૧૮૫૭માં મૌલવીઓ-સંતોનું પ્રદાન
ડો. મહેબૂબ દેસાઈ
આજથી દોઢસો વર્ષ પહેલાં એટલે કે ૧૦ મે ૧૮૫૭ના રોજ ભારતના રાજાઓ, પ્રજા અને સૈનિકોએ અંગ્રેજ કંપનીના શાસન સામે મુકિતસંગ્રામ માંડયો હતો. અંગ્રેજ ઇતિહાસકારોએ તેને બળવો કરીને વખોડી કાઢયો છે. જયારે ભારતીય ઇતિહાસકાર આજે પણ તેને પ્રથમ મુકિતસંગ્રામ તરીકે મૂલવતા અવઢવ અનુભવે છે.
પણ એ સત્યને સ્વીકારવું જ રહ્યું કે ભારતની આમ પ્રજા, રાજાઓ, સિપાઈઓ સાથે હિંદુ-મુસ્લિમ ધર્મના સંન્યાસીઓ, ફકીરો, મૌલવીઓ કે પંડિતોએ પણ આ સંગ્રામમાં પોતાનો ફાળો નોંધાવ્યો હતો. સંગ્રામની નેતાગીરી લેનાર બહાદુરશાહ ઝફર, નાના સાહેબ, રાણી લક્ષ્મીબાઈ, તાત્યાટોપે, વાજીદઅલી શાહ, અઝીમુલ્લા ખાનું જરા પણ તરતી કક્ષાનું પ્રદાન ધર્મના આ આગેવાનોનું ન હતું.
૧૮૫૭ની ક્રાંતિના એ યુગમાં લોકોમાં આદરપાત્ર બનેલા મૌલવીઓ કે પંડિતોને આ પવિત્ર રાજકીય યુદ્ધમાં સામેલ કરવા હજારો રૂપિયા આપીને લોકજાગૃતિ માટે સમાજમાં પ્રસરાવી દેવામાં આવ્યા હતા. આ સઘળા મૌલવીઓ, પંડિતો, ફકીરો કે સંન્યાસીઓ દેશના ખૂણે ખૂણે પહોંચી ગયા હતા અને કંપનીના શાસનનો અંત માણવા લોકોને જાગૃત કરી રહ્યા હતા.
સાધુઓ અને ફકીરો કમળ અને રોટીના પ્રતીક સાથે ભગવા કે કાળા મોટા ઝભ્ભાઓમાં ગામડે ગાામડે જૉવા મળતા. આમ દેશની પ્રજામાં સ્વતંત્રતા, દેશભકિત અને સ્વધર્મનાં બીજ રોપવાનું કાર્ય ફકીરો, સંન્યાસીઓ, ભિક્ષુકો અને પંડિતોએ બખૂબી કર્યું હતું.
૧૮૫૭ના એ યુગમાં લશ્કરી ટુકડી સાથે એક મૌલવી અને એક પંડિત રાખવાની પ્રથા હતી. જેથી લશ્કરી ટુકડીના સૈનિકોની ધાર્મિક વિધિઓ કે પ્રસંગો સચવાઈ જતા. આ પ્રથા પણ ૧૮૫૭ની ક્રાંતિ માટે અત્યંત ફળદાયી બની હતી. આ પ્રથાને કારણે અનેક મૌલવીઓ અને પંડિતો ભારતીય લશ્કરી ટુકડીઓમાં પ્રસરી ગયા હતા.
અલબત્ત, આમાં કેટલાક મૌલવીઓ કે પંડિતોના સ્વાંગમાં ક્રાંતિકારીઓ પણ હતા. ભારતીય લશ્કરી ટુકડીઓમાં પ્રવેશી ગયેલા મૌલવીઓ અને પંડિતો રોજ રાત્રે ભારતીય સિપાઈઓને એકઠા કરતા અને સંગ્રામના સિદ્ધાંતો તથા તેની યોજનાથી વાકેફ કરતા. સતત બે વર્ષ સુધી પંડિતો અને મૌલવીઓની આ પ્રવૃત્તિથી કંપનીના લશ્કરી અફસરો વાકેફ ન હતા.
પરિણામે ૧૮૫૭ની ભૂમિકા બાંધવામાં પંડિતો અને મૌલવીઓને ખાસ્સો સમય મળી ગયો. હિંદુ-મુસ્લિમ યાત્રાધામો પણ પ્રજા જાગૃતિનાં કેન્દ્રો બની ગયાં હતાં. આ સ્થળો પર હિંદુ-મુસ્લિમો મોટી સંખ્યામાં ભરતા ત્યારે મૌલવીઓ કે પંડિતો ધર્મના વિચારોની આડમાં કંપનીના શાસન વિરુદ્ધના વિચારોને પ્રસરાવતા.
‘ભારત મેં અંગ્રેજી રાજ’ના લેખક પંડિત સુંદરલાલે પણ આવા કેટલાક મૌલવીઓનો ઉલ્લેખ તેમના પુસ્તકમાં કર્યો છે. જેમાં મૌલાના અહમદશાહ અને મૌલાના લિયાકતઅલી મોખરે છે. લખનૌ અને આગ્રામાં મૌલાના અહમદશાહની વાએઝ (ધાર્મિક પ્રવચન) સાંભળવા દસ દસ હજાર માણસો મટતા.
કંપની સરકારની એકસો વર્ષની ભારતીય પ્રજાને ગુલામ રાખવાની કથની પોતાનાં ધાર્મિક વ્યાખ્યાનમાં તેઓ એવી રીતે વણી લેતા કે લોકોનો સ્વાધીનતા માટેનો જુસ્સો ઉગ્ર બની જતો. એ જ રીતે મૌલવી લિયાકતઅલી પણ અલહાબાદની સ્વાધીનતા પછી તેનો સૂબેદાર બન્યો હતો અને અગ્રેજો વિરુદ્ધ શૌર્યથી લડયો હતો.
૧૮૫૭ના ઓગસ્ટમાં અમદાવાદની જુમ્મા મસ્જિદમાં સિરાજુદ્દીન મૌલવીએ કંપની સરકાર સામે ‘જેહાદ’ (ધર્મયુદ્ધ)ની ઘોષણા કરી હતી. તેણે અમદાવાદની છાવણીના ભારતીય સૈનિકોનો સંપર્ક સાઘ્યો હતો અને આઝાદીના સંગ્રામમાં તેમના સહકારની માગણી કરી હતી. મૌલવી સિરાજુદ્દીનની વાએઝો (ધર્મ પ્રવચન) પણ સાંભળવા જેવી હતી. સ્વાધીનતાને ધર્મ સાથે જોડી આઝાદીની ખેવના પ્રજામાં જગાડવામાં તે માહેર હતા.
ટૂંકમાં ૧૮૫૭ની ઘટના એ કોઈ એકલ-દોકલ સમાજ સાથે જ સંકળાયેલી ન હતી. સાધુ-સંતો, ફકીરો, મૌલવીઓ, પંડિતો, સંન્યાસીઓ સમાજનો એવો વર્ગ છે. જે માત્ર ધર્મ અને તેના આઘ્યાત્મિક પાસા સાથે જ સંકળાયેલો હોય છે. આમ છતાં સમાજના આ વર્ગે પણ આઝાદીના મહાયજ્ઞમાં પોતાનું નોંધપાત્ર યોગદાન નોધાવ્યું છે.
એ સત્ય તરફ ભલે ઇતિહાસકારોએ ઉપેક્ષા સેવી હોય, પણ સત્યને શોધનાર કોઈ ઇતિહાસ સંશોધક એક દિવસ અવશ્ય તેના પર સવિસ્તાર પ્રકાશ પાડશે જ. આમીન
No comments:
Post a Comment