Saturday, June 27, 2009

Islam and Swami Vivekanand by Prof. Mehboob Desai

ઇસ્લામ અને સ્વામી વિવેકાનંદ

ડો. મહેબૂબ દેસાઈ




એક વાર સ્વામી વિવેકાનંદ જયપુરના મહારાજાના આગ્રહને વશ થઈ તેમની મહેફિલમાં ગયા. ત્યાં સૌ એક ગણિકાનું ગીત સાંભળવા એકઠા થયા હતા. સ્વામી વિવેકાનંદે ત્યાંથી નીકળી જવાનો પ્રયાસ કર્યો પણ સંભવ ન બન્યું, ગણિકાએ ગીત આરંભ્યું,

‘પ્રભુ મોહે અવગુણ ચિત ન ધરો,

સમદરસી હૈ નામ તિહારો ચાહે તો પાર કરો,

પ્રભુ મોહે અવગુણ ચિત ન ધરો’

તુલસીદાસનું આ ભજન અત્યંત ભાવથી ગણિકાએ ગાયું. ભજન પૂર્ણ થતા વિવેકાનંદ ગણિકા પાસે આવ્યા અને ક્ષમા માગતા કહ્યું, ‘મા, મારી ભૂલ થઈ ગઈ. હું અહીંથી જતો રહી તમારું અપમાન કરવાનો હતો, પરંતુ તમારા ભજને મારી ચેતનાને જગાડી દીધી છે.’ સ્વામી વિવેકાનંદની આવી આઘ્યાત્મિક સમાનતા-ઉદારતા કલકત્તાના બેલુરમઠમાં આજે પણ યથાવત્ છે. તેનો હું સાક્ષી છું. ૧૯૯૧ના ઓકટોબર માસમાં બેલુરમઠના ઘ્યાનખંડમાં જુમ્માની નમાજ અદા કરવાનો પ્રસંગ મારી સ્મૃતિમાં છે.

ઇસ્લામમાં સામાજિક, આર્થિક અને આઘ્યાત્મિક સમાનતા અને બંધુત્વનો સિદ્ધાંત પાયામાં છે. વિવેકાનંદજી એ સિદ્ધાંતના પ્રશંસક હતા. મહંમદ સાહેબ (સ.અ.વ)ના વ્યકિતત્વમાંથી નીતરતા એ સિદ્ધાંત અંગે વિવેકાનંદજી કહે છે,

‘પયગમ્બર સાહેબ, દુનિયામાં સમતા અને સમાનતાના પ્રખર સંદેશાવાહક હતા. તેઓ ભાતૃભાવના મહાન પ્રચારક હતા.’

ઇસ્લામના સમાનતા અને બંધુત્વના વિચારને સદૃષ્ટાંત સમજાવતા વિવેકાનંદ કહે છે, ‘તુર્કસ્તાનનો સુલતાન આફ્રિકાના બજારમાંથી એક હબસી ગુલામ ખરીદીને લાવે છે. તેને જંજીરોમાં બાંધી પોતાના દેશ લઈ જાય છે. પરંતુ જયારે એ ગુલામ ઇસ્લામનો અંગીકાર કરે છે ત્યારે એ ગુલામ સમાનતાનો અધિકાર પ્રાપ્ત કરે છે. તે તુર્કસ્તાનના સુલતાનની રાજકુમારી સાથે નિકાહ કરવાનો અધિકાર પણ મેળવે છે. ઇસ્લામની આ ઉદારતા અમેરિકાની હબસી, નિગ્રો અને રેડ ઇન્ડિયનોને ગુલામ બનાવવાની ધૃણાસ્પદ જાતિની તુલનામાં અત્યંત માનવીય છે.’

સાડા ચૌદસો વર્ષ પૂર્વે મહંમદ સાહેબે ઇસ્લામને પ્રજા સમક્ષ મૂકયો હતો. આજે પણ વિશ્વમાં તે અસ્તિત્વમાં છે. તેની પાછળનું રહસ્ય છતું કરતા વિવેકાનંદજી કહે છે, ‘મારી દૃષ્ટિ સમાનતાના મહાન સંદેશાવાહક મહંમદ સાહેબ તરફ વારંવાર જાય છે. કદાચ તમે પૂછશો કે તેમના ધર્મમાં સારું શું છે? પણ જો તેમાં સારું ન હોત તો એ આજદિન સુધી જીવંત કેવી રીતે રહ્યો? સત્ય જ ધર્મને ટકાવી રાખે છે. એ જ ધર્મ કાળના પ્રવાહમાં બચી શકે છે. જે કલ્યાણકારી છે.’

ઇસ્લામ ધર્મના શાસકો અને સૂફીસંતોની ઇસ્લામને ટકાવી રાખવાની મૂલ્યનિષ્ઠાને વ્યકત કરતા વિવેકાનંદ કહે છે, ‘ઇંગ્લેન્ડ પાસે હથિયારો છે. ભૌતિક સમૃદ્ધિ છે. જેમ મઘ્યકાલીન યુગમાં મુસ્લિમ શાસકો પાસે હતા. આમ છતાં અકબર વ્યવહારિક સ્વરૂપે હિંદુ હતો. શિક્ષિત મુસ્લિમો અને સૂફીઓને હિંદુઓથી અલગ કરવા મુશ્કેલ છે. અન્ય બાબતોમાં તેમની રહેણીકરણી હિંદુ જેવી છે. તેમના અને આપણા વિચારોમાં સાંસ્કòતિક સમન્વય સધાયો છે.’ ભારતના મઘ્યકાલીન યુગથી માંડીને અર્વાચીન યુગ સુધી હિંદુ અને મુસ્લિમ પ્રજા ભારતમાં મહોબ્બત અને એખલાસથી રહી છે.

આમ છતાં કયારેક બંને વરચે વિસંવાદિતતા પ્રસરાવવાના પ્રયાસો થયા છે. એ પ્રયાસોના મૂળને વ્યકત કરતા વિવેકાનંદ લખે છે, ‘વેદોની આઘ્યાત્મિક ઉદારતા ઇસ્લામમાં પણ છે. ભારતનો ઇસ્લામ ધર્મ અન્ય દેશોના ઇસ્લામ ધર્મ કરતાં વિશિષ્ટ છે. જયારે બીજા દેશોના મુસ્લિમો અહીંયા આવી ભારતીય મુસ્લિમોને ગેરમાર્ગે દોરે છે અને કહે છે, ‘તમે વિધર્મીઓ સાથે હળીમળીને કેવી રીતે રહો છો?’ અને ત્યારે ભારત તે અશિક્ષિત મુસ્લિમ કોમી વિસંવાદિતતામાં ફસાય છે.’ ઇસ્લામ અને હિંદુધર્મના સમન્વયને વ્યકત કરતા વિવેકાનંદ કહે છે, ‘આપણી માતૃભૂમિ માટે હિંદુત્વ અને ઇસ્લામ, બુદ્ધિ અને શરીર સમાન છે. બંનેનું સમન્વય એ જ આપણી આશા છે.’

No comments:

Post a Comment