રમજાન મુબારક સવાબની કમાણી
ડો. મહેબૂબ દેસાઈ
ભારતના અનેક ધર્મોના સહઅસ્તિત્વમાં સમાયેલી સમાનતા ઉપવાસ, સૌમ કે રોજા જેવી ધાર્મિક માન્યતાઓમાં પણ દેખાય છે. હિંદુ સમાજમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ અને મુસ્લિમ સમાજમાં રમજાન માસ આવા સુભગ સમન્વયની સાક્ષી પૂરે છે.
ઇસ્લામમાં રોજા, ઉપવાસનો અર્થ સ્પષ્ટ કરતાં શરિયતમાં જણાવવામાં આવ્યું છે, ‘સવારે સૂરજ ઊગે એ પહેલાંથી સૂરજ આથમેં ત્યાં સુધી ખાવાની, પીવાની અને સ્ત્રી સહવાસની પાબંદી સ્વીકારી, ખુદાની ઇબાદતમાં મશગૂલ રહેવું એટલે રોજો.’
ઇસ્લામમાં નમાજ, જકાત, રોજા અને હજજને ફર્ઝ એટલે ફરજિયાત ગણવામાં આવ્યાં છે. એ નાતે રમજાન માસમાં રોજા કરવાનું દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે. ઇસ્લામ એ જીવંત માનવીઓ સાથે સંકળાયેલો છે એટલે તેમાં જડતાને અવકાશ નથી. રોજાને ફરજિયાત ગણવામાં આવ્યા હોવા છતાં કુરાને શરીફમાં જણાવવામાં આવ્યું છે કે, જે કોઇ રમજાન માસમાં બીમાર હોય, મુસાફરીમાં હોય તે બીજા દિવસોમાં રોજા કરી શકે છે. રમજાન માસ અન્ય એક રીતે પણ મહત્ત્વનો માસ છે. કુરાને શરીફનું અવતરણ થવું એટલે કે કુરાને શરીફનું હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)દ્વારા આ દુનિયામાં આગમન રમજાન માસમાં થયેલ છે. એ મુજબ તેની મહત્તા બેવડી છે.
ઉપવાસ, રોજા કે સૌમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસોમાં માત્ર ત્રીસ રોજા ગુનાઓને ધોવા અને ખુદાની ઇબાદતમાં લીન થવા ઓછા છે. તેથી જ એ દિવસોમાં નૈતિક મૂલ્યો સાથે જીવવાની કોશિશ, નમાજ, જકાત-ખેરાત દ્વારા સવાબ (પુણ્ય) કમાવાનો નિષ્ઠાપૂર્વક યત્ન થવો જોઇએ.
આ માસમાં દરેક મુસ્લિમો નૈતિક મૂલ્યોને વળગી રહેવા સંનિષ્ઠ પ્રયાસ કરે છે. મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે. આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. એ આપવામાં કોઇ દિલદાર સાચો મુસલમાન અચકાતો નથી. જકાતમાં મનચોરી એ પાપ છે.
રમજાનમાં રોજા, ઉપવાસ રાખવાના સમયને શહેરી કહે છે. સૂર્યનો ઉદય થતાં પહેલાં નાહી, સ્વરછ વસ્ત્રો ધારણ કરી, પાક થઇ દરેક મુસ્લિમ રોજાનો નિર્ધાર (નિયત) કરે છે અને પછી જરૂર પૂરતું જમી ઉપવાસ આરંભે છે. ઉપવાસ કરવો એટલે સૂર્ય અસ્ત થાય ત્યાં સુધી કશું ખાવું પીવું નહીં. સ્ત્રી સમાગમ ન કરવો અને નમાજ દ્વારા ખુદાની ઇબાદતમાં રત રહેવું, પણ આ તો તેનો સામાન્ય અર્થ છે. રોજો રાખી કોઇની ગીબત એટલે કે નિંદા કરવી, ખોટું બોલવું, ચોરી કરવી, બદઇરાદો સેવવો એ પણ રોજાના ભંગ સમાન છે. એટલે રોજા એ મન, વચન અને કર્મ દ્વારા નૈતિક મૂલ્યોનું જતન કરવાનો માર્ગ છે. ભૂખને મારીને, તરસને દબાવીને માત્ર આખો દિવસ જેમ તેમ કરી કાઢી નાખવો એટલે રોજો નહીં. આવા શરીર અને મનને શુદ્ધ કરતાં રોજાની સમાપ્તિ સૂર્યના અસ્ત પછી થાય છે તેને ઇફતાર કહે છે. ઉપવાસ રોજો પૂર્ણ થવાની ઘડીએ પણ સંયમ, પવિત્રતા અને શ્રદ્ધા આવશ્યક છે. નમક કે ખજૂરથી ઉપવાસ છોડવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ગરીબ ગુરબા અને જરૂરતમંદ ઇન્સાનોને રોજો છોડાવવામાં રહેલું પુણ્ય (સવાબ) અપાર છે માટે જ ઇસ્લામના અનુયાયીઓ રોજો છોડવા મોટા ભાગે મસ્જિદમાં ખાધ સામગ્રી લઇને જવાનું પસંદ કરે છે. જયાં ખુદાના તમામ બંદાઓ નાના-મોટા, અમીર-ગરીબ જેવા ભેદ-ભરમોને ભૂલી જઇ એકસાથે ખુદાને યાદ કરે છે અને એક જ થાળમાંથી ઉપવાસ રોજાની સમાપ્તિ સમયે જમે છે.
ધર્મ એ સમાજના સર્જનનો પાયો છે. માનવીની લાગણીઓ અને અહેસાસના ધબકારા ઝીલે તે સાચો ધર્મ, માટે જ રમજાન માસ જેવા પવિત્ર માસમાં પણ માનવ સહજ લાગણીઓને ઇસ્લામે સ્વીકારી છે. તેની કદર કરી છે. રોજાની રાતોમાં ઇસ્લામે માનવીને કેટલીક મૂળભૂત છૂટછાટો આપી છે.
કુરાને શરીફમાં કહ્યું છે, ‘રોજાની રાતોમાં પોતાની પત્ની સાથે સમાગમ તમારા માટે હલાલ છે. તેણી તમારો પોશાક છે અને તમે તેણીનો પોશાક છો. તમે તમારા આત્માને છેતરતા હતા તેથી ખુદાએ તમોને આ છૂટ આપી છે. એટલે રોજાની રાતોમાં તમારી પત્ની સાથે તમે ખુશીથી સમાગમ કરો અને ખુદાએ તમારા તકદીરમાં જે કંઇ (ઔલાદ) લખ્યું છે તે પામો, મેળવો.’
અલબત્ત આવી છૂટ પાછળનો ઉદ્દેશ માનવીય સંબંધોની માયાજાળથી આકર્ષાયા વગર મુકત થઇ માનવી તન, મન અને ધનથી ખુદાની ઇબાદતમાં મશગૂલ બને તે છે. આપણે સર્વે દુવા કરીએ કે મુસ્લિમ ભાઇઓ રમજાન માસના સાચા ઉદ્દેશને પામે, અમાપ ખુદાની ઇબાદતમાં પરોવાઇ સવાબની સાચી કમાણી કરે, સુખ, ચેન અને એખલાસનું વાતાવરણ સર્જે -આમીન.

No comments:
Post a Comment