મારા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓએ મને મોટે ભાગે સુખદ અનુભવો આપ્યા છે. કારણ કે મેં ક્યારેય મારા વિદ્યાર્થીઓને ધર્મ કે જાતિના ત્રાજવે તોળાય નથી. ગુજરાત વિદ્યાપીઠમાં પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ૨૦૧૪-૧૫માં ભાવિન પરમાર નામક એક ક્રિશ્ચયન વિદ્યાર્થી મને મળ્યો હતો. અખૂટ ભારતીય સંસ્કારો અને આજ્ઞાંકિતતા તેના આભુષણ હતા. સમયની પાબંદી તેની વિશિષ્ટતા હતી. નમ્રતા તેની મૂડી હતી. મારી સાથેના અનુભવોને કલમ બધ કરતા ભાવિન લખે છે,
“એક માર્ગદર્શકની કડકાઈ- પણ ઉદારતા મેં એમનામાં જોઈ છે. આટલી વિદ્વત્તા છતાં સરળતા, નિખાલસતા, ઉદારતા અને નિસ્બત ધરાવતા બહુ ઓછા લોકોમાના એક એટલે મારા ગુરુ ડૉ. મહેબૂબ દેસાઈ. સરળ અને ૠજુ એટલા કે ઓપન વાઈવા વખતે હાજર લોક સમૂહમાંથી આવતા પ્રશ્નોના જવાબમાં જ્યાં મારી ગાડી અટકે, ત્યાં એમણે પોતે કિક મારી આપી છે અને મારા જ્ઞાનની પૂર્તિ કરી છે. એ સમયે એવું લાગ્યું હતું, જાણે એક પિતા આંગળી પકડીને બાળકને ચાલતા શીખવાડી રહ્યો છે. એક આદર્શ પ્રોફેસર, માર્ગદર્શક અને સંશોધક એમ ત્રિવેણી સંગમેં ડૉ. મહેબૂબ દેસાઈનું રૂપ ધર્યું છે. પીએચ.ડી.ના સંશોધન અને અભ્યાસ સાથે એક વ્યક્તિ કેવી હોવી જોઈએ એ પણ હું એમની પાસેથી આડકતરી રીતે શીખ્યો છું. એમને મારા અભ્યાસ રથના સારથી તરીકે પ્રાપ્ત કરવા બદલ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અને માનતો રહીશ.”
આવા મૃદુભાષી ભાવિન હાલ ગુજરાત આર્ટસ અને કોમર્સ કોલેજ (સાંજ), અમદાવાદમાં ઈતિહાસ વિભાગમાં મદદનીશ અધ્યાપક તરીકે કાર્ય કરે છે. ૨૦૧૭માં તેમનુ પીએચ.ડી. પૂર્ણ થયું. ત્યારે તેઓ એક અનોખી ભેટ લઈને મારા ઘરે આવ્યા હતા. મારું અને મારી પત્નીનું લાર્જ પોટ્રેટ. ભાવિનનીએ ભાવનાને સલામ.
No comments:
Post a Comment