ગુજરાતી માં આ કહેવત બહુ જાણીતી છે “માણસ માત્ર ને ભૂલ ને
પાત્ર”. ગુજરાતી
શબ્દ કોષ મુજબ ભૂલ એટલે ચૂક, ખામી, ગફલત, છેતરાવું, ગેરસમજ
કે વિસ્મૃતિ.
ભૂલ માનવ જીવન સાથે
સંકળાયેલ સહજ ઘટના છે. દરેક નાનો કે મોટો, જ્ઞાની કે અજ્ઞાની, અમીર કે ગરીબ
જીવનમાં ભૂલ કરે જ છે. ઘણીવાર એક ભૂલ માનવીનું જીવન પલટી નાખે છે. ૯ જુનના રોજ
ગુજરાતના જેલ અધિકારી શ્રી પી.સી.ઠાકુરસાહેબના આગ્રહથી મને સાબરમતી જેલના કેદીઓ
સમક્ષ વાત કરવાની તક સાંપડી. જેલ કાર્યાલયમાં સ્થાનિક જેલ અધિકારી ચોધરી સાહેબે
મારું સ્વાગત કર્યું. એ પછી જેલ સુરક્ષાના ભાગ રૂપે સૌ પ્રથમ મારો મોબાઈલ લઈ
લેવામાં આવ્યો. પછી ચોધરી સાહેબ મને એક મોટા ખંડમાં લઈ ગયા. લગભગ ૨૦૦ જેટલા કેદીઓ
શિસ્તબધ રીતે હોલમાં બેઠા હતા. ચોધરી સાહેબે મારો ટૂંકો પરિચય આપ્યો અને મેં કવિ
કલાપીના કાવ્ય,
“રે પસ્તાવો વિપુલ ઝરણું
સ્વર્ગથી ઉતરીયું છે.
પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્ય શાળી બને છે.”
ની પંક્તિથી મારા વ્યાખ્યાનનો આરંભ કર્યો. અને કહ્યું,
“આપ સૌ સજ્જન નાગરિકો છો.
પણ ઉશ્કેરાટ કે આવેગમાં આપે કરેલી નાનકડી ભૂલને કારણે આપને અહિયાં આવવું પડ્યું
છે.” અને સૌ કેદીઓના ચહેરા પર મારા વિધાનની અસર મે અનુભવી. આજના સંદર્ભમાં જોઈએ તો
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પએ ઈરાનને યુધ્ધમાં નોતરી મોટી ભૂલ કરી, આખા વિશ્વને
મુશ્કેલીમાં મૂકી દીધું છે, એવું આપણને સાંભળવા મળે છે. એટલે ભૂલ એ સર્વ સામાન્ય
બાબત છે. પણ તેના પરિણામો કયારેક ઘણા ગંભીર આવે છે. અને તે વ્યક્તિ અને સમગ્ર માનવ
સમાજને અસર કરતાં હોય છે.
માનવી ભૂલ કયા સંજોગોમાં
અને કયારે કરે છે, તેના મૂળભૂત કારણો જાણવા જેવા છે.
૧. વિષય કે સ્થિતિની
જાણકારી નો અભાવ કે અજ્ઞાનતા.
૨. ઉતાવળ કે શરત ચૂક નું
પરિણામ.
૩. અમુક પરિસ્થિતિમાં
ઉદાસીનતા કે ઉદારતા.
૪. માનવીનો માનવી પર અતૂટ
વિશ્વાસ.
૫. મહત્વકાંક્ષાની
પુર્તિ
આવા કારણો માનવીને ભૂલ
કરવા પ્રેરે છે. ક્યારેક માનવી પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. પણ એ સમયે સમાજ કે
અન્ય માનવીઓની પ્રતિક્રિયાઓ ભિન્ન હોય છે. ગાંધીજીએ ભારતના સ્વાતંત્ર સંગ્રામના
પ્રથમ તબક્કામાં “અસહકાર આંદોલન”નો આરંભ કર્યો હતો. પણ એ આંદોલનમાં હિંસા પ્રવેશતા
તેમણે દુ:ખ સાથે જાહેર કહ્યું હતું,
“મે પહાડ જેવડી મોટી ભૂલ
કરી છે. અને તેથી હું આ આંદોલન બંધ કરું છું.”
અને ત્યારે ગાંધીજીની એ ભૂલ અંગે સારી નરસી અનેક
પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં
ચિતરંજનદાસ, મોતીલાલ નહેરુ અને લાલા લજપત રાયની ટિપ્પણીઓ ઇતિહાસમાં
નોંધાયેલી છે. ગાંધીજીની એ ભૂલની સજા રૂપે છ વર્ષની કારાવાસની
સજા બ્રિટિશ
સરકારે તેમને આપી હતી.
આ તો મહાન માનવીના જીવનની વાત થઈ પણ સામાન્ય માનવીની ભૂલ ની
સજાનું સ્વરૂપ
કઈક જુદું હોય છે. મારા એક મિત્ર એ હમણાં જ મને ફોન પર એક
ઘટના કહી સંભળાવી.
તેણે પોતાની એપલ વોચ માટે એક કંપનીના વૉચના વિવિધ ડાયલો
માટે ક્રેડિટ કાર્ડ દ્વારા
૨૦૦ રૂપિયા નું પેમેન્ટ ઑન લાઇન કર્યું. થોડા કલાકોમાં જ
તેના એકાઉન્ટમાંથી બીજા
૨૦૦૦ રૂપિયા એ કંપનીએ લઈ લીધા. આવા ઓન લાઇન ફ્રોડ હમણાં બહુ
થાય છે. પણ આ
ઘટનાની પ્રતિક્રિયા તેના સ્વજનો તરફથી જે આવી તે જાણવા જેવી
છે. સૌ પ્રથમ તેના
યુવાન પુત્ર એ કહ્યું,
“પપ્પા, તમને જાણકારી ન હોય એવી કંપની પાસેથી કશું ઑન લાઇન
ન ખરીદો.”
તેના અવાજમાં થોડો રોષ અને શીખ આપવાની ભાવના વ્યક્ત થતાં
હતા.
મિત્રની પત્ની બાજુમાં જ બેઠા હતા. તેમણે પણ પોતાનો પ્રતિભાવ
આપતા કહ્યું,
“હું તો તેમને વારંવાર કહું છું કે ઑન લાઇન ખરીદી કરવાનું
બંધ કરો. પણ મારુ તો માનતા
જ નથી.” ઘરના
કિચનમાં પુત્રની પત્ની કામ કરતી હતી. તેણે મૃદુ સ્વરમાં કહ્યું,
“મારે પણ એકવાર આવું થયું હતું. ત્યારે મે તુરત કાર્ડ બ્લોક
કરાવી નાખ્યું હતું. હવે તમારું કાર્ડ
પણ બ્લોક કરાવવું પડશે. અને નવું કાર્ડ આવતા એકાદ અઠવાડિયુ
નીકળી જશે.”
મિત્ર એ ફોન પર આ ઘટના વ્યક્ત કરતાં મને દૂ:ખ સાથે કહ્યું,
“મહેબૂબ, આમાંથી એક પણ વ્યક્તિ એ એમ નથી કહ્યું કે “હશે થઈ
જાય. એમા ચિંતા કરવાની
જરૂર નથી.”
તેની વાતનો સૂર સમજવા જેવો છે. માનવી પોતાની ભૂલ સ્વીકારે એ
તેની સજ્જનતા છે. પણ
પછી ભૂલ કરનાર માનવીને સાંત્વન આપવું એ જ સાચી સજ્જનતા છે. પણ
મોટે ભાગે આપણે
એવા સમાજમાં શ્વાસ લઈએ છીએ જેમાં ભૂલ કરનાર માનવીને સાંત્વન
આપવા “હશે થઈ જાય”
જેવા શબ્દો કહેવાને બદલે તેને સલાહ કે સજા આપવાનું કે
પોતાનો અનુભવ વ્યક્ત કરી
તેની ભૂલની આલોચના કરવાનું આપણે ચુકતા નથી. પરિણામે ભૂલ
કરનાર માનવી પોતાની ભૂલ
સુધારવા પ્રત્યે સજાગ થવાને બદલે પોતાને ગુનાહિત મહેસૂસ
કરવા લાગે છે. વળી તેને
સ્વજનો કે સમાજ ની આવી ટિપ્પણી પ્રત્યે મનોમન થોડો રોષ પણ આવે
છે. આવો
રોષ સંયમિત માનવી મનમાં રાખે છે, તો ક્યારેક નાના મોટા
સ્વરૂપમાં વ્યક્ત પણ કરી
નાખે છે. જેનું પરિણામ ઘર કે સમાજમાં કલેશ કે જેલવાસમાં આવે
છે.
એટલે આવા સમયે સાચો પ્રતિભાવ એ છે કે ભૂલ કરનાર માનવીને
ટીકા ટિપ્પણી, સલાહ
સૂચન કે જ્ઞાન આપવાના બદલે તેની ભૂલ પ્રત્યે તેને સ્વભાવિક કે
સહજ ભાવે
સજાગ કરવાનો કે તેને પ્રતીકાત્મક ટકોર કરવાનો હોવો જોઈએ.
અને ત્યારે જ “માનવ માત્ર ભૂલ ને પાત્ર” એ કહેવત સાચા
અર્થમાં સાકાર થશે.
No comments:
Post a Comment