Wednesday, August 12, 2009

મહાવીર અને મહંમદ સિક્કો એક બાજુ બે : ડો. મહેબૂબ દેસાઈ

મહાવીર અને મહંમદ સિક્કો એક બાજુ બે

ડો. મહેબૂબ દેસાઈ


૧૮ એપ્રિલના રોજ મહાવીર જયંતી ઊજવાશે. એ નિમિત્તે મનમાં એક વિચાર ઉપજયો છે. ભગવાન મહાવીર અને હજરત મહંમદ પયગમ્બરના વિચારો અને ઉપદેશોનો તુલનાત્મક અભ્યાસ કરવાની જરૂર છે. કોઇ પ્રોફેસર પોતાના પીએચ.ડી.ના વિધાર્થીને આ વિષય પર સંશોધન કરાવે તો બંને મહાનુભાવો અને તેમના ધર્મનાં નૈતિક મૂલ્યોમાં પ્રવર્તતી સમાનતા અને સિદ્ધાંતોની સામ્યતા બહાર આવશે.

ભગવાન મહાવીર સ્વામી છેલ્લા તીર્થંકર હતા. મહંમદસાહેબ પણ છેલ્લા પયગમ્બર હતા. મહાવીર સ્વામીનો વૈરાગ્ય અને ત્યાગ અદ્વિતીય છે. મહંમદસાહેબનું સમગ્ર જીવન ત્યાગ અને બલિદાનની મિસાલ છે. દયા, કરુણા અને સમભાવ બંને મહાનુભાવોની વિશિષ્ઠતા હતાં. બંને મહાનુભાવોએ તપ કે ઇબાદતને પ્રાધાન્ય આપ્યું છે. મહંમદસાહેબે ફિરકા પરસ્તીને કયારેય પ્રાધાન્ય કે મહત્ત્વ આપ્યું નથી. ભગવાન મહાવીરે પણ જૈન ધર્મમાં જ્ઞાતિવાદને પ્રસરવા નથી દીધો.

ભગવાન મહાવીર અહિંસાના પૂજારી હતા. અહિંસા તેમના જીવનમાં સૂક્ષ્મ રીતે વણાયેલી હતી. જીવમાત્રને દુ:ખ આપવાની ક્રિયાને પણ તેઓ હિંસા માનતા. મહંમદસાહેબના જીવનમાંથી નીતરતી અહિંસા વાસ્તવદર્શી હતી. પક્ષીના માળામાંથી ઇંડાં કે બરચાઓને ભેટમાં લઇ આવનાર સહાબીને મહંમદસાહેબ કયારેય પસંદ ન કરતા. પાડોશમાં રહેતા પાડોશીને અપશબ્દ બોલી નારાજ કરનાર નમાઝીની નમાઝ કબૂલ નહીં થાય, તેમ કહેનાર મહંમદસાહેબની અહિંસા મહાવીરની અહિંસા કરતાં કંઇ જુદી નથી લાગતી.

ભગવાન મહાવીરે તપ દ્વારા દિવ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી. મહંમદસાહેબ ગારેહિરામાં નિયમિત જતા, ખુદાની ઇબાદત કરતા. ખુદાની ઇબાદતને જૈન ધર્મમાં તપનો દરજજૉ આપવામાં આવ્યો છે. ૪૦ વર્ષે મહંમદસાહેબને તેમના તપનું-ઇબાદતનું ફળ મળ્યું, અને તેમના પર ખુદાનો પૈગામ તર્યો. ઇસ્લામ અને જૈન ધર્મના સિદ્ધાંતો અને કથાઓમાં પણ સામ્યતા ડીને આંખે વળગે છે.

ઇસ્લામમાં ‘ફના’ થવાનો વિચાર ‘નિર્વાણ’ના વિચારને મળતો આવે છે. જૈનોના ઉત્તરાઘ્યયન સૂત્રની એક ગાથા છે. ‘અપ્પા એવ જૂજજાઇ...’ અર્થાત્ ‘અરે ભાઇ, જૉ તારે લડવું જ હોય તો તારી જાત સાથે લડ અને તારી જાત ઉપર જ વિજય મેળવ. રણસંગ્રામોમાં હજારો વિજય મેળવવા કરતાં પોતાની જાત ઉપર વિજય મેળવવો દુષ્કર છે. ઇસ્લામમાં ‘જેહાદ’નો જે સાચો અર્થ છે તે આ જ છે. ‘તારા દુગુણર્ોસામે લડ, તેમાંથી મુકત થા. એ જ સાચી જેહાદ છે.’

આઘ્યાત્મિક વિચારોની આવી સામ્યતા જૈન અને ઇસ્લામની સામ્યતાની પરંપરાને ઇબાદત (ભકિત)ની સામગ્રી સુધી લઇ જાય છે. ઇસ્લામમાં જે સ્થાન મુસ્લ્લાનું છે તે સ્થાન જૈન ધર્મમાં આસનનું છે. મુસ્લ્લા શબ્દનો અર્થ થાય છે, નમાઝ પઢતી વખતે પાથરવાનું કપડું. જૈનો આસન પર સ્થાનગ્રહણ કરી પ્રાર્થના કરે છે. કુરાને શરીફ જેના પર મૂકી અઘ્યયન કરવામાં આવે છે, તેને ઇસ્લામમાં ‘રિહાલ’ કહે છે.

અરબી ભાષાના શબ્દ ‘રિહાલ’નો અર્થ થાય છે પ્રસ્થાન કરવું. કુરાને શરીફ તેના પર મૂકી કુરાને શરીફમાં પ્રવેશવું કે પ્રસ્થાન કરવું. જૈન ધર્મમાં એ જ વસ્તુને ‘ઠવણી’ કે ‘ઠમણી’ કહે છે. ઠવણી એટલે વાંચતી વખતે પુસ્તક મૂકવાની ઘોડી. એવી જ એક અન્ય સામ્યતા છે તશ્બીહ કે માળા. ઇસ્લામી તશ્બીહમાં ૧૦૧ પારા-મણકા હોય છે. જયારે જૈન માળામાં એકસો આઠ મણકા હોય છે. માળાના ફુમતાની નીચેના મણકાને જૈન ધર્મમાં ‘મેર’ કહે છે. જયારે ઇસ્લામમાં તેને ઇમામ કહે છે.

તશ્બીહ અને માળાનો મૂતભૂત ઉદ્દેશ એક જ છે. ઇશ્વર કે ખુદાની ઇબાદત-ભકિત. જૈન ધર્મમાં સામાયિક એટલે સમભાવની પ્રાર્થના. ઇસ્લામમાં નમાઝ એટલે સમભાવની પ્રાર્થના. નમાઝની એક પણ આયાતમાં ભેદભાવનો ઉલ્લેખ નથી માત્ર ને માત્ર ખુદાને સમર્પિત થવાની બાંયધરી છે. જૈન સાધુઓ અને હાજીઓના પોષાકની સામ્યતા પણ નોંધવા જેવી છે. બંનેમાં સફેદ સાદાં કપડાં અનિવાર્ય છે. બંનેમાં સીવ્યા વગરનાં બે સફેદ કપડાંથી જ શરીર ઢાંકવામાં આવે છે. ઇસ્લામમાં તેને (અહેરામ) કહે છે. જયારે જૈન ધર્મમાં ઉપરના સફેદ વસ્ત્રને પછેડી અને નીચેના સફેદ વસ્ત્રને ચોલપટ્ટો કહે છે.

ટૂંકમાં જૈન અને ઇસ્લામના પ્રર્વતકો, સિદ્ધાંતો અને ઇબાદતની સામગ્રીની સામ્યતાનો ડો અભ્યાસ અનિવાર્ય છે.

ધર્મ એટલે મૂલ્યોનું જતન. એવા પાયાના ધાર્મિક વિચારોના પ્રસારમાં આવા તુલનાત્મક અભ્યાસો સમાજમાં મહોબ્બત અને એખલાસને સાકાર કરવામાં પાયાનું પરિબળ બની રહે છે.

No comments:

Post a Comment