Sunday, June 14, 2009

Isaln and Jawaherlal Neharu by Prof. Mehboob Desai

ઇસ્લામ અને જવાહરલાલ નહેરુ

ડો.મેહબૂબ દેસાઈ

મહંમદ પયગમ્બર શાંતિમય જીવન ગુજારતા હતા. લોકો તેમને ચાહતા હતા, તેમના પર વિશ્વાસ મૂકતા હતા. સાચે જ સૌ તેમને ‘અલ-અમીન’ એટલે કે વિશ્વાસપાત્ર કહેતા હતા.
૨૬ જાન્યુઆરી ભારતની આઝાદીનું પ્રતીક છે. આ દિવસે આપણો દેશ પ્રજાસત્તાક બન્યો હતો. આઝાદીથી લડાઇમાં મોખરેના નેતાઓમાંના એક હતા જવાહરલાલ નહેરુ.
જવાહરલાલ નહેરુએ પોતાની પુત્રી ઇન્દિરા ગાંધી (પ્રિયદર્શની)ને જેલમાંથી લખેલા પત્રોનું સંકલન એટલે ‘જગતના ઇતિહાસનું રેખાદર્શન’ નામક ગ્રંથ. એ ગ્રંથમાં જવાહરલાલજીએ ઇસ્લામ અંગે એક આખું પ્રકરણ આલેખ્યું છે. જવાહરલાલજીના ઇસ્લામ અને તેના પયગમ્બર અંગેના વિચારોનું આજે એ ગ્રંથમાંથી આચમન કરીએ. અરબસ્તાનના રણવાસીઓ માટે નહેરુ લખે છે,

‘રણમાં વસનાર બદૃઓ માટે ઝડપી ઊટ અને સુંદર ઘોડા તેમના કાયમી સાથી હતા.’

‘જે નવી શકિત અને નવા વિચારે આરબ લોકોને જગાડયા તથા તેમનામાં આત્મવિશ્વાસ પેદા કર્યો, તેમને તાકાત આપી, તે ઇસ્લામ હતો. તે ધર્મ મહંમદ નામના નવા પયગમ્બરે પ્રવર્તાવ્યો હતો. તે શાંતિમય જીવન ગુજારતા હતા. લોકો તેમને ચાહતા હતા, તેમના પર વિશ્વાસ મૂકતા હતા. સાચે જ સૌ તેમને ‘અલ-અમીન’ એટલે કે વિશ્વાસપાત્ર કહેતા હતા.’

‘ઇસ્લામ ધર્મનો આરંભ મહંમદ સાહેબ મક્કાથી હિજરત કરી ગયા ત્યારથી એટલે કે ૬૨૨ની સાલથી થયો એમ કહી શકાય. પરંતુ એક રીતે તેનો આરંભ એ પહેલાં થયો હતો. યથ્રીબ શહેરે મહંમદ સાહેબને વધાવી લીધા અને તેમના આગમનના માનમાં તેનું નામ બદલીને ‘મદીનત-ઉન-નબી’ એટલે કે નબીનું શહેર એવું નામ રાખવામાં આવ્યું. આજકાલ સંક્ષેપ્તમાં તેને ‘મદીના’ કહેવામાં આવે છે.’

‘હિજરત પછી સાત વર્ષની અંદર મહંમદ સાહેબ પયગમ્બર તરીકે પાછા આવ્યા. આ પહેલાં જ તેમણે દુનિયાના તમામ રાજાઓ અને સમ્રાટો ઉપર ‘ખુદા એક છે અને મહંમદ તેના પયગમ્બર છે’ એ વસ્તુ માન્ય રાખવા ફરમાન મોકલ્યું હતું.
કોન્સ્ટાન્ટિનોપલનો સમ્રાટ હેરેકિલયસ સીરિયામાં ઇરાકી લોકો સાથે યુદ્ધમાં રોકાયેલો હતો. તે સમયે તેને ફરમાન મળ્યું. ઇરાનના રાજાને પણ એ ફરમાન મળ્યું. વળી, એમ પણ કહેવાય છે કે ચીનના સમ્રાટ તાઇ-ત્યાંગને પણ આ ફરમાન પહોંચાડવામાં આવ્યું. મહંમદ સાહેબે આવા આદેશો મોકલ્યા હતા. તે ઉપરથી તેમને પોતાની જાત ઉપર અને પોતાના કાર્ય ઉપર કેટલો ભારે વિશ્વાસ છે એનો આપણને કંઇક અંદાજ આવે છે.’

નહેરુના મહંમદ સાહેબ અંગેના ઉપરોકત વિચારોમાં વપરાયેલ શબ્દ ‘ફરમાન’ અંગે એટલું જ કહી શકાય કે હજરત મહંમદ સાહેબ ઇસ્લામના વિચારોને પ્રસરાવવા દેશ-વિદેશમાં પોતાના દૂતો મોકલ્યા હતા.
તેમણે મહંમદ સાહેબનો ‘સંદેશ’ લોકોને આપ્યો હતો. એ માત્ર ‘સંદેશ’ હતો. ફરમાન કે આદેશ ન હતા.
(27જાન્યુઆરી2009 દિવ્ય ભાસ્કરના સૌજન્યથી)

No comments:

Post a Comment