ઉજજવલ પ્રકાશ અનવર મિયાં
ડો. મહેબૂબ દેસાઈ
૨૨ જાન્યુઆરી ૧૯૧૬ શનિવાર, જિરી સન ૧૩૩૪, ૧૬ રબીઉલ અવ્વલ, સંવત ૧૯૭૨ના પોષ વદ ૨નો દિવસ હતો. પાલનપુરના નવાબના ચંદ્ર મહેલમાં એક સૂફી ફકીર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. વૈદ, હકીમો અને દાકતરોએ આશા છોડી દીધી હતી. હિંદુ-મુસ્લિમ સૌ ઇશ્વર-ખુદાની પ્રાર્થનામાં લીન હતા. પણ ‘જેની ખુટી તેની નહીં બુટી’ બપોરના લગભગ અઢી વાગ્યે ગુજરાતના જાણીતા ઔલિયા કાઝી અનવર મિયાંએ છેલ્લો શ્વાસ લીધો. અને વાતાવરણ ધ્રુસ્કાઓથી ભરાઈ ગયું.
નામદાર નવાબ સાહેબે અનવર મિયાંની છેલ્લી વસિયત સંભાળવી, ‘મારો દેહ પડે તો મને મુરશદના રોઝા પાસે દફનાવજો? તેમની ઇરછા મુજબ એ જ જગ્યાએ કબર ખોદવામાં આવી. તેમના આદર્શ સંતજીવનની મહેક આજે પણ ગુજરાતના હિંદુ-મુસ્મિલ સમાજમાં યથાવત્ છે. સૂફીસંત સત્તાર શાહ બાપુના ગુરુ અનવર મિયાંનો જન્મ સંવત ૧૮૯૯ના વૈશાખ વદ ૭, શુક્રવારને દિવસે વીસનગરમાં થયો હતો. પિતાનું નામ આજા મિયાં.
વિક્રમ સંવત ૧૯૩૭માં મકકા- મદિનાની હજયાત્રા કરનાર અનવર મિયાંના વિચારોમાં ધાર્મિક સમન્વયનો પ્રકાશ આંજી દે તેટલી માત્રામાં હતો. તેઓ કહેતા, ‘સૌ પોતપોતાના ધર્મની રૂઢિને અનુસરીને જુદાં જુદાં નામ લે છે. પણ તે નામવાળો કોણ છે? શું છે? તેની શોધખોળ અજ્ઞાની માણસો કરતા નથી. પરમેશ્વર-ખુદાને બરાબર ઓળખી તેના ગુણનું ગાન કરો તો તેમાં જરૂર સ્વાદ આવે. પરમેશ્વરને ‘માલિક-એ-કદીય’ કહેવાય છે.’
અનવર મિયાંની આઘ્યામિક રચનાઓમાં તેમની આ વિચારસરણી વારંવાર સાકાર થાય છે.
‘હમને બ્રહ્મ બિચારારે, હમારા પંથ હૈ ન્યારાજી, માલા મણકા હમ નહિં ફેરે પુસ્તક ગ્રંથ બિસારા રે’
પોતાની રચનાઓ ભકતો જયારે લખી લખીને ગાતા ત્યારે અનવર મિયાં ભકતોને એક કથા ખાસ સંભળાવતા.
‘એક ભકત (બંદો) હંમેશાં ખુદાની ઇબાદતમાં લીન થઈ ગીતો ગાતો. એક દિવસ એક ગવૈયાએ તેને ટોકયો.’ ‘ભકતરાજ, આપ ગાઓ છો તો ગીત સૂર કે તાલમાં નથી. સંગીતશાસ્ત્રમાં કહ્યું છે.
જૈસે લુણ બિના ખાના નહીં, વૈસે તાલ બિના ગાના નહીં
આ સાંભળી પ્રથમ તો પેલો ભકત એક નજરે ગવૈયાને જોઈ રહ્યો પછી શાંત સ્વરે બોલ્યો, ‘આપના સંગીતશાસ્ત્રમાં જે લખ્યું હોય તે પણ અમારા ભકિતશાસ્ત્રમાં લખ્યું છે, જૈસે ભૂખ બિના ખાના નહીં, વૈસે ભાવ બિના ગાના નહીં ‘ભજન કે ઇબાદતમાં સૂર-તાલ ન હોય તો ચાલે પણ ભાવ અત્યંત જરૂરી છે.’
દરેક ધર્મમાં ખુદાના ભકતોનાં સ્વરૂપો અલગ અલગ છે. આ અંગે પણ અનવર મિયાં લખે છે, ‘જેવી રીતે હિંદુઓમાં નરસિંહ મહેતા, જૈનમાં આનંદધજી વગેરે મસ્ત ભકતો થઈ ગયા. એવી જ રીતે મુસલમાનોમાં મનસુર અને શમ્સતબ્રેજ વગેરે થઈ ગયા.’
૭૩ વર્ષના જીવનમાં મોટે ભાગે ખુદાની ઇબાદતમાં જ લીન રહેનાર સૂફીસંત અનવર મિયાં આજે આપણી વરચે સંદેહે નથી. પણ તેમની આઘ્યાત્મિક રચનાઓનો સંગ્રહ ‘અનવર કાવ્ય’ તેમની સર્વધર્મ સમભાવની વાતને સતત વહેતી કરતો જીવંત છે.
Sunday, June 14, 2009
Sufi Saint Anwar Miya by Prof. Mehboob Desai
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment