Monday, May 11, 2020

વિદ્યાર્થી પરિચય - ૬



૨૦૦૧ થી ૨૦૦૩માં ભાવનગર વિશ્વ વિદ્યાલયનું ઈતિહાસ અનુસ્નાતક ભવન ઉમદા વિદ્યાર્થીઓની ખાણ હતી. તેમાના એક વિદ્યાર્થી હતા ઉમેશ વાળા. એ યુગને યાદ કરતા ઉમેશ લખે છે,
“અભ્યાસ કાળ દરમિયાનની ઘણી યાદો છે પણ એમાની સૌથી મહત્વની એક છે. વિભાગમાં સિમ્પોઝિયમ નું આયોજન થયું હતું. તેના સંચાલન માટે કેટલાક વિદ્યાર્થીઓમાંથી મારા અવાજને પસંદ કરવામાં આવ્યો. મને યાદ છે પહેલીવાર મને વિશાળ સ્ટેજ મળ્યું. અને પછી ધીરે ધીરે એ દિશામાં હું આગળ વધતો ગયો આજે રાજકોટની સેન્ટ મેરી સ્કૂલમાં સમાજ વિજ્ઞાન વિષયના શિક્ષક, તેમજ ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટના કેઝ્યુલ એનાઉન્સર તરીકે સેવા આપી રહ્યો છું. આ ઉપરાંત અનેક ઉપલબ્ધિઓ મેળવી છે, જેનાથી આપ પરિચિત છો. આજે ઉદઘોષક તરીકેની મારી સફળતા આપના પ્રોત્સાહનને આભારી છે. જે હકીકત છે...ધન્યવાદ સાહેબ...”
મને યાદ છે ઉમેશ વાળા સફળતાના શિખરે હોવા છતાં ૨૮.૧૨.૨૦૧૨ના રોજ ભાવનગરમાં યોજાયેલા મારા વિદાય સમારંભનું સંચાલન કરવા રાજકોટથી દોડી આવ્યા હતા. અત્રે રજુ થયેલ ઉદઘોષણા કરતો તેમનો ફોટો એ જ કાર્યક્રમની સ્મૃતિ છે. જયારે બીજી તસ્વીર વિભાગના સિમ્પોઝિયમની છે, જેમાં તેમણે સૌ પ્રથમવાર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. મારા કોહિનૂરના ખજાનાના એક મોતી સમા ઉમેશને સલામ.

No comments:

Post a Comment