ઇસ્લામ અને બહુપત્નીત્વ
ડો.મહેબૂબ દેસાઈ
બહુપત્નીત્વનો રિવાજ પ્રાચીન અને મઘ્યકાલીન યુગમાં યુરોપ અને એશિયાના બધા જ દેશોમાં પ્રચલિત હતો. પ્રાચીન સમયમાં ભારતમાં પણ રાજા-મહારાજાઓ એક કરતાં વધુ પત્નીઓ રાખતાં. અલબત્ત, આ પ્રથાના મૂળમાં મોટે ભાગે રાજકીય કારણો જવાબદાર હતાં.
એ જ રીતે ઇસ્લામમાં પણ બહુપત્નીત્વનો સિદ્ધાંત એ સમયના અરબસ્તાનના રાજકીય વાતાવરણને કારણે સ્વીકારવામાં આવ્યો હતો. જેમ કે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)નાં પ્રથમ લગ્ન હજરત ખદીજા સાથે થયાં હતાં, પણ એ પછી થયેલાં તેમનાં લગ્ન એક યા બીજા સ્વરૂપે રાજકીય કારણોસર જ થયાં હતાં, નહીં કે વૈભવ-વિલાસ અને શારીરિક જરૂરિયાત માટે (નફસાની ખ્વાહીશ). અંગ્રેજ ઇતિહાસકાર સ્ટેન્ડ લેન પોલ મહંમદ સાહેબ (સ.અ.વ.) ના હજરત ખદીજા પછીનાં લગ્નો અંગે લખે છે :
‘એમાનાં કેટલાંક લગ્નો તો કેટલીક સ્ત્રીઓના પતિ ઇસ્લામની લડાઇમાં માર્યા ગયા હતા, તેમનો વિચાર કરીને કરવામાં આવ્યાં હતાં. તે સ્ત્રીઓને કશો આધાર ન હતો. તેમના પતિઓને મહંમદ સાહેબ (સ.અ.વ.) એ ખુદ લડાઇમાં મોકલ્યા હતા. એટલે મહંમદ સાહેબ (સ.અ.વ.) પાસે આશરો મેળવવાનો એ વિધવાઓને હક્ક હતો અને મહંમદ સાહેબ (સ.અ.વ.) બહુ દયાળુ હતા. તેમણે તેમને નિકાહ કરી આશરો આપ્યો. બાકીનાં લગ્નોનો ઉદ્દેશ કેવળ રાજકીય હતો. એટલે કે એકબીજાની વિરુદ્ધના પક્ષોના સરદારોને એક પ્રેમસૂત્રમાં બાંધવાનો હતો.’
એ સમયે અરબસ્તાનમાં થતી રોજે રોજની લડાઇઓમાં વિધવાઓ અને અનાથોની સંખ્યા વધતી જતી હતી. જયારે બીજા પક્ષે પુરુષોની સંખ્યા ઘટતી જતી હતી. એટલે જ ઇસ્લામમાં ચાર પત્નીઓ સુધીની છૂટ આપવામાં આવી. પણ બહુપત્નીત્વના આ સિદ્ધાંતને સ્પષ્ટ કરતાં કુરાને શરીફમાં એ પણ કહેવામાં આવ્યું કે, ‘ જો તમને એ વાતનો ડર હોય કે તેમની સાથે લગ્ન કર્યા સિવાય અનાથો પ્રત્યે તમે ન્યાય નહીં કરી શકો, તો જે સ્ત્રીઓ તમને ગમે તેમાંથી બે-ત્રણ કે વધારેમાં વધારે ચાર સાથે નિકાહ કરી લો, પરંતુ ડર હોય કે તમે તે બધી સ્ત્રીઓ સાથે સમાન ઇન્સાફથી નહીં વર્તી શકો, તો ફકત એક સાથે જ નિકાહ કરો.’
ઓહદની લડાઇ પછી તરત ઊતરેલી આ આયાત (શ્લોક)માં પણ એકથી વધુ લગ્નો માટેનું સ્પષ્ટ કારણ આપેલ છે. સાથોસાથ દરેક પત્ની પ્રત્યે સમાન વર્તન કરવા પર ભાર મૂકે છે અને માનવસહજ સ્વભાવને કારણે જો સમાનતા ન રાખી શકો તો માત્ર એક જ પત્ની કરવા પર ભાર આપે છે. આ જ બાબતને વધુ સ્પષ્ટ કરતાં કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,
‘ તમે ઇચ્છો તો પણ બધી પત્નીઓ સાથે સમાન વર્તન કરી શકવાને શક્તિમાન નથી.’
એટલે કે આ આયાત દ્વારા ખુદા-ઈશ્વરે પણ સ્પષ્ટ શબ્દોમાં સૂચવ્યું છે કે માનવીનો ચંચળ સ્વભાવ બધી પત્નીઓ સાથે સમાન વ્યવહાર, વર્તન દાખવવાને અસમર્થ છે.
આમ, કુરાને શરીફે પણ પરોક્ષ રીતે એક પત્નીત્વના સિદ્ધાંતને યોગ્ય માની તેને પ્રાધાન્ય આપ્યું છે
No comments:
Post a Comment