દર રમઝાનના ૧૩માં રોઝા પર ત્રણ દિવસ માટે જેમનો ભવ્ય ઉર્સ તેમની મૃત્યું તિથી પર ઉજવાય છે, એવા સિંધના પ્રસિદ્ધ સુન્ની સૂફી સચલ સર મસ્ત (૧૭૩૯-૧૮૨૭) નું મૂળ નામ અબ્દુલ વહાબ હતું. પિતાનું નામ સલાહુદ્દીન અને દાદાનું નામ સાહિબુદ્દીન હતું. સચલ સર મસ્તના નામે જાણીતા થયેલા આ સંતના નામમાં જ તેમના ગુણો વ્યક્ત થયા છે. સચલ અર્થાત સત્યવાદી. સર મસ્ત એટલે ખુદાના નશામાં મસ્ત. ઈ.સ. ૧૭૩૯માં સિંધના ખૈરપુર રાજ્યના દરાઝ ગામમાં તેમનો જન્મ થયો હતો. નાનપણમાં જ પિતાની છત્રછાયા તેમણે ગુમાવી દીધી હતી. કાકા અબ્દુલ હક્કે બાળક અબ્દુલા વહાબનું પાલન પોષણ કર્યું અને તેમને આધ્યાત્મિક જ્ઞાનથી તરબતર કર્યા. સૂફી સંત તરીકેની તેમની પ્રસિદ્ધિને કારણે તેમના ગામ દરાઝને લોકો દર-એ-રાઝ અર્થાત આધ્યાત્મિક માર્ગના દ્વાર તરીકે ઓળખાવતા હતા.
એકવાર સૂફી સંત લતીફ શાહ તેમના ગામમાંથી પસાર થયા. તેમની
નજર શેરીમાં રમતા બાળક અબદુલ વહાબ પર પડી. તેમણે અબ્દુલ વહાબના ચહેરા પરના તેજને
પામી જી તે અંગે પૂછપરછ કરી. જયારે તેમને જાણ થઇ કે આ તો ખુદાના પાક બંદા
સલ્લાહુદ્દીનનો પુત્ર છે, ત્યારે તેમણે પોતાનો જમણો હાથ બાળક અબ્દુલ વહાબના મસ્તક
પર મૂક્યો અને ફરમાવ્યું,
“મેં પાત્ર (વાસણ)ને આગ પર ચઢાવી દીધું છે. તેનું ઢાકાણ હવે
તેના દ્વાર ખોલી નાખશે.”
આવી આધ્યાત્મિક ભવિષ્યવાણી અક્ષરશઃ સાચી પડી. અબદુલ વહાબ
યુવા અવસ્થામાં જ ખુદાના પ્રેમ અને સંગીતનો દીવાનો બની ગયો. તેમની વાણીમાં ખુદાનો
પ્રેમ અને આરાધના અવિરત છલકતા હતા. એકવાર સંત સચલને કોઈકે પૂછ્યું,
“આપ ક્યારે જન્મ્યા ? આપના માતાપિતા કોણ છે ?”
આપે જવાબ આપ્યો,
“હું જન્મ્યો નથી
નથી કોઈએ મારું પોષણ કર્યું
મેં સ્વર્ગને ખુદ છોડ્યું,
તે મને પોષી ન શક્યું
હું મારી ખુશીથી
ધૂળમાંથી અવતર્યો છું
અને એટલે જ
હું અનંત છું, સર્વવ્યાપક છું
પણ લોકોની ભૂલ છે
કે તેઓ મને સચલ કહે છે”
વીસ વર્ષની વયે કુરાને શરીફ જેમને કંઠસ્થ હતું. ઇસ્લામી
શરીયત (કાનૂન)ના જે તજજ્ઞ હતા. જેમના પર પર્શિયન કવિઓ અલ્લુદ્દીન સત્તાર અને હાફીઝની
ગાઢ અસર હતી. સૂફીમાર્ગનો પ્રકાશ આપનાર તેમના કાકા અબ્દુલ હક્ક જેમના ગુરુ હતા.
સિંધી મુસ્લિમ અને હિંદુઓના જેઓ પ્રિય હતા તેવા સચલ સર મસ્તે ભગવાન શ્રીકૃષ્ણ પર
રચેલા કાવ્યો પણ માણવા જેવા છે.
“હે આશ્ચર્ય જનક
જોગી
તારી વાંસળીની
સૂરાવલી
કેવી મધુરતા હતી.”
સૂફી સચલની રચનોમાં ગહનતા, સરળતા અને સર્વધર્મ
સમભાવના જોવા મળે છે. સચલ આધ્યાત્મિક જ્ઞાનનો દરિયો હતા. અનેક ભાષાના તેઓ જાણકાર
હતા. સિંધી, શ્રીલંકન, પર્સિયન, ઉર્દુ, બલુચી, પંજાબી અને
એરેબીક ભાષાના તેઓ પ્રખર જાણકાર હતા. સચલના કાવ્યોમાં સમભાવના કેન્દ્રમાં હતી.
માત્ર શુદ્ધ ઈબાદત (ભક્તિ)ના જ તેઓ આશક હતા. ખુદા ઈશ્વર પ્રત્યેના અલૌકિક પ્રેમને
જ તેમણે પોતાના ભક્તિ કાવ્યોમાં વ્યક્ત કરેલ છે.
“અમે કાબાને અમારા હદયમાં નિહાળ્યું
હવે મક્કા જવાની શી જરૂર
જયારે મારું મન જ મસ્જિત છે
પછી મસ્જિતમાં જવાની શી જરૂર ?
મારી નસોમાં જ ખુદા વહે છે
પછી કલમા પઢવાની શી જરૂર ?
સચલ ખુદાના પ્રેમથી ઘવાઈ ગયો છું
પછી ખંજરથી ઘાયલ થવાની શી જરૂર ?
સચલની રચનાઓનું સંક્ષ્પ્તીકરણ કરવાનો યશ
આગા સૂફીને જાય છે. ૧૯૩૩માં તે સંગ્રહ શિકારપુર (સિંધ) થી પ્રકાશિત થયો હતો. તેમાં
સચલનું જીવન ચરિત્ર અને તેમની આધ્યાત્મિક રચનાઓનું
વિષ્લેષણ આપવામાં આવ્યું છે. સૂફી સચલે પોતાના વિચારોને વાચા આપવા ઉર્દુ-પંજાબી ભાષાનો
બખૂબી ઉપયોગ કર્યો છે. તેમણે ફારસીમાં પણ લખ્યું છે. પણ મોટે ભાગે તેમણે સિંધીમાં
વધુ લખ્યું છે. ઇ.સ. ૧૮૨૭માં સચલના જીવન પર પડદો પડી ગયો. છતાં સિંધમાં તેમના ગીતો
આજે પણ લોકજીભે રમે છે.
No comments:
Post a Comment