Thursday, May 14, 2020

વિદ્યાર્થી પરિચય-૧૧


૨૦૦૫ની એક સવાર હતી. હું મારી ઓફિસમાં નવા એડમીશનની મથામણમાં હતો. ત્યાં જ સાદો સફેદ લેઘો અને ચોળાયેલુ પહેરણ ધારણ કરેલ એક વ્યક્તિ તેમની દીકરીને લઈને મારી ઓફિસમાં આવવા રજા માંગતા દરવાજા પર ઉભા હતા. મેં તેમને આવકાર્ય. તેમણે ઓફિસમાં પ્રવેશી ઉભા ઉભા  મને વિનંતી કરતા કહ્યું,
હું સુરેન્દ્રનગરમાં શાકભાજીની રેકડી ચલાવું છું. મારી દીકરીને આપના વિભાગમાં એડમીશન મળેલ છે. તેનો હાથ આપને સોપવા આવ્યો છું. આપ તેનું ધ્યાન રાખજો.
આટલું કહી  પિતા તેમની પુત્રીને સોંપીને ચાલ્યા ગયા.  પછી એ દીકરી ભણી અને વિભાગમાં જ અધ્યાપિકા બની ત્યાં સુધી તેમની સાથે મારી ફરીવાર મુલાકાત થઈ નથી. પણ એ છોકરીએ પુત્રી અને આજ્ઞાંકિત વિદ્યાર્થી તરીકે જે નાતો મારી સાથે સ્થાપિત કર્યો તે આજ દિન સુધી જીવંત છે.
 માસૂમનિર્દોષ બાળા એટલે હસીના અબ્બાસભાઈ બાબરિયા. ૨૦૦૫ થી ૨૦૦૭ દરમિયાન તેણે મારીપાસે એમ.. કર્યું. બે વર્ષના અભ્યાસ કાળ દરમિયાન હસીના હંમેશા મને અબ્બૂ નું સંબોધન કરતી. હંમેશા મારી ઓફિસમાં આવી મારો હાથ ચૂમીને જ વર્ગમાં જતી.
હસીનાએ એમ. થયા પછી થોડો સમય મારા  વિભાગમાં કોન્ટ્રેકટ બેઝ અધ્યાપક તરીકે કામ કર્યું. એમ.ફીલ. કર્યું. જી.સેટ પાસ કયું. અને પીએચ.ડી. પણ કર્યું. અત્યંત મહેનતુ અને અભ્યાસુ હસીનાએ પોતાની જાત મહેનતે પોતાની કારર્કિદી ધડી છે. વિવિધ સરકારી કોલેજોમાં કોન્ટ્રેકટ બેઝ પર કામ કર્યું છે. ૨૦૧૪ થી ૨૦૧૬ સરકારી વિનિયન કોલેજ ચોટીલામાં પૂર્ણ સમયની અધ્યાપિકા તરીકે કાર્ય કર્યું. હાલ ૨૦૧૬ થી તે સરકારી 
વિનિયન અને વાણિજ્ય કોલેજમૂળી (જિ. સુરેન્દ્રનગર)માં ઈતિહાસની અધ્યાપિકા તરીકે  કાર્ય કરે છે. પોતાના અભ્યાસકાળના અનુભવોને વ્યક્ત કરતા હસીના લખે છે,
“એમ.એ.ના પહેલા વર્ષ દરમિયાન હું સ્ટેજ પર બોલી શકતી ન હતી. આપે મને પરાણે સ્ટેજ પર  ઉભી રાખી હતી. રોતા રોતા હું સ્ટેજ પર ઉભી રહેલી. એ ક્ષણ મારા જીવનની યાદગાર ક્ષણ હતી. એક અધ્યાપક તરીકે આપે વિદ્યાર્થીઓના દરેક છુપાયેલા પાસાને ઉજાગર કરી તેને જીવનના મુલ્યો દ્વારા ગમે તેવી કપરી પરિસ્થિતિમાં જીવનમાં ટકી રહી સંકટને માત કરતા શીખવ્યું છે. જીવનની દરેક સમસ્યાનું નિરાકરણ લાવતા શીખ્યું છે.”
છેલ્લે ભાવનગર યુનિવર્સીટીના એક સેમિનારમાં તે મને મળી ત્યારે એજ ભાવ થી મારી પાસે દોડી આવી અને કેમ છો અબ્બૂ એમ કહી તેણે મારો હાથ ચૂમ્યો. અને ત્યારે હું વર્ષો પછી પણ તેના અબ્બૂ પ્રેમને તાકી રહ્યો. આ તસ્વીર એ પળને તાજી કરે છે.  



No comments:

Post a Comment