•શ્રી પ્રકાશભાઈ શાહ ગુજરાતના જાણીતા ચિંતક , લેખક અને “નિરીક્ષક” જેવા બૌદ્ધિક સામયિકના તંત્રી છે. બીજેપીના પૂર્વ નેતા શ્રી જસવંતસિંહના પુસ્તકને ગુજરાત સરકારે પ્રતિબંધિત કરેલ છે.તેની સામે હાઇકોર્ટમાં પ્રકાશભાઈએ અપીલ કરી છે. તે સંદર્ભે આ પત્ર તેમને પાઠવેલ છે.
;;;;;;;;;;;;;;;;;;
પ્રિય પ્રકાશભાઈ ,
આજના અખબારમાં સમાચાર વાંચી જાણવા મળ્યું કે શ્રી જસવંતસિંહના પુસ્તક અંગે આપે હાઈકોર્ટમાં તેના પરનો પ્રતિબંધ દૂર કરવા દાદ માંગી છે. એ બાબત તારીફ-એ -કાબિલ તો છે જ . પણ થોડી વિચારણા પણ માંગી લે છે.
૧. ભારતના આઝાદીના સંગ્રામમાં સરદાર પટેલની ભૂમિકા અત્યંત આદર પાત્ર રહી છે. બારડોલી સત્યાગ્રહ થી આરંભીને દેશી રાજ્યોના વિલીનીકરણ સુધીની તેમની દેશસેવા , તેમના રાષ્ટ્રીય વ્યક્તિત્વને સાકાર કરે છે. એવા રાષ્ટ્રવાદી નેતાના વ્યક્તિત્વ ઉપર કાદવ ઉછાળવાની ક્રિયા રાષ્ટ્રવાદી તો ન જ કહેવાય. અને આવું કોઈ પુસ્તક પ્રજામાં એવા કુવિચારને પ્રસરાવે તે તો કોઈ પણ ભારતીય કેવી રીતે સાંખી લે ? ગુજરાત સરકારના નર્ણય પાછળનો આવો જ હેતુ હશે તેમ માનું છું.
૨. ભારતના ભાગલામાં સરદાર પટેલની ભૂમિકા ઈતિહાસના પાનાઓ પર વિસ્તૃત રીતે આલેખયલી છે. હિંદુ-મુસ્લિમ સુરક્ષા માટે તેમની સક્રિયતા જાણીતી છે. ભાગલાને ટાળવાના તેમના પ્રયાસો નોધપાત્ર હતા, તે બાબત પણ નકારી શકાય તેમ નથી.
૩. બીજા પક્ષે , મુહમદ અલી ઝીણાના વ્યક્તિત્વથી ભારતનો ઈતિહાસ અને ભારતની પ્રજા સુપરિચિત છે. શ્રી જસવંતસિંહ તેમના પુસ્તકમાં તેની ગમે તેટલી તારીફ કરે ઝીણાના વ્યક્તિત્વને જરા
પણ બદલી શકવાના નથી. ભારતના ભાગલા પાછળનો તેમનો એક દેશના વડા થવાનો ઉદેશ સોં જાણે છે. તેમની એ જીજીવિષા ગાંધી, નેહરુ અને સરદાર પટેલ સાથેની ચર્ચામાં વારંવાર વ્યક્ત થઈ છે. અને ત્યારે ભાગલા અટકાવાવ ગાંધીજીએ ઝીણાને વડાપ્રધાન બનાવવા જેવું વિષપાન કર્યું હોવાના આધારો પણ ઇતિહાસમાં મળે છે.
૪. આવા વ્યક્તિવને ઉજળા બનાવાવની કે રાષ્ટ્રવાદી ચિતરવાની ક્રિયા રાષ્ટ્રીય દ્રોહ છે. અને એવા સાહિત્યને સમાજમાં પ્રસરાવી દેશના રાષ્ટ્રીય ઈતિહાસને ગેર માર્ગે દોરવામાં કોઈ રાજ્ય સહાય ભૂત ન થાય એ મારી દ્રષ્ટીએ યોગ્ય છે.
૫. આવતી કાલે આવા પુસ્તકો જ ઈતિહાસ સંશોધનના આધારો બનશે. અને ત્યારે ઈતિહાસને વિકૃત ચીતરવાનો દોષ આપણે નવ ઈતિહાસકારોના માથા પર ફોડીશું. પણ એ વખતે આવા પુસ્તકોને સમાજમાં પ્રસરાવનાર પરિબળો સામે કોઈ આંગળી નહિ ચીંધે.
આશા છે આપ જેવા જ્ઞાની ગુજરાત પુરુષ મારા જેવા અધ્યાપકની વાતને રાજકારણના ત્રાજવે નહિ તોલે અને તેની પાછળની એક શિક્ષકની ભાવનાને પામશ એજ અભ્યર્થના સાથે .
આપનો
મહેબૂબ દેસાઈ
No comments:
Post a Comment