Sunday, October 22, 2023

અવલ મંજિલકે અવલ રાસ્તે : ડૉ. મહેબૂબ દેસાઈ

 

1966માં એટ્લે કે આજ થી 57 વર્ષ પૂર્વે આવેલી એક ફિલ્મ “તીસરી કસમ”મા કવિ શૈલેન્દ્રનું એક સુંદર ગીત હતું, જેના શબ્દો હતા,

सजन रे झूठ मत बोलो

खुदा के पास जाना है

हाथी है घोड़ा है

वहाँ पैदल ही जाना है

ગીતના મુખડામાં કવિ “સજન” તરીકે સમગ્ર માનવજાતને ઉદેશીને ખુદા કે ઈશ્વર પાસે જવાના માર્ગનો ઉલ્લેખ કરી રહ્યા છે. ઈશ્વર કે ખુદા પાસે જવાનો માર્ગ તો દરેક ધર્મમાં એક જ છે. પણ માનવીને ઈશ્વર કે ખુદા પાસે પહોંચાડવાની વિધિ કે ક્રિયા દરેક ધર્મ અને સમાજમાં ભિન્ન છે. જેને અંતયેષ્ટિ અર્થાત અંતિમ કિયા કહે છે. સમગ્ર વિશ્વમાં માનવીના મૃત દેહનો નિકાલ કરવાની છ પ્રથાઓ અસ્તિત્વમાં છે. (1) ઘરમાં કે આંગણામાં દાટવું, (2) શબને હોય તેવું જ રાખી મૂકવું (ઇજિપ્તની ‘મમી’ પ્રથા), (3) અગ્નિદાહ, (4) જલવિસર્જન, (5) જંગલ કે ખુલ્લામાં શબને મૂકી રાખવું, (6) શબનું ભક્ષણ કરવું. (7)  નિશ્ચિત કબ્રસ્તાનમાં દાટવું.

આ તમામ ક્રિયા પાછળ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિ રહેલ છે.

હિન્દુ ધર્મ દુનિયાનો શ્રેષ્ટ અને વ્યાપક ધર્મ છે. જેમાં જીવન અને મૃત્યુ અંગે બૌધ્ધિક આચાર અને વિચાર જોવા મળે છે. હિંદુઓના જન્મથી મૃત્યુ પર્યંતના સોળ સંસ્કારમાંનો એક સંસ્કાર અગ્નિસંસ્કાર છે. હિન્દુ સમાજમાં ઋગ્વેદ પહેલાં અને પછી પણ અગ્નિદાહની પરંપરા વિશેષ રીતે પ્રચલિત હતી. હિંદુ ધર્મ મુજબ મૃત્યુ થતાં જ શબને સ્નાન કરાવી નવાં વસ્ત્રો પહેરાવી જમીન ઉપર ગાયના છાણનું લીંપણ કરી સુવડાવવામાં આવે છે. આને ચોકો કરવો કહે છે. શબ પાસે દીવો મૂકે છે. હિંદુઓના અગ્નિસંસ્કાર મુજબ મૃતકનું માથું ઉત્તર તરફ રહે તે રીતે ચિતા પર મૂકવામાં આવે છે. એ પછી મૃત શરીરને અગ્નિ દાહ આપી પંચમહાભૂતોમાં વિલીન કરી દેવામાં આવે છે.

હિન્દુ ધર્મ માને છે કે અવસાન પછી પંચતત્વ એટલે પંચમહાભૂતમાં માનવ શરીર લીન થઈ જાય છે. એ પંચમહાભૂતોમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ નો સમાવેશ થાય છે. જળ એટ્લે પાણી, નીર, પ્રવાહી. પૃથ્વી અર્થાત જમીન, ભૂમિ, માટી, રેત. તેજ એટ્લે પ્રકાશ, ચમક, જ્યોત, દીપ્તિ, લાલી, ઉષ્ણતા, અગ્નિ, આગ. વાયુ અર્થાત હવા, પવન, વાતાવરણ, ગંધ. આકાશ એટ્લે ગગન, અંતરીક્ષ. હિન્દુ સસ્કૃતિ મુજબ તેને પંચમહાભૂત કહે છે. ઇસ્લામ પાંચ સ્તંભો પર ઊભો છે. ઈમાન (શ્રદ્ધા), નમાજ (ઈબાદત-ભક્તિ), રોજા (ઉપવાસ), જકાત (દાન) અને હજ (ધાર્મિક યાત્રા). આ તમામ સ્તંભોના કેન્દ્રમાં માનવ મૂલ્યો પડ્યાં છે. જેમ કે હજ એ ગરીબ અને અસહાય માનવી માટે ફરજિયાત નથી. ઇસ્લામનાં આ સ્તંભોમાં માનવ મૂલ્યો સાથે વફાત (અવસાન) અને તેની ક્રિયાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.

ઇસ્લામમાં અવલમંજિલનું સ્થાન કબ્રસ્તાન છે. જ્યાં વ્યક્તિને દફનવવામાં આવે છે. મૃતક વ્યક્તિ અંતિમ સમયે ‘કલમા’ બોલે તો સ્વર્ગમાં જાય એવી મુસ્લિમોમાં માન્યતા છે. મૃતકની રૂહાની શાંતિ માટે ‘ફાતિહા’ પઢવાનો રિવાજ છે. મુસ્લિમો શબને દાટવા માટે કબ્રસ્તાનમાં સરઘસ-આકારે લઈ જાય છે. શબની પાલખીને જનાજો કહે છે. ઇસ્લામમાં જનાજાને કાંધો આપવો એ અત્યંત પુણ્યનું કાર્ય ગણવામાં આવે છે. ઇસ્લામમાં શબને જમણે પડખે અને મોં મક્કા તરફ રહે તે રીતે કબરમાં સુવાડવામાં આવે છે. કુરાને શરીફમાં કહ્યું છે ખુદા કયામતને દિવસે જમીનમાં દફન દરેક માનવીને જગાડશે. દફન વિધિ પછી બીજા કે ત્રીજા દિવસે મુસ્લિમો ઝિયારત કરે છે. ઝિયારત અર્થાત મૃતકની રૂહા (આત્મા)ની  શાંતિ માટે ભેગા મળીને પ્રાર્થના કરવાની ક્રિયા.

 

હિન્દુ અને ઇસ્લામ ધર્મ વચ્ચે કેટલીક સામ્યતા અદભૂદ છે. ઇસ્લામમાં અવસાન પામનાર વ્યક્તિ માટેમરહૂમશબ્દ વપરાયો છે. હિન્દુ સંસ્કૃતિમાંસ્વર્ગસ્તશબ્દનો પ્રયોગ થાય છે. મરહૂમ શબ્દરહમ” (ક્રુપા) પરથી આવ્યો છે. અર્થમાં જેના પર ખુદાની રહમત ઉતરી છે તે વ્યક્તિ.

હિન્દુ સંસ્કૃતિ મુજબ માનવીના અવસાના સમાચાર જાણી કે સાંભળી શાંતિશબ્દનો પ્રયોગ કરવામાં આવે છે શાંતિ એટલે મરનારના આત્માને ઈશ્વર પરમ શાંતિ અર્પે. એ જ રીતે ઇસ્લામી સંસ્કાર મુજબ વ્યક્તિના અવસાનના સમાચાર જાણી કે સાંભળી દરેક મુસ્લિમ ઇન્ન ઇનલીલલહી ઇન્ન ઇલાહી રાજીઉન ( إِنَّا لِلَّٰهِ وَإِنَّ إِلَيْهِ رَاجِعُونَ) કહે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન શરીફની આ એક આયાત છે, જેનો અર્થ થાય છે,

આપણે સૌ અલ્લાહ થકી છીએ અને આપણે સૌએ અલ્લાહ પાસે જવાનું છે.

ડાઘુઓ ‘રામ નામ સત્ હૈ’ અથવા ‘નારાયણ, નારાયણ’ ના રટણ કરતાં કરતાં શબને સમશાન ગૃહે લઈ જાય છે. ઇસ્લામમાં જનાજાને કબ્રસ્તાને લઈ જતાં સમયે કાંધો આપતી વખતે સૌ

कलमा--शहादत کَلْمَۂِ شَہادَت  પઢે છે. કબ્રસ્તાનમાં મૃત શરીરને દફનાવી અર્થાત માટીમાં ભેળવી દેવામાં આવે છે. દફનાવવાની આ ક્રિયાને સુપુર્દે એ ખાક કહે છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે માનવીનું સર્જન ખુદાએ મિટ્ટી અને ગારામાંથી કર્યું છે. કુરાન એ શરીફના હિજર પ્રકરણ 14ની આયાત 28માં કહ્યું છે,

“જ્યારે તારા પરવારદિગારે ફરિશ્તાઑને કહ્યું બેશક હું સડેલ કાદવમાંથી બનેલી ખણખણાટવાળી માટીમાથી માનવીને પૈદા કરનાર છું.”

અર્થાત ખુદાએ માનવ જાતિના પ્રથમ પુરુષ હજરત આદમને ખણખણતી માટીથી જે સડેલ કાદવની બનેલી હતી, તેમાથી બનાવ્યો છે. માટીમાંથી સૌ પ્રથમ આદમનું પૂતળું બનાવવામાં આવ્યું. એ પછીની આયાતમાં કુરાને શરીફમાં ફરમાવ્યું છે,

“પછી જ્યારે તે પૂતળું ઠીકઠાક બની જશે ત્યારે હું તેમા ફુંક મારી રૂહ (આત્મા) નાખીશ.”

હિન્દુ ધર્મ મુજબ માનવીના શરીરમાંથી આત્મા નીકળી જાય પછી તે મૃત બની જાય છે. ઇસ્લામ પણ રૂહ અર્થાત આત્માને માનવ શરીરનું અવિભાજ્ય અંગ ગણે છે, ખુદાએ માનવ શરીર અર્થાત આદમનું સર્જન કર્યા પછી તેમા રૂહ ફુંકી તેને મૂકકમીલ ઇન્સાન કે માનવી બનાવ્યો છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાને શરીફમા બે તત્વો માટી અને પાણી દ્વારા માનવીનું સર્જન થયાનો ઉલ્લેખ છે. આધુનિક વિજ્ઞાન કહે છે માનવ શરીર 60 થી 70 ટકા પાણીથી બનેલું છે. એ જ રીતે મિટ્ટી અર્થાત માટી કાર્બનિક પ્રદાર્થો, ખનીજો, ગેસો, તરલ પ્રદાથો અને જીવોનું મિશ્રણ છે. જેનો ઉપયોગ માનવીના સર્જનમાં ખુદા કે ઈશ્વરે કરેલ છે.

બૌધ્ધ ધર્મમાં મૃત દેહને અગ્નિદાહ અને દફનાવવાનો બંને રિવાજ છે. આ ધર્મમાં બંને પ્રથાઓ આવકાર્ય છે. તેમાં મુખ્યત્વે અંતિમ સંસ્કાર પ્રથા સ્થાનિક રીતરિવાજો પર નિર્ભર હોય છે. અંતિમ સંસ્કાર સમયે સ્વજનો મૃતક માટે પ્રાર્થના કરે છે. બીજા દિવસે અસ્તિઓને પરિવાર જનો એકત્રિત કરે છે. પરિવાર ઈચ્છે તો તે અસ્તિઓ પોતાની પાસે રાખે છે. અન્યથા તેનું કોઈ સ્થાને વિસર્જન  કરે છે. કેટલાક લોકો તેને સમુદ્રમાં વિસર્જિત કરે છે. જે લોકો મૃતકને દફનાવે છે તેઓ તાબૂતમાં  મૂતક શરીરને મૂકી પ્રાર્થના કરે છે પછી તેને દફનાવે છે. શ્રીલંકા, ચીન, મ્યાનમાર વગેરે દેશોમાંના બૌદ્ધો મૃતદેહને ખુલ્લી જગ્યામાં ઝાડ ઉપર, ખડક ઉપર કે પછી બાંધવામાં આવેલા લાકડાના મંચ ઉપર એવી ભાવનાથી રાખે છે કે પક્ષી કે પ્રાણીઓના ખોરાક તરીકે કામ આપી શકે.

પારસીઓ મૃતદેહના કાન પાસે મંત્ર ભણીને કશ્તી કમરે બાંધે છે, પછી અગિયારીમાં ખાસ મુકરર કરેલા કૂવામાં (દખ્મ) લટકાવે છે, થોડા દિવસોમાં મૃત શરીરનું ગીધ ભક્ષણ કરીને નાશ કરે છે.

ઇસ્લામ અને ખ્રિસ્તીઓમાં પુનર્જન્મની કલ્પના નથી. ઈસાઈ ધર્મ મુજબ કોફિનમાં (લાકડાની બનાવેલી પેટી)માં મૃત શરીરને મૂકી જમીનમાં દાટી દે છે. ખ્રિસ્તીઓ મૃત શરીર પાસે ક્રોસ મૂકે છે અને અંતિમ સંસ્કારનું ગીત (dirge) ગાય છે.

જૈનોમાં પણ મૃત શરીરને અગ્નિદાહ આપવાની પ્રથા છે. અગ્નિદાહના ત્રીજા દિવસે તેઓ રાખને નદીમાં પધરાવી જૈન મંદિરમાં પૂજાપાઠ કરીને દસ દિવસ સુધી સૂતક પાળે છે. જૈન ધર્મમાં અન્ય કર્મકાંડ નથી થતાં. પરંતુ તેઓ વધુમાં વધુ દાનધર્મ કરી મૃત આત્માને શાંતિ અર્પવાનો પ્રયાસ કરે છે. જૈન ધર્મમાં મૃત શરીર પ્રત્યે મોહ રાખવામાં આવતો નથી. જૈન ધર્મ માને છે આત્મા અને શરીર બંને ભિન્ન છે. આત્માને બીજા શરીરમાં પ્રવેશતા એક સેકન્ડનો સમય પણ નથી લાગતો. હિન્દુ ધર્મમાં આત્મને મોક્ષ ત્યારે જ મળે છે, જ્યારે મૃતકનો અંતિમ સંસ્કાર સંપૂર્ણ વિધિ વિધાન મુજબ કરવામાં આવ્યો હોય. જૈન ધર્મ અંતિમ સંસ્કારની વિધિને વિશેષ મહત્વ આપતો નથી. કારણ કે મૃત્યુ પછી આત્મા તુરંત નવું શરીર ધારણ કરી લે છે.

શીખ ધર્મમાં સૌ પ્રથમ મૃતકના શરીરને સ્વચ્છ કરવા તેણે સ્નાન કરાવવામાં આવે છે. જો કે પ્રથા દરેક ધર્મમા જોવા મળે છે. પછી શીખ ધર્મ મુજબ પાંચ મુખ્ય વસ્તુઓ કાંસકો, કટાર, કડુ, કર્પાન, અને કેશ વ્યવસ્થિત કરી મૃતક પાસે મૂકવામાં આવે છે. પછી મૃતકના સ્વજનો વાહે ગુરુનું સ્મરણ કરતાં કરતાં અર્થીને સ્મશાને લઈ જાય છે. અને ત્યાં કોઈ નિકટના સ્વજન મુખાઅગ્નિ અર્પે છે. શીખ સંપ્રદાયમાં મરનાર અંગે શોક-વિલાપ નિષિદ્ધ ગણાય છે. તેઓ ધાર્મિક પ્રાર્થના કરે છે. તેમનામાં મૃતકનું સ્મારક પણ નિષિદ્ધ ગણાય છે. દસ દિવસ ઓછું-વત્તું સૂતક પાળે છે. તે દરમિયાન સૂવા-બેસવાનું જમીન પર રાખે છે. મરનારના ઘરે ગ્રંથ સાહિબનો પાઠ કરવામાં આવે છે.

જ્યૂ લોકોમાં પણ પુનર્જન્મની કલ્પના નથી. તેઓ માને છે મરનાર પિતૃઓ પાસે જાય છે. તેમના માં પ્રેતદહન થતું નથી, પણ દફન થાય છે. સાત દિવસનું સૂતક અને દફનના દિવસે ઉપવાસ કરવામાં આવે છે. બીજે દિવસે મૃતકના નજીકના સંબંધીઓ મિષ્ટભોજન કરે છે. તેમના ધર્મગ્રંથ તાલમુદમાંથી ‘કાદિશ’ મંત્રો બોલવાનો રિવાજ છે. લિંગાયતમાં અગ્નિસંસ્કાર થતા નથી. મૃતદેહને મીઠા સાથે જમીનમાં દાટી દે છે. તેઓ સૂતક પાળતા નથી અને વર્તુળાકારમાં બેસી ભોજન કરે છે.

ટૂંકમાં, દરેક મજહબમાં મૃત્યુ પછીની આવી ક્રિયાઓનો ઉદેશ મૃતક સ્વજનના આત્માને પરમ શાંતિ અર્પવાનો હોય છે. પણ એ શાંતિ કેટલી, કેવી અને કયા મળે છે, તે આપણે કયારે જાણી શકતા નથી. અલબત્ત વફાત કે અવસાન પછીના માહોલની કલ્પના અનેક કવિ કે સાહિત્યકારોએ કરી  છે. એવી જ એક કલ્પના બહુ ઓછા જાણીતા કવિ નરેન્દ્ર સિંગની રચનામાં વ્યક્ત થઈ છે. જેને વાગોળીએ.

था मैं नींद में और
मुझे इतना
सजाया जा रहा था....

बड़े प्यार से
मुझे नहलाया जा रहा था....

ना जाने
था वो कौन सा अजब खेल
मेरे घर में....

बच्चो की तरह मुझे
कंधे पर उठाया जा रहा था....

था पास मेरा हर अपना
उस वक़्त....

फिर भी मैं हर किसी के
मन
से भुलाया जा रहा था...

जो कभी देखते
भी न थे मोहब्बत की
निगाहों से....

उनके दिल से भी प्यार मुझ
पर
लुटाया जा रहा था...

मालूम नहीं क्यों
हैरान था हर कोई मुझे
सोते
हुए देख कर....

जोर-जोर से रोकर मुझे
जगाया जा रहा था...

कांप उठी
मेरी रूह वो मंज़र
देख कर....

जहां मुझे हमेशा के
लिए
सुलाया जा रहा था....

मोहब्बत की
इन्तहा थी जिन दिलों में
मेरे लिए....

उन्हीं दिलों के हाथों,
आज मैं जलाया जा रहा था !!!

 

અસ્તુ….