Saturday, June 27, 2009

DUA A(Prathena) : Prof. Mehboob Desai

દુવા : ખુદા સાથે જીવંત સંવાદ

ડો. મહેબૂબ દેસાઈ


દુવાનો શાબ્દિક અર્થ પ્રાર્થના થાય છે પણ તેનો આઘ્યાત્મિક અર્થ ખુદા સાથે ભાવનાત્મક સંવાદ થાય છે. એ સંવાદમાં દુ:ખ-દર્દ દૂર કરવાની આજીજી છે. મનની મુરાદોને પામવાની તમન્ના છે. ખુદાને રાજી કરવાની કોશિશ છે. આ બધા પ્રયાસોમાં જયારે ઇમાન, વિશ્વાસ કે આસ્થા ભળે છે ત્યારે સાચી, નક્કર દુવા સર્જાય છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે, ‘મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.’

હજરત મુહંમદ બિન અન્સારીની વફાત (અવસાન) પછી તેમની તલવારના મ્યાનમાંથી એક ચિઠ્ઠી નીકળી હતી. તેમાં લખ્યું હતું,‘તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો. એ પળે તમે જ દુવા કરશો તે કબૂલ થશે?’

હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ)એ ફરમાવ્યું છે, ‘દુવા (પ્રાર્થના) જ ઇબાદત (ભકિત) છે.’ હજરત ઇમામ સૂફિયાન ફરમાવે છે, ‘અલ્લાહને તે જ બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે.’

જો કે ખુદા પાસે દુવા માગવાની કે સંવાદ કરવાની પણ તહઝીબ છે. કુરાને શરીફમાં ફરમાવ્યું છે, ‘તમે તમારા પરવરદિગાર પાસે કરગરીને, આજીજીપૂર્વક, નમ્રતાથી, ધીમેથી દુવા માગો.’

દુવા માગવા માટેનો ઉત્તમ સમય પણ ઇસ્લામી ગ્રંથોમાં આપવામાં આવ્યો છે. એ મુજબ

નમાજ માટે અઝાન થાય એ પછી દુવા માગો.

અઝાન અને તકબીર દરમિયાન દુવા માગો.

ફર્ઝ, નમાજ પછી દુવા માગો.

કુરાને શરીફની તિલાવત (વાંચન) પછી દુવા માગો.

આબેઝમઝમના આચમન પછી દુવા માગો.

કાબા શરીફના દીદાર (દર્શન) પછી દુવા માગો.

આ ઉપરાંત હજયાત્રાએ જતા હાજીસાહેબોએ પવિત્ર સ્થાનો જેવાં કે કાબા શરીફની પરિક્રમા (તવાફ) સમયે, ખુદાના ઘર (બયતુલ્લાહ)ની અંદર, આબેઝમઝમના કૂવા પાસે, મકામે ઇબ્રાહીમ પાછળ, અરફાતના મેદાનમાં, ૯ ઝિલહજના દિવસે મીનામાં, હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ)ના રોઝા મુબારક પાસે ખાસ દુવા માગી જોઈએ. આ સ્થાનોમાં દુવા કરવાથી તે અવશ્ય કબૂલ થાય છે.

દુવાના સ્થળ જેટલી જ મહત્તા દુવાની પદ્ધતિની છે. દુવા કેવી રીતે માગવી, એ પણ ઇસ્લામ ગ્રંથોમાં સવિસ્તાર આપવામાં આવ્યું છે. જેમાં નોંધપાત્ર બાબતો નીચે મુજબ આપી શકાય.

દુવા હંમેશાં કિબલા તરફ મોં રાખીને જ કરો.

દુવા કરતા સમયે અવાજ ધીમો અને નમ્ર રાખો.

હેસિયતથી વધુ દુવા ન માગો.

દુવા શકય તેટલી ટૂંકમાં, સંક્ષિપ્તમાં માગો.

દુવા યકીન, વિશ્વાસ સાથે કરો.

દુવા કરતા પહેલાં ભૂલોની માફી માગો. ખુદાને તે ગમે છે.

સિજદામાં દુવા કરવી વધારે યોગ્ય છે.

દુવા સદ્કાર્યો, આમાલો અને પોતાની નાની-મોટી નૈતિક જરૂરિયાતો માટે કરો. કોઈનું બૂરું કરવા કે અનૈતિક બાબતો માટે કયારેય દુવા ન માગો.

દુવામાં ભાષા મહત્ત્વની નથી. એકાગ્રતા, આજીજી અને વિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાં છે. ગમે તે ભાષામાં દુવા કરો. ખુદા બંદાની દરેક ભાષા સમજે છે. આલીમોએ દુવા કબૂલ થવાના ચાર પ્રકારો આપ્યા છે.

કેટલીક દુવાઓ તે જ સમયે કબૂલ થઈ જાય છે.

કેટલીક દુવાઓ સમય પાકયે જ કબૂલ થાય છે.

કેટલીક દુવાઓનો બદલો અન્યને મળે છે. જયારે દુવા કરનારને આખિરતના દિવસે તેનો બદલો મળે છે.

કેટલીક દુવાઓ આજીવનમાં કબૂલ થતી નથી પણ તે આખિરતમાં કબૂલ થાય છે.

ટૂંકમાં દુવા એ ખુદા સાથેનો જીવંત સંવાદ છે. તેને જેટલો સરળ, નમ્ર, આત્મીય અને વિશ્વસનીય બનાવી શકાય તેટલો બનાવો. અંતે તો ખુદા બંદાને આપવા જ બેઠા છે, બસ બાઅદબ માગનારની જરૂર છે.

No comments:

Post a Comment