Monday, October 4, 2021

સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો ઈન્ટરવ્યું – મુલાકાત લેનાર : મૌનસ ઠાકર

 

 

 (દૂરદર્શન, અમદાવાદ“ગાંધીજીને અપાયેલા માનપત્રો”અંગે સંશોધક-લેખક પ્રોફે. મહેબૂબ દેસાઈનો ઈન્ટરવ્યું – મુલાકાત૨ ઓકટોબર ૨૦૨૧. સમય :૫.૩૦ મુલાકાત લેનાર ડૉ. મૌનસ ઠાકર)

 

આજે આપણી સાથે પ્રોફેસર મહેબૂબ દેસાઈ છે.  તેઓ મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરના ઇતિહાસ અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે વર્ષો સેવા આપી ચૂક્યા છે. એ પછી ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં પણ તેમણે અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે કાર્ય કરેલ છે. ભારતની અનેક યુનિવર્સિટીઓમાં ઇતિહાસ વિષયના તજજ્ઞ અને માર્ગદર્શક તરીકે તેમણે કાર્ય કરેલ છે. યુપીએસસી અને જીપીએસસીમાં પણ તેમણે વર્ષો વિષય નિષ્ણાત તરીકે સેવા આપી છે. ઇતિહાસ, પ્રવાસન, શિક્ષણ, આધ્યાત્મિક અને સાહિત્ય વિષયક લગભગ ૬૦ જેટલા ગ્રંથો તેમના નામે છે. ૧૯૯૨ તેમના સંશોધન ગ્રંથ “ભારતની આઝાદીના સંદર્ભમાં ભાવનગર પ્રજા પરિષદ અને પ્રજાકીય લડતો (૧૯૨૦ થી ૧૯૪૭)” (પુસ્તકનું મુખપૃષ્ટ બતાવવું ચિત્ર-૧) ને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા શ્રેષ્ટ સંશોધન ગ્રંથનું પ્રથમ પારિતોષિક મળ્યું છે. ગુજરાત રાજ્યના ૬૩મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ૨૬ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ભાવનગર મુકામે થઈ હતી. તે પ્રસંગે મા. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યપાલ ડૉ. કમલા બેનીવાલાના હસ્તે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું (તેનો ફોટો બતાવવો ચિત્ર-૨)  

એવા જાણીતા લેખક અને સંશોધક પ્રોફેસર મહેબૂબ દેસાઈનું સ્વાગત કરતાં આનંદ અનુભવું છું.

 

 હાલમાં જ પ્રોફે. મહેબૂબ દેસાઈનો એક અન્ય વિશિષ્ટ સંશોધન ગ્રંથ “ગાંધીજીને અપાયેલા માનપત્રો” (પુસ્તકનું મુખપૃષ્ટ બતાવવું ચિત્ર-૩) પ્રસિદ્ધ થયો છે. જેની પ્રસ્તાવના જાણીતા ગાંધી વિચારક લંડન યુનિવર્સિટી ઓફ હૂલ, યુનિવર્સિટી ઓફ મિનિસ્ટરના  પ્રોફેસર ભીખુભાઈ પારેખ (તેમનો ફોટો બતાવવો) એ લખેલ છે. જ્યારે તેને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ (તેમનો ફોટો બતાવવો ચિત્ર-૪) શુભેચ્છા પાઠવે છે. પ્રોફેસર મહેબૂબભાઇના એ પુસ્તકની વિગતે વાત કરીએ એ પહેલા આપણે  તેમની સંશોધન યાત્રા વિશે થોડી જાણકારી મેળવીએ.

 

પ્રશ્ન ૧. મહેબૂબભાઇ આપની સંશોધન યાત્રા અંગે દર્શકોને થોડી વાત કરશો ? ખાસ તો સંશોધન તરફ આપનો અભિગમ  કેવી રીતે જન્મ્યો, વિકસ્યો અને કેળવાયો તે જણાવશો ?

જવાબ ૧. નમસ્કાર તમામ શ્રોતા મિત્રોને મારા નત મસ્તકે પ્રણામ. 

 

આપે મારી સંશોધન યાત્રા વિશે મને પૂછ્યું છે. હું ભૂલતો ન હોઉં તો મારી સંશોધન યાત્રાનો  આરંભ  80ના દાયકામાં થયો હતો. મને બરાબર યાદ છે સમયે શ્રી માનસંગ બારડ “પથિક” નામનું એક સામાયિક ચલાવતા હતા. હું પથિકનું નિયમિત વાંચન કરતો. એ વાંચને મને ઇતિહાસના વિદ્યાર્થી તરીકે સંશોધન કરવા પ્રોત્સાહિત કર્યો. અને મેં સૌ પ્રથમ એક સંશોધન લેખ લખ્યો. જેનું નામ હતું “ભાવનગરમાં હિંદ છોડોની લડત” એ લેખ મેં ડરતા ડરતા પથિકના તંત્રી માનસંગભાઈને મોકલ્યો. અને મારા આશ્ચર્ય વચ્ચે એ સંશોધન લેખ પથિકમાં છપાયો. એટલું જ નહિ પણ એ વર્ષના શ્રેષ્ઠ સંશોધન લેખ તરીકે એને પ્રથમ પારિતોષિક ૧૦૧ રુપિયાનું ઇનામ પણ મળ્યું. એ પારિતોષિક એ મારા ઉત્સાહને બમણો કરી દીધો. આટલા મોટા દિગ્ગજ ઈતિહાસકારોની વચ્ચે એક નવ શીખ્યા ઈતિહાસના વિદ્યાર્થીનો લેખ છપાય, અને એને પ્રથમ પારિતોષિક મળે, એ ઘટના એ જ મને ઈતિહાસ સંશોધન તરફ વળવા પ્રોત્સાહિત કર્યો. પછી તો ગુજરાતમાં ચાલેલ સ્વાતંત્ર સંગ્રામની લડતો મારા સંશોધનનો મુખ્ય વિષય બની ગયા. અને એ ઉપર મેં સંશોધન કાર્ય અવિરત પણે કરવાનું ચાલુ રાખ્યું. એ જ અરસામાં મારા પીએચ.ડી.ના વિષયની પસંદગી કરવાની આવી. મેં ભાવનગર રાજ્યમાં ચાલેલ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળો વિષય નક્કી કર્યો.

પછી તો ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર પુસ્તકો લખાતા ગયા. જેમાં ૪૨ની લડત માં સૌરાષ્ટ્ર, સ્વાતંત્ર સંગ્રામમાં અમરેલી, સૌરાષ્ટ્રની સ્વાતંત્ર ઝંખના, ગુજરાતની સ્વાતંત્ર સાધના, આઝાદીના આશક મેઘાણી, આઝાદીના પગરવ, હિન્દુસ્તાન હમારા, સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો ,  ગુજરાતના નવતર સત્યાગ્રહો જેવા અનેક ગ્રંથોનું આલેખન મારા દ્વારા થયું.

 

મારા બે ગ્રંથો “યાત્રા” અને “ઈતિહાસ, વિચાર અને સંવેદના” નું વિમોચન એ સમયના મુખ્ય મંત્રી માં. નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેમની ચેમ્બરમાં થયાનું પણ મને યાદ છે. (ફોટા બતાવવા ચિત્ર-૫)

 

પ્રશ્ન : ૨. આપની સંશોધન યાત્રાનો ઈતિહાસ ખાસ્સો રસપ્રદ છે. પણ આ યાત્રામાં “ગાંધીજીને અપાયેલા માનપત્રો” વિષય કેવી રીતે ઉમેરાયો ? એ વિષય તરફ તમે કેવી રીતે આકર્ષાયા ? એ તરફ થોડો પ્રકાશ પાડશો ?

જવાબ : ૨. ગાંધીજી વિશ્વની એક એવી મહાન વિભૂતિ છે કે જેના સત્ય અને અહિંસાના સિદ્ધાંતો એ સમગ્ર વિશ્વમાં લોકોને વાંચતા અને વિચારતા કરી મુકયા છે. (ગાંધીજીના વિવિધ મુદ્રામાં ફોટા દર્શાવો ચિત્ર ૬,,૮) ગાંધીજીને તેમના જીવનકાળ દરમિયાન ત્રણ વાર નોબેલ પારિતોષિક આપવાની વાત ચાલી હતી. અલબત્ત એ પારિતોષિક એમને ન મળ્યું. નોબલ પારિતોષિક સમિતિના સભ્યોએ એમને પારિતોષિક ન આવવાનું કારણ આપતા જણાવ્યું હતું,  ગાંધીજીની અહિંસા ની લડત વિશ્વ શાંતિ માટે નહોતી પરંતુ ભારતની આઝાદી માટે જ હતી. અલબત્ત આ દલિલ ગ્રાહ્ય ન કરી શકાય. કારણ કે ગાંધીજીના અહિંસાના વિચારો માત્રને માત્ર ભારતની સીમાઓ સુધી નથી રહ્યા. આજે એ વિશ્વ વિચાર બની ગયા છે. અને આજે આપણે બીજી ઓક્ટોબરના દિવસે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આજના દિવસને સંયુક્ત રાષ્‍ટ્ર સંઘે વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીજીના  જન્મદિવસ 2-જી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે ઉજવવાનું જાહેર કર્યું છે. આવી એક અદભુત વિભૂતિ અંગે ખૂબ લખાયું છે. તેમના વિચારોની આલોચના થઈ છે. એમના વિચારો અંગે ગહન વિચારણા થઈ છે. એમના જીવન કવન ઉપર ખૂબ પુસ્તકો લખાયા છે. તેમના અહિંસાના સિદ્ધાંત ઉપર ખૂબ પુસ્તકો લખાયા છે. પણ  આપણે જે નોબલ પારિતોષિક ની વાત કરી એના કરતા પણ સર્વોત્તમ પ્રજા દ્વારા તેમને આપવામાં આવેલા માનપત્રો નોબેલ પારિતોષિકો કરતાં પણ ઉચ્ચ કક્ષાના ગણાય. કારણ કે તે કોઈ સમિતિએ આપેલ બહુમાન નથી. એ તો ભારતની અને વિશ્વની આમ પ્રજાએ આપેલા માન છે અને એટલા માટે તેનું મુલ્ય નોબેલ પારિતોષિક કરતા અનેક ગણું છે. અને રહેશે.

 

પણ આવા વણ ખેડાયેલા વિષય પર આજ દિન સુધી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ  કોઈ જ કામ થયું નથી. તે સમયે હું આવા જ કોઈ  વિષયની તલાશમાં હતો. તે દરમિયાન સાબરમતી આશ્રમમાં મારી મુલાકાત ગાંધીજીના કેટલાક માનપત્ર સાથે થઈ. સાબરમતી આશ્રમમાં(સાબરમતી આશ્રમનો ફોટો બતાવો ચિત્ર-૧૦) કેટલાક માનપત્રો સચવાયેલા છે. પણ તેનો ઉપયોગ થયો ન હતો. સાબરમતી આશ્રમના એ સમયના સંચાલક અમુલખભાઇ મોદી સાથે મારી એ અંગે વાત થઈ અને તેમણે સચવાયેલા કેટલાક માનપત્રોનું પ્રદર્શન ભાવનગરમાં કરવાનું સ્વીકાર્યું. અને આમ સૌ પ્રથમવાર ગાંધીજીના કેટલાક માનપત્રો નું પ્રદર્શન ભાવનગરમાં યોજાયું. એ ઘટના પછી મને આ વિષયમાં વધુ રસ જાગૃત થયો. અને મેં ગાંધીજી ને મળેલા માનપત્રો એકત્રિત કરવાનું શરૂ કર્યું. આમ મારી માનપત્ર સંશોધન યાત્રાનો આરંભ થયો. 

પ્રશ્ન : ૩. સંશોધન કાર્ય એ ધૂળ ધોયાનું કામ છે. એમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી દશા સંશોધકની હોય છે. એ કપરા સમયના અનુભવો જણાવશો ?

જવાબ : ૩.  સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી હું તમને કોઈ વધારે કિસ્સાઓ નહિ સંભળાવું. પણ એક કિસ્સો મને બરાબર યાદ છે. મહારાષ્ટ્રના જલગાવ માં એક વિશાળ ગાંધી સંસ્થા છે. જેનું સંચાલન ઉદય  મહાજન કરે છે. મને તેની જાણ થઈ કે એ ગાંધી સંસ્થામાં એક માનપત્ર સચવાયેલું પડ્યું છે. મેં ઉદય મહાજન સાહેબનો સંપર્ક કર્યો. અને તેમને એ માનપત્ર મને મોકલવા વિનંતી કરી. પણ તેમણે શરત મૂકી કે “તમારે મારી સંસ્થામાં આવીને બે દિવસ રહેવું પડશે અને પછી હું તમને માનપત્ર આપીશ” ગૂજરાત વિદ્યાપીઠમાંથી બે દિવસ રજા મૂકી હું જલગાંવ ગયો. જલગાંવમાં તેમની સંસ્થામાં રહ્યો. અને પછી તેમણે મને માનપત્ર આપ્યું. ગાંધીજીએ જલગાવની મુલાકાત લીધી ત્યારે ત્યાની આમ પ્રજાએ તેમને મરાઠી ભાષામાં જે માનપત્ર આપ્યું હતું તે માનપત્રની એમણે મને ફોટો કોપી આપી. એ માનપત્ર મેં પુસ્તકમાં મુક્યું છે. (માનપત્રનો ફોટો બતાવવો ચિત્ર-૯) આમ માનપત્ર મેળવવા માટે ઘણી જગ્યાની ધૂળ ખાવી પડી છે. જો કે તેનો મને આનંદ છે. પણ માનપત્રો એકત્રિત કરવા માત્રથી સંશોધન પૂર્ણ થતું નથી. ખરું કાર્ય તો એ પછી આરંભાય છે. માનપત્રની તારીખ, સમય, સ્થળ, તેની ભાષા, માનપત્ર સમયનું સ્થાનિક અને રાષ્ટ્રીય સામાજિક, રાજકીય અને આર્થિક વાતાવરણ, માનપત્રનું  વિષય વસ્તુ, તેમાં વ્યક્ત થયેલ ગાંધીજી પ્રત્યેની અપેક્ષાઓ, વગેરે અનેક બાબતોની ઐતિહાસિક સંદર્ભમાં તપાસ અને આલેખાનનું કાર્ય પણ અત્યંત કપરું છે. કેટલાક માનપત્રો કાગળ પર છે, કેટલાક ખાદીના કાપડ પર છે,  કેટલાક કાર્ડ કે બોર્ડ પર છે. તો કેટલાક માનપત્રો હસ્તલિખિત પણ છે. આ બધાને ઉકેલવા કે વાંચવાનું કાર્યા પણ કપરું હતું.

પ્રશ્ન : ૪ હવે આપણે પુસ્તકમાંના કેટલાક અગત્યના માનપત્રોની વાત કરીએ. આપે પુસ્તકમાં ૬૯ માનપત્રોના ફોટા અને તેનું વિવરણ આપેલ છે. એ ૬૯ માનપત્રોમાંથી આપની દ્રષ્ટિએ સૌથી અગત્યનું માનપત્ર કયું ?

જવાબ : ૪. કોઈ માં ને પૂછવામાં આવે કે તેને કયું બાળક પ્રિય છે. એવો આ પ્રશ્ન છે. અત્રે મુકેલા તમામ  માનપત્રો તેની રીતે વિશિષ્ટ છે. કોઈની ભાષા અદભૂદ છે, તો કોઈમાં એ સમયની આપવામાં આવેલ ઐતિહાસિક વિગતો અમુલ્ય છે. તો વળી કોઈ માનપત્રની ડીઝાઇન સુંદર છે. ૬૯ માનપત્રોમાં ભાષાનું વૈવિધ્ય અદભૂદ છે. ગુજરાતી, હિંદી, ઉર્દુ, અંગ્રેજી, મરાઠી, તમિલ, તેલુગુ અને સંસ્કૃત ભાષામાં આ માનપત્રો જોવા મળે છે. પણ ઐતિહાસિક દ્રષ્ટિએ ગુજરાતની જેતપુર શહેરની પ્રજાએ ગાંધીજીને આપેલ માનપત્ર અત્યંત મહત્વનું મને લાગે છે. (એ માનપત્રનો ફોટો બતાવો ચિત્ર-૧૧). મોટે ભાગે ઇતિહાસમાં સ્વીકારાયું છે કે ગાંધીજીને “મહત્મા”નું બિરુદ રવીન્દ્રનાથ ઠાકુરે ફેબ્રુઆરી ૧૯૧૫માં આપ્યું છે. “મહાત્મા ઔર કવિ” નામક ગ્રંથની પ્રસ્તાવનામાં લેખક સવ્યસાચી ભટ્ટાચાર્યએ આ બાબત નોધતા લખ્યું છે,

“અમારું માનવું છે કે લગભગ ફેબ્રુઆરી ૧૯૧૫માં ટાગોરે ગાંધીજી માટે “મહાત્મા”નું સંબોધન કર્યું અને ગાંધીજીએ પણ તત્કાલ ટાગોરને “ગુરુદેવ”નું સંબોધન કરવાનો આરંભ કર્યો હતો”

પણ  એ પહેલા આ માનપત્ર ગાંધીજીને ૨૧ જાન્યુઆરી ૧૯૧૫માં આપવામાં આવ્યું છે. તેના આરંભમાં ગાંધીજી માટે કરેલ સંબોધન આપ જોઈ શકો છો, "શ્રીમાન  "મહાત્મા" મોહનદાસ કરમચંદ ગાંધી બારિસ્ટર-એટ-લો". માનપત્રનું આ સંબોધન એ વાત સિદ્ધ કરે છે કે ગાંધીજીને સૌ પ્રથમવાર  "મહાત્મા"નું બિરુદ ગુજરાતની પ્રજા દ્વારા તા. ૨૧-૧-૨૦૧૫ ના રોજ આપવામાં આવ્યું છે. આ પછી ગોંડલમા તા.૨૪-૧-૨૦૧૫ના રોજ આપવામાં આવેલ માનપત્રમા પણ "મહાત્મા" શબ્દનો પ્રયોગ થયાનું કહેવાય છે. એ ન સ્વીકારીએ તો પણ જેતપુરમાં સૌ પ્રથમવાર ગાંધીજીને  "મહાત્મા"નું સંબોધન થયાનું ઐતિહાસિક રીતે આ માનપત્ર દ્વારા સ્વીકારી શકાય. 

પ્રશ્ન : . દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાત માટે અવશ્ય ગૌરવની બાબત છે. જો કે તો ઐતિહાસિક માનપત્રની વાત થઇ, પણ સાહિત્યિક દ્રષ્ટિએ ઉત્તમ માનપત્ર આપના અભ્યાસમાં આપને કયું લાગ્યું ?

જવાબ : . ગાંધીજીને હિંદુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ વગેરે દરેક વર્ગ અને ધર્મના લોકોએ સન્માનિત કર્યા છે. દરેકની શૈલી અને સન્માન કરવાની ભાષા વિશિષ્ટ રહી છે. ઇ. ૧૮૯૬ થી ૧૯૩૯ એમ કુલ ૪૩ વર્ષના ગાળા દરમિયાન આ માનપત્રો અપાયેલા છે. મને સાહિત્યક દ્રષ્ટિ ઉત્તમ માનપત્ર દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરમાં આપવામાં આવેલ માનપત્ર લાગે છે. મસ્નવી શૈલીમાં લખાયેલ આ માનપત્ર હિન્દીમાં છે.  હસ્તલિખિત છે. (માનપત્ર બતાવવું ચિત્ર-૧૨) તેની ૩૧ કડીઓમાં ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાં આગમન, તેમના કાર્યો અને તેમને તુરત પાછા ફરવાની પ્રશંશા સાથે વિનતી કરવામાં આવી છે. આ એ યુગની વાત છે જયારે હજુ તેમને "મહાત્મા"નું બિરુદ મળ્યું ન હતું. સૌ તેમને "ભાઈ" ના સંબોધનથી બોલાવતા હતા. પણ તેમની કાનૂની અને સેવાકીય કાર્યોની સુવાસ દક્ષિણ આફ્રિકામાં ચોમેર પ્રસરી ગઈ હતી. એટલે  હિંદીઓ તરફથી ગાંધીજીના માનમાં ઠેરઠેર  વિદાય સમારંભો યોજાયા હતા. એવો જ એક સમારંભ ૨ જૂન ૧૮૯૬ના રોજ યોજાયો હતો. તેમાં નાતાલ ઇન્ડિયન કોંગ્રસ તરફથી ગાંધીજીને આ માનપત્ર આપવામાં આવ્યું હતું. સાહિત્યના અદભૂત નમૂના સમા આ માનપત્રની કેટલીક પંક્તિઓનું આચમન કરવા જેવું છે.

 

કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ
કે હે દો જહાં કા ગફ્ફૂર રહીમ

 

સુની હિંદીઓ કી ખુદાને દુઆ
દુઆ સે ગાંધી કા આના હુઆ        

 

નસારુ કા યે મુલ્ક નાતાલ હેં
અવલ કાયદા યાંકા બે તાલ હેં         

વો  હિદી કી કરતે ન દરકાર હે
અકલમંદ એસી યે સરકાર હે  

 

ફતેહ સારે કામો મેં તુમ કો મિલે
તેરે નામકા ફૂલ જગમે ખીલે           

દુશ્મન સે બિલકુલ વો દીલ મેં ડરે
લગા કાયદા વો બરાબર લડે           

આને સે ઉસ કે  હુઆ ફાયદા
નસારુકા તોડા હે જુલ્મો જહાં

 

આયા તાર ભાઇ કા જાના ધર
પડી હિંદીઓ કે તો દિલ મેં ફિકર   

 

 

 

 

 

 

 

સુની હિંદીયો ને યે બુરી ખબર

કે જાતા હે નાતાલ સે ગાંધી ઘર

      
અગર જાના તો જલ્દી આના યહાં
નહી તો હિંદી ઓ કા ઠીકાના કહાં ?       

 

કુટુંબ ઔર કબીલે મેં ન તુમ રહો
ખુસી સાથ જલદી યહાં પર ફીરો          

 

ખતમ યહાં સે કરતા હુ મેં મસનવી
યે મીમ્બેર દુઆ ચાહતે હે મિલ સભી     

 

ખુદા તનદુરસ્તી  હયાતી બડા

દુવા માંગતા હે "દાઉદ" ખડા.

 

પ્રશ્ન : ૬. આ સિવાય અન્ય કોઈ વિશિષ્ટ માનપત્રોની વાત કરવા આપ ઈચ્છશો ?.

જવાબ : ૬. આમ તો બધા માનપત્રો ખુબ વિશિષ્ટ છે. પણ મને જે બે માનપત્રો વિશિષ્ટ લાગ્યા છે, તે અંગે થોડી વાત કરીશ.  એક માનપત્ર ગાંધીજીને ધરતી પર નથી આપવામાં આવ્યું. પણ તે આગબોટમાં આપવામાં આવ્યું છે અને તે પણ ઈજીપ્ત વાસીઓ તરફથી આપવામાં આવ્યું છે. (માનપત્રનો ફોટો બતાવવોચિત્ર-૧૩) તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા મુંબઈ થી ઈંગલેન્ડ એસ. એસ. રાજપુતાના નામક આગબોટમાં જઈ રહ્યા હતા. આગબોટ ૭ સપ્ટેમ્બર ૧૯૩૧ ના રોજ મિસર (ઈજીપ્ત)ના પોર્ટ સૈયદ પહોંચી. એ દિવસે ઈજીપ્તમાં વસતા ભારતીયો ગાંધીજીને મળવા આગબોટ પર આવ્યા હતા. અને તેમને ગાંધીજીને અંગ્રેજીમાં પ્રિન્ટ કરેલ માનપત્ર આપ્યું હતું. માનપત્રમાં ગાંધીજીને વળતી વખત તેમના મહેમાન બનવા નિમંત્રણ આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે,

 

“આપે અહિંસાની જે પધ્ધતિ ભારતની આઝાદી માટે પ્રબોધિ છે અને અમલમાં મૂકી છે, તે સમગ્ર વિશ્વ માટે જરૂરી લાગે છે. તેમાં આપની સફળતા સમગ્ર વિશ્વના માનવમુલ્યોના જતન માટે આરંભ બની રહેશે.”

 

આ માનપત્ર ગાંધીજીના અહિંસાના સિધાંતને મળેલ વિશ્વ સ્વીકૃતિ દર્શાવે છે.   

 

પ્રશ્ન : ૭ મહેબૂબભાઈ, ગાંધીજી પોતે માનપત્ર અંગે કોઈ વિશિષ્ટ વિચાર ધરવતા હતા ખરા ? જેમ કે આદર્શ માનપત્ર કેવું હોય ? માનપત્રની ભાષા કેવી હોય ? વગેરે

 

જવાબ : ૭ ગાંધીજીએ મોટે ભાગે દરેક વિષય પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એ જ રીતે આદર્શ માનપત્ર કેવું હોવું જોઈએ તે અંગે પણ તેમને અવારનવાર પોતના વિચારો રજુ કર્યા છે. મેં પુસ્તકના પ્રારંભમાં ગાંધીજીના માનપત્ર અંગેના વિચારો મુક્યા છે. (એ પૃષ્ઠ બતાવવું ચિત્ર-૧૪)

 

પ્રશ્ન : ૮.  મહેબૂબભાઈ, આપે આપના ગ્રંથમાં ૬૯ માનપત્રો રજુ કર્યા છે. તો શું ગાંધીજીને આટલા જ માનપત્રો મળ્યા હતા ? અને તમે આ જ માનપત્રો શા માટે પસંદ કર્યા ?

જવાબ : ૮. જુઓ, ગાંધીજી ભારતમાં ૧૯૧૫માં આવ્યા એ પહેલા જ વિશ્વ વિખ્યાત બની ચુક્યા હતા. ગાંધીજીનું સૌ પ્રથમ જીવન ચરિત્ર લખનાર દક્ષિણ આફ્રિકાના એક પાદરી રેવરન્ડ જોસેફ જે. ડોક હતા. જેની  પ્રસ્તાવના એક સમયના મદ્રાસના ગવર્નર લોર્ડ એમ્ફીલે લખી હતી. ૧૯૦૯મા પ્રકાશિત થયેલ એ પુસ્તકનું નામ "M.K. Gandhi: An Indian Patriot in South Africa" હતું. (પુસ્તકનું મુખપૃષ્ટ બતાવવું ચિત્ર-૧૫)લંડનમાં એ જીવનચરિત્ર કાફી પ્રચલિત પણ બન્યું હતું. એટલે તેમને તેમના જીવન કાળ દરમિયાન દેશ વિદેશમાંથી અનેક માનપત્રો અને સન્માનો મળ્યા છે. પણ એ બધામાંથી કેટલાક જ સચવાયા છે. તેમાંના  કેટલાક અત્યંત જર્જરિત અવસ્થમાં મળી આવે છે. વળી, ગાંધીજી જે માનપત્રો તેમને મળતા તેની સ્થળ ઉપર જ હરાજી કરી તેના નાણા રાષ્ટ્રીય કાર્યોમાં આપી દેતા. એટલે એવા અનેક માનપત્રો આજે ઉપલબ્ધ નથી. મારા સંધોધન કાર્ય દરમિયાન મને મળેલા માનપત્રોમાં જે ઉત્તમ સ્થિતિમાં હતા, તે અત્રે રજુ કરવાનો મેં પ્રયાસ નમ્ર પ્રયાસ કર્યો છે.

 

પ્રશ્ન : ૯. દરેક પુસ્તક કે ગ્રંથની એક અદભૂદ સર્જન કથા હોય છે. મને લાગે છે આવા માતબર સંશોધક ગ્રંથની પણ રસપ્રદ સર્જન કથા હશે. દર્શકોને તેના થી થોડાક વાકેફ કરશો.

જવાબ : ૯. આપની વાત બિલકુલ સાચી છે. દરેક પુસ્તકના જન્મ પહેલાની કથા રસપ્રદ હોય છે. જો કે વાર્તા કવિતા જેવા ગ્રંથના વાચકોની સંખ્યા હોય છે. પણ સંસોધન ગ્રંથના વાચકો પણ માર્યાદિત હોયને તેનું પ્રકાશન પણ મુશ્કેલ બને છે. આજથી લગભગ દસેક વર્ષ પહેલા મેં ગાંધીજીના માનપત્રો એકત્રિત કરવાનું અને તેના વિશે આલેખન કરવાનું શરુ કર્યું હતું. એ સમયે હું ભાવનગર યુનિવર્સીટી હતો. વિભાગના અધ્યક્ષ અને શિક્ષણની જવાબદારી સાથે હું આ કાર્ય કરતો ગયો. પણ એ પુરતું ન હતું. એટલે મારી પાસે જે રજાઓ બેલેન્સ હતી તે અને વેકેશનની રજાઓમાં હું જુદા જુદા દફતર ભંડારો અને મ્યુઝીયમોમાં નીકળી પડતો. કોલકતા, દિલ્હી, મુંબઈ, જલગાવની અનેક ગાંધી સંસ્થાનોની મુલાકાત લીધી છે. લગભગ બે વર્ષની  જહેમત પછી લગભગ ૧૦૦ જેટલા માનપત્રો એકત્ર થયા. એ પછી તેના ફોટાઓને એન્લાર્જ કરવા, તેને  ઉકેલવા અને તેને નોંધવાનું કાર્ય શરુ કર્યું. ખર્ચ વધતો જતો હતો. એટલે આખો સંશોધન પ્રોજેક્ટ યુજીસીને મોકલવાનું નક્કી કર્યું. એ સમયે મારા આ પ્રોજેક્ટમાં એ સમયના મુખ્ય મંત્રી મા. નરેન્દ્રભાઈ મોદીને (ફોટો બતાવવો૧૬) પણ રસ પડ્યો અને તેમણે માહિતી વિભાગને તે અંગે ખાસ ભલામણ પણ કરી. પણ એ અંગે કઈ થાય તે પહેલા વહીવટી તંત્રમા આવેલ પરિવર્તને વાત વિસરે પાડી દીધી.

એ દરમિયાન જ ભાવનગરથી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયો. ત્યાંથી આખો પ્રોજેક્ટ તૈયાર કરી યુજીસીને મોકલ્યો. પણ તેને ગ્રાંટ ન મળી. પછી ગુજરાત વિદ્યાપીઠમાં તે મુક્યો. ગુજરાત વિદ્યાપીઠે આર્થિક સહાય કરી. અને મારું સંશોધન પુનઃ ઝડપી બન્યું. આમ પ્રોજેક્ટ તૈયાર થતો ગયો. તેને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય “કુમાર” નામના સામાયિકે કર્યું. જેમાં મારો આખો પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષ હપ્તાવાર પ્રસિદ્ધ થતો રહ્યો.

એ પછી પ્રોજેક્ટનું પ્રકાશન કરવાનું આવ્યું. એ કાર્ય ગુર્જરે બખૂબી કર્યું. પુસ્તકના પ્રકાશનમાં ગાંધીવાદી મા. ગફુરભાઈ બિલખીયાએ સહાય કરી. અને પુસ્તકનું વિમોચન આપણા શિક્ષણ મંત્રી મા. ભુપેન્દ્રસિંહજી ચુડાસમાએ (ફોટો બતાવવો ચિત્ર ૧૭)  સહર્ષ કર્યું. ત્યારે એક ભગીરથ કાર્ય પાર પડ્યાનો આનંદ થયો હતો.

 

પ્રશ્ન : ૧૦ શ્રોતા મિત્રો, આજે ૨ ઓકટોબર વિશ્વ અહિંસા દિન નિમિત્તે આપણે ગાંધીજીના જીવન સાથે સંકળાયેલ માનપત્રો અને તેના સંશોધક ડૉ. મહેબૂબ દેસાઈ સાથે વાત કરી. આપ અહિયાં આવ્યા અને અમને પુસ્તક અને તેની અનેક અજાણી બાબતોથી વાકેફ કર્યા, એ બદલ આપનો આભાર.

 



       

 

 

 

 

 

 

 

 

 

 

 

ભારતની આઝાદીની લડતમાં કોમી સદભાવ ડૉ. મહેબૂબ દેસાઈ

 ભારતની સ્વાતંત્ર્ય લડતમાં અનેક શહીદોએ પોતાના જાન માલની આહુતિ આપી, આઝાદીનું આપણું સ્વપ્ન સાકાર કરેલ છે. એ સમયે આઝાદીના આશક દીવાનાઓમાં ન તો કોઈ ધર્મ, જાતી કે વર્ણના ભેદો હતા, ન હિંદુ, મુસ્લિમ, શીખ ઈસાઈ જેવા વાડાઓ હતા. દરેકે પોતાના દેશની આઝાદી માટે ખભેથી ખભો મિલાવી અંગ્રેજોને લડત આપી હતી. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઇતિહાસમાં જેનું આલેખન થયું છે, તે ૧૮૫૭ની ક્રાંતિમાં પણ નાના સાહેબ, તાત્યા ટોપે, ઝાંસીની રાણી સાથે ક્રાંતિની નેતાગીરી લેનાર છેલ્લા મોઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર હતા. જેમણે પોતાના બે શાહજાદાઓના બલિદાન પોતાની વૃદ્ધ આંખો સામે જોયા હતા. લડતની નેતાગીરી લેવાને કારણે જ અંગ્રેજ સરકારે તેમને તડીપાર કરી રંગુનમાં કેદ કર્યા હતા. તેમને પોતાના છેલ્લા દિવસો રંગુનમાં અગ્રેજોની કેદમાં વિતાવ્યા હતા, ત્યારે તેમનામાં રહેલો પેલો શાયર વદી ઉઠયો હતો,

“ઉમ્રે દરાજ માંગ કર લાયે થે ચાર દિન

 દો આરઝુ મેં કટ ગયે દો ઇન્તઝાર મેં

 કિતના બદ નસીબ થા ઝફર દફન કે લિયે

 દો ગજ ઝમી ભી ન મિલી કુયે યાર મેં”

રંગુનની અંધારી કોટડીમાં ભારતના છેલ્લા મોઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરનું ૬ નવેમ્બર ૧૮૬૩ના રોજ અવસાન થયું. અને અગ્રેજોએ બહાદુર શાહને રંગુનમાં જ દફનાવી દીધા. આજે પણ દિલ્હીના કુતુબ મીનાર પાસે બહાદુર શાહના પીરમુરશીદોની કબરો પાસે બહાદુર શાહ માટે રાખવામાં આવેલ જગ્યા ખાલી પડી છે.

૧૮૫૭ની ક્રાંતિ કેટલાક નામો આજે પણ ઇતિહાસમાં ગુમ છે. જેમાં કોમી સદભાવના પ્રતિક સમા બે નામો વિષે જાણવું જરૂરી છે. રંગો બાપુ અને અઝીમુલ્લા ખાં. ઈતિહાસના પડોમાં છુપાયેલ આ બન્ને પાત્રો ૧૮૫૭ની ક્રાંતિના રચયતા કે આયોજક હતા, એ બહુ ઓછા લોકો જાણે છે. અઝીમુલ્લા ખાં નાના સાહેબના વિશ્વાસુ સલાહકાર હતા. ૧૮૫૭ની ક્રાંતિનું આયોજન કરનાર તેઓ અગ્ર નેતા હતા. જયારે રંગો બાપુ સતારાના પદભ્રષ્ટ શાસકના બાહોશ વકીલ હતા. બન્ને પોતાના પદભ્રષ્ટ રાજાઓ માટે ન્યાય માંગવા લંડન માં ધામા નાખી બેઠા હતા. રંગો બાપુ અને અઝીમુલ્લા ખાં લંડનની એક હોટેલમાં મળ્યા. અને અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાનું બીજારોપણ લંડનની એ હોટેલમાં થયું હતું. આમ લંડનની એક હોટેલમાં ૧૮૫૭ની ક્રાંતિનું આયોજન કરનાર  રંગો બાપુ અને અઝીમુલ્લા ખાં હતા. એ ઈતિહાસ હજુ ઝાઝો ઉજાગર થયો નથી.

 

ગાંધીજીને દક્ષિણ આફિકામાં નિમંત્રણ આપનાર શેઠ અબ્દુલ્લા હતા. એ વાત ઇતિહાસમાં જાણીતી છે. પણ વકીલાતના વ્યવસાયમાંથી ભારતીઓના અધિકારની લડતમાં સક્રિય થનાર ગાંધીજીને દર માસે અબ્દુલ્લાહ શેઠ તરફથી નિયમિત સહાય થતી હતી. ભારતમાં ગાંધીજી ૧૯૧૫ આવ્યા ત્યારે તેમની સાથે ભારતની આઝાદીની લડતમાં સામેલ થવા ગાંધીજી સાથે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવનાર એક માત્ર તેમના પરમ મિત્ર ઈમામ સાહેબ હતા. પોતાની પત્ની, પુત્રીઓ ફાતિમા અને અમીના સાથે ભારતમાં આવી તેઓ ગાંધીજી સાથે સહ કુટુંબ આશ્રમમાં જ રહ્યા. અને આઝાદીની લડતમાં ગાંધીજી સાથે કદમ મિલાવી ભાગ લીધી. ૧૯૩૦ના ધરાસણા મીઠા સત્યાગ્રહમાં તેમનું પ્રદાન નોંધ પાત્ર હતું. તેમના વિષે ગાંધીજીએ કહ્યું છે,

 

“ઈમામ સાહેબ સુધરેલા મુસ્લિમ નથી. એ ચુસ્ત મુસ્લિમ છે. એ નથી રોઝા ચુકતા, નથી નમાઝ ચુકતા. આશ્રમવાસીઓ સાથે ભળી જઈને તેમણે ઇસ્લામની સભ્યતાનું દર્શન કરાવ્યું છે.”

 

ગાંધીજી સાથેના આવતો અનેક મુસ્લિમ સાથીઓની જુગલ બંધી હતી. જેમાં ડૉ. અનસારી, અબ્બાસ સાહેબ, અલી બંધુઓ, ગુલામ રસુલ કુરેશી જેવા અનેક સાથીઓ સાથે ગાંધીજીના સબધો ઔપચારિક ન હતા. પણ મહોબ્બત અને ભાઇચારાના હતા. ઈમામ સાહેબની બન્ને પુત્રીઓના નિકાહની કંકોત્રી ગાંધીજીના નામે લખાઈ હતી. તેમાં ગાંધીજી એ લખ્યું હતું,

“મારા ભાઈ સમા ભાઈબંધ ઈમામ સાહેબ અબ્દુલ કાદર બવાઝીર, જેઓ હાલ કેટલાક વર્ષો થયા દક્ષિણ આફ્રિકાથી જ મારી સાથે આશ્રમમાં રહેવા આવ્યા છે, તે અહી પણ મારી સાથે જ આશ્રમમાં રહે છે. તેમની દીકરી બહેન અમીનાબીબીની શાદી ધંધુકાના રસૂલ મિયા કુરેશી સાથે ૩૧ મેં, ૧૯૨૪ની મુતાલીક તા. ૨૬ શવ્વાલ ૧૩૪૨ હિજરીને શનિવારના દિવસે સાંજના સાત વાગે થશે. આ શુભ પ્રસંગે આપ પધારશો અને વર કન્યાને આશીર્વાદ આપશો તો આભારી થઇ.

મોહનદાસ કરમચંદ ગાંધી”

આમ આ નિકાહ આશ્રમમાં ગાંધીજીની સરપરસ્તીમાં થયા. એ ઘટના આજે કેટલા લોકો જાણે છે ?

ગાંધીજી સાથે નિકટનો સબંધ ઘરાવનાર રેહાના તૈયબજી પણ કોમી સદભાવનું ઉત્તમ દ્રષ્ટાંત છે. રેહાના જાણીતા સ્વાતંત્ર્ય સૈનિક અને ગાંધીજીના અંતેવાસી અબ્બાસ તૈયબજીના પુત્રી હતા. રેહાના તૈયબજી  અંગે ગાંધીજી લખે છે,

“જયારે રેહાના આવ્યા ત્યારે મેં મજાકમાં કહ્યું તું આશ્રમવાસીઓને મુસલમાન બનાવ હું તેને હિંદુ બનાવીશ. એનું સંગીત તો ઉત્કૃષ છે જ. તેની પાસે સર્વ પ્રકારના ભજનોનો ભંડાર છે, તે રોજ સંભળાવતા. કુરાનમાંથી મીઠી અને ઉંચા અર્થવાળી આયાતો પણ સંભળાવતા. મેં કહ્યું અહી જે શીખે તેમને ય કંઇક આયાતો શીખવી જા.”

રેહાના તૈયબજી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. અને મધુર સ્વરમાં કૃષ્ણ ભજનો ગાતા. એ સમયના રાજકીય કે સામજિક મેળાવડાઓમાં તેમના ભજનો મોટું આકર્ષણ હતા. તેમના ભજનથી જ દરેક કાર્યક્રમો આરંભતા અને સંપન્ન થતા.

 

કેટલા લોકો એ જાણે છે કે સરદાર ભગતસિંગ અને બટુકેશ્વર દત્ત જેવા ક્રાંતિકારીનો કેઈસ લડનાર બાહોશ વકીલ આસિફ અલી હતા. બને ક્રાંતિકારીઓએ ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ કેન્દ્રીય એસેમ્લીની લોબીમાં બહેરી સરકારના કાનો ખોલવા બોમ્બ નાખ્યો હતો. અને અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી હતી. એવા સમયે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો કેસ લડવા તૈયાર થનાર બાહોશ વકીલ આસિફ અલી હતા. બન્ને ક્રાંતિકારીની દેશ ભક્તિને સાબિત કરતી તેમની દલીલો કોર્ટમાં જયારે ગુંજતી ત્યારે ભારતીઓની તાળીઓથી કોર્ટ ભરાઈ જતી. આ જ આસિફ અલી એ સ્વાતંત્ર્ય યુગમાં બંગાળની બ્રહ્માણ કન્યા અરુણા ગાંગુલી સાથે ૧૯૨૮માં લગ્ન કર્યા હતા. એ સમયે અરુણા તેમના કરતા ૨૦ વર્ષ નાના હતા. ૧૯૪૨ની હિંદ છોડો લડતમાં અરુણા આસિફ અલીએ સક્રિય ભાગ લીધો હતો.

આવી જ કોમી એખલાસની જોડી ગુજરાતના ઇતિહાસમાં પણ ભંડારાયેલી પડી છે. જેની કથા વિસરાતી જાય  છે. નવી પેઢી સુધી તેને પહોચાડવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. ભાવનગરનો યુવાન રજબઅલી લાખણી અને વસંત હેગીષ્ટની જોડીએ ભારતની આઝાદીની લડતમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. પણ કોમી એકતા માટે બન્ને યુવાનોએ અમદાવાદની ધરતી પર શહીદી વહોરી લીધી હતી.૧૯૪૬ના જુલાઈ માસની પહેલી તારીખે જગન્નાથજીના મદિરમાંથી રથયાત્રાનું મોટું સરઘસની નીકળ્યું. અંગ્રેજ સરકારની કુટનીતિએ બિનસાંપ્રદાયિક ભાવનાને કુંઠિત કરી “ભાગલા પાડો શાસન કરો” જેવી નીતિનો ઉપયોગ રથયાત્રા જેવા પવિત્ર પ્રસંગે અંગ્રેજો એ કર્યો. અસામાજિક તત્વોને હાથવગા કરી અંગ્રેજોએ અમદાવાદમાં કોમી હુલ્લડ શરુ કરાવ્યા. અમદાવાદની સડકો અને ગલીઓ લોહી ભીની થવા લાગી. હિંદુ-મુસ્લિમ એકતાનું ખંડન  રજબઅલી અને વસંત ન સાંખી શકયા.

 

અને અમદવાદમાં પુનઃ હિંદુ મુસ્લિમ એકતા અને સદભાવ સ્થાપિત કરવા વસંત અને રજબની જોડી અમદાવાદની ગલીઓ અને સડકો પર નીકળી પડી. હેવાનિયતના મદમાં મસ્ત અસામાજિક તત્વોએ આ બન્ને સેવકોને પણ છુરાથી નવાજ્યા. અને બન્ને યુવકો કોમી એકતાની સ્થાપનાની ચાહમાં શહીદ થઇ ગયા.

 

સ્વાતંત્ર્ય યુગની આવી કોમી સદભાવના એ યુગની જણસ હતી. એકતાની ધરોહર હતી. સ્વાતંત્ર્ય લડતની શક્તિ હતી. અને એ શક્તિ એ જ આપણને અંગ્રેજોના જુલમ સામે લડવા શક્તિ પ્રદાન કરી હતી. એ ઈતિહાસ આપણે વિસરતાં જઈએ છીએ. જે સાચે જ દુ:ખદ અને ચિંતાજનક બાબત છે.   

 

 

 

 

Saturday, September 11, 2021

"ગાંધીજીને અપાયેલાં માનપત્રો" : ડો. મહેબૂબ દેસાઈ : પુસ્તક : અવલોકન : શ્રીમતી બકુલા ઘાસવાલા

                         બાપુના જીવનકવન પર એટલું બધું સંશોધનકાર્ય થયું છે કે ફક્ત ગાંધી સાહિત્ય વાંચીએ તો પણ જીવનભર પૂરું ન કરી શકીએ!એમાં ડો. મહેબૂબ દેસાઈનું આ કાર્ય તો અનોખું જ છે. બાપુને અપાયેલાં માનપત્રોનું સંશોધન, સંકલન અને જે તે માનપત્ર સાથે વળી પોતાની સંશોધનીય નોંધ સાથે પૂર્તિ.અહીં કુલ ૬૯ માનપત્રો છે. નગરપાલિકા, જ્ઞાતિ મંડળો, શાળાઓ, નાગરિકો, બહેનો, વિદ્યાર્થીઓ સહિત ભારતભરનાં તો ખરાં જ તે ઉપરાંત દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનાં પણ સંકલિત છે.આમ દેશપરદેશનાં કહી શકાય. બાપુએ સન્માનપત્ર વિશે જ્યાં પોતાનું મંતવ્ય કે પ્રતિભાવ  આપ્યો છે કે નથી આપ્યો  તેની નોંધ પણ સાથે છે. સામાન્ય રીતે માનપત્રમાં પ્રશંસા અને ગુણાનુરાગ હોય, એમાંથી પ્રેરણા લેવાની વાત હોય.ભારતીય કે હિંદવી  પરંપરા પ્રમાણે તો રાજામહારાજાઓ પ્રત્યે સન્માન દર્શાવવા એમની પ્રશંસા કરવામાં રાગ દરબારી અથવા ભાટચારણો દ્વારા ગુણગાનની પદ્ધતિ રહી છે તે સાચું પણ આ માનપત્રો વિશિષ્ટ છે કારણ કે અહીં કોઈ દબાણ નથી, બાપુ રાજા છે પણ લોકહ્યદયના. લોકોને મન હતું એટલે બાપુ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમના પ્રત્યે પ્રેમ,શ્રદ્ધા ને આદર દર્શાવવા આ માનપત્રો અપાયાં છે.એની ભાષા,લાગણી તે સમયની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક,રાજકીય પરિસ્થિતિથી પ્રભાવિત છે.સન્માન સાથે ભેટ રૂપે જણસો/ રૂપિયા પણ છે જે બાપુએ વિવિધ સેવાકીય હેતુ માટે જ ઉપયોગમાં લીધાં છે.અહીં નોંધનીય વાત એ છે કે બાપુએ ખાદી,શિક્ષણ, સ્વચ્છતા,પારદર્શક વહીવટ વગેરે બાબતને જે મહત્વ આપ્યું છે તેનો પડઘો અવશ્ય પડે છે.નાગરિક સન્માન છે પરંતુ ૧૯૪૭ પછી ભારત સરકારે માનપત્ર આપ્યું હોય તેવી નોંધ મને જોવા મળી નથી. અલબત્ત, બાપુના નામે આપણી ટંકશાળ પર એટલે કે રૂપિયાથી લઈ બે હજારની નોટ પર વિશ્વાસની મહોર લાગી છે તેને માનપત્રનો પ્રકાર ગણી શકાય.આ માનપત્રો મને એટલે જ ગમ્યાં છે અથવા નોંધનીય લાગ્યાં છે કે એમાં લોકલાગણીનો જ પ્રતિઘોષ છે, કોઈપણ રીતે  સામાન્ય ઔપચારિકતા દેખાતી નથી એટલે એ અસામાન્ય,અનોખાં ને અનેરાં છે.

                       ૧૮૯૬થી ૧૯૩૯ સુધીનાં માનપત્રો અહીં સંકલિત છે.૧૯૨૫,૧૯૨૭ અને ૧૯૨૯ માં વધારે માનપત્રો જોવાં મળે છે.મહેબૂબભાઈએ લખ્યું જ છે કે રાષ્ટ્રીય હેતુ માટે ધનરાશિ એકત્રિત કરવા એનું લિલામ કરતા હતા એટલે પ્રાપ્ય માનપત્રોની સંખ્યા ઓછી છે પરંતુ તેથી વધારે માનપત્રો એમને સાદર થયાં છે. હિંદુ,મુસ્લિમ,શીખ,ઈસાઈ સહિત સૌએ એમને સન્માનીય ગણ્યા છે.આ માનપત્રોનો  ઐતહાસિક સંદર્ભ જોઈએ ત્યારે  આર્યકુમાર, હિંદુસભા,હિંદી મહાસભા, રૈદાસીભાઈઓ વગેરે નામોલ્લેખ સહજ સ્વીકૃત જણાય છે. શહેરોમાં કલકત્તા,મુંબઈ, ત્રિવેન્દ્રમ, મદ્રાસથી લઈ રાજકોટ સુધી કે દેહરાદૂન, ભરૂચ, નવસારી સુધીનાં છે.સિંગાપોર,કેન્ડી, મતારા અને ઈજિપ્તનિવાસી ભારતીયોનાં  છે. જો કે પોરબંદર, અમદાવાદ કે સુરતનું નામ મને દેખાયું નહીં.અરખા, રાયબરેલીનું માનપત્ર ગઝલરૂપે છે જે ઉર્દુમાં લખાયેલું છે.એના શાયર શ્રી જાનકીપ્રસાદ છે. અહીં ચરખા, ખાદીનું મહત્ત્વ ,અંગ્રેજોના કડક વલણ પ્રત્યે લક્ષ્ય ન રાખશો જેવી બાબતોને ઉજાગર કરવામાં આવી છે.તો મહેબૂબભાઈ પોતાનું વિશ્લેષણ રજૂ કરે છે કે ૧૯૨૯ ના સમયમાં ભગતસિંહ અને સાથીઓની લોકપ્રિયતા ચરમસીમાએ હતી તે સમયે પણ લોકહ્યદયે ગાંધીનો જાદુ હતો અને ચરખો- અહિંસાની ખેવના હતી એ ગઝલમાં વ્યક્ત થઈ છે. આ માનપત્રોમાં હિંદી,ઉર્દુ, ફારસી,અંગ્રેજી, ગુજરાતીમાં છે. બાપુને હસ્તલિખિત માનપત્રો ગમતાં એટલે એની રજૂઆત મોટાભાગે એ પ્રમાણે છે. ક્યાંક બાપુએ પ્રતિભાવ પણ આપ્યો છે જેમ કે શ્રીલંકામાં કેન્ડીની પ્રજાનું માનપત્ર જે અંગ્રેજીમાં છે. મહેબૂબભાઈ અહીં શહેરનું વર્ણન,મહાદેવભાઈની નોંધ પણ સામેલ કરે છે. અહીં બાપુએ ત્રણ સ્થળે માનપત્રો સ્વીકાર્યા અને સ્થાનિક પ્રશ્નો, વ્યસનમુક્તિ, ધર્મ જેવા મુદ્દા વણી લીધેલા એવી નોંધો છે. ભગવાન બુદ્ધના ખાસ ઉલ્લેખ સાથે એમણે પ્રતિભાવ આપ્યો છે. અહીં પણ બાપુ પોતાના જે સાચું લાગે તે કહેતા જરાપણ અચકાતા નથી.ખાસ તો લોકો એમનામાં વધારે પડતો વિશ્વાસ મૂકે અને પોતે વચન આપે છતાં બંધાતા નથી ફક્ત પ્રયત્ન કરશે એમ કહે છે અને આજ બાપુની ખૂબી છે કે તેઓ લોકભાગીદારીનું મહત્ત્વ કેવી સરસ રીતે સમજાવી દે છે.

                  ચારેક સ્થળે બાલિકાઓ/બેનો દ્વારા એમને માનપત્ર અપાયાં છે એની નોંધ લેવાનું મને તો સહજ રસપ્રદ લાગે.કન્યા ગુરુકુલ,દેહરાદૂન;મિશન ગર્લ્સ સ્કૂલ,શાહજહાંપૂર,મેરઠની મહિલાઓનું અને સુલતાનપુરની સ્ત્રીઓ દ્વારા માનપત્ર નોંધનીય ગણાય.એમને મ્યુનિસિપલ બોર્ડ કે કાઉન્સિલ દ્વારા  અનેક માનપત્રો અપાયાં છે.ગુરુકુલની કન્યાઓએ આપેલ માનપત્રની ભાષા ભરપેટ હિંદવી લાગણીથી છલોછલ છે. સીતા અને દ્રૌપદીના ઉદ્ધારક શ્રી રામ અને શ્રી કૃષ્ણ સાથે બાપુની તુલના કરવામાં આવી છે. અક્ષરદેહનો સંદર્ભ આપી માનપત્ર અપાયેલી એ ઘટનાનું વર્ણન છે પરંતુ બાપુએ કોઈ ટીકાત્મક  પ્રતિભાવ આપ્યો હોય એવી વિગત સામેલ નથી.મારું કહેવું એમ છે કે હવે બાપુની માનસિકતાનું નારીવાદીઓ અર્થઘટન કરશે ત્યારે તેમનો સૂર વધારે તટસ્થ અને કદાચ તારસ્વરે પણ પ્રગટી શકે! જેમ કે રામે સીતાનો ક્યાં કેવી રીતે ઉદ્ધાર કર્યો તે મારી તો સમજની બહાર છે! હા, પ્રચલિત કથા મુજબ કદાચ એવું કહી શકાય કે સીતા જમીનમાંથી હળ ખેડતી વખતે જનકરાજાને મળેલાં એ અર્થમાં એ દત્તક પુત્રી ગણાય અને રામ એમને પરણ્યાં એ રામનું વિશિષ્ટ લક્ષણ ગણાય. તેની સામે મેરઠની સ્ત્રીઓ બાપુને નરપુંગવ કહી સંબોધીને આંદોલનમાં પોતાની અલ્પસંખ્યા વિશે જરૂર લખે છે પરંતુ એક સૂચક ઈશારો તો કરી જ દે છે કે પુરુષો મહિલાઓને રાષ્ટ્રીય સેવા માટે સ્વતંત્રતા નથી દેતા. ૧૯૨૯ પછી નેવું- એકાણું વર્ષે પણ સંસદગૃહમાં ૩૩% માટે  સ્ત્રીઓનો સંઘર્ષ હજી તેમનો તેમ જ છે! અહીં મેરઠની સ્ત્રીઓ પોતાને ‘આપની કૃપાપાત્રા’ એમ લખી રજૂ કરે છે. આ શબ્દપ્રયોગ પણ ૧૯૨૯ માં તો વિશિષ્ટ ગણાય. કૃપાપાત્ર નહીં  પાત્રા! (પાનું:૩૧૮:હિંદી/ પાનું::૩૨૦/ ગુજરાતી.)

               મહેબૂબભાઈની મહેનત, ચીવટ, સંપાદકીય નોંધોની વિશિષ્ટતાની તો કોઈપણ કદરદાની ઓછી જ પડે.કોઈ સંશોધનકાર્ય અનેક રીતે મૂલ્યાંકનની બારી ખોલી આપે એટલું મહત્ત્વનું અને વિશિષ્ટ હોય એવું આ પુસ્તક મને લાગ્યું છે. આ પુસ્તક મારા સુધી પહોંચ્યું તેમાં મને જે નોંધનીય લાગ્યું છે તે આ. મહેબૂબભાઈનો મને સીધો પરિચય નથી પરંતુ ડો. મુસ્તાક કુરેશીના કારણે આટલું મોંઘેરું પુસ્તક( દરેક અર્થમાં) મને ભેટ મળ્યું તેનો તો આનંદ જ હોય.સંકલન અને સંપાદન મહેબૂબભાઈનું,પ્રસ્તાવના લોર્ડ ભીખુ પારેખની,આવકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો અને અર્પણ થયું છે ગફુરકાકાને, ડો.કુરેશી તરફથી ભેટ મળ્યું છે બકુલા ઘાસવાલાને.અલબત્ત,દરેક બાપુને પોતાની રીતે સમજે છે ને મૂલવે છે તે સ્વીકારીને જ ! પણ મને તો ખરો ષષ્ઠ કે સપ્તકોણ  નજરે ચડ્યો! જે ગમ્યું તે પણ લખી જ દઉં કે કુરેશીએ મને ભેટ મોકલતી વખતે જે વિશ્વાસવચનો લખ્યાં તે મારે મન મૂલ્યવાન જ છે.

      ગાંધીબાપુ કેમ શાશ્વત છે ને રહેશે તે આ સંશોધન અને સંપાદનમાંથી પસાર થવાનાં કારણે સમજાયું. મહેબૂબભાઈ આપનો આભાર કે આ વણખેડાયેલી બાબત આપે ઉજાગર કરી.

પ્રકાશક: ગૂર્જર પ્રકાશન , ફોન: ૦૭૯ ૨૨૧૪૪૬૬૩

કિંમત :₹ ૧૨૦૦/૦૦ .