Monday, August 31, 2009

ઈદ : ડૉ. મહેબૂબ દેસાઈ

ઈદ


દરેક સંપ્રદાયમાં ખુશી માટેના ધાર્મિક પ્રસંગો છે. હઝરત મહંમદ પય્ગ્મ્બેરએ પણ ફર્માંવિયું છે,
" દરેક કોમ માટે તહેવારોનો એક દિવસ મુકરર કરવામાં આવ્યો છે "
તહેવારના એ દિવસ પાછળનો ઉદેશ માનવી-માનવી વચ્ચેના મતભેદો , મનદુખોને પુનઃ પ્રેમથી ભીંજવી સમાજમાં ખુશી પ્રસરાવવાનો છે. બેસતું વર્ષ , ક્રિસમસ , હેપ્પી ન્યુયર , સંવત્સરી કે ઈદમાં આપવામાં આવતી શુભેચ્છાઓ નુતન વર્ષાભિનંદન , હેપ ન્યુયરે ,મિચ્છામી દુકડમ કે ઈદ પણ સામાજિક સંબંધોને પુનઃ સુગઠિત કરી સમાજમાં શુભકામનો પ્રસરાવવાનું સૂચવે છે. અને એટલે જ તમામ પ્રસંગો માત્ર વ્યક્તિગત નહીં , પણ સામાજિક ખુશી છે.

ઈદ એટલે પુનઃ પાછી ફરતી ખુશી . ઈદ મુબારક એટલે પુનઃ પ્રાપ્ત થયેલ ખુશી અંગે શુભેચ્છા . ઇદના પ્રસંગે દરેક મુસ્લિમને ત્યાં સવારે ખીર બને છે.ખીર એ પવિત્ર ભોજન છે. દૂધ,ખાંડ,સેવ અને સૂકો મેવો નાખી બનાવવમાં આવતી આ વાનગી જીવનમાં પુનઃ મીઠાસ પ્રસરાવવાનો સંદેશો આપે છે. ઈદની નમાઝ સમાનતાના સંદેશ સમી છે. નમાઝ બાદ મુસાફો (હસ્તધૂનન)કે ભેટીને એક બીજાને વીતેલા વર્ષમાં વ્યાપેલ કડવાશને ભૂલી જઈ, મન સ્વચ્છા કરી પુનઃ મહોબ્બત અને લાગણીના સંબંધોનો આરંભ કરવામાં આવે છે.

કોઈ પણ માનવી મન , ર્હદય સ્વચ્છ કરી મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક કહેવા અને ખીરની મીઠાસને માણવા તેમના દ્વાર પર આવે છે, ત્યારે મુસ્લિમ બિરાદર પણ તેમને હોંશથી ગળે લગાડી ઈદ મુબારકની આપ લે દ્વારા ર્હદય શુદ્ધ કરે છે. કારણકે ઇસ્લામમાં પ્રાયશ્ચિતની યાચના ઇદની ઉજવણીમાં સોનામાં સુગંધ સમાન છે.

હઝરત કાબા બિન માલિકએ પોતાની ભૂલોની ખુદા પાસે રડીને , કરગરીને ક્ષમા માંગી અને ખુદાએ તેમની તમામ ભૂલો માફ કરી દીધી . ત્યારે સૌ તેમને મુબારકબાદી આપવા પહોંચ ગયા. સૌથી છેલ્લે મહંમદ સાહેબે તેમને મુબારકબાદી આપતા કહ્યું ,

“કાબા, તમારી જિંદગીનો આ ઈદ સમો દિવસ છે. આ ખુશીમાં મને પણ સામેલ કરો . અને મારી મુબારકબાદી સ્વીકારો "

આવી પ્રાયશ્ચિતની ક્રિયાઓ જ ઈદને સામાજિક ઉત્સવ બનાવે છે. એટલે જ ઈદ એ આપણા સંબંધો પર ચડી ગયેલી ધૂળ ખંખેરવાનું પર્વ છે.

અંગ્રેજીમાં કહેવત છે " We are Master of our unspoken words "
આપણે આપણા ન બોલેલા શબ્દોના માલિક છીએ . જે શબ્દો , કૃત્યો આપણી માંલીકીમાંથી સરી પડ્યા છે અને જે અન્યના મનની વ્યથા બની ગયા છે તે વ્યથા દૂર કરી પ્રેમનું પુનઃ સ્થાપન કરવાનો દિવસ એટલે ઈદ . એકવાર હઝરત મહંમદ પય્ગ્મ્બેર (સ.અ.વ.)ને કોઈકે પૂછ્યું ,

"ઇદના દિવસે શું જરૂરી છે ?"

મહંમદ સાહેબે ફરમાવ્યું ,

"ઈદના દિવસે ખુલ્લા દિલથી ખુશીનો એજ્હાર (અભિવ્યક્તિ)કરો . મનની કડવાશથી મુક્ત થાવ ખાઓ-પીઓ અને ખુશીની આપલે કરો . ખુશીને માણો અને ખુદાની યાદ કરતા રહો”
.
ઈદના એક પ્રસંગે કોઈક હબશી બાઝીગર તેનો ખેલ ખુલ્લા મેદાનમાં બતાવી રહ્યો હતો.મોટેભાગે મહંમદ સાહેબ ક્યારેય આવા ખેલો જોતા નહીં . પણ એ દિવસે આપ ખુદ રસ્તા પર ઉભા રહ્યા અને ખેલ જોવા લાગ્યા .અને હઝરત આઈશા (રદ)ને પણ પડદાની આડમાંથી એ ખેલ જોવા દીધો .

ટૂંકમાં, ઈદ એટલે સ્વચ્છ , નિર્મળ ખુશી. ચાલો આપણે પણ આવી નિર્મળ ખુશીને માત્ર વ્યક્તિગત ન બનાવતા , સામુહિક કે સામાજિક બનાવીએ . હિંદુ-મુસ્લિમ સૌને ખીરની મીઠાસને માણવા નીમન્ત્રીએ. અને આ દ્વારા સમાજને મહોબ્બત ,પ્રેમનો સંદેશ પાઠવીએ ,એ જ દુઆ - આમીન .
.

No comments:

Post a Comment