Monday, October 4, 2021

ભારતની આઝાદીની લડતમાં કોમી સદભાવ ડૉ. મહેબૂબ દેસાઈ

 ભારતની સ્વાતંત્ર્ય લડતમાં અનેક શહીદોએ પોતાના જાન માલની આહુતિ આપી, આઝાદીનું આપણું સ્વપ્ન સાકાર કરેલ છે. એ સમયે આઝાદીના આશક દીવાનાઓમાં ન તો કોઈ ધર્મ, જાતી કે વર્ણના ભેદો હતા, ન હિંદુ, મુસ્લિમ, શીખ ઈસાઈ જેવા વાડાઓ હતા. દરેકે પોતાના દેશની આઝાદી માટે ખભેથી ખભો મિલાવી અંગ્રેજોને લડત આપી હતી. ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઇતિહાસમાં જેનું આલેખન થયું છે, તે ૧૮૫૭ની ક્રાંતિમાં પણ નાના સાહેબ, તાત્યા ટોપે, ઝાંસીની રાણી સાથે ક્રાંતિની નેતાગીરી લેનાર છેલ્લા મોઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર હતા. જેમણે પોતાના બે શાહજાદાઓના બલિદાન પોતાની વૃદ્ધ આંખો સામે જોયા હતા. લડતની નેતાગીરી લેવાને કારણે જ અંગ્રેજ સરકારે તેમને તડીપાર કરી રંગુનમાં કેદ કર્યા હતા. તેમને પોતાના છેલ્લા દિવસો રંગુનમાં અગ્રેજોની કેદમાં વિતાવ્યા હતા, ત્યારે તેમનામાં રહેલો પેલો શાયર વદી ઉઠયો હતો,

“ઉમ્રે દરાજ માંગ કર લાયે થે ચાર દિન

 દો આરઝુ મેં કટ ગયે દો ઇન્તઝાર મેં

 કિતના બદ નસીબ થા ઝફર દફન કે લિયે

 દો ગજ ઝમી ભી ન મિલી કુયે યાર મેં”

રંગુનની અંધારી કોટડીમાં ભારતના છેલ્લા મોઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરનું ૬ નવેમ્બર ૧૮૬૩ના રોજ અવસાન થયું. અને અગ્રેજોએ બહાદુર શાહને રંગુનમાં જ દફનાવી દીધા. આજે પણ દિલ્હીના કુતુબ મીનાર પાસે બહાદુર શાહના પીરમુરશીદોની કબરો પાસે બહાદુર શાહ માટે રાખવામાં આવેલ જગ્યા ખાલી પડી છે.

૧૮૫૭ની ક્રાંતિ કેટલાક નામો આજે પણ ઇતિહાસમાં ગુમ છે. જેમાં કોમી સદભાવના પ્રતિક સમા બે નામો વિષે જાણવું જરૂરી છે. રંગો બાપુ અને અઝીમુલ્લા ખાં. ઈતિહાસના પડોમાં છુપાયેલ આ બન્ને પાત્રો ૧૮૫૭ની ક્રાંતિના રચયતા કે આયોજક હતા, એ બહુ ઓછા લોકો જાણે છે. અઝીમુલ્લા ખાં નાના સાહેબના વિશ્વાસુ સલાહકાર હતા. ૧૮૫૭ની ક્રાંતિનું આયોજન કરનાર તેઓ અગ્ર નેતા હતા. જયારે રંગો બાપુ સતારાના પદભ્રષ્ટ શાસકના બાહોશ વકીલ હતા. બન્ને પોતાના પદભ્રષ્ટ રાજાઓ માટે ન્યાય માંગવા લંડન માં ધામા નાખી બેઠા હતા. રંગો બાપુ અને અઝીમુલ્લા ખાં લંડનની એક હોટેલમાં મળ્યા. અને અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવાનું બીજારોપણ લંડનની એ હોટેલમાં થયું હતું. આમ લંડનની એક હોટેલમાં ૧૮૫૭ની ક્રાંતિનું આયોજન કરનાર  રંગો બાપુ અને અઝીમુલ્લા ખાં હતા. એ ઈતિહાસ હજુ ઝાઝો ઉજાગર થયો નથી.

 

ગાંધીજીને દક્ષિણ આફિકામાં નિમંત્રણ આપનાર શેઠ અબ્દુલ્લા હતા. એ વાત ઇતિહાસમાં જાણીતી છે. પણ વકીલાતના વ્યવસાયમાંથી ભારતીઓના અધિકારની લડતમાં સક્રિય થનાર ગાંધીજીને દર માસે અબ્દુલ્લાહ શેઠ તરફથી નિયમિત સહાય થતી હતી. ભારતમાં ગાંધીજી ૧૯૧૫ આવ્યા ત્યારે તેમની સાથે ભારતની આઝાદીની લડતમાં સામેલ થવા ગાંધીજી સાથે દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવનાર એક માત્ર તેમના પરમ મિત્ર ઈમામ સાહેબ હતા. પોતાની પત્ની, પુત્રીઓ ફાતિમા અને અમીના સાથે ભારતમાં આવી તેઓ ગાંધીજી સાથે સહ કુટુંબ આશ્રમમાં જ રહ્યા. અને આઝાદીની લડતમાં ગાંધીજી સાથે કદમ મિલાવી ભાગ લીધી. ૧૯૩૦ના ધરાસણા મીઠા સત્યાગ્રહમાં તેમનું પ્રદાન નોંધ પાત્ર હતું. તેમના વિષે ગાંધીજીએ કહ્યું છે,

 

“ઈમામ સાહેબ સુધરેલા મુસ્લિમ નથી. એ ચુસ્ત મુસ્લિમ છે. એ નથી રોઝા ચુકતા, નથી નમાઝ ચુકતા. આશ્રમવાસીઓ સાથે ભળી જઈને તેમણે ઇસ્લામની સભ્યતાનું દર્શન કરાવ્યું છે.”

 

ગાંધીજી સાથેના આવતો અનેક મુસ્લિમ સાથીઓની જુગલ બંધી હતી. જેમાં ડૉ. અનસારી, અબ્બાસ સાહેબ, અલી બંધુઓ, ગુલામ રસુલ કુરેશી જેવા અનેક સાથીઓ સાથે ગાંધીજીના સબધો ઔપચારિક ન હતા. પણ મહોબ્બત અને ભાઇચારાના હતા. ઈમામ સાહેબની બન્ને પુત્રીઓના નિકાહની કંકોત્રી ગાંધીજીના નામે લખાઈ હતી. તેમાં ગાંધીજી એ લખ્યું હતું,

“મારા ભાઈ સમા ભાઈબંધ ઈમામ સાહેબ અબ્દુલ કાદર બવાઝીર, જેઓ હાલ કેટલાક વર્ષો થયા દક્ષિણ આફ્રિકાથી જ મારી સાથે આશ્રમમાં રહેવા આવ્યા છે, તે અહી પણ મારી સાથે જ આશ્રમમાં રહે છે. તેમની દીકરી બહેન અમીનાબીબીની શાદી ધંધુકાના રસૂલ મિયા કુરેશી સાથે ૩૧ મેં, ૧૯૨૪ની મુતાલીક તા. ૨૬ શવ્વાલ ૧૩૪૨ હિજરીને શનિવારના દિવસે સાંજના સાત વાગે થશે. આ શુભ પ્રસંગે આપ પધારશો અને વર કન્યાને આશીર્વાદ આપશો તો આભારી થઇ.

મોહનદાસ કરમચંદ ગાંધી”

આમ આ નિકાહ આશ્રમમાં ગાંધીજીની સરપરસ્તીમાં થયા. એ ઘટના આજે કેટલા લોકો જાણે છે ?

ગાંધીજી સાથે નિકટનો સબંધ ઘરાવનાર રેહાના તૈયબજી પણ કોમી સદભાવનું ઉત્તમ દ્રષ્ટાંત છે. રેહાના જાણીતા સ્વાતંત્ર્ય સૈનિક અને ગાંધીજીના અંતેવાસી અબ્બાસ તૈયબજીના પુત્રી હતા. રેહાના તૈયબજી  અંગે ગાંધીજી લખે છે,

“જયારે રેહાના આવ્યા ત્યારે મેં મજાકમાં કહ્યું તું આશ્રમવાસીઓને મુસલમાન બનાવ હું તેને હિંદુ બનાવીશ. એનું સંગીત તો ઉત્કૃષ છે જ. તેની પાસે સર્વ પ્રકારના ભજનોનો ભંડાર છે, તે રોજ સંભળાવતા. કુરાનમાંથી મીઠી અને ઉંચા અર્થવાળી આયાતો પણ સંભળાવતા. મેં કહ્યું અહી જે શીખે તેમને ય કંઇક આયાતો શીખવી જા.”

રેહાના તૈયબજી કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત હતા. અને મધુર સ્વરમાં કૃષ્ણ ભજનો ગાતા. એ સમયના રાજકીય કે સામજિક મેળાવડાઓમાં તેમના ભજનો મોટું આકર્ષણ હતા. તેમના ભજનથી જ દરેક કાર્યક્રમો આરંભતા અને સંપન્ન થતા.

 

કેટલા લોકો એ જાણે છે કે સરદાર ભગતસિંગ અને બટુકેશ્વર દત્ત જેવા ક્રાંતિકારીનો કેઈસ લડનાર બાહોશ વકીલ આસિફ અલી હતા. બને ક્રાંતિકારીઓએ ૮ એપ્રિલ ૧૯૨૯ના રોજ કેન્દ્રીય એસેમ્લીની લોબીમાં બહેરી સરકારના કાનો ખોલવા બોમ્બ નાખ્યો હતો. અને અંગ્રેજ સરકારે તેમની ધરપકડ કરી હતી. એવા સમયે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તનો કેસ લડવા તૈયાર થનાર બાહોશ વકીલ આસિફ અલી હતા. બન્ને ક્રાંતિકારીની દેશ ભક્તિને સાબિત કરતી તેમની દલીલો કોર્ટમાં જયારે ગુંજતી ત્યારે ભારતીઓની તાળીઓથી કોર્ટ ભરાઈ જતી. આ જ આસિફ અલી એ સ્વાતંત્ર્ય યુગમાં બંગાળની બ્રહ્માણ કન્યા અરુણા ગાંગુલી સાથે ૧૯૨૮માં લગ્ન કર્યા હતા. એ સમયે અરુણા તેમના કરતા ૨૦ વર્ષ નાના હતા. ૧૯૪૨ની હિંદ છોડો લડતમાં અરુણા આસિફ અલીએ સક્રિય ભાગ લીધો હતો.

આવી જ કોમી એખલાસની જોડી ગુજરાતના ઇતિહાસમાં પણ ભંડારાયેલી પડી છે. જેની કથા વિસરાતી જાય  છે. નવી પેઢી સુધી તેને પહોચાડવામાં આપણે નિષ્ફળ ગયા છીએ. ભાવનગરનો યુવાન રજબઅલી લાખણી અને વસંત હેગીષ્ટની જોડીએ ભારતની આઝાદીની લડતમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. પણ કોમી એકતા માટે બન્ને યુવાનોએ અમદાવાદની ધરતી પર શહીદી વહોરી લીધી હતી.૧૯૪૬ના જુલાઈ માસની પહેલી તારીખે જગન્નાથજીના મદિરમાંથી રથયાત્રાનું મોટું સરઘસની નીકળ્યું. અંગ્રેજ સરકારની કુટનીતિએ બિનસાંપ્રદાયિક ભાવનાને કુંઠિત કરી “ભાગલા પાડો શાસન કરો” જેવી નીતિનો ઉપયોગ રથયાત્રા જેવા પવિત્ર પ્રસંગે અંગ્રેજો એ કર્યો. અસામાજિક તત્વોને હાથવગા કરી અંગ્રેજોએ અમદાવાદમાં કોમી હુલ્લડ શરુ કરાવ્યા. અમદાવાદની સડકો અને ગલીઓ લોહી ભીની થવા લાગી. હિંદુ-મુસ્લિમ એકતાનું ખંડન  રજબઅલી અને વસંત ન સાંખી શકયા.

 

અને અમદવાદમાં પુનઃ હિંદુ મુસ્લિમ એકતા અને સદભાવ સ્થાપિત કરવા વસંત અને રજબની જોડી અમદાવાદની ગલીઓ અને સડકો પર નીકળી પડી. હેવાનિયતના મદમાં મસ્ત અસામાજિક તત્વોએ આ બન્ને સેવકોને પણ છુરાથી નવાજ્યા. અને બન્ને યુવકો કોમી એકતાની સ્થાપનાની ચાહમાં શહીદ થઇ ગયા.

 

સ્વાતંત્ર્ય યુગની આવી કોમી સદભાવના એ યુગની જણસ હતી. એકતાની ધરોહર હતી. સ્વાતંત્ર્ય લડતની શક્તિ હતી. અને એ શક્તિ એ જ આપણને અંગ્રેજોના જુલમ સામે લડવા શક્તિ પ્રદાન કરી હતી. એ ઈતિહાસ આપણે વિસરતાં જઈએ છીએ. જે સાચે જ દુ:ખદ અને ચિંતાજનક બાબત છે.   

 

 

 

 

No comments:

Post a Comment