Saturday, September 5, 2020

“મુખડા કયા દેખો દર્પણ મેં” ડૉ. મહેબૂબ દેસાઈ

 

“ફૂલછાબ” અખબાર ૨ ઓકટોબર ૨૦૨૦ના રોજ ૧૦૦ વર્ષ પૂર્ણ કરી રહેલ છે. એક અખબાર માટે એ પ્રતિષ્ઠા અને ગર્વને અભિવ્યક્ત કરવાની બાબત છે. ૧૦૦ વર્ષના જીવનમાં અખબારની સત્યનિષ્ઠા અને તટસ્થ અનેક વાર દાવ પર લાગી હોય છે. આમ છતાં અખબાર પોતાના સિદ્ધાંતોને અડીખમ રીતે વળગી સમાજમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સમર્થ રહે,  ત્યારે જ ૧૦૦ વર્ષની મંઝીલ સુધી પહોંચવાને તે કાબીલ બને છે. તેનું એક ઉત્તમ દ્રષ્ટાંત આજથી ૭૯ વર્ષ પહેલા ફૂલછાબ સાથે ઘટેલી એક ઘટના છે. એ સમયે ફૂલછાબ સાપ્તાહિક હતું. તેના તંત્રી પ્રસિદ્ધ સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી હતા. અને તેનું કાર્યાલય રાણપુરમાં હતું.

ઈ.સ.૧૯૪૧નો સમય હતો. અંગ્રેજ શાસકોની ‘ભાગલા પાડો અને શાસન કરો’ ની નીતિનો ભોગ અમદવાદ શહેર બની રહ્યું હતું. લાખો શ્રમજીવીઓના આશ્રયસ્થાન લાખો રોટીહીનોના માતૃખોળા સમા અમદાવાદમાં કોમવાદનો રાક્ષસ પોતાનું મોઢું ખોલી નિર્દોષ હિંદુ-મુસ્લિમ પ્રજાને આરોગી રહ્યો હતો. અમદાવાદ શહેરની સ્થાપના થઇ ત્યારથી અમદાવાદનો ખોળો હિન્દુ-મુસ્લિમ બન્ને પ્રજાએ સરખા પ્રેમથી ખુંદયો છે. બંને કોમના એક સરખા લોહી, હાડમાસ અને આપસનો રોટી વ્યવહાર એકતા અને એખલાસનું વર્ષોથી પ્રતિબિબ પાડતા હતા. પણ અંગ્રેજોના ભારતમાં આગમન પછી એકતા અને એખલાસમાં વારંવાર તિરાડ ઊભી કરવાના અંગ્રેજોના સભાન પ્રયાસો સફળ થયા, તો ક્યારેક નિષ્ફળ ગયા. પણ તેમની અલ્પ સફળતાએ અનેક નિર્દોષ માનવીઓનો ભોગ લીધો હતો. ૧૯૪૧માં પણ અંગ્રેજોની બંને કોમ વચ્ચે ભાગલા પાડવાની કૂટનીતિ ને અલ્પ સફળતા સાંપડી અને શહેરમાં અસામાજીક તત્વોએ માઝા મૂકી. ખંજરો ચાલ્યા, લુંટફાટ થઇ. નિર્દોષ માનવીઓની કતલેઆમ મચી ગઇ. કાવતરા બાજો ની આવી નિર્દયી કરામતની વિગતો અંગ્રેજ શાસકો પાસે પહોંચાડવામાં આવી. પ્રજાના રક્ષક સમા પોલીસનું ધ્યાન દોરવામાં આવ્યું. પણ નિંભર શાસકોની નિંભર પોલીસનો એક જવાબ હતો.

અમારા ધ્યાન પર છે, અમે પગલાં લઈશું”

 સેંકડો મૃત અને ઘાયલોની શોણીતધારાઓથી અમદાવાદની ધરતી લાલ બની ગઇ. છતાં નફટ તંત્રની ઊંઘ ઉડી તે ન જ ઉડી. અંગ્રેજ શાસકોની આ નફફટ નીતિને ઢંઢોળીને જગાડવાના હેતુથી ફુલછાબ”  સાપ્તાહિકના તંત્રી અને જાણીતા લોકસાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીએ ફૂલછાબ” ના તારીખ ૨૫ એપ્રિલ  ૧૯૪૧ ના અંકમાં પોલીસ તંત્રની નિષ્ક્રિયતાને વાચા આપતું એક કાર્ટૂન મુખપૃષ્ઠ છાપ્યું. તેનું મથાળું હતું મુખડા કયા દેખો દર્પણ મે”

કાર્ટૂનમાં એક પોલીસ દર્પણ અર્થાત આયનામાં પોતાનું મોં જોઈ રહ્યો છે. દર્પણમાં પુરુષને પોતાના મુખડાના સ્થાને કાળી ટોપી, વધેલી દાઢી અને વિકરાળ ચહેરાવાળો માણસ દેખાય છે. તેના હાથમાં એક છુરો છે. એ દૈત્ય જેવા માણસના અર્ધ દ્રશ્ય પાસે મસ્જિદ જેવી કોઈ ઈમારત છે. તેની પાછળ બે યુવાનોની લાશ પડી છે. એકે ધોતીયું પહેર્યું છે અને બીજા ચડ્ડી જેવું કંઇક પહેર્યું છે. પોતાના બદલે દર્પણમાં આવું દૃશ્ય જોઇ પોલીસ આશ્ચર્યચકિત નજરે તે જોઈ રહ્યો છે. કાર્ટૂન સાથે મેઘાણીએ લખેલો તંત્રીલેખ શોણીતભીના શહેરનો સંદેશ” પણ છપાયો હતો. જેમાં મેઘાણીએ લખ્યું હતું, 

અમદાવાદની આગમાં ઓરાએલી ઈસ્કામતો અત્યારે ધુમાડાની શાહીથી લખી રહી હશે કે અમને પેટ્રોલ છંટાયા તે વારે સત્તાના બિલ્લેદારો સામે ઉભા હતા. અમને દીવાસળીઓ ચાંપી તે ઘડીએ રક્ષાના કરવૈયાઓની ઉઘાડી આંખે ફૂલા નહોતા પડ્યા. અમદાવાદના મુવેલા તેમજ ઘાયલોથી શોણીતધાર પૃથ્વી પર લખતી હશે કે અમારી વલે બનું બનું થઈ રહી હતી ને કાવતરુ મેળવાયું રહ્યું હતું, તેના ખબર તો અમારા જવાબદારોએ હાકેમોને અગાઉથી આપ્યા હતા. કાગળો લખ્યા હતા, ફોન કર્યા હતા. પણ જવાબ એક જડેલો લક્ષમાં છે, બંદોબસ્ત કરેલ છે.” બંદોબસ્તના ઢંગ અમે ચાખી ચૂક્યા.” (ફૂલછાબ ૨૫ એપ્રિલ ૧૯૪૧)

કાર્ટૂન અને અગ્ર લેખ પછી લગભગ ૩૮  દિવસે એટલે કે જૂન ૧૯૪૧ના બુધવારના રોજ ફૂલછાબ” ના તંત્રી તરીકે શ્રી ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરવામાં આવી. અમદાવાદના એલઆઈબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મંગલ પ્રસાદે મેઘાણી ની ધરપકડ કરતા   કહ્યું,

 ફૂલછાબના ૨૫ એપ્રિલના અંકમાં પ્રગટ  થયેલા મુખડા ક્યા દેખો દર્પણ મેં’ કાર્ટૂને હિન્દુ મુસ્લિમ બંને કોમ વચ્ચે તંગદિલી ઉભી કરી છે. બે કોમ વચ્ચે નફરત અને ધિક્કારની લાગણી ઉત્પન્ન કરતા કાર્ટૂનને સમાજમાં અશાંતિ ઉત્પન્ન કરી છે. માટે હિન્દના ફોજદારી ધારાની કલમ ૧૫૩ (અ) હેઠળ હું તમારી ધરપકડ કરું છું”

 ગુજરાતના લોકપ્રિય સાહિત્યકાર અને ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરના બિરુદથી નવાજ્યા હતાં, તે ઝવેરચંદ મેઘાણી બચાવ નો એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર પોલીસ સાથે ચાલી નીકળ્યા. ત્યારે ફૂલછાબ” કાર્યાલય અને સમગ્ર રાણપુર ગામમાં સન્નાટો પ્રસરી ગયો. સમાચાર આગની જ્વાળાઓ જેમ સમગ્ર દેશમાં પ્રસરી ગયા. મેઘાણીની ધરપકડ કરી તેમને અમદાવાદની ગાયકવાડ હવેલીમાં આવેલ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા. અને પછી જેલની કાળી કોટડીમાં કાચા કામના કેદી સાથે બેસાડી દીધા. સ્થિતિનું વર્ણન કરતા મેઘાણી લખે છે,

“બરાકમાં  બિછાના વચ્ચે મારું પથરાયુ. ૬ સાથીઓ પૈકી બે ફકીર ને એક સાધુ ચરસના આરોપ બાબતે આવેલા. બે દારૂ બાબતે અને બીજા બે મારા મારી કે ચોરી બાબત. આ બધા એમ જ માનતા હતા કે પોતે નિર્દોષ છે….તરસ બહુ લાગેલી પણ બરાકના માટલા ખાલી પડેલા. નળોમાંથી ધધકતી ધરા થતી હતી. તરસ્યા કેદી એ વાટે મો પલાળતા હતા. મેં જૈન ચોવીયારની સ્થિતિ સ્વીકારી લીધી. સાંજનું ખાવાનું આપો આપ ટળી ગયું. બિસ્તરાની પણ મને ગરજ ન હતી. ઉનાળાની રાત તો ડાહીડમરી પત્ની સમી, ગાદલા, ગોદડા કે બાલોશીયાના વૈભવ ક્યાં માંગે છે.” (ફૂલછાબ ૧૩ જુન ૧૯૪૧)

 જેલના આવા નિષ્ઠુર વાતાવરણમા પણ  પોતાને સંપૂર્ણ સ્વસ્થ રાખનાર મેઘાણીએ પોતાની જામીન અરજીમાં રાષ્ટ્રીય શાયરની પ્રતિમાને છાજે તેમ લખ્યું હતું,

મેં ગૂનો કર્યો નથી. હું નિર્દોષ છું. અહિંસા અને હિન્દુ મુસ્લિમ એકતા મારા સ્વધર્મો છે. આદર્શોને આચારમાં ઉતારી રહેલ છું. છેલ્લા વીસ વર્ષના ગાળામાં મેં કરેલા અનેકવિધ લખાણો વાતની સચોટ સાક્ષી પૂરે છે. ઠઠ્ઠા ચિત્ર કાર્ટૂન કોમી અસંતોષને બિલકુલ ઉતેજતું નથી. અને કઈ લાગણી ઉત્તેજે છે તે હું મુકદમો ચાલવા દરમિયાન બતાવી આપીશ. કોમી એખલાસની સિદ્ધિને સારું મેં મારી શક્તિ નીચોવી છે. અને મુસ્લિમ પ્રેમ શોર્ય તેમજ ઈમાનદારીની મેં લખેલી વાર્તાઓ સાહિત્યમાં તેની પ્રતીતિ પુરતી ઉભી છે. જાણ્યે અજાણ્યે હું કદાપી કોમી ઈર્ષાનો અથવા  તે તરફ વલણ દાખવતા કોઈ અસત્યનો પક્ષકાર બનું નહીં.”  (ફૂલછાબ ૧૩ જુન ૧૯૪૧)

આમ પોતાની જામીન અરજીમાં મેઘાણીએ બે બાબતો રજૂ કરી હતી. એક એ કાર્ટુન કઈ લાગણી વ્યક્ત કરે છે તે તેઓ કેઈસ ચાલશે ત્યારે અદાલતમાં સિદ્ધ કરશે. અને બીજું, પોતાને કોમવાદી ગણાવનાર પરિબળોને તેમણે પ્રતીતિ કરાવી કે જાણીએ અજાણ્યે પણ કોમવાદી અપકૃત્યના તેઓ કયારેય ભાગીદાર બને નહીં.

વિધિની વિચિત્રતા તો જુઓ કે કોમવાદી પરિબળોને વેગ આપતો ઝવેરચંદ મેઘાણી સામેનો આવો જગબત્રીસીએ ચડેલો કેઈસ અમદાવાદના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી સુલેમાન કાળુભાઈ દેસાઈની કોર્ટમાં જ આવ્યો. ધંધુકાના સુન્ની મુસ્લિમ વહોરા કુટુંબના તેઓ સભ્ય હતા. તેમના મોટા ભાઈ શ્રી ઈસ્માઈલ દેસાઈ  સ્વાતંત્ર્ય યુગ માં જ પોલીસ બેડામાં મોટા પોલીસ અધિકારી હતા. જેમની કર્તવ્ય નિષ્ઠાને બિરદાવી અગ્રેજ સરકારે તેમને ખાન બહાદુરનો ખિતાબ આપ્યો હતો.

“મુખડા ક્યા દેખો દર્પણ મેં” કેઈસ ૩૦ જુન ૧૯૪૧ થી ૯ સપ્ટેમ્બર ૧૯૪૧  એટલે  લગભગ ૭૦ દિવસ અને છ મુદતોમાં પૂર્ણ થયો. પણ કેઈસની સુનાવણી દરમિયાન મેજીસ્ટ્રેટ સુલેમાન દેસાઈએ કયારેય પોતાનો અભિગમ કળાવા દીધો ન હતો. ન્યાયના આસન પર બેઠા બેઠા તેમણે મેઘાણીની  જુબાનીના એક એક શબ્દને મન ભરીને માણ્યો હતો. મેઘાણીની જુબાની પહેલા રજુ થયેલા મુસ્લિમ લીગના ત્રણ સાથીઓની વાતો પણ તેઓ મોંન બની સાંભળતા રહ્યા હતા. જો કે આ કેઈસની મોટામાં મોટી નબળાઈ આ ત્રણ સાથીઓ જ હતા. તેમાંના એક ખાનબહાદુર ફૈઝ મહંમદ મ્યુનિસિપલ કાઉન્સીલાર હતા. છતાં મેજીસ્ટ્રેટ સુલેમાન દેસાઈ પર તેનો કોઈ પ્રભાવ પડ્યાનું કોઈએ અનુભવ્યું ન હતું.

 જે દિવસે ( ૨૮.૮.૧૯૪૧) કોર્ટમાં મેધાણીની જુબાની હતી, તે દિવસે કોર્ટ હોલ માનવ મેદનીથી ચિક્કાર ભરેલો હતો. ક્યાય બેસવાની જગ્યા ન મળે. ભરચક કોર્ટમાં મેઘાણીએ પોતાની જુબાની આપી ત્યારે કોર્ટમાં બેઠેલ દરેક વ્યક્તિને મેઘાણીનું પારદર્શક રાષ્ટ્રીય  વ્યક્તિત્વ સ્પર્શી ગયું. અત્યંત સ્વસ્થ ચિત્તે જુબાની આપતા મેઘાણી બોલ્યા હતા,

“હું રાષ્ટ્રવાદી છું અને કોમવાદનો કટ્ટર વિરોધી છું. કોમવાદ મિટાવવા મેં મારાથી બનતું કર્યું છે અને કરું છું. ઇસ્લામના યશોગાન મેં મારી કૃતિઓમાં કરેલા છે. મુસ્લિમ પાત્રોને મેં ઉંચી કક્ષા પર મૂકી દોરેલા છે.  ફૂલછાબના અંકોમાં કોમવાદ વિરુદ્ધ પ્રચાર કરેલો છે. ફરિયાદવાળા ઠઠ્ઠા ચિત્રનો ખરો અર્થ તેના શીર્ષકમાં બતાવ્યા મુજબ છે. અમદાવાદ શહેરમાં બેફામ ગુંડાગીરી પ્રવર્તી રહી હતી ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવનાર અધિકારીઓ કર્તવ્ય ભૂલ્યા છે તે અર્થ છે. આ ગુંડાગીરીને સલ્તનતના સાધનો આંખના પલકારામાં દબાવી શકાય હોત. અને નાબૂત કરી શક્ય હોત. ખુદ તેઓ ગુંડાગીરીના પ્રેક્ષકો હતા. અને તેમની સ્થિતિ “મુખડા ક્યા દેખો દર્પણ મેં” વાળા પ્રખ્યાત ભજનમાં જણાવ્યા જેવી થઇ ગયેલી. અને પરિણામે શાંતિ પ્રિય પ્રજાને અસહ્ય શોષાવું પડ્યું છે….ગુંડો ન તો સાચો મુસ્લિમ હોઈ શકે ન તો હિંદુ. કોઈ પણ મઝહબમાં ગુંડાગીરીને સ્થાન નથી. ગુંડો તો ગુંડાગીરીને જ પોતાનો મઝહબ માને છે. ધર્મની ઓથે ખૂનામરકી, લુંટ એવા દુષ્કૃત્યો કરનારાઓ ધર્મ અને ધર્મસ્થાનને અપયશ અપાવનાર છે. એવી મારી માન્યતાને આધારે ઠઠ્ઠા ચિત્રમાં મેં નિર્દોષ શહેરીઓ ઉપર ગુંડાગીરીનું આક્રમણ બતાવ્યું છે. આરસીમાં જોઈ રહેલો પોલીસવાળો ઠઠ્ઠાચિત્રનું મુખ્ય એક જ લક્ષ્ય્ બિંદુ છે. અધિકારીઓની એ નિષ્ક્રિયતા સૂચવે છે. હું કોમવાદનો કટ્ટર વિરોધી છું. ઇસ્લામ માટે મને માન છે. મારો એ જીવન સિધ્ધાંત છે. એને અનુરૂપ મારું વર્તન છે. છેલ્લા ઘણા વર્ષોથી એ સૂત્ર મારી સાહિત્ય કૃતિઓમાં મેં ઉતાર્યું છે.” (ફૂલછાબ ૨૯.૮.૧૯૪૧)

મેઘાણી જુબાની પછી ૮ સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ બપોરે ત્રણ વાગ્યે આ કેસના બન્ને પક્ષના વકીલોની દલીલો ભરચક કોર્ટ થઇ. સરકાર તરફથી પબ્લિક પ્રોસિક્યુટર લાખિયાએ દલીલો કરી જયારે શ્રી મેઘાણી તરફથી શ્રી હિમતલાલ શુકલ અને શ્રી પ્રભુદાસ પટવારી  ઉપસ્થિત રહ્યા હતા.  બચાવ પક્ષના વકીલ તરીકે હિંમતલાલ  શુકલએ પોતાની વેધક શૈલીમાં કહ્યું હતું

 “ગુંડો એ ગુંડો જ છે. ધર્મના ઓઠા નીચે એ પોતાનો સ્વાર્થ સાધે છે. લુંટે છે, ખૂન કરે છે. ધર્મને તેની  સાથે કઈ  લેવાદેવા નથી. એવા માણસો નથી સાચા મુસ્લિમ કે નથી સાચા હિંદુ. એ તો પ્રસંગનો ઉપયોગ કરે છે. અને એ કાર્ટૂનવાળું આખું ‘ફૂલછાબ’ જોતા લાગે છે. એના અગ્રલેખના કેટલા ફકરા  બતાવે છે કે તંત્રીએ આવેશમાં નહિ, ક્રોધમાં નહીં પણ રડતા દિલે આ કલંક ભૂંસવા આવું ન બને તેવી પરિસ્થિતિ ઉભી કરવા અને ભાઈ ભાઈ બનીને રહેવા બન્ને કોમોને અપીલ કરી છે”  (ફૂલછાબ ૧૨  સપ્ટેમ્બર ૧૯૪૧)

બન્ને પક્ષના વકીલોની દલીલો સમગ્ર કોર્ટનો માનવ સમુદાય એક ચિત્ત સાંભળી રહ્યો હતો. દલીલોની સમાપ્તિ પછી મેજિસ્ટ્રેટ સુલેમાન દેસાઈએ કેસનો નિર્ણય બીજા દિવસે એટલે કે ૯  સપ્ટેમ્બર ૧૯૪૧ના રોજ આપવાની જાહેરાત કરી. અને કોર્ટ વિખેરાઈ ગઈ. સૌના મનમાં કેઈસના નિર્ણય અંગે અનેક શંકા કુશંકાઓ હતી. સરકાર પક્ષે ઘણાં જમા પાસા હતા. જેમ કે કોમવાદી કેઈસ, મુસ્લિમ ન્યાયધીશ અને અગ્રેજ સરકારનું અમાપ પીઠબળ, જયારે આરોપી પક્ષે અંગ્રેજ સરકારના પોલીસતંત્રની નિષ્ક્રિયતાનો છડેચોકે  કાર્ટૂન દ્વારા ભાંડો ભોડનાર એક માત્ર રાષ્ટ્રીય શાયર મેઘાણી જ હતા. એટલે જ કદાચ પોતાના પર તોળાઈ રહેલ ભયને વ્યક્ત કરતા મેઘાણીએ તેમના મિત્ર  શ્રી કપિલ પ. ઠક્કરને  એક પત્રમાં લખ્યું હતું,

“અમદાવાદ પોલીસે  ગમે તે કારણે ભૂલ ખાધી છે.  કારણકે ૧૫૩ (અ) નો આરોપ ટકી શકે નહિ. એવો બધા ધારાશાસ્ત્રીઓનો અભિપ્રાય છે. ને તેઓ આ કેઈસ પોતાનો ગણીને લડી રહ્યા છે. એમ છતાં જો કઈ આવી પડે તો તે ભોગવી લેવાને હું મારા દિલને તૈયાર કરી રહ્યો છું. આ લખતી વખતે મારા મનમાં કોઈ bravado (બહ્દુરીનો ડોળ)નો મિજાજ લેશ માત્ર નથી. હું તો એકવાર જઈ  પણ આવ્યો છું. એટલે પોકળ બહાદુરીનો તોર તો રાખું જ કેમ ?”  (હું આવું છું પૃ. ૩૧૭)

બીજે  દિવસે (૯.૯.૧૯૪૧) કોર્ટ રૂમ ચિક્કાર હતો. સૌ ચુકાદો જાણવા ઉત્સુક હતા. ભરચક કોર્ટમાં પોતાનો ચુકાદો આપતા મેજીસ્ટ્રેટ સુલેમાન દેસાઈએ કહ્યું,

 મારો ફેસલો છે કે આરોપીએ ગુનો નથી કર્યો. ફરિયાદ પક્ષ તરફથી ત્રણ સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા. આ સાક્ષીઓ મુસ્લિમ લીગના સભ્યો છે. કોર્ટ તેમની જુબાનીને તટસ્થ તરીકે સ્વીકારતા અચકાય છે. ફરિયાદ પક્ષનો પુરાવો સંપૂર્ણ તટસ્થ અને વિશ્વાસપાત્ર નથી… શ્રી મેઘાણી ફૂલછાબના તંત્રી છે અને આ પત્રમા પ્રગટ થતા લેખો તેમની નીતિના સૂચક છે. તહોમતદાર

(નં ૧)એ લેખિત જવાબ સાથે ચાર પરિશિષ્ટ જોડ્યા છે,  જેમાં તેમણે લખેલી ઐતિહાસિક નવલો, નાટકો અને સામાજિક કૃતિઓમાંથી ઉતારા આપ્યા છે. જેમાં તેમણે મુસ્લિમ શૌર્ય, વીરતા અને વફાદારી ના ગુણગાન કર્યા છે. આ ઉપરથી જરાય શંકા ને સ્થાન રહેતું નથી કે તહોમતદાર અને તેના પત્રની નીતિ સરકાર અને હિન્દુ મુસ્લિમ એકતા ને આગળ કરવાની છે. કેટલીક જગ્યાએ તો તેમણે મુસ્લિમોને મદદ કરવા માટે કોંગ્રેસ અને હિન્દુ મહાસભાની પર ટીકા કરી છે. કાર્ટૂનમાંથી  માત્ર એટલો અર્થ નીકળે છે કે હુમલાખોરે બે માણસો પર હુમલો કરી ખંજર ભોંકી દીધું. તહોમતદારે બે કોમ વચ્ચે  શત્રુતા કે દ્વેષ ફેલાવાના બદઈરાદાથી આ કાર્ટૂન પ્રગટ કર્યું હોય એમ હું માનતો નથી. હાથ, લોહીવાળું ખંજર, રાતી આંખો, લાંબા નખ, ખુલ્લું મો અને ચહેરા પર કરચલીઓ વાળો શખ્સ માનવ સ્વરૂપમાં દૈત્ય જ છે.  જે નાત જાતના ભેદભાવ વિના ખૂન કરે છે. કાર્ટૂનનો એકમાત્ર આશય શહેરમાં ફેલાયેલા કોમી રમખાણ પ્રસંગે પોલીસની નિષ્ક્રિયતા બતાવવાનો છે.  હું ઠરાવું છું કે તહોમતદાર  સામે પ્રથમ દર્શીય કેઈસ સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયો છે. ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ ૨૫૩ મુજબ છોડી મુકું છું.” 

ચુકાદો સાંભળી હોલમાં બેઠેલા માનવમેદની હર્ષથી ઝૂમી ઉઠી. ગાંધીજીના લાડલા રાષ્ટ્રીય શાયર અને પ્રજાના માનીતા લોક સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીની રાષ્ટ્રવાદી પ્રતિભાવ પર એક મુસ્લિમ ન્યાયધીશે મારેલી મહોરને કારણે ફૂલછાબ અને મેઘાણીના રાષ્ટ્રવાદી વ્યક્તિત્વને કોમવાદી તત્વો સાથે  જોડવાની અંગ્રેજોની મેલી મુરાદ ધૂળમાં મળી ગઈ. અગ્નિમાં તપીને બહાર આવતા કુંદનની જેમ ફૂલછાબ અને મેઘાણીનું રાષ્ટ્રીય વ્યક્તિત્વ આ ઘટના પછી વધુ ઉજળું અને સ્પષ્ટ બન્યું એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય.

 

 

No comments:

Post a Comment