પુરાણ અને કુરાનનો સમન્વય કબીર
ડો. મહેબૂબ દેસાઈ
‘કબીર’ શબ્દ અરબી ભાષાનો છે. તેનો અર્થ થાય છે ‘મહાન’. હિંદુ-મુસ્લિમ ઐકયના પુરસ્કર્તા કબીરે તેમના નામને સાર્થક કર્યું છે. ૧૬ મે ૧૫૧૮માં ગોરખપુરથી થોડે દૂર મગહર નામના નાનકડા ગામમાં કબીરે દેહ છોડયો હતો. એ સમયે લોકો કહેતા કે કાશીમાં મરણ પામે તે સ્વર્ગમાં જાય અને મગહરમાં મરે તે બીજા જન્મે ગધેડો થાય. કાશીમાં જીવનપર્યંત રહેનાર કબીર છેક છેલ્લી અવસ્થામાં લોકોની માન્યતાને તોડવા મગહર ગયા અને ત્યાં જ મૃત્યુ પામ્યા. આ હતી કબીરક્રાંતિ.
કબીરનું જીવન સમન્વયના સ્તંભ પર ખડું છે. પ્રેમ, ભકિત અને જ્ઞાન ત્રણેને હિંદુ અને ઇસ્લામના પસંદીદા સિદ્ધાંતો પર અમલી કરી પરમાત્મા કે ખુદાના અહેસાસને તેમણે પામ્યો હતો. અને એટલે જ તેમની વાણીમાં કટુતા અને સત્યતાનો સુભગ સમન્વય જોવા મળે છે.
ઉરચ બ્રાહ્મણકુળની કન્યાનું એ ત્યકતા સંતાન, જેનું પાલનપોષણ મુસ્લિમ દંપતી નીરુ અને નીમાએ કર્યું. પરિણામે ઇસ્લામી સંસ્કારો કબીરને બાળજીવનમાં સાંપડયા અને હિંદુ ધર્મની વિભાવના સંત રામાનંદજીએ સમજાવી બંને ધર્મના ઉમદા સિદ્ધાંતો તેમણે સ્વીકાર્યા. હિંદુ ધર્મના પુનર્જન્મના સિદ્ધાંતોનો તેમણે સ્વીકાર કર્યો. પણ મૂર્તિપૂજા, સંતવાદ, જાતિવાદ જેવા હિંદુ ધર્મના સિદ્ધાંતો તેમણે ન સ્વીકાર્યા. તેના સ્થાને ઇસ્લામનો એકેશ્વરવાદ (તૌહિદ)નો સિદ્ધાંત તેમણે સ્વીકાર્યો. સમાનતા, એકતા અને સમભાવ જેવા ઇસ્લામના પાયાના સિદ્ધાંતોને તેમણે અપનાવ્યા. ઇસ્લામના સૂફીજનો પ્રત્યે કબીરને ખાસ્સો અહોભાવ હતો. તેમની વિચારધારાથી તેઓ પ્રભાવિત હતા. પોતાની રચનાઓમાં કયાંક કયાંક સૂફી વિચારધારાને તેમણે સાકાર કરી છે.
‘જયોં તિલ મોહિ તેલ હૈં, જયોં ચકમક મેં આગિ, તેરા સાંઈ તુઝમે હૈં, જાગિ સકૈ તો જાગિ’
સુફી વિચારધારાના મૂળમાં ખુદા તારા અંદર છે. તારામાં જ છે. અલ મન્સુરે ‘અનલહક્ક’ (હું જ ખુદા છું) કહ્યું હતું. કબીર પણ ખુદાને-ઇશ્વરને માનવીની ભીરતમાં જ માને છે.
‘મૌકો કહાô ઢૂંઢો બંદો મૈં તો તેરે પાસ મેં
ના મૈં બકરી, ના મૈં ભેડી મેં છુરી ગંડાસા મેં
નહીં ખાલ મેં, નહીં પોંછ
મેં ના હડ્ડી ના માસ મેં
ના મૈં દેવલ,
ના મૈં મસજિદ,
ના કાબે કૈલાસ મેં
મેં તો રહૌ સહર કે બહાર,
મેરી પુરી મવાસ મેં
કહે કબીર સુનો ભાઈ સાધો,
સબ સાંસો કી સાંસ મેં ’
એક વાર કબીરને કોઈકે પૂછ્યું, ‘ઇશ્વર-ખુદા પાસે જવાનો માર્ગ કયો?’
કબીરે પલભરનો પણ વિચાર કર્યા વગર કહ્યું, ‘હું પ્રાણી છું અને ઇશ્વર-ખુદા મારો પ્રાણ છે. પછી માર્ગ શોધવાની જરૂર કયાં છે?’
મૃત્યુની સત્યતા અને પંચમહાભૂતોની વિલીનતાના સિદ્ધાંતોને કબીરની વાણી સાંપડે ત્યારે જે કમાલ થાય છે તે કેવી સરળ અને અસરકારક છે તે કબીરની આ બે લાઈનોમાં માણી શકાય છે.
‘માટી કહે કુંમ્હાર કો તું કયાં રૂંદે મોહિં, ઇક દિન ઐસા હોયગા મેં રૂદુંગી તોહિં’
દરેક ધર્મ-મજહબનો મૂળભૂત સિદ્ધાંત પ્રેમ છે. દરેક ધર્મગ્રંથના ઉપદેશનું કેન્દ્રબિંદુ પ્રેમ છે.
‘ચાહે ગીતા વાંચીએ યા પઢિયે કુરાન મેરા તેરા પ્યાર હી હર પુસ્તક કા જ્ઞાન’
આધુનિક યુગના આ વિચારને કબીરે ૧૫મી સદીમાં જયારે વાચા આપી ત્યારે તેમના શબ્દો હતા,
‘પોથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કોય, ઢાઈ આખર પ્રેમ કા, પઢે સૌ પંડિત હોય’
ટૂંકમાં કબીર આઘ્યાત્મિક સમન્વયના સત્સંગની સર્વોત્તમ યુનિવર્સિટી હતા. શીખોના પાંચમા ધર્મગુરુ અર્જુનદેવે સંવત ૧૬૬૧માં તૈયાર કરેલ ‘ગુરુ ગ્રંથસાહેબ’ સંતસાહિત્યનો મોટો અને મહત્ત્વનો ગ્રંથ છે. તેમાં કબીરનાં લગભગ સવા બસ્સો પદ અને અઢીસો શ્લોક કે સાખીઓનું સંકલન થયું છે.
ગુજરાતમાં સંવત ૧૫૬૪માં કબીર આવ્યાનું મનાય છે. ગુજરાતમાં સુરતનું કબીર મંદિર જૂનામાં જૂનું કબીર સંપ્રદાયનું સ્થાન છે. સુરતની સગરામપુરાની જૂની સાલના પંજાઓ ઉપરથી સંવત ૧૭૬૫ મળે છે. પરંતુ સંપ્રદાયની સ્થાપના સંવત ૧૫૭૫ અને સંવત ૧૬૮૦ વરચે થયેલી જણાય છે. તેથી અનુમાન બાંધી શકાય કે ગુજરાતમાં સુરતની કબીર સંપ્રદાયની ગાદી પ્રથમ છે. એ પછીથી ભરૂચ, વડોદરા, ખંભાત, અમદાવાદ, નડિયાદ, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ વગેરેની જગ્યાઓ બંધાઈ હશે.
જો કે કબીર ખુદ સંપ્રદાયના વિરોધી હતા. કબીરના દેહવિલય પછી તેમના પુત્ર કમાલને કોઈકે કહ્યું, ‘તમે કબીર સંપ્રદાય શરૂ કરો.’
ત્યારે તેણે જવાબ આપ્યો હતો, ‘મારા પિતા જીવનની છેલ્લી પળ સુધી સંપ્રદાયની વિરુદ્ધ હતા.’
કબીર એ પુરાણ અને કુરાનનું અદ્ભુત સમન્વય હતા. જેમની રચનાઓ આજે પણ આપણને સમન્વયની પરંપરાનો રાજમાર્ગ ચીંધતી જીવંત છે અને રહેશે.
No comments:
Post a Comment