અમીર ખુશરો
ડો. મહેબૂબ દેસાઈ
સૂફી વિચારધારાને સૂફીસંતો એ આમલ (આચરણ) દ્વારા સાકાર કરી છે. જયારે કેટલાક ચિંતકોએ સૂફી વિચારને તેમની કલમ દ્વારા લોકભોગ્ય બનાવી હતી. એવા ચિંતકોમાં અમીર ખુસરો અગ્ર હતા. સૂફી વિચારના ચિશ્તી પરંપરાના જાણીતા સંત મુહંમદ નીઝામુદ્દીન ઓલિયાના શિષ્ય અમીર ખુસરોનો જન્મ ઈ.સ. ૧૨૫૩મા પતિયાલા (હાલ ઉત્તેર પ્રદેશ)માં થયો હતો. તેમનું મૂળ નામ અબુલ હસન હતું. દિલ્હીના બાદશાહ ઈલ્તુત્માસના તુર્કી અધિકારીના પુત્ર અમીર ખુસરો ઈ.સ. ૧૨૭૨ સુધી બાદશાહની સેવામાં રહ્યા.
ફારસીના જ્ઞાતા , ઉત્તમ શાયર અને ઇતિહાસકાર અમીર ખુસરોના જીવનમાં નીઝામુદ્દીન ઓલિયાનો પ્રવેશ અનાયાસે થયો હતો. તેમના વિચારોથી પ્રભાવિત થઈ તેઓ તેમના શિષ્ય બની ગયા.પાંચ હજાર દોહા અને શાયરીના પાંચ પુસ્તકો લખનાર અમીર ખુસરોની રચનાઓમાં સૂફી વિચારોનો અર્ક માણવા મળે છે.
તેમના ગુરુ નીઝામુદ્દીન ઓલિયાના અવસાનના સમાચાર તેમને ઘણાં મોડા મળ્યા. સમાચાર મળતાંજ અમીર ખુસરો તેમની દરગાહ પર પહોચી ગયા.ચોધાર આંસુએ રડ્યા. અને ત્યારે તેમનામાનો કવિ બોલી ઉઠયા,
“ખુસરો રૈન સોહાગ કી
જાગી પી કે સંગ
તન મોરો મન પિઉ કો
દાઉ ભયે એક સંગ
ગોરી સોવે સેજ પર
મુખ પર ડારે કેસ
ચલ ખુસરો ઘર અપને
રૈન ભઈ ચહું દેસ
શ્યામ સેત ગોરી લિયે
જનમત ભઈ અનિત
એક પલ મેં ફિર જાતે
જોગી કાકે મીત .
.
અને આ દોહા સાથેજ ખુસરો ગુરુની મઝાર પાસે બેભાન થઈ ગયા.
ખુસરોએ તેમની આ રચનોમાં ખુદા-ઈશ્વરને પ્રિયતમ કે દુલ્હન તરીકે આલેખ્યા છે. તેમની રચનાઓમાં પ્રિયતમ સાથેની મહોબ્બત એ ખુદા સાથેનો લગાવ વ્યક્ત કરે છે. તો વળી ક્યારેક ખુસરો માનવ દેહને દુલ્હન સ્વરૂપે પણ જુવે છે.
" બહુત રહી બાબુલ ઘર દુલ્હનિયા
ચલ તેરે પી ને બુલાઈ
બહુત ખેલ ખેલી સખીયાનસે
અંત કરી લારકાઈ
ન્હાય ધોય કે વસ્તર પહિરે
સબ હી સિંગાર બનાઈ
વિદા કરન કો કુટુંબ સબ આયે
સીગરે લોગ લુગાઈ
બેઠ્ત મહિન કપરે પહનાયે
કેસર તિલક લગાયી
ખુસરો ચલી સસુરારી સજની
સંગ નહીં કોઈ જાઈ "
બાબુલ અર્થાત પિતાના ઘરને ખુંસરોએ અહિયાં ઈહલોક તરીકે વર્ણવેલ છે. મનુષ્ય શરીરને દુલ્હન તરીકે ઓળખાવેલ છે. ઈહલોકમાં મનુષ્ય દેહ ઘણો સમય રહ્યો . સારા નરસા કાર્યો કર્યા. પણ હવે સસુરાલ અર્થાત પરલોક જવાનો વખત આવી ગયો છે. પરલોકના સાજ શણગાર અલગ છે. ત્યાં સદકાર્યોની સુવાસ સાથે જશે. ત્યાં પરમાત્માની ઈબાદત સાથે જશે. બસ હવે તેની તૈયારી કરીલે . ત્યાં તારી સાથે કોઈ નથી જવાનું , તારે ત્યા એકલા જ જવાનું છે.
આવા ગહન વિચારને સરળ શબ્દોમાં સાકાર કરનાર ખુસરોની પ્રખ્યાત રચનાઓમાં “ ખ્જૈન- અલ -ફતહ “ અને “ તારીખ-એ - અલાય” છે. જયારે ઐતિહાસિક રચનાઓમાં “ નૂહ સિફિર્” અને “ તુગલખનામ " જાણીતી છે. ઈ .સ. ૧૩૨૫માં તેમનું અવસાન થયું .તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમને તેમના ગુરુ નીઝામુદ્દીન ઓલિયાની કબર પાસેજ દફ્નાવાવમાં આવ્યા. આજે પણ ગુરુ શિષ્યની જુગલબંધી એકાંતની પળોમાં સૂફી વિચારોની ગહનતા પર તર્ક કરતી હશે . પણ એ તર્કનો અર્ક હવે આપણા નસીબમાં ક્યાં ?
No comments:
Post a Comment