અલ મન્સુર હ્લ્લાજ
ડો. મહેબૂબ દેસાઈ
સૂફીસંતોના શહેનશાહ અલ મન્સુર હ્લ્લાજ નો જન્મ ૨૬ માર્ચ ૮૫૮ના રોજ પ્રશિયાના ફરસ ગામમાં
થયો હતો. તેમનું મૂળ નામ હુસેન હતું . પિતાનું નામ મન્સુર હતું. તેઓ પિતાના નામે જ પ્રસિદ્ધ થયા. મનસુરના પિતા પીંજરા હતા. અરેબીકમાં હલ્લાજ શબ્દનો અર્થ રૂ કાંતનાર થાય છે. અલ મન્સુરના દાદા ઝોર્સ્તિયન ધર્મ પાળતા હતા. પણ પિતાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરયો હતો.૧૮ વર્ષની વયે મન્સુર સહલ બિન અબ્દુલ અઝીઝના શિષ્ય બન્યા. ત્યારબાદ મન્સુર ઈરાક અને અરબ ગયા. ત્યાંના અબુલ હુસેન સારી અને જુનેદ બગદાદિ જેવા સૂફીઓના સંપર્કમાં આવ્યા અને મન્સુર પાકા સૂફી બની ગયા. ત્રણવાર હજ્જ અદા કરનાર અલ મન્સુરે સૂફી દરવેશોની નીચેની તમામ અચાર સંહિતાનું શબ્દસહ પાલન કર્યું હતું.
૧. ભૂખ ન લાગે ત્યાં સુધી ભીખ ન માંગવી .
૨. જરૂર હોય તેટલું જ ગ્રહણ કરવું .
૩. સુશીલ અને વિનમ્ર બનવું .
૪. ભિક્ષા માટે ધનવાન વ્યક્તિની ભાટાઈ ન કરવી.
૫ ધનવાન કઈ ન આપે તો પણ તેની નિંદા ન કરવી.
૬. દીનતાને જીવનમાં ઉતારવી.
૭. ભવિષ્યની ચિંતા ન કરવી.
૮. જે કઈ સ્વેચ્છાથી મળે તે પ્રેમથી સ્વીકારવું
૯. ભિક્ષા માટે ધર્મ લાભની ખોટી વાતો ન કરવી
આ તમામ આચાર સંહિતાને સ્વીકારી , ખુદા માં એકાકાર થઈ જનાર અલ મન્સુરે એક દિવસ કહ્યું,
" અનલહક " અર્થાત " હું ખુદા છું." " અહંમ બ્રહ્માસ્મિ "
મન્સુરે પોતાની એ ઉક્તિને સ્પષ્ટ કરતા કહ્યું,
" ખુદા સાથેની મારી નિકટતાથી હું અને ખુદા અલગ નથી રહ્યા. ખુદા અને તેની ઈબાદત કરનાર તેનો
બંદો એકાકાર થઈ ગયા છે."
પણ ઇસ્લામના કટ્ટરવાદી ચાહકો મનસુરના આ વિચારની ગહનતા ન પામી શક્યા. અને મન્સૂરનો
વિરોધ આરંભાયો. આ વિરોધની પરાકાષ્ટા ત્યારે આવી જયારે મન્સુરે પોતાના કાવ્યમાં ગાયું.
" અગર હૈ શૌક્ મિલને કા ,
તો હરદમ લૌ લગતા જા
જલા કર ખુદ નુમાઈ કો
ભસમ તન પર ચઢતા જા
મુસ્લ્લા ફાડ, તસ્બી તોડ
કિતાબે ડાલ પાની મૈ,
પકડ દસ્ત તું ફરીશતો કા
ગુલામ ઉનકો કહેતા જા,
ન મર ભૂખા , ન કર રોઝા
ન જા મસ્જિદ, ન કર સિજદા,
હુકુમ હૈ શાહ કલન્દેર કા
અનલ હક તું કહેતા જા
ક્હે મન્સુર મસ્તાના
હક મૈને દિલમે પહેચાના
વહી મસ્તો કા મૈખાના
ઉસી કે બીચ આતા જા”
મનસુરના આ કથન પછી તેને મોતની સજા ફરમાવામાં આવી. એ સજા ભલભલાને કંપાવી દે તેવી હતી. ભગવાન ઈશુને તો શૂળી પર ચડાવી હાથ પગ પર ખીલા મારવામાં આવ્યા હતા. પણ મન્સુરને
તો શૂળી પર ચડાવતા પહેલા તેના એક એક અંગ કાપવામાં આવ્યા હતા. સજાનો આરંભ થાય તે પૂર્વે મન્સુરે તેના મિત્ર શીવલીને પૂછ્યું ,
" તારી પાસે મસલ્લો (નમાઝ પઢવાની ચટાઈ) છે ?'
શિવલીને નવાઈ લાગી . જે મન્સુર " મુસ્લ્લા ફાડ , તસ્બી તોડ "નો નાદ કરતો હતો , એ જીવનની અંતિમ પળોમાં નમાઝ પઢવા મુસલ્લો માંગી રહ્યો છે. શીવલીએ મન્સુરને મુસલ્લો આપ્યો . મુસલ્લો બિછાવી મન્સુરે નમાઝ આરંભી . પણ જલ્લાદોએ તેને નમાઝ પઢવા ન દીધી. અને મનસુરના બંને પગો કાપી નાંખ્યા. ત્યારે મન્સુરે આકાશ તરફ નઝર કરી સસ્મિત કહ્યું ,
" યા અલ્લાહ, નમાઝ માટે પગોની શું જરૂર છે ? હું તો પગો વગર જ તારામાં એકાકાર થઈ ગયો છું."
જ્લ્લાદોએ મન્સુરનું આ કથન સાંભળ્યું , પછી તુરંત તેના બંને હાથો કાપ્યા. પછી તેની જીભ કાપી .છતાં
મન્સુર હસતો રહ્યો. હજારો લોકો ચારે બાજુથી મન્સુર પર પથ્થરોનો વરસાદ કરી રહ્યા હતા. પણ મન્સુરનું સ્મિત યથવાત હતું. પણ જયારે તેના પરમ મિત્ર શીવલીએ ટોળામાંથી તેના પર એક ફુલ ફેક્યું , ત્યારે મન્સુરનું સ્મિત ખંડિત થયું . તેણે દુખી થઇ શીવલી તરફ એક નઝર કરી . શીવલી મન્સુરની એ નઝરને સહી ન શક્યો . અને તેણે આંખો ઝુકાવી દીધી. અને મન્સુરની ક્રૂર હત્યા થઇ . એ દિવસ હતો ૨૬ માર્ચ ૯૨૨ . અલ મન્સુરે લખેલ ગ્રંથ " કિતાબ-અલ-તવાસીન" સુફી વિચારધારાને પામવાનો ઉત્તમ ગ્રંથ છે. તેમાં આદમ અને શૈતાન વચ્ચે સુંદર સંવાદો નોધ્યાં છે. મન્સુર તેમાં લખે છે,
" જો તમે ખુદાને ઓળખી ન શકો તો , ખુદાની નિશાનીઓને ઓળખવાનો પ્રયાસ કરો. એ જ સત્ય છે. મેં એ સત્યને પામ્યું , અટેલે જ કહ્યું " અનલહક " .
મનસુરના આધ્યત્મિક વિચારોમાં તાજગી અને ગહનતા હતી. તેઓ કહેતા ,
" હવા મનુષ્યનું જીવન છે. પરમાત્મા હ્દયને જીવન છે. સત્ય એ આત્માનું જીવન છે.દુનિયાનો ત્યાગ શરીરની પરહેજગારી છે. પરલોકનો ત્યાગ મનની પરહેજગારી છે. એક ડગલું દુનિયા અને એક ડગલું પરલોકમાંથી ઉઠાવી લઇને આગળ વધીએ તો ખુદાને મળી શકાય.બ્રહ્મજ્ઞાની એકલો હોઈ છે. તે કોઈને
ઓળખતો નથી. તેને કોઈ ઓળખતું નથી."
મન્સુરની નિર્મમ હત્યાના વર્ષો પછી શાયર-એ - આઝમ મિર્ઝા ગાલિબે મન્સુરને અંજલી અર્પતા કહ્યું હતું,
" દી ગઈ મન્સુર કો સૂલી
અદબ કે તર્ક પર
થા અનલહક હક્ક
મગર યક લફજે ગુસ્તાખાના થા "
No comments:
Post a Comment