ઇતિહાસમાં દટાઇ ગયેલો ‘દીન-એ-ઇલાહી’ ધર્મ
Dr. Mehboob Desai
દીન-એ-ઇલાહી ધર્મની સ્થાપનાનો ઉદ્દેશ ઇસ્લામના કટ્ટરપંથીઓથી ઇસ્લામને મુકત કરવાનો હતો. વળી, ભારતવર્ષની ધાર્મિક સહિષ્ણુતા અને એકતાને જીવંત રાખવાની અકબરની મહેચ્છા પણ તેમાં છુપાયેલી હતી.
ભારતના મઘ્યકાલીન ઇતિહાસમાં સમ્રાટ અકબર દ્વારા સ્થપાયેલ ધર્મ ‘દીન-એ-ઇલાહી’ એક મોટી ઉપલબ્ધિ હતી. ‘દીન-એ-ઇલાહી’ને ‘તૌહિદ-એ-ઇલાહી’ પણ કહે છે. જેનો અર્થ થાય છે એકેશ્વરવાદ પર આધારિત ધર્મ અથવા દિવ્ય વિશ્વાસ. દીન-એ-ઇલાહી અંગે અંગ્રેજ ઇતિહાસકાર વારહોલીએ લખ્યું છે,
‘એ ધર્મ વિભિન્ન ધર્મોનાં તત્ત્વોનું મિશ્રણ હતો. જેમાં અંશત: મહંમદ સાહેબના કુરાન, હિંદુ ધર્મગ્રંથો અને ઇસા મસીહાના એન્જલમાંથી ઉત્તમ સિદ્ધાંતો લેવામાં આવ્યા હતા.’
અકબરે સ્થાપેલ આ ધર્મ હજરત મહંમદ પયગંબરના ઇસ્લામના નાવીન્યકરણના બરાબર એક હજાર વર્ષ પછી સ્થપાયો હતો. ઇતિહાસકાર વિન્સ્ટ સ્મિથ તેને ‘અકબરની મૂર્ખતાના સ્મારક’ તરીકે મૂલવે છે, પણ મોટા ભાગના ઇતિહાસકારો સ્મિથના વિચાર સાથે સહમત નથી.
દીન-એ-ઇલાહી ધર્મની સ્થાપનાનો ઉદ્દેશ ઇસ્લામના કટ્ટરપંથીઓથી ઇસ્લામને મુકત કરવાનો હતો. વળી, ભારતવર્ષની ધાર્મિક સહિષ્ણુતા અને એકતાને જીવંત રાખવાની અકબરની મહેરછા પણ તેમાં છુપાયેલી હતી. ઇ.સ. ૧૫૭૫ સુધી ઇસ્લામના સુન્ની પંથનો ચુસ્ત અનુયાયી અકબર શેખ મુબારક અને તેમના પુત્રો ફૈજી અને અબુલ ફઝલના પરિચયમાં આવ્યા અને તેના ધાર્મિક વિચારો બદલાયા. વિવિધ ધર્મોના તત્વજ્ઞાનને પામવા અકબરે ફતેહપુર સિક્રીમાં એક ઇબાદતખાનું (પ્રાર્થનાગૃહ) બનાવ્યું.
પ્રારંભમાં તેમાં ઇસ્લામના આલિમો એકત્રિત થતા. અકબર તેમની ચર્ચા સાંભળતો પછી ધીમે ધીમે તેમાં વિવિધ ધર્મોના જ્ઞાતાઓ આવવા લાગ્યા. હિંદુ ધર્મના દાર્શનિકો સાથે જૈન ધર્મના હરિવિજય સૂરી, વિજયસેન સૂરી, ભાલચંદ્ર ઉપાઘ્યાય, પારસી ધર્મના દસ્તૂર મહાયારજી રાના અને ગોવાના પાદરીઓ સાથે અકબર ધર્મની વિશદ ચર્ચા કરતો.
આમ વિવિધ ધર્મોના ઉરચ આદર્શોથી તે વાકેફ થયો અને તેમાંથી પ્રેરણા લઇ અકબરે એક નવો ધર્મ સ્થાપ્યો. એ ધર્મ જ ‘દીન-એ-ઇલાહી’. આ ધર્મના સિદ્ધાંતો સર્વધર્મોના ઉત્તમ સિદ્ધાંતોનું મિશ્રણ હતા.
‘દીન-એ-ઇલાહી’ ધર્મના સિદ્ધાંતો
૧. આ ધર્મ ઈશ્વરની એકતામાં વિશ્વાસ કરતો હતો. ઈશ્વર એક છે અને આપણે સૌ તેના બંદા છીએ.
૨. આ ધર્મના અનુયાયીઓ મળતા ત્યારે ‘અલ્લા-હુ-અકબર’ અથવા ‘જલ્લા જલાલુહ’ (અલ્લાહ સૌથી મહાન છે) કહીને અભિવાદન કરતા.
૩. આ ધર્મ અહિંસામાં માનતો હતો. ધર્મના અનુયાયીઓ પરમાટી સેવન અર્થાત્ માંસાહાર કરતા નહીં.
૪. ધર્મના અનુયાયીઓ પોતાના જન્મદિવસની ઉજવણી કરતા અને મિત્રો એ દિવસે ભોજનનું નિમંત્રણ પાઠવતા.
૫. ધર્મના અનુયાયીઓ માછીમારો કે શિકારીઓ સાથે ભોજન લેતા નહીં.
૬. આ ધર્મના અનુયાયીઓ પોતાના જીવનકાળ દરમિયાન જ પોતાનું શ્રાદ્ધ કરતાં.
૭. મુખ્ય ચાર સિદ્ધાંતોનું ધર્મના અનુયાયીઓ પાલન કરતા. સમાનતા, પ્રતિષ્ઠા, સંપત્તિ અને સમ્રાટભકિત.
૮. ધર્મના અનુયાયીઓ સૂર્ય પ્રત્યે સન્માન ધરાવતા. અગ્નિપૂજા આ ધર્મનો અગ્ર સિદ્ધાંત હતો.
આ સિદ્ધાંતો ઉપરાંત વિષયાસકિત, નિંદા, અહંકાર જેવા દુર્ગુણોથી પર રહેવું. ધર્મપરાયણતા, વિવેક, સંયમ, સાદગી અને દયા જેવા ગુણો જીવનમાં અપનાવવા પર આ ધર્મ ભાર મૂકતો.
‘દિન-એ-ઇલાહી’ના માત્ર ૧૯ અનુયાયીઓ હતા. જેમાં એક માત્ર હિંદુ અનુયાયી બીરબલ (મહેશદાસ) હતો. જયારે અગ્ર મુસ્લિમ તરીકે તેનો સ્વીકાર કરનાર અકબરનાં નવ રત્નોમાંનો એક અબુલ ફઝલ હતો. અકબરના અવસાન સાથે જ ‘દીન-એ-ઇલાહી’ ધર્મ દફન થઇ ગયો. અઝીમુશાન શહેનશાહ તરીકે ભલે આપણે અકબરને યાદ કરીએ પણ ધર્મ-સ્થાપક તરીકે તેને યાદ કરવાનું આપણે હંમેશાં ટાળીએ છીએ.
No comments:
Post a Comment