Sunday, June 25, 2023

આભ આંબીયાંની અનુભૂતિ : ડૉ. મહેબૂબ દેસાઈ*

 

ઇસ્લામમાં “મુકમમિલ ઇન્સાન” શબ્દ એવી વ્યક્તિ માટે વપરાયો છે, જે મૂલ્યનિષ્ઠ જીવનને વરેલો હોય. જે ધાર્મિક હોય પણ ધર્માંધ ન હોય. સૂફી પરંપરામાં પણ સૂફીસંતોના જે લક્ષણો વ્યક્ત થયા છે, તેમા સાદગી, શુધ્ધ ચરિત્ર, આચાર વિચારમાં સમાનતા, ભક્તિ, નિસ્વાર્થતા, અને દરેક ધર્મ પ્રત્યે સમભાવ કેન્દ્રમાં છે. એ જ રીતે જૈન ધર્મમાં પણ સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન, સમ્યક વાણી, અને સમ્યક ચરિત્રને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ તમામ ગુણોનો સમન્વય એટલે ડૉ. કુમારપાળ દેસાઈ એમ કહું તો કદાચ આપને અતિશયોક્તિ કે ખુશામત લાગશે. પણ એવું નથી. મે ક્યારેય કુમારપાળભાઈ પાસેથી કઈ જ મેળવ્યું નથી કે મેળવવાની અપેક્ષા રાખી નથી. અમારા વચ્ચેનો નાતો - રિશ્તો બે શિષ્ટ પુરુષો વચ્ચે હોય તેવો જ છે. અમે જયારે પણ મળીએ છીએ ત્યારે એક બીજાને પ્રેમ અને શિષ્ટાચારના આદર સાથે મળીએ છીએ. પણ એ વ્યવહારમાં માત્ર માનવી માનવી વચ્ચેનો નિર્મળ પ્રેમ જ વ્યક્ત થાય છે. અમારા આવા પવિત્ર સબંધો એકાદ બે વર્ષના નહીં, પણ ત્રીસ વર્ષ જૂના છે.

કુમારપાળ ભાઈના નામથી તો હું વર્ષોથી પરિચિત હતો. કોલેજ કાળમાં જયભિખ્ખુ સાહેબની કૉલમ “ઈંટ અને ઇમારત” નિયમિત વાંચતો. એ પછી એ કૉલમના લેખક તરીકે મે કુમારપાળ ભાઈને પણ વર્ષો માણ્યા છે. પણ અમારો સિધ્ધો પરિચય તો ભાવનગરના મુસ્લિમ સમાજના એક ઈનામ વિતરણ કાર્યક્રમને કારણે થયો. એક દિવસ કાર્યક્રમના આયોજકો મને મળવા મારી ઓફિસે આવ્યા. અને મને વિનંતી કરી કે,

“દેસાઈ  સાહેબ, અમારી ઈચ્છા કાર્યક્રમમાં મા. કુમારપાળ દેસાઇને બોલાવવાની છે. આપ જો તેમને અમારા વતી વિનંતી કરો અને તે આવે તો અમારા કાર્યક્રમમાં ચાર ચાંદ લાગી જાય”

હું તેમની વાત મનોમન સાંભળી રહ્યો. અને મનમાં વિચારી રહયો હતો કે કુમારપાળ ભાઈ સાથે મારે કોઈ જ પરિચય નથી. હું તેમને કેવી રીતે વિનંતી કરી શકું ? અને આ સજ્જનો મારા પર મદાર માંડીને બેઠા છે. છતાં મે તેમને મારી દ્વિધા કળવા ન દીધી અને કહ્યું,

“સારું હું પ્રયત્ન  કરીશ”

એક સવારે કુમારપાળ ભાઇનો લેન્ડ લાઇન નંબર શોધી મે તેમને હિમ્મત કરી ફોન કર્યો.

“હલ્લો, હું ભાવનગરથી મહેબૂબ દેસાઇ બોલું છું. ભાવનગર વિશ્વ વિદ્યાલયમાં અધ્યાપક છું. આપની સાથે બે પાંચ મિનિટ વાત કરી શકું ?”

“બોલો બોલો મહેબૂબ ભાઈ, કેમ છો ? આપણે મળ્યા નથી પણ આપના નામથી પરિચિત છું.”

આવો પ્રેમાળ પ્રતિભાવ સાંભળી મારો માનસિક ભાર થોડો હળવો થયો. અને મે તેમને કાર્યક્રમની વિગતો આપી અને કહ્યું,

“આપ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે પધારો એવી વિનંતી છે. કાર્યક્રમની તારીખ આપ જે કહેશો તે રાખીશું”

“ચોક્કસ આવીશ. પણ મને એકાદ દિવસનો સમય આપો. હું મારી અનુકૂળતા જોઈ તમને તારીખ જણાવીશ.”

“આપનો ખૂબ ખૂબ આભાર” 

એમ કહી અમે વાત પૂરી કરી. 

અને કુમારપાળ ભાઈ એ કાર્યક્રમમાં ભાવનગર સુધી આવ્યા અને સાચ્ચે જ કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા. વિદાય સમયે આયોજકોએ તેમને આપવા માટે પુરસ્કારનું કવર મને આપ્યું. મે રસ્તામાં ચાલતા ચાલતા તેમને આપતા કહ્યું,

“સર જી, આપના આવન જાવન ખર્ચ અને પુરસ્કારની અલ્પ રકમ છે.”

તેમણે એક નજર મારા તરફ કરી. પછી ચહેરા પર મીઠું સ્મિત પાથરતા  કહ્યું,

“મહેબૂબ ભાઈ આની જરૂર નથી”

“સર જી , આયોજકોએ પ્રેમથી આપને આપ્યા છે. ના ન પાડશો.”

એમણે પોતાની કારના દરવાજા પાસે પહોંચી કવરમાંથી એક નોટ કાઢી બાકીનું આખું કવર મને પરત કરતાં કહ્યું,

“મહેબૂબ ભાઈ, બસ હવે કશું ન બોલશો. કાર્યક્રમના બહાને આપને અને આપના સમાજને મળવાની મને તક મળી છે. વળી, આવા કાર્યક્રમોના આયોજનની આર્થિક સમસ્યાઓથી હું વાકેફ છું.”

અને મારો હાથ તેમના હાથમાં લઈ સસ્મિત સહેજ દબાવી તેઓ કારમાં બેસી ગયા. અને હું એમને   સદભાવનાથી ભીજયેલી આંખે જોઈ રહ્યો.

આવો જ એક અન્ય પ્રસંગ યાદ આવે છે. 5 ફેબ્રુઆરી 2001ના રોજ ઈશ્વર-ખુદાની ક્રુપાથી મને  અને સાબેરાને હજ યાત્રાએ જવાનો અવસર સાંપડ્યો. એ યુગમાં પૈસાની તાણ. હજ યાત્રા માટે દોઢ લાખ ભેગા કરવાના હતા. તેથી મે સ્વજનો મિત્રો અને મારા પીએફ માંથી લોન લેવા સુધીના પ્રયાસો આરંભી દીધા. એ વખતે કુમારપાળ ભાઈ દેસાઈ  ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપ પ્રમુખ અને ભોળાભાઈ પટેલ પ્રમુખ. મારા એક પુસ્તકને અકાદમીની સહાય મળેલ. પુસ્તક છપાઈ ગયું. અકાદમીને મોકલી આપ્યું છતાં હજુ સહાયની રકમનો ચેક મળ્યો ન હતો. 

કુમારપાળ ભાઈ સુધી મારી હજ્જ યાત્રા અને નાણાં ભીડની વાત કેવી રીતે પહોંચી તે તો મને ખબર નથી. પણ એક દિવસ કુમારપાળ ભાઇનો મારા પર ફોન આવ્યો.

“મહેબૂબ ભાઈ, કેમ છો મજામાં ને ?”

“મજામાં છું સર જી”

“હજ યાત્રાએ જાવ છો તો અમારા માટે પણ પ્રાર્થના કરજો.”

“ચોક્કસ સર જી”

“અને હા, આજે જ તમારો ચેક પોસ્ટ કરી દીધો છે. એકાદ બે દિવસમાં તમને મળી જશે. ક્યારે નીકળવાના છો ?

“5 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ આવીશ. અને 10મી એ બપોરે ફ્લાઇટ છે.”

“મારી આપ બંનેને શુભેચ્છાઑ છે.”

અને તેમનો ફોન મૌન થઈ ગયો.  

આવા ગુણીજન કુમારપાળ દેસાઈ સાહેબ સાથે છેલ્લે તેમને કોઈક એવોર્ડ માટે અભિનંદન આપવા મે ફોન કર્યો અને કહ્યું,

“સર જી, હજુ કેટલા એવોર્ડ લેવા છે. કોઈક ના માટે કઈક તો રહેવા દો.”

અને ત્યારે તેઓ એટલું જ બોલ્યા,

“મહેબૂબ ભાઈ, મે કયા ક્યારેય કશું કોઇની પાસે માંગ્યું છે. જે કઈ મળે છે તે ઈશ્વરની ક્રુપા સમજી સ્વીકારી લઉં છું.” 

આવા સૂફીજન ડૉ. કુમારપાળ દેસાઈ સાહેબને મારા સો સો સલામ.


---------------------------------------------------------------------------------------

* નિવૃત પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અનુસ્નાતક ભવન, એમ. કે. 

   ભાવનગર વિશ્વ વિધ્યાલય, ભાવનગર (1992-2012)

* નિવૃત પ્રોફેસર અને અધ્યક્ષ, ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગ, 

  ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ.(2012-2018) 


 


Friday, June 9, 2023

પ્રયાણ : મહેબૂબ દેસાઇ

આંતર રાષ્ટ્રીય પ્રવાસ કરવાની ઘણી તકો મળી છે. તેના પરિપાક રૂપે પ્રવાસ કથા અને પ્રવાસ વર્ણનો લખ્યા છે. પણ તેનાથી સંપૂર્ણ ભિન્ન આંતર રાષ્ટ્રીય પ્રયાણ કરાવવાનો અદભૂદ અનુભવ હમણાં મને થયો. જે સાચ્ચે જ જાણવા અને માણવા જેવો છે. મારી પુત્રી કરિશ્મા કેનેડા નિવાસી છે. કારણ કે તેના લગ્ન કેનેડા નિવાસી ફહાદ સુરતી સાથે થયા છે. પણ તેની પાસે હજુ પ્રવાસી વિઝા છે. તેના પી. આર.ની ફાઇલ તેના પતિ એ મૂકી દીધી છે. પણ હજુ તેને પી આર મળેલ નથી. ગત વર્ષે એ ગર્ભવતી થઈ. તેની પ્રસૂતિ કેનેડામાં કરાવવા તેના પતિ અને સાસરિયાઑ એ ઘણો આગ્રહ કર્યો. પણ દીકરીની પ્રથમ પ્રસૂતિ પિયરમાં જ કરવાનો આપણો સામાજિક રિવાજ કરિશ્માને પણ વળગી રહ્યો. તેથી તેણે  પોતાની પ્રથમ પ્રસૂતિ અમદાવાદમાં અમારી નિશ્રામાં કરવાનો આગ્રહ રાખ્યો. અને ત્યારે અમારા મોટા ભાગના સ્નેહીઓ, સ્વજનો અને શુભેચ્છકોએ મને સલાહ આપેલી,

કરિશ્માની પ્રસૂતિ ભારતમાં ન કરશો. અન્યથા તેને કેનેડા મોકલવામાં અનેક મુશ્કેલીઓ પડશે.”

આમ છતાં સપ્ટેમ્બર 2022માં કરિશ્મા કેનેડાથી અમદાવાદ આવી ગઈ. 28 ઓકટોબર 2022ના રોજ તેને ઈશ્વરની કૃપાથી પુત્રનો જન્મ થયો. તેનું નામ તેના પિતાએ જોહાન રાખ્યું. જોહાનનું જન્મ પ્રમાણપત્ર અમદાવાદ મહા નગરપાલિકામાંથી કઢાવવામાં ખાસ્સો સમય લાગ્યો. એકાદ માસમા તેના જન્મ નું પ્રમાણપત્ર મળી ગયું. અહીંથી જ જોહાનની આંતર રાષ્ટ્રીય પ્રયાણની કથાનો આરંભ થાય છે.

જોહાનના પિતા કેનેડાના નાગરિક છે. એટલે તેમનો આગ્રહ હતો કે જોહાનના નાગરિક્ત્વ માટે કેનેડામાં અરજી કરવી. કારણ કે જોહાન કેનેડાની સિટીજનશીપ માટે કાયદાકીય રીતે લાયક છે. પણ તેની પ્રક્રિયા ઘણી લાંબી અને સમય માંગી લે તેવી હતી. છતાં ફહાદભાઈએ અત્રે થી બધા દસ્તાવેજો મેળવી તે માટેની ઓન લાઇન અરજી કેનેડા એમ્બેસીમાં કરી દીધી. અને અમે સૌ જોહાનની કેનેડાની સિટીજન શીપના ઇન્તજારમાં દિવસો ગણવા લાગ્યા. બે ત્રણ માસ નીકળી ગયા. પણ કેનેડા એમ્બેસીમાંથી કોઈ જવાબ કે ક્વેરી ન આવી. અંતે ફહાદભાઈએ તપાસ કરી તો જાણવા મળ્યું કે,

“આવા કેસોમાં સમયની કોઈ મર્યાદા હોતી નથી. ઘણીવાર તો એકાદ વર્ષ પણ લાગી જાય છે.”

માહિતી જાણી ફહાદભાઈ વિચારમાં પડી ગયા. એક વર્ષ સુધી પત્ની અને પુત્રથી દૂર કેમ

રહેવાય ? તેમણે મને વાત કરી. મે તેમને કહ્યું,

“એથી તો જલ્દી અને સરળ ભારતીય પાસપોર્ટ કઢાવી, જોહાનના વિઝા લઈને કરિશ્મા અને જોહાનને કેનેડા મોકલી શકાય. તેઓ ત્યાં પહોંચી જાય પછી આપ જોહાનની સિટીજન શીપ માટે નિરાંતે પ્રયાસ કરજો.”

મારી વાત તેમના ગળે ઉતરી. અને મે જોહાનના ભારતીય પાસપોર્ટ માટે અરજી કરવાના દસ્તાવેજો એકત્રિત કરવા માંડ્યા. લગભગ એકાદ માસ પછીની પાસપોર્ટ માટેની તારીખ મળી. પણ તેમાં જો પતિ પત્નીમાંથી એકાદ જણ પણ વિદેશમાં હોય તો તેની સંમતિનું સહીવાળું ફોર્મ પાસપોર્ટ કચેરીમાં રજૂ કરવું પડે. મે તે ફૉર્મ (એનેકસર ડી) ફહાદભાઈને તુરત મોકલ્યું. અમે સૌ એ ફોર્મની કાગડોળે રાહ જોવા લાગ્યા. એ ફોર્મ વગર જોહાનના ભારતીય પાસપોર્ટની કોઈ જ કાર્યવાહી ન થાય. પંદર દિવસે એ ફોર્મ અમારા હાથમાં આવ્યું. ત્યારે અમને સૌને હાશકારો થયો. જોહાનના પાસપોર્ટ માટે મળેલી તારીખે કરિશ્મા અને હું બે માસના જોહાનને લઈને પાસપોર્ટ કચેરીએ પહોંચી ગયા. લાંબી કતાર અને લાંબી વિધિ અને લાંબી દલીલો પછી અમે પાસપોર્ટ કચેરીમાંથી બહાર આવ્યા, ત્યારે કોઈ જંગ જીતીને આવ્યા હોય તેવી અમને અનુભૂતિ થઈ.

જોહાનનો  ભારતીય પાસપોર્ટ આવતા લગભગ બીજા પંદર દિવસ નીકળી ગયા. પંદર દિવસમાં તે આવી ગયો ત્યારે મને લાગ્યું ચાલો દીકરી અને નવસો તેમના દેશ પહોંચી જશે. પાસપોર્ટ માટે વેઠેલ વ્યથા અને ખર્ચ લેખે લાગ્યાનો પણ સંતોષ થયો. અને એ જ ઉત્સાહમાં મે જોહાનના કેનેડાના વિઝા માટે પણ વિધિ આરંભી. તેના તમામ દસ્તાવેજો એકત્રિત કર્યા. તેની ઑન  લાઇન અરજી અને ફી પણ ભરી દીધી. અલબત્ત તેમાં સન વર્ડ ટ્રાવેલના દિશા ખત્રી એ મને ખાસ્સી મદદ કરી. અને હું નિરાંતે જોહાનના કેનેડાના વિઝાની રાહમાં દિવસો ગણવા લાગ્યો. પણ ઈશ્વરને મારી આવી નિરાંત મંજૂર ન હતી. જોહાનના વિઝા તો હજુ પ્રોસેસમાં હતા. અને કેનેડાથી જમાઈ ફહાદભાઈનો એક મેસેજ આવ્યો. જેમાં લખ્યું હતું,

“જોહાનની સિટીજન શીપની અરજી મંજૂર થઈ ગઈ છે. જેનું પ્રમાણપત્ર આપને મોકલું છું. હવે જોહાન કેનેડાનો નાગરિક છે. એટલે તેનો ભારતીય પાસપોર્ટ રદ કરાવવો પડશે. અને તેની કેનેડાના વિઝાની અરજી પણ તુરત પાછી ખેંચી લેવી પડશે.”

મેસેજ વાંચી મને ખુશી અને રંજની મિશ્ર અનુભૂતિ થઈ. હવે પુનઃ નવી પ્રક્રિયા આરંભવી પડશે. જાણે મંજિલ પાછી દૂર ચાલી ગઈ. સૌ પ્રથમ જોહાનનો ભારતીય પાસપોર્ટ રદ કરાવવાની વિધિનું સંશોધન મે શરૂ કર્યું. ત્યારે ખબર પડી કે આ વિધિ પણ નાની સુની નથી. તેમાં  પણ અનેક નાના મોટા  દસ્તાવેજો આપવા પડે છે. સાથો સાથ દિશા ખત્રીને જોહાનની વિઝા અરજી તુરંત મોકૂફ રાખવાની વિધિ કરવાની પણ સૂચના આપી. ભારતીય પાસપોર્ટ કઢાવવા જેટલા દસ્તાવેજો જરૂરી છે તેટલા જ દસ્તાવેજો પાસપોર્ટ રદ કરવા માટે જરૂરી છે. એ માટે પણ તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડે છે. એપોઇન્ટમેન્ટ સમયે માતા અને પિતાના ભારત અને કેનેડાના બધા જ અસલ દસ્તાવેજો સાથે રાખવા પડે છે. મહા મુશ્કેલીએ પાસપોર્ટ રદ કરાવવાની એપોઇન્ટમેન્ટ મળી. એ દિવસે કરિશ્મા અને મારી પત્ની સાબેરા જોહાનને લઈને અમદાવાદની પાસપોર્ટ કચેરીએ પહોંચ્યા. એક કલાકની સઘન પૂછપરછના અંતે અધિકારીએ કરિશ્મા પાસે પ્રસૂતિ પછી ઇસ્પિતાલમાંથી ડિસ્ચાર્જ થયાનું પ્રમાણ પત્ર માંગ્યું. કરિશ્માએ દલીલ કરી કે મે મહા નગરપાલિકાનું જોહાનના જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે. પછી ઇસ્પિતાલના ડિસ્ચાર્જ પત્રની જરૂર નથી. પણ અધિકારી ન માન્યા. અંતે કરિશ્માએ મને ફોન કર્યો.

“પપ્પા, ઇસ્પિતાલ ડિસ્ચાર્જ જેવુ કોઈ સર્ટિફિકેટ છે ખરું ?”

“હા, તારી ઇસ્પિતાલની ફાઇલમાં છે. એ ફાઇલ કયા છે તે મને કહે”

કરિશ્માએ એ ફાઇલનું સ્થળ મને કહ્યું. અને એ ફાઇલમાંથી સર્ટિફિકેટ મેળવી તુરંત મે તે વૉટશોપ પર તેને મોકલી આપ્યું. ત્યારે અધિકારીને સંતોષ થયો. અને તેણે જોહાનના પાસપોર્ટ રદની અરજી માન્ય કરી અને કહ્યું,

“એકાદ અઠવાડિયામાં તમને કેન્સલ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર મળી જશે.”

અને આમ પાસપોર્ટ રદ કરવાની વિધિ પૂરી થઈ. રદ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર એકાદ અઠવાડિયા પછી મને મળ્યા.

જો કે અમે તેની પણ મેહની જેમ રાહ જોઈને બેઠા હતા. કારણ કે ભારતીય કેન્સલ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર મળે પછી જ જોહાનના કેનેડાના પાસપોર્ટ માટે અરજી કરી શકાય. જેવો અમને જોહાનનો ભારતીય કેન્સલ પાસપોર્ટ અને તેનું પ્રમાણપત્ર મળ્યા,અમે જોહાનના કેનેડીયન પાસપોર્ટ માટેની કાર્યવાહી આરંભી. એ માટે પુનઃ દસ્તાવેજો એકત્રિત કરવાનું શરૂ કર્યું. અને પછી દિલ્હીની કેનેડા એમ્બેસીમાં જોહાનના પાસપોર્ટ માટે દિશા ખત્રીએ ઓન લાઇન અરજી કરી. સાથે જરૂરી બધા દસ્તાવેજો પણ ડાઉન લોડ કર્યા. તેની જરૂરી ફી પણ ભરી દીધી. અમને થયું કામ પતી ગયું. પણ બીજા જ દિવસે મેસેજ આવ્યો દસ્તાવેજો અપૂરતા છે. જોહાનના પિતા ફહાદભાઈનું કેનેડાનું સી આર  જરૂરી છે. અમે તુરંત તે મોકલી આપ્યું. અને આમ એ વિધિ પૂર્ણ થઈ. પછી અમે જોહાનના કેનેડાના પાસપોર્ટની રાહ જોવા લાગ્યા. લગભગ પંદર દિવસમાં જોહાનનો કેનેડાનો પાસપોર્ટ આવી ગયો. સાથે એક પત્ર પણ હતો. જેમાં લખ્યું હતું.

“કેનેડા પ્રવાસ માટે આપે ભારતમાંથી ઇ વિઝા અર્થાત ભારત બહાર જવાના વિઝા લેવા પડશે.”

મને લાગ્યું આ તો કાયદાકીય પ્રક્રિયાનો અંત જ નથી આવતો. પણ નિરાશ કે હતાશ થયે પાલવે તેમ ન હતું. અમે પુનઃ એ માટેના દસ્તાવેજો એકત્રિત કર્યા. અને એ માટેની ઑન લાઇન  અરજી સાથે ફી પણ ભરી દીધી. ઈશ્વરની કૃપાથી જોહાનના વિઝા એકાદ અઠવાડિયામાં આવી ગયા. અમને સૌને હાશકારો થયો. ચાલો હવે તો બધી વિદાય પ્રક્રિયા પૂર્ણ થઇ. જોહાનનું કેનેડા પ્રયાણ પૂર્ણ થયું. પણ એમ અમે છૂટી જઈએ એ ઈશ્વરને મંજૂર ન હતું. કેનેડાથી ફહાદભાઇનો મેસેજ આવ્યો,

“કરિશ્માના પી આર. મંજૂર થઈ ગયા છે. એટલે તેનો પાસપોર્ટ કેનેડા એમ્બેસીમાં સબમિટ કરાવવો પડશે.”

પછી એક નવી વિધિનો આરંભ થયો. ફહાદભાઈએ તેની વિધિ ઑન લાઇન કરી અને પાસપોર્ટ સબમિટ કરવાની તારીખ લીધી. કરિશ્મા એ દિવસે અમદાવાદની કેનેડા એમ્બેસીની કચેરીએ પહોંચી ગઈ. પાસપોર્ટ આપી દીધો. ફી ભરી દીધી. અને અધિકારીને પૂછ્યું,

“પી. આર.નો સિક્કો લાગીને દિલ્હીથી પાસપોર્ટ પરત ક્યારે આવશે ?”

જવાબ મળ્યો,

“લગભગ પંદર દિવસ લાગશે.”

દરમિયાનમાં ફહાદભાઈએ કરિશ્મા અને જોહાનની અમદાવાદથી ટોરેન્ટોની ટિકિટ બૂક કરાવી નાખી. મને મનમાં હજુ ડર હતો. કરિશ્માનો પાસપોર્ટ સમયસર આવી જાય તો સારું. અન્યથા ટિકિટો રદ કરવી પડે અને મોટું નુકસાન ફહાદભાઈએ વેઠવું પડે. પણ ઈશ્વર કે ખુદાને ત્યાં દેર હોય છે, અંધેર નહીં. કરિશ્માનો પાસપોર્ટ સમયસર આવી ગયા. આમ અનેક વિધિઓમાંથી પસાર થઈ અમે જોહાનના પ્રયાણની અંતિમ મંજિલ પર પહોંચ્યા. ત્યારે સાચ્ચે જ અમને અમારા સ્વજનો, શુભચિંતકો અને સબંધીઓએ કહેલ શબ્દો યાદ આવી ગયા,

“કરિશ્માની પ્રસૂતિ ભારતમાં ન કરશો. અન્યથા તેને કેનેડા મોકલવામાં અનેક મુશ્કેલીઓ પડશે.”

તેમના આ શબ્દો પ્રથમ દ્રષ્ટિએ સત્ય લાગ્યા. પણ એ સ્વજનો, શુભેચ્છકો અને સબંધીઓને અમે આઠ માસ જોહાન સાથે ગુજારેલ પળે પળના આનંદની અનુભૂતિ કયાંથી થાય ? જોહાનના જન્મથી માંડીને તે આઠ માસનો થયો ત્યાં સુધી તેને હસતો, રમતો, ભાખોડિયા ભરતો અને બેબી વોંકરમાં આખા ઘરમાં દોડતો જોવાનો આનંદ અમૂલ્ય હતો. દૂધની બોટલથી માંડીને ચપચપ બેબી ફૂડ ખાતો જોહાન અમારા જીવનનો અતૂટ હિસ્સો બની ગયા હતો. મારી અને સાબેરાની આંખોમાં આંખો નાખી તે અમારી સાથે વાતો કરો, હસતો ત્યારે દુનિયાના સુખની પરાકાષ્ટા અમે અનુભવી હતી.

આજે આઠ માસના અંતે કરિશ્મા અને જોહાન કેનેડા જઈ રહ્યા છે. અમે તેમને એરપોર્ટ પર મૂકવા ગયા, ત્યારે દીકરી કરતાં જોહાન વધુ રડતો હતો. અને ત્યારે અમારી વૃધ્ધ આંખોમાં તેના વિરહની વેદના આંસુ બનીને ઉભરાઇ આવી. એ સમયે જોહાનના કાયદાકીય પ્રયાણની વ્યથાનો સહેજ પણ ભાર અમારા મનમાં ન હતો. માત્ર જોહાનનો હસતો રમતો ચહેરો અને કિલકારીઓ કરતો તેનો મીઠો અવાજ અમારી ચારે બાજુ ગુંજતો હતો.