મુસ્લિમોનો કૃષ્ણ મહિમા
ડો. મહેબૂબ દેસાઈ
કુરાને શરીફમાં કહ્યું છે, ‘મેં હર કોમ માટે એક રાહબર પેદા કર્યો છે. દરેક કોમ માટે એક માર્ગદર્શક ગ્રંથ આપ્યો છે.’
આવા રાહબરો અને ગ્રંથોએ જ દરેક યુગમાં માનવીને માર્ગદર્શન આપ્યું છે. તેના કારણે જ સમાજના સામાજિક આઘ્યાત્મિક અને રાજનૈતિક મૂલ્યોનું જતન થયું છે અને એટલે જ આવા ગ્રંથો કે મહાનુભાવોનો મહિમા ગાવો, વ્યકત કરવો કે સ્વીકારવોએ માનવસહજ ગુણ છે. જન્માષ્ટમી એટલે કે કૃષ્ણ ભગવાનના જન્મના ઉત્સવ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણનો મહિમા ગાતા મુસ્લિમ સ્વરકારોનાં ગીતો ધર્મના વાડાઓને ચીરીને આપણા હૃદયને ડોલાવે છે. મહંમદ રફીના કંઠે ગવાયેલ,‘બડી દેર ભઈ નંદલાલા, તેરે દ્વાર ખડી બ્રીજબાલા’
આ ગીત વગર જન્માષ્ટમીની ઉજવણી અધૂરી લાગે છે. મુસ્લિમ ઐતિહાસિક ફિલ્મ ‘મુઘલ-એ-આઝમ’માં કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે ગવાતું પેલું ગીત,
‘મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે...
કંકરિયા મોહે મારી ગગરિયા ફોર ડારી...
આજે પણ મારી સ્મૃતિમાં અંકિત છે. એ ગીતમાં રાધાના સ્વાંગમાં મુસ્લિમ અભિનેત્રી મધુબાલાને નૌશાદમિયાંના સ્વરોમાં અભિનય કરતી જોવી એ હિંદુ-મુસ્લિમ સંસ્કૃતિના સમૃદ્ધ સમન્વયનું વાસ્તવિક અને કલાત્મક પાસું છે.
ભગવાન શ્રી કૃષ્ણનો આ મહિમા માત્ર અર્વાચીન યુગના મુસ્લિમોમાં જ જોવા મળતો નથી. પણ છેક મઘ્યકાલીન યુગમાં પણ આ ધેલછા પ્રસરેલી જોવા મળે છે. ભારતમાં મોગલશાસન મઘ્યાહ્ને હતું ત્યારે કૃષ્ણનો મહિમા ગાવા અને તેને વ્યકત કરવા ખુદ બાદશાહ અકબર તરફની પ્રજાને પ્રોત્સાહન આપવામાં આવતું હતું.
મોગલ સમ્રાટ અકબરનાં ફોઈના પુત્ર અને મંત્રી નવાબ અબદુર્રહીમ ખાનખાના શ્રીકૃષ્ણના પરમ ભકત હતા. શ્રીકૃષ્ણની શાનમાં તેમણે ઘણાં સુંદર ગીતો રરયાં હતાં.
આવા જ એક અન્ય કૃષ્ણભકત હતા દિલ્હીના શાહી ખાનદાનના સૈયદ ઇબ્રાહીમ. એક વાર સૈયદ ઇબ્રાહીમ પોતાની ધૂનમાં રસ્તા પર ચાલ્યા જતા હતા. અને તેમના કાને શબ્દો પડયા, ‘રસો વૈ સ:’ અર્થાત્ ‘ઇશ્વર-ખુદા તો રસની ખાણ છે.’ સૈયદ ઇબ્રાહીમને આ વિચાર ગમી ગયો. તેણે એ વિધાનના ઉરચારક પંડિતને પૂછ્યું, ‘રસની ખાણ જેવા ઇશ્વર-ખુદા કયા માર્ગે મળશે?’
અને પંડિતજીએ સૈયદ ઇબ્રાહીમને શ્રીકૃષ્ણનો પરિચય કરાવ્યો અને એ જ ક્ષણથી સૈયદ ઇબ્રાહીમ કૃષ્ણનો મહિમા ગાનાર રસખાન બની ગયા. પછી તો રસખાનની કલમે ઇતિહાસ સજર્યો.
પંજાબની એક મુસ્લિમ કવયિત્રી ‘તાજ’ પણ ભગવાન શ્રીકૃષ્ણથી એટલી પ્રભાવિત થઈ હતી કે તેણે પોતાની કવિતામાં લખ્યું,
‘છેલ જો છબીલા સબ રંગ મેં રંગીલા
બડા ચિત્ત કા અડીલા કહુ દેવતાઓ સે ન્યારા હૈ...
માલા ગલે સોહે નાક મોટી સેત સોહો,
કાન મોટે મન કુંડલ મુકુટ શીશ ધારા હૈ...
આવા જ એક કૃષ્ણ ચાહક શાયર હજરત નફીસ ખલીલી હતા. તેમણે પોતાના કાવ્યમાં કૃષ્ણ ભગવાનના બાલ્યકાળનું સુંદર વર્ણન કર્યું છે.
‘કન્હૈયા કી આંખે હિરન - સી નશીલી,
કન્હૈયા કી શોખી કલી - સી રસીલી,
કન્હૈયા કી છબી દિલ ઉડાને વાલી,
કન્હૈયા કી સૂરત લુભા દેને વાલી,
કન્હૈયા કી હર બાત મેં રસકી ફુહારી.’
આગ્રાના એક શાયર મિયાં નઝીર અકબરાબાદી પણ શ્રીકòષ્ણના ચાહક હતા. તેમણે કૃષ્ણની બાળલીલાને પોતાના સુંદર શબ્દોમાં વ્યકત કરી છે. કૃષ્ણની વાસળી અંગે તેઓ લખે છે,
‘જબ મુરલીધરને મુરલી કો અપની અધર ધરી
કયા કયા પ્રેમ પ્રીતિ ભરી ઉસ મેં ધૂન ભરી,
શ્રી કૃષ્ણ મહાભારતનું એક એવું અદ્ભુત કિરદાર છે જેના આચરણમાં દુષ્ટોનો નાશ અને સત્યનો વિજય છે. જેમાં ધર્મનું પાલવ અને અધર્મનું નિકંદન છે. અને એટલે જ પંજાબના મુસ્લિમ નેતા મૌલાના ઝફર અલી ખાં સાહેબ શ્રીકૃષ્ણના ઉપદેશોને આજના યુગમાં અમલી બનાવવા પર ભાર મૂકતા લખે છે,
‘અગર કૃષ્ણ કી તાલીમ આમ હો જાયે
તો કામ ફિતનાગારો કા તમામ હો જાયે
વતન કી ખાક કે જરો સે ચાંદ પૈદા હો,
બુલન્દ ઇસ કદર ઇસ કા મકામ હો જાયે.
હૈ ઇસ તરાને મેં ગોકુલ કી બાંસુરી ગુંજ
ખુદા કરે કી યહ મકબૂલ આમ હો જાયે.’
મહામાનવીના જીવનકવન જ તેમને ભકતમાંથી ભગવાન બનાવે છે. અને ત્યારે એવા મહામાનવો કોઈ એક કોમ કે ધર્મની જાગીર નથી રહેતા પણ સમગ્ર માનવજાતનો પ્રેમ, આદર અને વંદનીય સ્થાન પામે છે. શ્રીકૃષ્ણ પણ એવી જ એક વિભૂતિ બની ગયા છે. મુસ્લિમ કવિઓ, શાયરો અને સંતોના હૃદયમાં તેમણે પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે અને એટલે જ તેનો મહિમા હંમેશાં તેમની કલમમાંથી ધર્મ, જાતિ કે કોમના વાડાઓને તોડીને પ્રગટ થતો રહ્યો છે, અને પ્રગટતો રહેશો. સંત કબીરે એટલે જ કહ્યું છે,
‘જયોં તિલ મા હીં તેલ રૈં
જયોં ચકમક મેં આગિ,
તેરા સાંઈ તુજ મેં હૈં
જાગિ સકૈ તો જાગિ.’
No comments:
Post a Comment