આલમગીર ઔરંગઝેબ
ડો. મહેબૂબ દેસાઈ
‘આલમગીર’ અર્થાત્ વિશ્વને પ્રકાશિત કરનાર બાદશાહ તરીકે જાણીતા છેલ્લા માગલ સમ્રાટ ઔરંગઝેબ (ઇ.સ. ૧૬૫૮થી...)નું નામ અરબીમાં અવરંગજિબ લખાય છે. જેનો અર્થ થાય છે શાહીપદવી. ૩ નવેમ્બર ૧૬૧૮માં ધોડા (માલવા)માં જન્મેલ ઔરંગઝેબનું જીવન બે વિભાગોમાં વિભાજિત છે. પ્રથમ લોહિયાળ સત્તાસંઘર્ષમાં વ્યસ્ત શાહજાદો ઔરંગઝેબ. બીજું સત્તા મેળવ્યા પછી એક ચુસ્ત (કટ્ટર) મુસ્લિમ બાદશાહ ઔરંગઝેબ. આ બે વ્યકિતત્વો વરચે આલમગીરની સત્યનિષ્ઠા અને ઉદાર ધાર્મિક નીતિ ઇતિહાસનાં પાનાઓ નીચે દબાઈ ગઈ છે.
અત્યંત ધર્મપરાયણ અને મૂલ્યનિષ્ઠ ઔરંગઝેબ પાંચ વકતનો પાબંદ નમાઝી હતો. ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે જ શાસન કરવાનો તેનો આગ્રહ જાણીતો છે. તેની મૂલ્યનિષ્ઠા ભલભલા આલીમોને શરમાવે તેવી હતી. તેના કાર્યાલયમાં બે દીવાઓ તેનું ઉત્તમ દૃષ્ટાંત હતા. હંમેશ મુજબ એક રાત્રે તે પોતાના કાર્યાલયમાં દીવાના પ્રકાશમાં રાજયનું કાર્ય કરી રહ્યો હતો. થોડા સમય પછી તેણે એ દીવો બુઝાવી બીજૉ દીવો પેટાવ્યો. અને પોતાના લેખનકાર્યમાં લાગી ગયો. એક સિપાઈ બાદશાહની આ ક્રિયા જોઈ રહ્યો હતો. તેને નવાઈ લાગી. અંતે હિંમત કરી તેણે બાદશાહને બે દીવાઓનું રહસ્ય પૂછ્યુ. ત્યારે આલમગીરે કહ્યું,
‘પ્રથમ દીવો રાજયનો છે. તેનો ઉપયોગ રાજયના કામકાજ માટે કરું છું. બીજો દીવો મારો અંગત છે. તેનો ઉપયોગ મારી આજીવિકા માટે કુરાને શરીફની નકલો કરવામાં કરું છું.’
મોગલ શાસન દરમિયાન ભારતના ચલણી સિક્કાઓ પર ઇસ્લામનો પ્રથમ કલમો ‘લાઈલાહા ઇલ્લ્લાહ મુહમુદ્ર રસુલિલ્લાહ અર્થાત્ અલ્લાહ એક છે અને મહંમદ તેના પયગમ્બર છે’ કોતરવામાં આવતો. ઔરંગઝેબે બાદશાહ બન્યા પછી એ પ્રથા બંધ કરી. ભારત હિંદુ-મુસ્લિમ પ્રજાનો દેશ છે એટલે તેના સિક્કા પર કોઈ એક ધર્મનો આદેશ યોગ્ય નથી. એવા ફરમાન સાથે તેણે સિક્કાઓ પર સામાન્ય સંદેશ કે ચિહ્નો મૂકવાનો આરંભ કર્યોહતો.
રાજયાભિષેકના સત્યાવીસમા વર્ષે જૈન સાધુ ચંદ્રસૂરીના નામે એક ફરમાન બહાર પાડયું હતું. તેમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું : ‘જૈન પંથના કોઈ પણ વ્યકિતને કોઈ પણ જાતની સતામણી થવી જોઈએ નહીં. તેઓ શાંતિ અને સુરક્ષાથી પોતાના વિસ્તારો અને નિવાસોમાં રહે તેની તકેદારી રાખવી. હવે પછી દરબારમાં આ અંગેની કોઈ ફરિયાદ આવવી જોઈએ નહીં. આ હુકમની બજવણી દરેકે નૈતિક ફરજ સમજીને કરવાની છે.’
ઇ.સ. ૧૬૫૯થી ૧૬૮૫ દરમિયાન ઔરંગઝેબે અનેક મંદિરોને નિભાવ ખર્ચ તરીકે જમીનો અને જાગીરો આપ્યાના દસ્તાવેજો સાંપડે છે. જો કે ઔરંગઝેબની આ તમામ સારપ તેની ચુસ્ત (કટ્ટર) ઇસ્લામિક શાસન પદ્ધતિને કારણે ઉજાગર થઈ નથી. ટૂંકમાં, ઔરંગઝેબની ઉદારતા તેના સત્તાસંઘર્ષ માટેના હિંસક પ્રયાસો અને કટ્ટર ઇસ્લામી બાદશાહ તરીકેના અમલ નીચે દબાઈ ગઈ છે. અને તેના વિવાદાસ્પદ વ્યકિતત્વને કારણે દબાયેલી રહેશે.
No comments:
Post a Comment