ નવયુવક, પ્રમાણિક વેપારી, પ્રેમાળ પતિ, માયાળુ પિતા, નિખાલસ મિત્ર, હમદર્દ પાડોશી, અમાનતદાર અને ભરોસાપાત્ર સમાજસેવક, નિડર અને શુરવીર સેનાપતિ, મોભાદાર અને બુદ્ધિશાળી શાશક, લોકપ્રિય આધ્યાત્મિક નેતા, ઇન્સાફ પસંદ ન્યાયધીશ વગેરે તમામ સ્થિતમાં તેમણે માનવજીવનનો આદર્શ રજુ કર્યો હતો. ટૂંકમાં, જીવનનું કોઈ ક્ષેત્ર એવું નથી, જેમાં આપે આદર્શ જીવનની છાપ ન છોડી હોય. એ દ્રષ્ટિએ એ જોઇએ તો તેઓ સર્વ ગુણ સંપન પ્રજા પ્રિય પયગંબર હતા.

મહંમદ સાહેબ સત્ય વક્તા હતા. આજીવન તેઓ સત્યનું આચરણ કરતા રહ્યા હતા. 

સાદગી તેમનો જીવન મંત્ર હતો. તેઓ હંમેશા સાદું અને સરળ જીવન જીવ્યા હતા.

તેઓ નમ્ર અને દયાળુ હતા

અત્યંત સહનશીલ અને ધીરજવાન હતા. ગુસ્સો કે ક્રોધ તેમના સ્વભાવમા ન હતા.

પ્રાણી માત્ર પ્રત્યે કરુણા અને અનુકંપા રાખતા. 

પોતાના નાના મોટા તમામ સહાબીઓ (અનુયાયો)ની ઈજ્જત કરતા, તેમને માન આપતા. સલામ કરવામાં હંમેશા પહેલ કરતા.વાળ-વસ્ત્રો સ્વચ્છ અને સુગઢ રાખતા.મિત્રો-સ્નેહીઓની સંભાળ રાખતા.

બીમારની અચૂક ખબર લેતા.

પ્રવાસે જનાર માટે હંમેશા પ્રાર્થના કરતા.

મૃત્યુના સમાચાર સાંભળી મરનાર માટે પ્રાર્થના કરતા.

નારાજ થયેલાઓને મનાવવા પોતે તેમના ઘરે જતા.

દુશ્મન-દોસ્ત સૌને ખુશીથી મળતા.

ગુલામોના ખાન-પાન અને પોષકમાં ભેદભાવ ન રાખતા.

જે શખ્શ આપની સેવા કરતો,તેની સેવા આપ પણ કરતા.

કોઈ પણ મજલીસ કે કાર્યક્રમમાં હંમેશ પાછળ બેસવાનું પસંદ કરતા.

દરેકના માન-મરતબાનું ખાસ ધ્યાન રાખતા.

ગરીબને તેની ગરીબીનો અહેસાસ ન કરાવતા.

અમીર કે બાદશાહની જાહોજલાલીથી ક્યારેય પ્રભાવિત ન થતા.

ખુદાની દરેક નેમતો - બક્ષિશોનો હંમેશ શુક્ર (આભાર) અદા કરતા.

મહેમાનોની ઈજ્જત કરતા. તેઓ ભૂખ્યા રહી મહેમાનોને જમાડતા.

પાડોશીઓની સંભાળ રાખતા.તેમના ખબર અંતર પૂછતાં રહેતા.

પોતાના જોડા પોતે જ સીવતા.

પોતાના ફાટેલા કપડા પોતે જ સીવતા.

ભોજન પહેલા અને ભોજન પછી ખુદાનો શુક્ર (આભાર) માનતા.

અલ્લાહનો જીક્ર રાત-દિવસ કરતા રહેતા.

નમાઝ (પ્રાર્થના) લાંબી અને ખુત્બો (પ્રવચન) ટૂંકો કરતા.

ઈમાનદાર માનવીની નિશાની આપતા મહંમદ સાહેબ ફરમાવ્યું છે,

“ભલાઈ કરીને જે ખુશ થાય અને કંઇ પણ ખોટું થાય તો તે દુઃખ અને પ્રાયશ્ચિત અનુભવે”

મહંમદ સાહેબનો પશુ પ્રેમ પણ અનહદ હતો. તેઓ કહેતા,

“જે કોઈએ નાનકડી ચકલીને પણ નાહક મારી, તો તે અંગે કયામતના દિવસે અલ્લાહને જવાબ આપવો પડશે. ધિક્કાર છે એ લોકોને જેઓ પશુને છુંદી નાખે છે, માત્ર પોતના આનંદ પ્રમોદ માટે તેમના શરીરને ચીરી-ફાડી નાખે છે.”

સ્ત્રીઓના દરજ્જા અંગે પણ તેઓ કહેતા,

“માતાના પગ નીચે સ્વર્ગ છે. જેને ત્રણ પુત્રીઓ, બે પુત્રીઓ કે એક પુત્રી હોય તે તેઓનું સારી રીતે પાલન પોષણ કરે અને પોતાના પુત્રોને પ્રાધાન્ય ન આપે, તો તે વ્યક્તિ અને હું જન્નતમાં તદન સમીપ હોઈશું.”

પ્રેમ અને ભાઈચારો મહંમદ સાહેબના જીવનનો આદર્શ હતો. તેઓ ફરમાવતા,

“જેની પાસે જરૂરતથી વધારે ખાવાનું હોય, તે તેને જરૂરતમંદોને ખવડાવી દે. તમારામાંથી કોઈ વ્યક્તિ પોતાની જમીન, ઘર, ખેતર કે બગીચો વેચવાનો ઈરાદો કરે તો સૌ પ્રથમ તેની જાણ પોતાના પાડોશીને કરે.”

આવા અનેક માનવીય આદર્શોને મહંમદ સાહેબ પોતાના જીવનમાં સાકાર કર્યા હતા. અને એના કારણે જ વિશ્વમાં ઇસ્લામ આજે પણ જીવંત છે અને યુગો સુધી રહેશે.- આમીન.

--------------

 

સીરતુન-નબી

૧૦  

હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.)ના માતા આમિના તો બાળક મહંમદ સાહેબને સાત દિવસથી  વધારે દૂધપાન કરાવી શક્ય નહિ. કારણ કે તેઓ અત્યંત બીમાર રહેતા હતા. પરિણામે થોડા દિવસ અબદુલ મુત્તલીબના બીજા પુત્ર અબુ લહબની દાસીએ મહંમદ સાહેબને દૂધપાન કરાવ્યું હતું. એ પછી મક્કા પાસેની એક ટેકરી પરથી “સાદ” કબીલાની હલીમા નામની એક સ્ત્રીએ બાળક મહંમદ સાહેબને પોતાના ઘરે લઇ જઈ ઉછેર્યા. મહંમદ સાહેબની ઉંમર પાંચ વર્ષની થતા આયા હલીમાએ બાળક મહંમદ સાહેબને તેમની માં આમિનાને પાછો સોંપી દીધો. પરંતુ બીજે વર્ષે જ માતા આમિના પણ અવસાન પામ્યા. આમ એક ઊંચા કુળમાં જન્મ્યા છતાં બાળક મહંમદ સાહેબને માબાપનું સુખ મળી શક્યું નહિ.

મોટા થયા પછી મહંમદ સાહેબે કેટલીય વાર ભરેલે હદયએ માતા આમિનાની કબરની મુલાકાત લીધી હતી. આયા હલીમા સાથે પણ જિંદગીમાં ઘણીવાર તેમની મુલાકાત થઇ હતી અને દરેક વખતે તેમણે હમીમા પ્રત્યે પ્રેમ અને આદર રાખ્યો હતો.

માતાના મરણ પછી કેટલાક વર્ષો દાદા અબદુલ મુત્તલીબે અનાથ મહંમદની સંભાળ રાખી અને ત્યાર પછી અબદુલ મુત્તલીબના મોટા દીકરા અબુ તાલીબે તેમાનું પાલન પોષણ કર્યું. મહંમદ સાહેબની ઉમર લગભગ દસ વર્ષની હતી તે અરસામાં તેમનો ઘણો સમય મક્કાની આસપાસની ટેકરીઓ પર અબુ તાલિબની બકરીઓ ચરાવવામાં પસાર થયો હતો.

નાનપણથી જ મહંમદ સાહેબને એકાંતમાં રહેવાની અને ચિંતન કરવાની ટેવ હતી. તેમના સાથીઓ જયારે રમતગમતમાં સમય વ્યતીત કરતા ત્યારે મહંમદ સાહેબ કહેતા,

“માણસને રમતગમતમાં વખત વ્યય કરવા માટે નહિ પણ કોઈ ઉંચ્ચ આદર્શ માટે પેદા કરવામાં આવ્યો છે.”

બાર વર્ષની ઉંમરે મહંમદ સાહેબ પોતાના કાકા અબુ તાલિબ સાથે એક વેપારી કાફલામાં મક્કાથી પહેલીવાર સિરિયા ગયા. રસ્તામાં તેમને કેટલીક યહૂદી વસ્તીઓમાં થઈને જવાનું થયું. આથી તેમને તે સમયે યહૂદી ધર્મ વિષે ઘણી માહિતી મળી. સીરિયા દેશ તે સમયે રોમના ખ્રિસ્તી સમ્રાટોના તાબામાં હતો.  ત્યાં ખ્રિસ્તી ધર્મનું ખુબ જોર હતું. મહંમદ સાહેબને પોતાની જુવાનીના દિવસોમાં ઘણી વાર સીરિયા જવાના પ્રસંગો આવ્યા હતા. એક વિદ્વાન લખે છે,

“સીરિયામાં મહંમદને લોકોની બૂરી હાલત અને ધર્મની પડતીનું એટલું સ્પષ્ટ દર્શન થયું કે તેનું ચિત્ર તેમની નજર આગળથી કદી ખસ્યું નહિ.”  

 

સીરતુન-નબી

૧૧   

એક તરફ અબૂ તાલિબ જેવા માયાળુ કાકા અને બીજી તરફ હઝરત ખદીજા જેવા વફાદાર પત્નીના સાનિધ્યમાં મહંમદ સાહેબ ખુદાની યાદમાં મશગુલ રહેતા હતા. મહંમદ સાહેબ ફુરસતનો સમય ઘરની બહાર એકાંતમાં વિતાવતા. મક્કાથી ત્રણ ચાર માઈલના અંતરે એક પહાડ આવેલો છે. તેનું નામ છે “જબર-એ-નૂર” આ પહાડમાં એક ગુફા છે. જેનું નામ છે “હીરા”. મહંમદ સાહેબ મોટે ભાગે “ગારે હીરા”ના એકાંતમાં ખુદની યાદમાં લીન રહેતા. ખાસ કરીને રમઝાન મુબારકનો મહિનો તો આપ વધુમાં વધુ સમય ગારેહીરામાં જ વિતાવતા.

“વહી” એટલે છૂપી વાતચીત, ઈશારો. ઇસ્લામિક સાહિત્યમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ, પયગામ. હઝરત મહંમદ સાહેબ પર વહી ઉતરવાના એક દિવસ પૂર્વે તેમના વહાલ પુત્ર કાસિમની વફાત (અવસાન) થઇ હતી. આમ છતાં મહંમદ સાહેબ બીજા દિવસે ગારેહિરામાં ચિંતન, મનન કરવા ગયા. એ દિવસ રમઝાન માસનો ચોવીસમો રોઝો હતો. એ દિવસે પણ મહંમદ સાહેબ એકાગ્રચિત્તે ગારેહીરામાં ખુદાની યાદમાં લીન હતા. ચારે તરફ એકાંત અને સન્નાટો હતા. કાળી અંધારી રાત પોતાની સફર ખત્મ કરવાની તૈયારીમાં હતી. પ્રભાતનું ઝાખું અજવાળું ધરતીના સીના પર પ્રસરી રહ્યું હતું. બરાબર એ જ સમયે અલ્લાહના ફરિશ્તા હઝરત જિબ્રાઈલનો અવાજ ગુંજી ઉઠયો,

“ઈકરાહ” અર્થાત પઢો

હઝરત મહંમદ સાહેબ આ આદેશ સાંભળી ચકિત થયા. પોતના આશ્ચર્યને વ્યક્ત કરતા આપે ફરમાવ્યું,

“મા અના બિ-કારી-ઇન” અર્થાત મને પઢતા-વાંચતા નથી આવડતું. ફરીવાર એ જ આદેશ આવ્યો. અને ફરીવાર આપે એ જ જવાબ આપ્યો. લગભગ ત્રણ વાર આ વ્યવહાર થયો. ચોથી વાર ફરીશ્તાએ આખી આયાત સંભળાવી અને તે પઢવા મહંમદ સાહેબને કહ્યું. ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા ખુદાએ મહંમદ સાહેબ પર ઉતારેલ એ સૌ પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહિ, પણ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ છે. એ આયાત (શ્લોક) માં ખુદાએ ફરમાવ્યું છે,

“પઢો વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું છે અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો, તે બધી તેને શીખવી છે.”

હઝરત મહંમદ સાહેબ પર ઉતરેલી આ સૌ પ્રથમ આયાત ઇસ્લામમાં ઇલ્મની મહત્તા વ્યક્ત કરે છે. ઇસ્લામના પાયાના સિદ્ધાંતોમાનો એક સિધ્ધાંત ઈલ્મની પ્રાપ્તિ છે. જ્ઞાન ઉપાર્જનના અગત્યના સાધન તરીકે કલમનો આ આયાતમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

“જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું”

જ્ઞાન એ સમગ્ર માનવજાત માટે અત્યંત અનિવાર્ય બાબત છે. અને એટલે જ ચાલીસ વર્ષની વયે મહંમદ સાહેબ પર વહી (સંદેશ) દ્વારા ઉતારેલ આ પ્રથમ આયાત સમગ્ર માનવજાતને ઇલ્મ-જ્ઞાનની મહત્તાનો સંદેશ આપે છે.

------------------------------------------------------------------------------------ 

સીરતુન-નબી

૧૨    

હઝરત ઈબ્રાહીમ (અ.સ.) એ કાબા શરીફનું નિર્માણ કર્યું. અને તેમણે જ કાબાની દીવાલમાં હઝરત જિબ્રાઈલ (અ.સ.)એ આપેલા “હજરે અસ્વાદ” મઢ્યો. એ પછી છેક મહંમદ સાહેબની ઉંમર ૩૫ વર્ષની હતી ત્યારે કાબાનું પુનઃ નવસર્જન થયું. કાબાની જૂની દીવાલો દૂર કરી નવી દીવાલો ઉભી કરવામાં આવી. એ સમયે “હજરે અસ્વાદ”ને સાચવીને દીવાલમાંથી કાઢવામાં આવ્યો. જયારે નવી દીવાલોનું સર્જન થયું ત્યારે “હજરે અસ્વાદ” પાછો તેની મૂળ જગ્યાએ ગોઠવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો.. અને મક્કાના જુદા જુદા કબીલાઓમાં એ માન ખાટવા લડાઈ ઝગડા શરુ થયા. કબીલાઓ વચ્ચે આ અંગે મતભેદો એટલા ઉગ્ર બન્યા કે મામલો ખૂન ખરાબા પર આવી ગયો. કબીલાઓ વચ્ચે તલવારો ખેંચાઈ. “હજરે અસ્વાદ” પોતાના કબીલાના સરદારના હસ્તે ગોઠવાય તેવા તમામ કબીલાઓ આગ્રહ સેવતા હતા. મક્કામાં લોહીના પ્યાલાઓમા હાથ બોળીને સૌ કબીલોઓએ  સોગંદ લીધા કે અન્ય કોઈ “હજરે અસ્વાદ” એ હાથ પણ લગાડશે તો મક્કામાં ખૂનની નદીઓ વહેશે. સતત પાંચ દિવસ સુધી મક્કામાં આવું ઉગ્ર વાતાવરણ રહ્યું. આ ઝગડાનો નિકાલ કેવી રીતે લાવવો એ જ કોઈને સમજાતું ન હતું. અંતે મક્કાના વયોવૃદ્ધ અબૂ  ઉમૈયહ બિન મુગીરહ મખ્ઝુમએ માર્ગ  ચીંધ્યો,

“કાલે સવારે જે વ્યક્તિ પહેલા હરમ શરીફમાં દાખલ થાય એ વ્યક્તિ જે નિર્ણય આપે તે સૌ કબીલાઓએ માન્ય રાખવો.”

બીજા દિવસે હરમ શરીફ સૌ પ્રથમ હઝરત મહંમદ સાહેબ દાખલ થયા. એ સમયે હજુ તેમના પર વહી ઉતરવાનો આરંભ થયો ન હતો.  છતાં મક્કામાં તેમની પ્રતિષ્ઠા ખાસ્સી હતી. મક્કાવાસીઓ તેમને “અમીન” અને “સાદિક” કહીને બોલાવતા હતા.

મહંમદ સાહેબે તકરારનો મુદ્દો બરાબર જાણી લીધો. પછી ફરમાવ્યું,

“એક ચાદર લાવો.”

ચાદર આપને પેશ કરવામાં આવી. મક્કવાસીઓ આતુર નજરે મહંમદ સાહેબ આ સળગતા પ્રશ્નનો શું ઉકેલ કરે છે તે જોવા ઉત્સુક હતા.  મહંમદ સાહેબે ફરમાવ્યું,

“ચાદરને જમીન પર પથારી દો.”

ચાદર જમીન પર પથારી દેવામાં આવી. પછી મહંમદ સાહેબએ પોતાના મુબારક હાથોથી “હજરે અસ્વાદ” ચાદરમાં મુક્યો. અને ફરમાવ્યું,

“દરેક કબીલાના સરદાર ચારે બાજુથી આ ચાદર પકડે અને સાથે મળીને ચાદર ઉપાડે.”

અને આમ બધા સરદારોએ સાથે મળીને ચાદર ઉપાડી અને “હજરે અસ્વાદ” કાબા દીવાલ પાસે લઇ ગયા, પછી મહંમદ સાહેબે પોતાના મુબારક હાથોથી “હજરે અસ્વાદ”ને કાબા શરીફની દીવાલમાં ગોઠવ્યો. મહંમદ સાહેબના કુનેહ ભર્યા આ નિર્ણયે મક્કામાં પુનઃ શાંતિ સ્થાપી. અને લોકો મહંમદ સાહેબના આ ફેસલાથી ઘણાં પ્રભાવિત થયા.

------------------------------------------------------------------------------

સીરતુન-નબી

૧૩     

અલ અમીન એટલે અમાનત રાખનાર, શ્રધ્ધેય, વિશ્વાસપાત્ર, ઈમાનદાર, સત્યનિષ્ઠ. અરબી ભાષામાં અલ શબ્દનો ઉપયોગ અગ્રેજી શબ્દ “The” જેમ થાય છે. જાતી વાચક સંજ્ઞાને વ્યક્તિ વાચક બનાવવા અરબી ભાષામાં અલ શબ્દ પ્રયોજાય છે. હઝરત મહંમદ સાહેબને ભર યુવાનીમાં મક્કાવાસીઓએ “અલ અમીન” નો ખિતાબ આપ્યો હતો. અરબસ્તાનની અજ્ઞાન, અંધશ્રદ્ધાળુ પ્રજામાં મહંમદ સાહેબ વિશ્વાસ અને શ્રધ્ધાના પ્રતિક સમા બની ગયા હતા. એક સહાબી (અનુયાયી) એ મહંમદ સાહેબના એ સમયના વ્યક્તિત્વનો પરિચય આપતા કહ્યું છે,

“આપ ઘણાં જ દયાળુ અને રહેમદિલ હતા. સદાચારી અને વિવેકી હતા. હસમુખ અને વિનોદી હતા. પાડોશીઓના મદદગાર અને હમદર્દ હતા. દરેક સાથે ભલાઈ અને મિલનસારથી વર્તનાર હતા. અત્યંત પુક્ત અને સહનશીલ હતા. મહેમાનોને હદયપૂર્વક આવકારનાર અને તેમની દિલોજાનથી સેવા કરનાર હતા. સત્યપ્રિય અને પ્રમાણિક હતા. તમામ કુટેવોથી કોસો દૂર હતા. ઉદાર અને મનના મોટા હતા. બહાદુર અને વીર નર હતા. અંગત વેરઝેરથી પર હતા. સાચા વચનપાલક અને વચનભંગ કરનાર પ્રત્યે પણ નારાજ ન થનાર હતા.”

એકવાર મહંમદ સાહેબ સાથે વેપાર કરનાર અબ્દુલ્લાહ બિન અબી હમસાયાને વેપારના સૌદા મુજબ મહંમદ સાહેબને એક મોટી રકમ આપવાની થઇ. અબ્દુલ્લાહ બિન અબી હમસાયા પાસે એટલી રકમ ન હતી. એટલે તેણે કહ્યું,

“મહંમદ સાહેબ આપ અહિયાં જ ઉભા રહો. હું રકમની વ્યવસ્થા કરી અબધડી આવું છું.”

મહંમદ સાહેબને વાયદો કરી અબ્દુલ્લાહ બિન અબી હમસાયાનેતો ભૂલી ગયા. ત્રણ દિવસ પછી તેને યાદ આવ્યું કે મહંમદ સાહેબને મેં ત્યાંજ ઉભા રહેવા જણાવ્યું છે. અને તેઓ વચનના પાકા છે. એટલે ત્યાં જ ઉભા હશે. અબ્દુલ્લાહ દોડતો એ સ્થળે પહોંચ્યો. મહંમદ સાહેબ હજુ ત્યાં જ ઉભા હતા.

ચહેરા પર ગુસ્સો કે નારાજગીની એક પણ રેખા ન હતી. અબ્દુલ્લાહને જોઈ ચહેરા પર સ્મિત પાથરતા મહંમદ સાહેબએ કપાળ પરનો પસીનો લૂછયો પછી એટલું જ ફરમાવ્યું,

“અબ્દુલ્લાહ તમે મને નકામી જહેમત આપી. હું ત્રણ દિવસથી તમારી રાહ જોઈ રહ્યો છું.”

કૈસ બિન સાઈબ મખ્ઝુમી એક વેપારી તરીકે મહંમદ સાહેબનું મૂલ્યાંકન કરતા કહે છે,

“જાહિલિયતના એ યુગમાં રસૂલે પાક વેપારમાં મારા ભાગીદાર હતા. આપ જેવા ઉત્તમ અને ઈમાનદાર ભાગીદાર મેં એ પછી ક્યારેય જોયા નથી.”

મહંમદ સાહેબની યુવાનીના એ દિવસોમાં પણ એક પયગંબરને છાજે તેવું તેમનું આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વ હતું. અને એટલે જ ઇબ્ને હાશીમએ આ અંગે લખ્યું છે,

“રસૂલે પાક એવી હાલતમાં યુવાન થયા જયારે અંધશ્રદ્ધા, અજ્ઞાનતા અને દરેક પ્રકારની બૂરાઇઓ મક્કામાં ફેલાયેલી હતી. પણ ખુદાએ મહંમદ સાહેબને આ તમામ બૂરીઈઓથી પર રાખ્યા. તમામ બદીઓથી મહંમદ સાહેબનું રક્ષણ કર્યું. કેમ કે ખુદા મહંમદ સાહેબને મહાન પયગંબર તરીકે પસંદ કરી ચૂક્યા હતા.”  

----------------------------------------------------------------------------------

સીરતુન-નબી

૧૪      

મક્કા શહેરમાં આવેલ સફા અને મરવહ પહાડીઓનું મહત્વ માત્ર હજજ પૂરતું સીમિત નથી. આ એ જ પહાડી છે જેના પરથી સૌ પ્રથમવાર મહંમદ સાહેબએ મક્કાવાસીઓને ઇસ્લામની દાવત આપી હતી. ઇસ્લામની દાવત આપવી એટલે ઇસ્લામનો અંગીકાર કરવા જાહેરમાં નિમંત્રણ આપવું.

મહંમદ સાહેબને વહી દ્વારા આયાત સંભળાઈ,

“હે નબી, આપને જે હુકમ આપવામાં આવ્યો છે તેને હવે છડે ચોક જાહેર કરો અને વિરોધીઓના વિરોધની પરવા ન કરો.”

ખુદાના આદેશ પછી હઝરત મહંમદ પયગંબર સાહેબએ ઇસ્લામનો છૂપો પ્રચાર કરવાનું બંધ કર્યું અને ખુલ્લી રીતે તબલીગ (પ્રચાર) નો આરંભ કર્યો. અને એ આરંભ માટે તેમણે ”સફા” નામની પહાડીની પસંદગી કરી. એક દિવસ મહંમદ સાહેબ “સફા” ની ટેકરી પર ચડી ગયા ત્યાંથી તેમણે પોકાર કરી મક્કાવાસીઓને ભેગા કર્યા. પછી મહંમદ સાહેબએ ફરમાવ્યું,

“હે મક્કાવાસી, હું મરણ પછીના જીવનને જોઈ શકું છું. મૃત્યું માથે ઉભેલું છે. મૃત્યું પછી દરેકે ખુદાના દરબારમાં જવાનું છે. પોતાના કર્મોનો હિસાબ આપવાનો છે, અગર તમે મારી વાતો પર ઈમાન નહિ લાવો તો ખુદાના અઝાબનું લશ્કર તમારા પર તૂટી પડશે. હે મક્કાવાસીઓ, ખુદાએ મને હુકમ આપ્યો છે કે હું તમને તેના અઝાબથી ડરાવું. તમે માત્ર “લાઈલાહા ઈલ્લ્લાહ” કહી દો બસ એથી વધારે મારે કશું જ જોઈતું નથી.”

જો કે મહંમદ સાહેબની આ જાહેરાતનો એ સમયે ખાસ્સો વિરોધ થયો હતો. મહંમદ સાહેબના કાકા અબૂ લહબે તેનો વિરોધ કર્યો. પણ એ વિરોધથી મહંમદ સાહેબ જરા પણ વિચલિત થયા નહિ. ઇસ્લામના નૈતિક સિદ્ધાંતોથી મક્કાવાસીઓને વાકેફ કરવા મક્કાની બજારો, ગલીઓ, મજલિસો, મેળાઓ અને ઘરોમાં બેઝીઝક જતા અને લોકોને કહેતા,

“હે લોકો, ખુદાની ઈબાદત કરો. જે આખા જગતનો સર્જનહાર છે. પાલનહાર છે.”

આ સંદેશ સાથે સમાજ સુધારણાની તબલીગનો પણ મહંમદ સાહેબે આરંભ કર્યો હતો. મક્કવાસીઓને ચોરી, બેઈમાની, દગાબાઝી, જુગાર, જુઠ અને દીકરીઓને જીવતી દાટી દેવાની પ્રથાથી મુક્ત થવા તેઓ સમજાવતા. ટુકમાં “સફા” પર્વત એવો ઐતિહાસિક મકામ છે, જ્યાં મહંમદ સાહેબે જાહેરમાં તબલીગનો આરંભ કર્યો હતો.

----------------------------------------------------------------------------------

સીરતુન-નબી

૧૫       

ઇસ્લામિક ઇતિહાસમાં ગારેહિરાનું વિશેષ સ્થાન છે. ઉર્દુ ભાષાના શબ્દ ગારનો અર્થ થાય છે ગુફા. અને હિરા એ ગુફાનું નામ છે. ગારેહિરા જ્યાં સૌ પ્રથમ વાર મહંમદ સાહેબને વહી દ્વારા ખુદાનો પૈગામ (સંદેશ) મળવાનો આરંભ થયો હતો. ઇસ્લામિક ઇતિહાસમાં આ ગુફાનું એટલે પણ સ્થાન છે કે અલ્લાહના રસૂલ મહંમદ સાહેબ આ  જ ગુફામાં ખુદની બંદગી કરતા હતા. ગારેહિરા જે પર્વત પર આવેલી છે એનું નામ છે જબલ-એ-નૂર. જબલ એટલે પહાડ. નૂર એટલે પ્રકાશ. એ અર્થમાં તેને પ્રકાશનો પહાડ કહી શકાય. જ્યાંથી મહંમદ સાહેબને ઇસ્લામનું સાચું નૂર પ્રાપ્ત થયું. જબલ-એ-નૂર મક્કાની ઉત્તર-દક્ષિણમાં પુરાતન શહેરની લગભગ ત્રણ માઈલના અંતરે આવેલ છે. આજે તો મક્કા શહેરનો ઝડપી વિકાસ થવાને કારણે તે શહેરની વચ્ચે આવી ગયો છે. મક્કાથી અરાફાતના મૈદાન તરફ જતા રસ્ત્તામાં ડાબી બાજુએ જબલ-એ-નૂર આવેલ છે. હજયાત્રા પર જનાર હાજીઓ જે સડક પરથી પસાર થાય છે તે વિશાલ લાંબી સડક આ પહાડ સાથે સંકળાયેલી છે. વાહનો માત્ર

જબલ-એ-નૂરની તળેટી સુધી જઈ શકે છે.

જબલ-એ-નૂર બિલકુલ સૂકો પહાડ છે. તેના પર લીલોતરીનું ક્યાંય નામોનિશાન જોવા મળતું નથી. ક્યાંક કયાંક છૂટીછવાઈ ઝાડીઓ જોવા મળે છે. પહાડની ચડાઈ લભભગ સીધી છે. એટલે મુશકેલ છે. ખાસ કરીને તેના અંતિમ અડધા ભાગનું ચઢાણ  કપરું છે. જબલ-એ-નૂર પહાડની ટોચ પર કુદરતી પથ્થરો અને ચટ્ટાનો એવી રીતે ગોઠવાયેલા છે કે તેનાથી કુદરતી ગુફા બની જાય છે. આ ગુફામાં જવા માટે સીડી જેમ પગથીયા જેવા પથ્થરો કુદરતી રીતે ગોઠવાયેલા છે. તેના પરથી સહેલાઈથી ગુફામાં પ્રવેશી શકાય છે. ગારેહીરા તરફ જતા ત્રણસો ચારસો ફૂટ થોડું સીધું ચઢાણ આવે છે. આ સ્થળે મહંમદ સાહેબે નમાઝ અદા કરી હતી. ગારેહિરાની મુલાકાતે જતા હાજીઓ આ સ્થળે  નફીલ નમાઝ પઢે છે. જમીનથી ગુફા સુધીનો રસ્સ્તો લગભગ દોઢ બે કિલોમીટરનો છે. પહાડની ઉંચાઈ પરથી મક્કા શહેર દક્ષિણ દિશા તરફ જોઈ શકાય છે. જયારે પૂર્વમાં અરફાતનો પહાડ જબલુરહેમાન આવેલો છે. પશ્ચિમેં અરબી સમુદ્ર દેખાય છે. દક્ષિણે મક્કા શહેર વસેલું છે. જયારે ઉત્તરે પહાડની હારમાળા આવેલી છે.

ગારેહીરા અંદરથી  ચાર ગજ લાંબી અને પોણા બે ગજ પહોંળી છે. તેની અંદરનો ભાગ બિલકુલ સપાટ છે. તેની ઊંચાઈ પૂર્ણ કદના માનવીની ઊંચાઈથી થોડી ઓછી છે. મધ્યમ કદનો માનવી તેમાં નમાઝ પડી શકે છે. લંબાઈ-પહોળાઈ માં એટલી જ ગુંજાઇશ છે કે એક માનવી આરામથી પગ લાંબા કરી તેમાં સૂઈ શકે છે. તેની છત તંબુની જેમ ઢાળવાળી છે. ગુફા પૂર્વ અને પશ્ચિમ તરફ ખુલે છે. એટલે કે તેની બંને બાજુઓ ખુલ્લી હોયને ગુફામાં હવા ઉજાસ પૂરતા મળે છે. ગુફાની કુદરતી રચના જ એવી છે તેમાં રહેનાર વ્યક્તિની તડકા અને વરસાદથી હિફાઝત થાય છે. એક નોંધપાત્ર બાબત એ છે કે ગારેહીરા કદમાં લાંબી છે અને તેની લંબાઈનું  કુદરતી સ્વરૂપ  કાબા શરીફની દિશામાં છે. તેમાં ઈબાદત કરનારનો ચહેરો બરાબર કિબલા  (કાબા શરીફ) તરફ જ રહે છે.

ગારેહીરાનું આ શાબ્દિક ચિત્ર હજ કરનાર હાજીઓ માટે તો ઉપયોગી છે પણ  હજયાત્રા માટે ન જઈ  શકનાર મુસ્લિમો પણ ગારેહીરાના આ શાબ્દિક ચિત્રથી તેને જોયાનો થોડોક અહેસાસ કરશે તો પણ તેનો થોડો સવાબ મને અવશ્ય મળશે : આમીન.

--------------------------------------------------------------------- 


સીરતુલ નબી

૧૭     

ઇસ્લામના પ્રચાર અન્વયે અનેક વિચારો પ્રવર્તે છે. ઈતિહાસમાં તલવાર અને સત્તાના જોરે ઇસ્લામના પ્રચારની વાતો વારંવાર દોહરાવામાં આવે છે. પણ ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફ અને હઝરત મહંમદ સાહેબની હદીસોમાં ઇસ્લામના પ્રચારમાં શિષ્ટાચાર અર્થાત તહેજીબનો સતત આગ્રહ સેવવામાં આવ્યો છે. કુરાને શરીફમાં તે અંગેની અનેક આયતો આપવામાં આવી છે. જેમાં ઇસ્લામનો પ્રચાર કેમ કરવો તેના સ્પષ્ટ આદેશો આપવામાં આવેલ છે. કુરાને શરીફમાં કહ્યું છે,

“લા ઇકરાહ ફિદ્દીન” અર્થાત “ધર્મની બાબતમાં કોઈ પ્રકારની બળજબરી ના હોવી જોઈએ.”

કુરાને શરીફમાં પહેલેથી છેલ્લે સુધી અનેક સ્થાનો પર ધર્મનો પ્રચાર કેમ કરવો તે સમજાવતી આયાતો આપવામાં આવી છે. તેમાં શરુઆતની કેટલીક આયાતોમાં કહ્યું છે,

“લોકોને તેમના રબ ( ખુદા )ના રાહ પર આવવા કહે ત્યારે તેમને હોશીયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ. તેમની સાથે ચર્ચા કરે, તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર.”

“અને તેઓ જે કઈ કહે તે ધીરજથી સાંભળ અને સહન કર અને જયારે તેમનાથી જુદો પડ ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી જુદો પડ.”

“જે લોકોએ તારો ધર્મ સ્વીકાર્યો છે તેમને કહી દે કે જેઓ તારી વાત માનતા નથી અને જેમને તેમના કૃત્યોના ફળ ઈશ્વર તરફથી મળશે એવો ડર નથી. તેમના પર ગુસ્સે ન કર. જે કોઈ ભલાઈ કરશે તે પોતાના  આત્મા માટે જ કરશે.  અને જે બૂરાઇ કરશે તે પણ પોતાના આત્મા માટે જ કરશે. પછી સૌએ એ જ રબ (ખુદા) પાસે પાછા જવાનું છે.”

“તારું અથવા કોઈ પણ  રસૂલ (પયગંબર) નું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવા ઉપરાંત વધારે કઈ નથી. પછી તેઓ મોં ફેરવીને ચાલ્યા જાય તો ભલે જાય. તારું કામ કેવળ તારી વાત સમજાવી દેવા પૂરતું જ હતું.”

“ જે લોકો પાસે બીજા ધર્મ પુસ્તકો છે તેમની સાથે ચર્ચા ન કરો અને કરો તો બહુ મધુર શબ્દોમાં કરો. પછી કોઈ હઠ કરે અને ન માને તો ભલે ન માને. તેમને કહો કે ઈશ્વરે જે પુસ્તક અમને આપ્યું છે તેને અમે માનીએ છીએ. અમારો અને તમારો અલ્લાહ એક જ છે. અને તે જ એક અલ્લાહ આગળ આપણે માથું નમાવીએ છીએ.”

“આ જ વિચારો તરફ લોકોનું ધ્યાન ખેંચતો રહે, અને તને હુકમ કરવામાં આવ્યો છે તે જ પ્રમાણે તારું પોતાનું જીવન ગુજાર. બીજાઓના વહેમોમાં ન ફસાઈશ. અને કહી દે કે હું અલ્લાહના બધા પુસ્તકોને માનું છું. મને ન્યાયથી વર્તવાનો હુકમ છે. અલ્લાહ મારો અને તમારો સૌનો રબ છે. તમે જે કરશો તેનું ફળ તમને મળશે અને હું જે કરીશ તેનું ફળ મને મળશે. આપણી વચ્ચે કશો ઝગડો નથી. અલ્લાહ આપણા સૌને ભેગા કરશે. આપણે બધાએ તેની જ પાસે પાછા જવાનું છે.”

મહંમદ સાહેબની પોતાનો ધર્મ ફેલાવાની રીત આખી જિંદગી સુધી કુરાનમાની આ આયાતો મુજબ જ હતી. તેમના જીવનમાં એક પણ દાખલો એવો નથી મળતો જેમાં તેમને કોઈને પણ તલવારને જોરે કે કોઈ પણ જાતનું દબાણ કરીને પોતાના ધર્મમાં સામેલ કર્યા હોય. કોઈ કબીલા કે ટોળાને પોતાના ધર્મમાં લાવવા માટે તેના પર ચડાઈ કરી હોય, અથવા એ કામને માટે એક પણ લડાઈ લડ્યા હોય. ધર્મની બાબતમાં બીજો પાસેથી જેટલી સ્વતંત્રતાની તેઓ આશા રાખતા હતા તેટલી સ્વતંત્રતા બીજાને પણ આપતા હતા. મદીના પહોંચ્યા પછી મહંમદ સાહેબે પોતાનો ધર્મ ફેલાવવા મદીના બહાર દૂર દૂરના કબોલાઓમા સમજુ માણસોને મોકલવા શરુ કર્યા હતા. અને તે અનુયાયીઓને તેઓ ખાસ કહેતા,

"લોકોને તેમના રબ (ઇશ્વર) ના રાહ પર આવવા કહે ત્યારે તેમને હોશિયારીથી અને સરસ શબ્દોમાં સમજાવ. તેમની સાથે ચર્ચા કરે તો ઉત્તમ અને મધુર શબ્દોમાં કર અને તેઓ જે કંઈ કહે તે ધીરજથી સાંભળસહન કર અને જયારે તેમનાથી છૂટો પડે ત્યારે બહુ પ્રેમ અને ભલાઈથી છૂટો પડ."

“લોકો સાથે નમ્રતાથી વર્તવું, કોઈ સાથે સખતાઈ ન કરવી. તેમના દિલ રાજી રાખવા તેમનું અપમાન ન કરવું. તેઓ તમને પૂછે કે, સ્વર્ગની કૂંચી શી છે ? તો જવાબ દે જો કે “ઈશ્વર એક છે” એ સત્યમાં અને ભલાઈમાં વિશ્વાસ આણવો અને ભલા કામ કરવા એ જ સ્વર્ગની કૂંચી છે.

અને એટલે જ મહંમદ સાહેબ તેમના અનુયાયીઓને વારંવાર કહેતા છે,

-------------------------------------------------------------------- 

 સીરતુલ નબી

૧૮      

ત્રણ વર્ષની સખત મહેનત પછી માંડ ચાલીસ માણસોએ મહંમદ સાહેબનો ધર્મ અંગીકાર કર્યો. તેમાં તેમના પત્ની હઝરત ખતીજા, અબૂ તાલિબનો નાની ઉમરનો પુત્ર અલી, ઝેદ, અબૂ બકર અને ઉસ્માન એ પાંચ પહેલા હતા. અબૂ બકર એક ધનવાન સોદાગર હતા. બાકીના તમામ ગરીબ અને નાણા માણસો હતા. અને ઘન તો ગુલામો હતા. જેમને તે સમયે અરબસ્તાનમાં જાનવરો જેમ વેચવામાં આવતા હતા.  

મહંમદ સાહેબ જ્યાં જ્યાં પ્રચાર માટે જતા ત્યાં ત્યાં તેમની મજાક ઉડાડવામાં આવતી. કટાક્ષ કરવામાં આવતો. અને ગાળો આપવામાં આવતી. તેઓ ઉપદેશ કરવા ઉભા થતા ત્યારે તેમના પર મળ અને મરેલા જાનવરના આંતરડાફેકવામાં આવતા. લોકોને કહેવામાં આવતું,

“અબ્દુલાનો પુત્ર પાગલ થઇ ગયો છે. તેનું કોઈ સાંભળશો નહિ”

વળી, શોર મચાવીને તેમની વાત કોઈ સાંભળે નહિ, તેવા પ્રયાસો થતા. કેટલીકવાર તો તેમના પર પથ્થરમારો કરીને  તેમેણ લોહી લુહાણ કરી નાખવામાં આવતા. એકવાર તો કાબા શરીફની અંદર મહંમદ સાહેબ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. એ સમયે અબૂ બકરે તેમને બચાવી લીધા. અન્યથા તે દિવસે મહંમદ સાહેબ આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હોત. પણ ખુદાએ જેમને પોતાના પયગંબર બનાવીને મોકલાયા હોય તેમને ખુદા એનકેન પ્રકારે અવશ્ય બચાવી છે. આવ તમામ પ્રયાસો છતાં મહંમદ સાહેબે તેમનું કાર્ય ચાલુ રાખ્યું. ત્યારે લોકોએ તેમના અનુયાયીઓ પર અત્યાચાર કરવા માંડ્યો.  આરંભના દિવસોમાં ઇસ્લામ માટે શહીદો થયેલા અસંખ્ય હતા. અદીના પુત્ર ખુબેબ પર બહુ નિર્દયતા પૂર્વક ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. તેણે કહેવામ આવ્યું હતું, “ઇસ્લામ છોડી દે એટલે અમે તને છોડી દઈશું” તેણે જવાબ આપ્યો “આખી દૂનિયા છોડી દઈશ પણ ઇસ્લામ નહિ છોડું” એટલે એક એક કરીને તેના હાથ પગ કાપી નાખ્યા.

 

ઈ.સ.૬૧૫માં મહંમદ સાહેબને ઇસ્લામનો પ્રચાર કરતા પાંચ વર્ષ થઇ ગયા. પાંચ વર્ષમાં માત્ર સો સવાસો  માણસો ઇસ્લામમાં દાખલ થયા. એમ પણ ગરીબ લોકો વધારે હતા. કુરેશીઓની દુશ્મનાવટ વધતી જતી હતી. અને મહંમદ સાહેબ અને તેમના સાથીઓના જીવ હરઘડી જોખમમાં રહેતા હતા. પણ મહંમદ સાહેબ ઉપદેશ અને ધર્મપ્રચારના કાર્યને મક્કમતાથી વળગી રહ્યા.

 કુરેશીઓએ અંતે મહંમદ સાહેબના કાકા અબૂ તાલિબને ધમકી આપી, “આપના ભત્રીજાને પ્રચાર કરતા નહિ રોકો તો તો પણ અલ્લાહનો હુકમ છે ત્યાં સુધી તેનો અને તેના સાથીઓનો જીવ સલામત નથી” મહંમદ સાહેબને તેમના કાકા એ સમજાવ્યા ત્યારે મહંમદ સાહેબ બોલી ઉઠ્યા,

“જેના હાથમાં મારો જન છે તે અલ્લાહના કસમ લઉં છું કે લોકો મારા જમણા હાથમાં સૂરજ અને ડાબા હાથમાં ચન્દ્ર મુકે તો પણ અલ્લાહનો હુકમ છે ત્યાં સુધી હું મારા સંકલ્પમાંથી ચલિત થઈશ નહિ.”

મહંમદ સાહેબને ઇસ્લામનો પ્રચાર કરતા સાત વર્ષ વીતી ગયા. હજુ સુધી મક્કાની શેરીઓમાં તેમનો જીવ જોખમમાં હતો. પણ તેમની સત્ય નિષ્ઠા અને નિર્ભયતા હવે લોકોની નજરમાં આવવા લાગ્યા હતા. ૫૦ વર્ષની ઉમરે હવે લોકો તેમનો ઉપદેશ શાંતિથી સંભાળતા હતા. પણ તેમના મોટા હિમાયતી તેમના કાકા અબો તાલીબનું ૮૦ વર્ષે અવસાન થયું. અબૂ તાલીબના અવસાનને ત્રણ દિવસ પણ નહોતા થયા અને તેમના બીજા મોટા મદદગાર, તેમના પત્ની હઝરત ખદીજાનું પણ અવસાન થયું. પણ આ તમામ આઘાતો મહંમદ સાહેબને ડગાવી શક્યા નહિ. મક્કા અને તાયફમાં તેમણે ઇસ્લામનો પ્રચાર ચાલુ રાખ્યો. યસરબ (મદીના)ના લોકોના આગ્રહથી મહંમદ સાહેબે પોતાનો એક સાથી મુસઅબને ધર્મ પ્રચાર અર્થે યસરબ મોકલ્યો. મક્કામાં વધતા જતા વિરોધને કારણે મહંમદ સાહેબે પોતાના સાથીઓ સાથે મદીના હિજરત કરી અને ત્યારથી હિજરી સંવતનો આરંભ થયો.

ઇ.સ. ૬૧૦ થી ૬૨૨સુધીના તેર વર્ષમાં મહંમદ સાહેબે જે દ્રઢતા, વિશ્વાસ,ધીરજ અને હિમતથી અનેક મુસીબતો વેઠતા વેઠતા ઇસ્લામનો પ્રચાર કરતા રહ્યા એ ઘટના જ વિશ્વ ઇતિહાસમાં અદભૂદ ઘટના છે. આ તેર વર્ષમાં માત્ર ૩૦૦ માણસોએ ઇસ્લામનો અંગીકાર કર્યો. અને છતાં મહંમદ સાહેબને તેમન અલ્લાહ અને તેના મઝહબમાં અતૂટ વિશ્વાસ અકબંધ રહ્યો હતો એ ઘટના જ માનવ સમાજમાં પ્રેરક છે.  

 

--------------------------------------------------------------------------- 

                                      સીરતુલ નબી

૧૯     

મહંમદ સાહેબ ઉત્તમ સેનાપતિ અને યુદ્ધ વ્યૂહરચનાના જ્ઞાતા હતા. પણ તેમના યુધ્ધોનો મુખ્ય સિધ્ધાંત રક્ષણાત્મક કે રચનાત્મક હતો. આક્રમક કે  હિંસાત્મક ન હતો. મહંમદ સાહેબે તેમના જીવનકાળ દરમિયાન કુલ ૨૪ યુદ્ધોમાં ભાગ લેવો પડ્યો હતો.  તમામ યુધ્ધો 

સત્તા કે વિસ્તારની અભિલાષા માટે નહોતા લડાયા. પરંતુ પ્રજાના રક્ષણ માટે  મહંમદ સાહેબે તેમાં 

લશ્કરને દોર્યું હતું. મહંમદ સાહેબે લડવા પડેલા ૨૪ યુધ્ધો આક્રમક નહિપણ સંપૂર્ણ પણે રક્ષણાત્મક

હતાતે તેમાં થયેલા માનવ સંહારના આંકડાઓ પરથી જાણી શકાય છે. ૨૪ યુદ્ધોમાં મહંમદ 

સાહેબના લશ્કરના માત્ર ૧૨૫ સૈનિકો શહીદ થયા હતા. જયારે સામા પક્ષે ૯૨૩ સૈનિકો  

મરાયા હતા. જો કે મૃતકોની  સખ્યામાં યુદ્ધના મેદાનમાં મરાયેલા સૈનિકો તો જુજ  હતા. પણ કુદરતી આફતો અને રોગચાળામાં મરાયાની સંખ્યા વિશેષ હતી. યુદ્ધમાં પકડાયેલા કેદીઓ સાથેનો તેમનો વ્યવહાર પણ માનવીય અને રચનાત્મક હતો.

જંગેબદ્ર (બદ્રના યુદ્ધ)માં પકડાયેલા કેદીઓને શી સજા કરાવી એ અંગે બધા વિચારી રહ્યા હતા. કોઈકે આ અંગે મહંમદ સાહેબને પૂછ્યું,

"યુધ્ધમાં પકડાયેલા કેદીઓને આપણે શી સજા કરીશું ?"

આપે ફરમાવ્યું,

"દરેક ભણેલો કેદી દસ દસ અભણોને લખતા વાંચતા શીખવે એ જ તેની સજા છે. દંડ છે."

યુદ્ધનો પરિચય તો મહમંદ સાહેબને આઠ દસ વર્ષની વયે જ થઇ ગયો હતો. અરબસ્તાનના ઇતિહાસમાં  “હરબે ફિજાર” અર્થાત અપવિત્ર યુધ્ધના મહંમદ સાહેબ સાક્ષી હતી. આ લાંબા યુધ્ધમાં હઝરત મહંમદ સાહેબે પોતાના કાકાને તીરો આપવાનું કાર્ય કર્યું હતું. ૫૫ વર્ષની વયે મહંમદ સાહેબને યુદ્ધનો સામનો કરવો પડ્યો હતો.

મક્કાથી ૨૮૬ માઈલ દૂર મદીનામાં મહંમદ સાહેબે સ્થાપેલ સામ્રાજયની હિફાઝત. માટે કુરેશીઓ સામે યુદ્ધ કરવું પડ્યું હતું. એક દિવસ ૭૦૦ ઊંટો, ૧૦૦૦ ઘોડા, અને એક હજાર ચુનંદા સૈનિકો સાથે કુરેશઓ મદીના પર ચડી આવ્યા. ત્યારે નાછૂટકે મહંમદ સાહેબએ ખુદા પાસે તેમનો સામનો કરવની પરવાનગી માંગી. અને તેમની એ દુઆના સંદર્ભમાં એક આયાત ઉતરી. તેમાં કહેવામાં આવ્યું હતું,

“શું તમે એવા લોકો સામે નહિ લડો, જેમણે પોતે જ લાડીનો આરંભ કર્યો છે ?”

ખુદાનો આવો આદેશ મળતા મહંમદ સાહેબ માત્ર ૩૧૩ સૈનિકો સાથે રક્ષણાત્મક યુદ્ધ માટે નીકળી પડ્યા હતા.”બદ્ર” નામની હરિયાળી ખીણમાં ઈ.સ. ૬૨૪માં આ યુદ્ધ લડાયું. એટલે તેને ઇસ્લામિક ઇતિહાસમાં “જંગેબદ્ર” અર્થાત બદ્રની લડાઈ કહે છે. કુરુક્ષેત્રના યુદ્ધ જેમ જ આ યુધ્ધમાં પણ અંત્યત નીકટના કુટુંબીજનો સામસામે હતા. યુદ્ધ પહેલા મહંમદ સાહેબે સમાધાન કરવાના પ્રયાસો કર્યા હતા. પણ કુરેશ લશ્કરને તેની તાકાત અને શસ્ત્ર સરંજામનો ભરપૂર અહંકાર હતો.

યુદ્ધ પૂર્વે કુરૈશનું એક હજારનું લશ્કર મૈદનમાં મોકાની જગ્યાએ મોરચો માંડી ગોઠવાઈ ગયું હતું. જ્યાં તેમનો પડાવ હતો, ત્યાં જમીન સમથળ હતી. જમીન પર ધૂળ અને માટી હતી. જેથી સૈનિકો આસાનીથી ફરી શકતા. મહંમદ સાહેબના લશ્કરનો પડાવ રેતાળ જમીન પર હતો. જેથી સૈનિકોને હરવા ફરવામાં તકલીફ પડતી હતી. આસપાસ કોઈ કુવો કે પાણીનો ઝરો પણ ન હતા. જેથી પાણીની સમસ્યા પણ સતાવતી હતી. મહંમદ સાહેબ યુધ્ધના ઉત્તમ આયોજક હતા. તેમણે છેલ્લી ઘડીએ લશ્કરનો પડાવ બદલી નાખ્યો. કુરૈશના લશ્કરથી ઊંચાણવાળા સ્થળે લશ્કરને ફેરવી નાખ્યું. ત્યાં પાણીની પુરતી સગવડ હતી. ઊંચાણવાળો ભાગ હોઈને કુરીશના લશ્કરની બધી હિલચાલ જોઈ શકાતી. યુધ્ધના આરંભ પૂર્વે મહંમદ સાહેબે સાંકેતિક શબ્દ “શિઆર” (આચરણ) પોતાના લશ્કરને અંતિમ સમયે આપ્યો. આ શબ્દ દુશ્મન પર અચાનક હુમલો કરવા કે પોતાના સૈનિકોને ઓળખવા માટે વપરાયો હતો. મહંમદ સાહેબની આવી યુદ્ધ કુનેહ અને ખુદની રહેમતથી માત્ર ૩૧૩ સૈનિકો કુરૈશના ૧૦૦૦ના લશ્કર પર ભારે પડ્યા. ખુદાએ યુધ્ધના સમયે જ ભારે વરસાદ મોકલી આપ્યો. એટલે નિચાળવાળા ભાગમાં જ્યાં કુરૈશ લશ્કરનો પડાવ હતો, ત્યાં પાણી ભરાવાથી ભયંકર અવ્યવસ્થા સર્જાય. અને મહંમદ સાહેબ હિંસાના જરા પણ અતિરેક વગર યુદ્ધ જીતી ગયા.

--------------------------------------------------------

સીરતુલ નબી

      ૨૦       

એક પિતા તરીકેની મહંમદ સાહેબની ભૂમિકા કપરી રહી છે. પિતા તરીકે પોતાનો સમગ્ર પ્રેમ હઝરત ફાતીમા પર વરસાવનાર મહંમદ સાહેબને જાણવા માણવાએ લહાવો છે. પુત્રીના પ્રેમ સામે ઇસ્લામના નિયમો સાથે મહંમદ સાહેબે ક્યારેય બાંધછોડ નથી કરી. અને છતાં આપ  આદર્શ પિતા બની રહ્યા હતા. હઝરત ફાતીમાની શાદી મહંમદ સાહેબે ઈચ્છ્યું હોત તો અરબસ્તાનના ધનાઢય કુટુંબમાં કરી શક્યા હોત. પણ મહંમદ સાહેબે ધન કરતાં સંસ્કારો અને ઇસ્લામના આદર્શોને પ્રાધાન્ય આપ્યું હતું. અને તે પણ હઝરત ફાતીમાની સંમતિ સાથે. એક દિવસ હઝરત અલીએ જ્યારે ફાતિમાના હાથની માંગણી કરી ત્યારે સૌપ્રથમ એક આદર્શ પિતા તરીકે પુત્રી ફાતિમાની મરજી જાણવાનું મુનાસીબ સમજ્યું. અને પુત્ર ફાતિમાને આપે પૂછ્યું, “બેટા ફાતિમા, આ રિશ્તા અંગે તારું શું મંતવ્ય છે ?”

પુત્ર ફાતિમા પ્રશ્ન સાંભળી મૌન રહ્યા. પણ તેમના ચહેરા પર સંમતિનું સ્મિત હતું. મહંમદ સાહેબએ તે જોઈ ફરમાવ્યું,

“બેટા ફાતિમા, તારી ખામોશીમાં મને તારી મરજી દેખાય છે”

અને આમ ચારસો મિસકાલ મિહર (લગભગ એકસો આઠ રૂપિયા)ની રકમથી હઝરત અલી અને ફાતિમાના નિકાહ થયા. નિકાહનો ખુત્બો (પ્રાર્થના) ખુદ મહંમદ સાહેબે જાતે જ પઢયો. જેના અંગે મહંમદ સાહેબે ફરમાવ્યું છે,

“મને અલ્લાહતાલા નો હુકમ છે કે હું ફાતિમાના નિકાહ હઝરત અલી સાથે કરાવી દઉં. હું તમને સૌને ગવાહ બનાવીને કહું છું કે મેં ફાતિમાના નિકાહ ચારસો મિસકાલના બદલામાં અલી સાથે કરાવ્યા છે.”

નિકાહ પછી એક પિતા પોતાની પુત્રીને જેમ દુઃખી હદય વળાવે તેમજ મહંમદ સાહેબ ભારે હદયે પુત્રીને પોતાના ઘરના બારણા સુધી વળાવવા ગયા હતા. અને વિદાય આપતા પૂર્વે પુત્રી ફાતિમાના કપાળ પર ચુંબન કરી ફરમાવ્યું હતું,

“હવે તમે બંને તમારા ઘરે જાવ.”

વિદાય વેળાએ પ્યારા પયગમ્બર મહંમદ સાહેબએ ધાર્યું હોત તો પોતાની વહાલી પુત્રી હઝરત ફાતીમાને દહેજ દુનિયાની તમામ સોગાદો આપી હોત. પણ મહંમદ સાહેબ સાદગી અને સહજતાની  મિશાલ હતા. તેમણે પોતાની પુત્રી ફાતિમાને વિદાય વેળાએ કુલ અગિયાર વસ્તુઓ આપી હતી. જેમાં એક ખજૂરના વાણનો ખાટલો, એક ચામડાનું ગાદલું જેમાં ખજૂરના પાંદડા ભરેલા હતા, બે  પાણીની ગાગર, બે માટીના વાડકા, એક પાણી ભરવાની મસ્ક, એક ખજૂરીનો મસ્સ્લો  (નમાઝ પઢવાની શેતરંજી), એક તસ્બીહ (માળા) અને એક લોટ દળવાની પથ્થરની ઘંટી.

વિદાયના બીજે દિવસે મહંમદ સાહેબ પોતાની પુત્રી ફાતિમાને મળવા તેમના ઘરે ગયા. દરવાજા બહાર એક પિતાએ પોતાની પુત્રીના ઘરમાં પ્રવેશવા રજા માંગી. પિતાનો અવાજ સાંભળી પુત્રી ફાતિમા દરવાજે દોડી આવ્યા. મહંમદ સાહેબ પુત્રી ભેટી પડ્યા. પછી એક વાસણમાં પાણી મંગાવ્યું  અને પોતાના બન્ને હાથો પાણીથી ભીના કર્યા. પછી પ્રથમ જમાઈ હજરત અલી પર પાણીનો છંટકાવ કર્યો. પછી પુત્ર ફાતિમાના માથા પર ભીનો હાથ ફેરવ્યો અને ફરમાવ્યું,

“ફાતિમા મેં પોતાના ખાનદાનના. સૌથી ઉચ્ચ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે તારા નિકાહ કર્યા છે.”

અને બીજો હાથ હઝરત અલીના ખભા પર મુકતા ફરમાવ્યું,

“અલી તારી પત્ની સર્વશ્રેષ્ઠ સ્ત્રીઓની માની છે. તે મારા કલેજાને  ટુકડો છે.”

અને મહંમદ સાહેબની ગળાની ભીનાશ આંખોમાં ઉતરી આવી અને ચૂપચાપ તેઓ ઘરમાંથી બહાર નીકળી ગયા

નિકાહ પછી ઘર સંસારના વહનમાં પુત્રી ફાતિમાએ પિતાની હિદયાતોને કેન્દ્રમાં રાખી હતી. 

એકવાર હઝરત અલી સફરમાંથી ઘરે આવ્યા અને કહ્યું,

“મને ભૂખ લાગી છે જે કઈ જમવાનું હોય તે મને આપો.”

“ત્રણ દિવસથી ઘરમાં જવનો દાણો સુદ્ધાં નથી.”

 હઝરત અલી નવાઇ પામ્યા.

 “તે મને કહ્યું કે નહીં ?”

 હઝરત ફાતીમા ફરમાવ્યું,

 “મારા પિતાની નસીહત (શિખામણ) છે કે પતિ ને કદી સમસ્યાઓથી પજવીશ નહીં”

અને એટલે જ બીબી ફાતેમા ઘરનું તમામ કામ જાતે કરતા. પાણી ભરવું, વાસણો સાફ કરવા અને લોટ દળવો. કયારેક તો લોટની ઘંટી ચલાવતાં ચલાવતાં તેમના હાથમાં છાલા પડી જતા. છતાં સબ્રથી ઘરકામ કરતા રહેતા. એકવાર હઝરત અલીએ પત્નીની દયા ખાઈ મહંમદ સાહેબે ફરમાવ્યું,

“ફાતિમા ઘરનું કામ કરીને ખૂબ થાકી જાય છે. એટલે ગનીમતના માલમાં જે નોકરાણીઓ આવી છે તેમાંથી એક આપો તો ફાતિમાને કામમાં રાહત થાય,”

મહંમદ સાહેબે શાંત સ્વરે ફરમાવ્યું,

“હાલ મસ્જીદે નબવીમાં ચારસો ઇસ્લામના પ્રચારકો આવ્યા છે. તેમની ખિદમત (સેવા)માંથી નોકરોને ફારિગ (મુક્ત) કરી શકાય નહીં”

અને હઝરત અલી ચૂપ થઈ ગયા. પિતા પુત્રીનો આવો સ્પષ્ટ અને સાચુકલો પ્રેમ ઇસ્લામની  જણસ છે. 

----------------------------------------------------------------------------------

                                       સીરતુલ નબી

૨૧        

હઝરત મહંમદ પયગંબર સાહેબે પોતાની ૬૧ વર્ષની આયુમાં કુલ ૧૦ નિકાહ કર્યા હતા. પરંતુ તેમના પ્રથમ નિકાહ હજરત ખદીજા સિવાયના બાકીના નિકાહોઓ સમયની રાજકીય અને સામાજિક અનિવાર્યતાને કારણે કર્યા હતા. અંગે ઇતિહાસ સ્ટનલી લેનપોલ લખે છે,

બાકીના લગ્નોનો ઉદ્દેશ કેવળ રાજકીય એટલે કે એકબીજાની વિરુદ્ધના પક્ષોના સરદારોને એક સૂત્રમાં બાંધવાનો હતો.”

 આમ છતાં દરેક પત્ની સાથેનો મહંમદ સાહેબનો વ્યવહાર વર્તન અને પ્રેમ સમાન હતા. એક પણ પત્ની સાથે કડવાસ કે અસમાનતા મહંમદ સાહેબના સમગ્ર જીવનમાં ક્યાંય જોવા મળતી નથી. મહંમદ સાહેબના પ્રથમ લગ્ન હજરત ખદીજા સાથે થયા હતા. હજરત ખદીજા મહંમદ સાહેબ કરતા ૧૫ વર્ષ મોટા હતા. છતાં તેમની સાથેનો મહંમદ સાહેબનો વ્યવહાર પ્રેમાળ વિશ્વાસ પૂર્ણ હતો. હઝરત ખદીજા પ્રથમ વ્યક્તિ હતા, જેમણે સૌ પ્રથમવાર મહંમદ સાહેબ પર વિશ્વાસ મૂકી ઇસ્લામનો અંગીકાર કર્યો હતો. ઇસ્લામના પ્રચાર-પ્રસારના આરંભિક દિવસો અત્યંત કપરા હતા. લોકો મહંમદ સાહેબને ધુત્કારતા, મારી નાંખવાની ધમકીઓ આપતા, એવા સમયે હજરત ખદીજાની હિંમત તેમનું બળ હતું.

૨૫ થી ૫૦ વર્ષની ઉંમર સુધી મહંમદ સાહેબએ એક પત્ની હજરત ખદીજા સાથે જિંદગી ગુજારી હતી. તેમનું લગ્નજીવન આદર્શ હતું. ઇતિહાસ સ્ટનલી લેનપોલ અંગે લખે છે

“૨૫ વર્ષ સુધી મહંમદ સાહેબ પોતાનાથી મોટી ઉંમરની પત્ની સાથે વફાદારીપૂર્વક રહ્યા. તેમની પત્નીની ઉંમર ૬૫ વર્ષની હતી ત્યારે પણ તેને નિકાહ વખતે જેટલી ચાહતા હતા તેટલી ચાહતા હતા. ૨૫  વર્ષમાં મહંમદ સાહેબના સદવર્તન સામે ક્યારે કરશો શ્વાસ સુતા સંભળાયો નહોતો.”

 હઝરત ખદીજાના અવસાન પછી મહંમદ સાહેબે જીવનના અંતિમ તેર વર્ષોમાં નવ લગ્ન કર્યા. અને તમામ લગ્નો સામાજિક અને રાજકીય સમસ્યાઓ અને સંગઠનના સંદર્ભે   કર્યા હતા.  હઝરત ખદીજાના અવસાન બાદ મહંમદ સાહેબના બીજા લગ્ન તેમના જિંદગીભરના સાથે હઝરત અબુબકરની પુત્રી હઝરત આયેશા સાથે થયા હતા. તે સમયે હઝરત આયેશાની ઉંમર અઢાર વર્ષની હતી.

મહંમદ સાહેબની સમજદારીની પરાકાષ્ઠા આમાં નજરે પડે છે. પંદર વર્ષ મોટી પત્ની હજરત ખદીજા સાથે સમજદારી અને પ્રેમપૂર્વક પચ્ચીસ વર્ષ સુધી રહેનાર મહંમદ સાહેબ પોતાનાથી ઘણી નાની ઉંમરની પત્ની હઝરત આયશા સાથે પણ તેના માનસિક સ્તરે જઈ, એક આદર્શ પતિ તરીકે કામિયાબ રહ્યા હતા. તેની પાછળનું મૂળભૂત કારણ મહંમદ સાહેબની પત્નીઓ સાથેની નિખાલસતા, અહંમથી પર પ્રેમાળ મોહબ્બત હતી. અરબસ્તાનના બાદશાહનો ખિતાબ ધરાવતા હોવા છતાં મહંમદ સાહેબની સાદગી અને સહજ વ્યવહાર સૌ પત્નીઓને ગમતો હતો.

મહંમદ સાહેબ હંમેશા પ્રેમાળ અને પ્રફુલ્લિત ચહેરે પોતાની પત્નીઓ સાથે વર્તતા. પત્નીને ઘરના  કામમા સહાય કરતા. પત્ની લોટ ગૂંદતી હોય તો મહંમદ સાહેબ તેમને પાણી આપતા. કદી ચૂલા માટે લાકડા લઇ આવતા. ક્યારેક પલંગની પાટી ઢીલી પડી ગઈ હોય તો તે ખેંચવા બેસી જતા. પત્નીઓના મિજાજ અને ગુસ્સાનું તેઓ ખાસ ધ્યાન રાખતા.

એકવાર હઝરત આયેશાએ મહંમદ સાહેબને જરાક  વક્ર શબ્દોમાં કહ્યું,

આપ તો ફરમાવો છો કે હું ખુદાનો પયગંબર છું.”

મહંમદ સાહેબ હઝરત આયશાના શબ્દો સાંભળી હસી પડ્યા. અને હસતા હસતા  ફરમાવ્યું,

“આયશા, તારી નારાજગી અને ખુશી બંનેને હું બરાબર ઓળખું છું.”

 કેવી રીતે ?” હજરત આઈશાએ પૂછ્યું.

મહંમદ સાહેબે ફરમાવ્યું,

જયારે તું ખુશ હોય છે ત્યારે “કસમ છે મહંમદના ખુદાની” કહે છે. અને જ્યારે તું નારાજ હોય છે ત્યારે તું કહે છે “કસમ છે ઈબ્રાહિમના ખુદાની”

 હઝરત આયશા મહંમદ સાહેબની વાત સાંભળી એકદમ હળવા થઈ ગયા. અને બોલ્યા,

“બેશક ખુદાના રસુલ આપે સાચું ફરમાવ્યું છે. જ્યારે હું નારાજ હોઉં છું ત્યારે હું આપનું નામ નથી લેતી.”

મહંમદ સાહેબના સમગ્ર જીવનમાં પત્નીઓ સાથેના અસમાન અને અપમાનીત વ્યવહારનું એક પણ દ્રષ્ટાંત જોવા મળતું નથી. મહંમદ સાહેબે પોતાના ઉપદેશોમાં પણ પત્ની સાથેના રહેવા અંગે વારંવાર કહ્યું છે,

 મુસ્લિમ પોતાના હાથથી  લુકમો  (કોળીયો) બનાવીને પોતાની પત્નીના મુખમા મૂકે તો તેનો પણ સવાબ (પુણ્ય)છે.”

હજરત ખદીજાના અવસાન સમયે હઝરત મહંમદ સાહેબ અત્યંત દુઃખી હતા. એ સમયે હજરત ખદીજાના બહેન બીબી હાલહરે મહંમદ સાહેબને સાંત્વના આપતા કહ્યું હતું,

એ વૃદ્ધના અવસાનથી આપ આટલા દુઃખી કેમ છો ?”

ત્યારે મહંમદ સાહેબે દુઃખી સ્વરે ફરમાવ્યું હતું,

જ્યારે લોકો મને ધિક્કારતા હતા ત્યારે તેણે મને પ્રેમ અને હિંમત આપ્યા હતા. જ્યારે કોઈ મારો મદદગારો હતો, ત્યારે ખદીજા મારી સાચી હમદર્દી હતી.”

 વિશ્વમાં પતિનો દરજ્જો ભોગવનાર પુરુષોનો તોટો નથી. પણ ખુદાના પેગંબર અને અરબસ્તાનના બાદશાહનો દરજ્જો ભૂલી એક સામાન્ય પણ આદર્શ પતિ બની રહેનાર તો એકમાત્ર હઝરત મહંમદ પયગંબર હતા અને રહેશે.