Friday, August 28, 2009

Muhnmad Begdo: A king of Gujarat

સૂફીયુગનો અદલ ઇન્સાફ

ડો. મહેબૂબ દેસાઈ



રમજાન માસના વીસમા રોઝે( હિજરી સન ૮૪૯, ઈ.સ.૧૪૪૬ )જન્મેલ અને રમજાન માસના બીજા રોઝે
( હિજરી સન ૯૧૭ ,ઈ .સ. ૧૫૧૧)અસર (સાંજ)ની નમાઝ બાદ ૭૦ વર્ષ અને અગીયાર માસની વયે અવસાન પામેલ મુહમદ બેગડાના શાસનને સૂફી યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત પર પંચાવન વર્ષ ,એક માસ અને બે દિવસ શાશન કરનાર મુહમદ બેગડાના સગા માસા સૂફીસંત શાહેઆલમ સાહેબ હતા. જયારે મહમૂદ બેગડાના શાસનકાળમાં જાણીતા સૂફીસંતોની ભરમાર હતી. શેખ સિરાજુદ્દીન અઝીઝુલ્લાહ , પીર સૈયદ ઇમામુદ્દીન અને હઝરત સૈયદ મુહમદ જોનપુરી જેવા સૂફી સંતોનો પ્રભાવ મુહમદ બેગડાના શાસન અને જીવન પર સ્પષ્ઠ દેખાતો હતો.. અને એટલે જ મુહમદ બેગડાની અંતિમ ઈચ્છા મુજબ તેને સૂફી સંત અહમદ ખતું ગંજ બક્ષના મકબરા સામે સરખેજમાં દફનાવવામાં આવેલ છે.

મહમદ બેગડાને ચાર રાણીઓ હતી. એ ચારેને એક એક પુત્ર હતો .પ્રથમ રાણી રૂપ મંજરી , જેની કબર માણેકચોક (અમદાવાદ)માં છે. તેને મુહમદ નામક પુત્ર હતો . બીજી રાણી શેહપરી (સીપરી). જેના પુત્રનું નામ આબાખાન હતું. ત્રીજી રાણી હીરાબાઈ ના પુત્રનું નામ હતું ખલીલખાન (મુઝફ્ફરખાન) .અને ચોથી રાણીના પુત્રનું નામ હતું અહેમદશાહ. આ ચારે રાણીઓમાં શેહ્પરી અત્યંત ખુબસુરત અને પ્રભાવશાળી હતી. તેનો પુત્ર આબાખાન રંગીન મિજાજનો માલિક હતો.. એક દિવસ આબાખાનની સવારી ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી.. પ્રજા એ સવારીને નિહાળવા રસ્તાની બંને બાજુ ઉભી હતી. . રસ્તા પરના એક મકાનના કઠેરામાં એક અત્યંત ખુબસુરત કન્યા પણ શાહજાદાની સવારીને નિહાળી રહી હતી. . આબાખાનની નજર એ કન્યા પર પડી અને આબાખાન પોતાના રંગીન મિજાજને રોકી ન શક્યો. આબાખાને તે કન્યાને પ્રેમ ભર્યો ઈશારો કર્યો. પ્રજા આબાખાનના આ અપકૃત્યને જોઈ ગુસ્સે ભરાણી અને આબાખાન અને તેના રસાલા પર તૂટીપડી. શાહ્જદાના કિમંતી વસ્રતોના લીરેલીરા ઉડી ગયા . તેના સીપાયો ભાગી ગયા.

આ ઘટનાની જાણ મુહમદ બેગડાને થઈ. તેણે રાણી શેહ્પરી (સીપરી) અને પુત્ર આબાખાનને ખુલ્લા દરબારમાં બોલાવ્યા. અને ઘટનાની સત્યતા તપાસી . પ્રજાના નિવેદન સાંભળ્યા. અને પછી ઇન્સાફ કરતા કહ્યું ,

" આ સામે પડેલ ઈશ્ખોલ (પ્યાલો) ઉપાડો. તેમાં ઝેરની પડીકી નાખો. તેને પાણી ,ઓહ ભુલીયો આ તો શાહજાદો છે , તેને પાણીમાં ઝેર ન અપાય . તેને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપો."
રાણી શેહ્પરી (સીપરી) આ સાંભળી ધ્રુજી ગઈ. મુહમદ બેગડાને તેણે આક્રંદ સાથે વિનંતી કરી,

" જહાંપના, શાહજાદો આબાખાન આપનો પુત્ર છે. આ તેની પહેલી ખતા છે. તેને આવી કડી સજા ન કરો.”
મુહમદ બેગડો પોતાની પ્રિય રાણીની વ્યથા જોઈ રહ્યો. તેના ચહેરા પર તેની બિલકુલ અસર ન હતી. પોતાના ઇન્સાફને વળગી રહેતા તે બોલ્યો ,

"આ તમારો પુત્ર છે અને જેને તેણે બીભ્સ્ય ઈશારો કર્યો હતો એ મારી પ્રજાપુત્રી છે. મારી પ્રજાની ઇઝ્ઝત આબરુની હિફાઝત કરવાની મારી પ્રથમ ફર્ઝ છે. પ્રજાના રક્ષકો જ પ્રજાના ભક્ષકો બનશે તો સૂફીસંતોની આ ધરા ધ્રુજી ઉઠશે."
રાણી શાહ્પારી (સીપરી)એ પોતાની વિનંતી ચાલુ રાખતા કહ્યું ,

"પણ, જહાંપના આટલી નાની બાબતની આટલી મોટી સજા ? "
આ સાંભળી મુહમદ બેગડો બોલી ઉઠ્યો ,
" આપની વાત સાચી છે. પણ મારો ઇન્સાફ આપના શાહજાદાની જિંદગી બરબાદ કરી નાખશે.
તેના હાથ પગ કાપી નાખવાનો મારો હુકમ તેને આખી જિંદગી રીબાવશે. અને એક માં તરીકે આપ એ જોઈ નહિ શકો. માટે ઝેર દ્વારા મુક્તિ એ જ એના માટે ઉત્તમ સજા છે."

અને રાણી શેહ્પરીએ પોતાના એકના એક પુત્રને શરબત-એ-ગુલાબમાં ઝેર ઘોળીને આપ્યું. આખો દરબાર મુહમદ બેગડાના ઇન્સાફને ચકિત નજરે જોઈ રહ્યો. થોડી જ પળોમાં શાહજાદા આબાખાનના શરીરમાં ઝેર પ્રસરી ગયું. અને એક સુલતાન બાપની ફર્ઝ ભૂલી પોતાના અદલ ઇન્સાફને ભીની આંખે તાકી રહ્યો.

આજે પણ આસ્ટોડિયા દરવાજા બહાર આવેલી શેહ્પરી (સીપરી)ની મસ્જિતમાં રાણી સીપરીની કબર
પાસે જ શાહજાદા આબાખાનની કબર મુહમદ બેગડાના ઇન્સાફની સાક્ષી પુરતી હયાત છે.

No comments:

Post a Comment