Wednesday, May 13, 2026

વિયેતનામ અને ફિલિપિન્સની સાંસ્કૃતિક સમાનતાઓ : ડૉ મહેબૂબ દેસાઈ

 ઓસ્ટ્રલિયાના નિવાસ દરમિયાન ૩૦ એપ્રિલ થી ૮ મે ૨૦૨૬ દરમિયાન બે દેશોના મોટા શહેરોની  મુલાકાત લેવાની તક સાંપડી. ફિલિપિન્સ ની રાજધાની મનીલા (મૂળ નામ સાઈગોન) અને વિયેતનામનું શહેર હો ચી મિનહ. બંને દેશોના ઇતિહાસ, અને સામાજિક, સાંસ્કૃતિક બાબતોનો અભ્યાસ આનંદદાયક રહ્યો. વિયેતનામ અને ફિલિપિન્સ બંને દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશો છે, જેના કારણે તેમની સંસ્કૃતિમાં ઘણી સમાનતાઓ જોવા મળે છે. જો કે તેમના પર અલગ-અલગ ઐતિહાસિક પ્રભાવો (વિયેતનામ પર ચીની અને ફિલિપિન્સ પર સ્પેનિશ/અમેરિકન) રહ્યા છે.

સૌ પ્રથમ તો બંને દેશોમાં માતૃભાષાને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અત્રે અંગ્રેજી જાણનાર અને સમજનાર વર્ગ ઓછો છે. બંને સંસ્કૃતિમાં પરિવારને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવેલ છે. સંયુક્ત પરિવારમાં મોટાભાગે વડીલો અને બાળકો સાથે રહે છે. બંને દેશો લાંબા સમય સુધી વિદેશી શાસન હેઠળ રહ્યા છે, જેની અસર તેમની ભાષા, ખાનપાન અને જીવનશૈલી પર સ્પષ્ટ દેખાય છે. ભોજન માં પણ બંને દેશોમાં સમાનતા જોવા મળે છે.

બંને દેશોમાં ચોખા (Rice) એ દૈનિક આહારનો મુખ્ય હિસ્સો છે. નૂડલ્સ અને સૂપ: વિયેતનામી 'ફો' (Pho) અને ફિલિપિનો 'પેન્સિટ' (Pancit) જેવા નૂડલ્સ આધારિત વાનગીઓ લોકપ્રિય છે. ઈંડા અને ચિકનની વાનગીઓ પણ અત્રે જોવા મળે છે. ભૌગોલિક રીતે દરિયાકિનારા નજીક હોવાથી, બંને દેશોના લોકોનું જીવન પ્રકૃતિ, માછીમારી અને કૃષિ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. ભારત જેમ અત્રે પણ રોડના ફૂટપાથ પર ઠેલા કે લારીમાં સ્ત્રીઓ ભોજન સામગ્રી વેચતી જોવા મળે છે. ભારતીય પ્રવાસીઓ માટે અત્રેનું ભોજન રુચિ પૂર્ણ ન લાગે એ સ્વાભાવિક છે. જો કે ફિલિપિન્સ કરતાં વિયેટનાંમાં ગુજરાતી કે ભારતીય ભોજન આસાનીથી ઉપલબ્ધ છે. વિયેતનામ ના શહેર હો ચી મિનહમાં મારી હોટેલ એલાગોન ડી’એન્ટિક બોનટેક હોટેલ એન્ડ સ્પાની બરાબર સામે જ બે ગુજરાતી રેસ્ટોરન્ટ હતી. જ્યાં સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન મળતું હતું. જ્યારે ફિલિપિન્સના શહેર મનીલામાં ભારતીય અને ગુજરાતી ભોજન મળવું અત્યંત મુશ્કેલ હતું. જો કે બહુ મુશ્કેલીથી મને એક ભારતીય રેસ્ટોરન્ટ “ક્વીન ઑફ બોલિવૂડ” મકાતી વિસ્તારમાં મળી હતી.

એક અન્ય સમાનતા બંને દેશોમાં જોવા મળી. બંને દેશોએ પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પરિણામે તેમના ઇતિહાસ અને પ્રવાસ સ્થાનોમાં યુદ્ધ વિષયક સામગ્રી ભરપૂર માત્રામાં જોવા મળે છે. જેમ કે ફિલિપિન્સના શહેર મનીલાના નેશનલ મ્યુજિયમમાં આજે પણ હિટલરના બંકર જેવા બંકરો યથાવત છે. જયાં યુદ્ધ આયોજનની અનેક સામગ્રી અને સગવડતાઓ સચવાયેલ જોવા મળે છે. એ જ રીતે વિયેતનામના હો ચી મિનહમાં પણ યુદ્ધની સિક્રેટ ટનલ્સ અને વેપન્સ બંકરો અને ટેન્કો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ બની રહ્યા છે. લશ્કરના સૈનિકો માટેના નાનકડા બંકરોમાં એક વ્યક્તિ પણ માંડમાંડ અંદર દાખલ થઈ શકે છે. છતાં પ્રવાસીઓ તેમાં હોંશે હોંશે દાખલ થઈ ફોટો પડાવવાનું ચુકતા નથી.  

પ્રવાસીઓ માટે ટ્રાન્સપોર્ટ સર્વિસ ફિલિપિન્સમાં થોડી મુશ્કેલ છે. અહિયાં ઉબર સર્વિસ નથી. પરિણામે ટેક્ષીવાળા મનફાવે તેવા પૈસા તમારી પાસેથી લે છે. મનીલાની મારી હોટેલ આઈ એમ હોટેલે થી એરપોર્ટ જવાના ૧૦૦૦ પૈસા (પૈસા અત્રેનું ચલણ છે)મારી પાસે માંગ્યા હતા. પણ જ્યારે હોટેલે મારા માટે ટેક્ષી બૂક કરી, તો તેણે મારી પાસે થી માત્ર ૨૭૦ પૈસા જ લીધા. જો કે  વિયેતનામમાં પણ ઉબર સર્વિસ નથી પણ અત્રે ગ્રેબ નામક સર્વિસ ઉત્તમ છે. જે કાર, બાઇક, ફૂડ, જેવી સર્વિસ આપે છે. તેમા છેતરાવાની શકયતા ઓછી છે. વિયેતનામના હો ચી મિનહ શહેરમાં જીપની નામક બસ સર્વિસ પણ સસ્તી અને ઉત્તમ છે. મોટે ભાગે આમ પ્રજા તેનો જ ઉપયોગ કરે છે. એ સિવાય બાયકર પણ અહિયાં જોવા મળે છે. અર્થાત ત્રણ પૈડાંનું બાઈક. જેમાં પાછળ બે જણ બેસી શકે છે. એ ચલાવવાની તક મને સાંપડી હતી.   

બંને દેશો માં ગરીબી નું પ્રમાણ છે. છતાં બંને દેશો ની પ્રજામાં શિષ્ટાચાર અને શિસ્ત ઉમદા છે. બંને દેશોના લોકો મહેમાનગતિ માટે જાણીતા છે. વિયેતનામની હોટેલના રિસેપનિસ્ટ સ્ટાફ પ્રવાસીના આગમન સાથે જ ઊભા થઈને તેનું સ્વાગત કરવાનું ચૂકતા નથી. મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવું અને તેમને ભોજન કરાવવું એ સંસ્કૃતિનો ભાગ છે. સામાજિક મેળાવડા અને ઉત્સવોમાં પરિવાર તથા મિત્રો સાથે મળીને ઉજવણી કરવી બંને જગ્યાએ સામાન્ય છે. બંને દેશોના ચલણ પણ ભિન્નતા છે. ફિલિપિનસ માં ચલણ તરીકે પૈસા ચાલે છે, જ્યારે વિયતનામમાં ડોંગ છે. જેની ગણના લાખો કારોડોમાં થાય છે. જે કોઈ પણ ભારતીય માટે ગણતરી માં ઘણીવાર સમસ્યા સર્જે છે.  

 

Thursday, April 23, 2026

Mehboob Desais Visit Itinerary of Philippines and Vietnam

 

Departure from Hobart 6.05 AM 29 (April 2026)  

Arrival at Sydney

8.05 AM

Stay at The Pyrmont Budget Hotel Sydney (One Day)

Departure 30 April 11.15 AM for Manila  

Sydney International Airport

Arrival at Manila (Ninoy Aquino International) Air Port

06.10 PM

Stay 30 April to 4 May at I’M Hotel

(Phone No +63 2 7755 7888)

Departure for Ho Chi Minh, 4 May 2026, 06.45 AM

Arrival at SGN Ho Chi Minh City (Tan Son Nhat International Air Port) Vietnam

08.30 AM

Stay 4 to 8 May 2026 at Alagon D’antique Boutique Hotel & Spa

(Phone No +84 967 047 193)

Departure for Sydney 8 May 2026, 07.55 PM 

Arrival at Sydney international Air Port

07.20 AM 9 May 2026

Departure for Hobart  

10.10 AM Sydney Domestic Air Port

Arrival At Hobart

12.05 PM Hobart International Air Port  

Friday, March 27, 2026

માણસ માત્ર ભૂલ ને પાત્ર : ડૉ મહેબૂબ દેસાઈ

 

ગુજરાતી માં આ કહેવત બહુ જાણીતી છે “માણસ માત્ર ને ભૂલ ને પાત્ર”. ગુજરાતી

શબ્દ કોષ મુજબ ભૂલ એટલે ચૂક, ખામી, ગફલત, છેતરાવું, ગેરસમજ કે વિસ્મૃતિ.

ભૂલ માનવ જીવન સાથે સંકળાયેલ સહજ ઘટના છે. દરેક નાનો કે મોટો, જ્ઞાની કે અજ્ઞાની, અમીર કે ગરીબ જીવનમાં ભૂલ કરે જ છે. ઘણીવાર એક ભૂલ માનવીનું જીવન પલટી નાખે છે. ૯ જુનના રોજ ગુજરાતના જેલ અધિકારી શ્રી પી.સી.ઠાકુરસાહેબના આગ્રહથી મને સાબરમતી જેલના કેદીઓ સમક્ષ વાત કરવાની તક સાંપડી. જેલ કાર્યાલયમાં સ્થાનિક જેલ અધિકારી ચોધરી સાહેબે મારું સ્વાગત કર્યું. એ પછી જેલ સુરક્ષાના ભાગ રૂપે સૌ પ્રથમ મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો. પછી ચોધરી સાહેબ મને એક મોટા ખંડમાં લઈ ગયા. લગભગ ૨૦૦ જેટલા કેદીઓ શિસ્તબધ રીતે હોલમાં બેઠા હતા. ચોધરી સાહેબે મારો ટૂંકો પરિચય આપ્યો અને મેં કવિ કલાપીના કાવ્ય,

રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતરીયું છે.
પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્ય શાળી બને છે.”
ની પંક્તિથી મારા વ્યાખ્યાનનો આરંભ કર્યો. અને કહ્યું,

“આપ સૌ સજ્જન નાગરિકો છો. પણ ઉશ્કેરાટ કે આવેગમાં આપે કરેલી નાનકડી ભૂલને કારણે આપને અહિયાં આવવું પડ્યું છે.” અને સૌ કેદીઓના ચહેરા પર મારા વિધાનની અસર મે અનુભવી. આજના સંદર્ભમાં જોઈએ તો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પએ ઈરાનને યુધ્ધમાં નોતરી મોટી ભૂલ કરી, આખા વિશ્વને મુશ્કેલીમાં મૂકી દીધું છે, એવું આપણને સાંભળવા મળે છે. એટલે ભૂલ એ સર્વ સામાન્ય બાબત છે. પણ તેના પરિણામો કયારેક ઘણા ગંભીર આવે છે. અને તે વ્યક્તિ અને સમગ્ર માનવ સમાજને અસર કરતાં હોય છે.

માનવી ભૂલ કયા સંજોગોમાં અને કયારે કરે છે, તેના મૂળભૂત કારણો જાણવા જેવા છે.

૧. વિષય કે સ્થિતિની જાણકારી નો અભાવ કે અજ્ઞાનતા.

૨. ઉતાવળ કે શરત ચૂક નું પરિણામ.

૩. અમુક પરિસ્થિતિમાં ઉદાસીનતા કે ઉદારતા.

૪. માનવીનો માનવી પર અતૂટ વિશ્વાસ.

૫. મહત્વકાંક્ષાની પુર્તિ   

આવા કારણો માનવીને ભૂલ કરવા પ્રેરે છે. ક્યારેક માનવી પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. પણ એ સમયે સમાજ કે અન્ય માનવીઓની પ્રતિક્રિયાઓ ભિન્ન હોય છે. ગાંધીજીએ ભારતના સ્વાતંત્ર સંગ્રામના પ્રથમ તબક્કામાં “અસહકાર આંદોલન”નો આરંભ કર્યો હતો. પણ એ આંદોલનમાં હિંસા પ્રવેશતા તેમણે દુ:ખ સાથે જાહેર કહ્યું હતું,

“મે પહાડ જેવડી મોટી ભૂલ કરી છે. અને તેથી હું આ આંદોલન બંધ કરું છું.”

અને ત્યારે ગાંધીજીની એ ભૂલ અંગે સારી નરસી અનેક પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં

ચિતરંજનદાસ, મોતીલાલ નહેરુ અને લાલા લજપત રાયની ટિપ્પણીઓ ઇતિહાસમાં

નોંધાયેલી છે. ગાંધીજીની એ ભૂલની સજા રૂપે છ વર્ષની કારાવાસની સજા બ્રિટિશ

સરકારે તેમને આપી હતી.

આ તો મહાન માનવીના જીવનની વાત થઈ પણ સામાન્ય માનવીની ભૂલ ની સજાનું સ્વરૂપ

કઈક જુદું હોય છે. મારા એક મિત્ર એ હમણાં જ મને ફોન પર એક ઘટના કહી સંભળાવી.

તેણે પોતાની એપલ વોચ માટે એક કંપનીના વૉચના વિવિધ ડાયલો માટે ક્રેડિટ કાર્ડ દ્વારા

૨૦૦ રૂપિયા નું પેમેન્ટ ઑન લાઇન કર્યું. થોડા કલાકોમાં જ તેના એકાઉન્ટમાંથી બીજા

૨૦૦૦ રૂપિયા એ કંપનીએ લઈ લીધા. આવા ઓન લાઇન ફ્રોડ હમણાં બહુ થાય છે. પણ આ

ઘટનાની પ્રતિક્રિયા તેના સ્વજનો તરફથી જે આવી તે જાણવા જેવી છે. સૌ પ્રથમ તેના

યુવાન પુત્ર એ કહ્યું,

“પપ્પા, તમને જાણકારી ન હોય એવી કંપની પાસેથી કશું ઑન લાઇન ન ખરીદો.”

તેના અવાજમાં થોડો રોષ અને શીખ આપવાની ભાવના વ્યક્ત થતાં હતા.

મિત્રની પત્ની બાજુમાં જ બેઠા હતા. તેમણે પણ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું,

“હું તો તેમને વારંવાર કહું છું કે ઑન લાઇન ખરીદી કરવાનું બંધ કરો. પણ મારુ તો માનતા

 જ નથી.” ઘરના કિચનમાં પુત્રની પત્ની કામ કરતી હતી. તેણે મૃદુ સ્વરમાં કહ્યું,

“મારે પણ એકવાર આવું થયું હતું. ત્યારે મે તુરત કાર્ડ બ્લોક કરાવી નાખ્યું હતું. હવે તમારું કાર્ડ

પણ બ્લોક કરાવવું પડશે. અને નવું કાર્ડ આવતા એકાદ અઠવાડિયુ નીકળી જશે.”

મિત્ર એ ફોન પર આ ઘટના વ્યક્ત કરતાં મને દૂ:ખ સાથે કહ્યું,

“મહેબૂબ, આમાંથી એક પણ વ્યક્તિ એ એમ નથી કહ્યું કે “હશે થઈ જાય. એમા ચિંતા કરવાની

જરૂર નથી.”

તેની વાતનો સૂર સમજવા જેવો છે. માનવી પોતાની ભૂલ સ્વીકારે એ તેની સજ્જનતા છે. પણ

પછી ભૂલ કરનાર માનવીને સાંત્વન આપવું એ જ સાચી સજ્જનતા છે. પણ મોટે ભાગે આપણે

એવા સમાજમાં શ્વાસ લઈએ છીએ જેમાં ભૂલ કરનાર માનવીને સાંત્વન આપવા “હશે થઈ જાય”

જેવા શબ્દો કહેવાને બદલે તેને સલાહ કે સજા આપવાનું કે પોતાનો અનુભવ વ્યક્ત કરી

તેની ભૂલની આલોચના કરવાનું આપણે ચુકતા નથી. પરિણામે ભૂલ કરનાર માનવી પોતાની ભૂલ

સુધારવા પ્રત્યે સજાગ થવાને બદલે પોતાને ગુનાહિત મહેસૂસ કરવા લાગે છે. વળી તેને

સ્વજનો કે સમાજ ની આવી ટિપ્પણી પ્રત્યે મનોમન થોડો રોષ પણ આવે છે. આવો

રોષ સંયમિત માનવી મનમાં રાખે છે, તો ક્યારેક નાના મોટા સ્વરૂપમાં વ્યક્ત પણ કરી

નાખે છે. જેનું પરિણામ ઘર કે સમાજમાં કલેશ કે જેલવાસમાં આવે છે.

એટલે આવા સમયે સાચો પ્રતિભાવ એ છે કે ભૂલ કરનાર માનવીને ટીકા ટિપ્પણી, સલાહ

સૂચન કે જ્ઞાન આપવાના બદલે તેની ભૂલ પ્રત્યે તેને સ્વભાવિક કે સહજ ભાવે

સજાગ કરવાનો કે તેને પ્રતીકાત્મક ટકોર કરવાનો હોવો જોઈએ.  

અને ત્યારે જ “માનવ માત્ર ભૂલ ને પાત્ર” એ કહેવત સાચા અર્થમાં સાકાર થશે.

 

 

Sunday, January 18, 2026

પૂ મુરારી બાપુના હસ્તે પુસ્તક લોકાર્પણ કાર્યક્રમ : ૧૫ જાન્યુઆરી ૨૦૨૬













 "દિવ્ય ભાસ્કર" દૈનિક માં ૧૮ વર્ષો ચાલેલી મારી કૉલમ "રાહે રોશન" ના લેખોનો સંપુટ પાંચ પુસ્તકોમાં આર આર શેઠ દ્વારા પૂ મુરારી બાપુના હસ્તે ૧૫ જાન્યુઆરી ૨૦૨૦૨૬ ના રોજ ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ મુકામે પ્રકાશિત થયો. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા ડૉ વિદ્યુત જોશી, ડૉ મતાઉદ્દીન પીરજાદા અને ડૉ કેશુભાઈ દેસાઇ.  કાર્યક્રમની કેટલીક તસવીરો.