Sunday, May 17, 2020

વિદ્યાર્થી પરિચય – ૧૨



વિદ્યાર્થી પરિચય – ૧૨

મારા અનુસ્નાતક વિદ્યાર્થીઓમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના છે. જેમનામાં કઈ બનવાની અને જીવનમાં કઈંક કરવાની ધગશ ભારોભાર પડેલી હોય છે. પરિણામે તેમને પ્રોત્સાહિત કરવાનું કાર્ય થોડું સરળ બને છે. મુ. જાળિયા (આંકોલાળી) પોસ્ટ-રતનપર, પાલીતાણાના એક એવા વિદ્યાર્થી ગીરીશ વાઘેલાને ૨૦૦૭માં કપરા ઈન્ટરવ્યું પછી મેં વિભાગમાં એડમીશન આપ્યું હતું. ઈન્ટરવ્યુંને યાદ કરતા ગીરીશ કહે છે,
પ્રવેશ માટે મારું ઈન્ટરવ્યું થયુ ત્યારે મને વિચાર આવ્યો કે સાહેબ મને નોકરી પર રાખવાના છે કે ભણાવવા માટે ઈન્ટરવ્યું લઇ રહ્યા છે.” આમ ગીરીશને વિભાગમાં પ્રવેશ મળ્યો. અભ્યાસકાળ દરમિયાન તેની ધગશ અને આજ્ઞાંકિતતા જોઈ એકવાર મેં તેને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું,
ગિરીશ બેટા, મારે તને અહીં ભવનમાં લેક્ચરર તરીકે જોવો છે.” ૨૦૦૯માં ગિરીશે એમ.એ. પૂર્ણ કર્યું. પણ વિષય સાથે એવો જોડાયેલો રહ્યો કે ૨૦૧૧માં મેં તેને ઇતિહાસ ભવનમાં મુલાકાતી વ્યાખ્યાતા તરીકે પસંદ કર્યો. અને આજે તે ભાવનગર વિશ્વ વિદ્યાલયના ઈતિહાસ ભવનમાં મુલાકાતી અધ્યાપક તરીકે કાર્ય છે.
મારા માર્ગદર્શન તળે પીએચ.ડી. કરવાની તેની ઘણી ઈચ્છા હતી. પણ તેની એક ભૂલને કારણે એ તક તે ચૂકી ગયો. પણ તેથી તે હાર્યો નહિ. તેણે ૨૦૧૬માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતમાંથી પીએચ. ડી. કર્યું. અભ્યાસકાળ અને સહ અધ્યાપક તરીકેના તેના અનુભવોને વ્યક્ત કરતા ગીરીશ લખે છે.
દેસાઈ સાહેબ પાસેથી મેળવેળ શિક્ષણ એ મારા જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. જ્યારે કોઇ વિભાગમાં કાર્યક્ર્મની તૈયારીઓ હોય કે અભ્યાસકીય કાર્ય હોય, એમને એમ લાગે કે આમાં જરા પણ કચાશ છે એટલે બસ પત્યુ. આગળ ચાલવા દે. જ્યા સુધી એમાં તેમને સંતોષ થયા ત્યા સુધી તૈયાર રહેવાનું કે સુધારા આવશે. કયારેક તેમની ગુણવત્તા મુજબ કાર્ય ન થાય તો તે ગુસ્સે પણ થઈ જતા. પણ પછીથી પાછા બેટા કહીને હુંફ પણ આપતા. દેસાઇ સાહેબનું વ્યક્તિત્વ આકર્ષક અને મોહિત કરી દે તેવું. તેમની પાસે કપડા, બુટ, ચપ્પલ, કાંડા ઘડિયાળ, ચશ્મા, ફોન વગેરેનું મોટુ કલેક્શન હશે એમ મને લાગતું. કારણ કે દર વખતે મેં તેમને અલગ સ્વરૂપમાં, નવી ફેશનમાં જોયા છે.

આવું માનસ ચિત્ર ધરાવતા ગીરીશની ગુરુ ભક્તિને વ્યક્ત કરતો શબ્દ “પૈરી પોના” છે. હમેશા ફોન પર કે પત્રમાં જયારે પણ મને મળે ત્યારે અચૂક આ શબ્દ ઉચ્ચારે અને પગે લાગે. પેરી પોના પંજાબી ભાષાનો શબ્દ છે. તેનો અર્થ “પાય લાગણ” થાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રિય સેમિનારમાં રિસોર્સ પર્સન તરીકેની સેવા આપનાર આવા વિદ્યાર્થીઓ અધ્યાપકની શાન હોય છે. ગીરીશ અને એમ. જે. પરમારની ગુરુ સંસ્કારિતા વ્યક્ત કરતી ઈતિહાસ વિભાગમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણીની આ તસ્વીર આજે પણ મને ધબકતો રાખે છે. 

No comments:

Post a Comment