Sunday, September 27, 2020

સૂફીસંત સલમાન ફારસીના અમૃત વચનો : ડો. મહેબૂબ દેસાઈ

 સલમાન ફારસીના પ્રારંભિક જીવનની વાત અગાઉ આપણે કરી છે. આજે તેમના થોડાં ઉપદેશાત્મક પ્રસંગો અને કથનોની વાત કરવી છે. એક શખ્શને ઉપદેશ આપતા સલમાન ફારસીએ કહ્યું,

વાતચીત ન કરો

પેલાએ સામે પૂછ્યું,

એ કેવી રીતે બની શકે કે જીવતો રહું અને બોલું નહિ ?”

સલમાન ફારસી મલકાયા. એ વ્યક્તિ પર નજર કરતા ફરમાવ્યું,

અગર ખામોશ નથી રહી શકતા તો સારી વાતો કરો. ખરાબ વાતો કરી અજ્ઞાનતા પ્રગટ કરવા કરતા મૌન રહેવું સારું

એક અનુયાયીને  સલમાન ફારસીએ ઉપદેશ આપતા કહ્યું,

ગુસ્સો ન કરો અનુયાયીએ પૂછ્યું,

ગુસ્સો આવે છે ત્યારે હું મજબુર થઇ જઉ છું. મારી જાત પરથી સંયમ ગુમાવી દઉં છું. એવા સમયે શું કરવું?

સલમાન ફારસીએ ફરમાવ્યું,

ગુસ્સો આવે ત્યારે ઓછામાં ઓછું તારી જબાન અને હાથને કાબુમાં રાખ. તારો ગુસ્સો આપો આપ ઓછો થઇ જશે 

એક અનુયાયીએ સલમાન ફારસીને પૂછ્યું,

એવી કઈ બદી (દુષણ)છે જેની સામે નેકી કઈ જ કામ નથી આવતી ?

સલમાન ફારસીએ ફરમાવ્યું,

બડાઈ (શેખી) અને અહંકાર

સલમાન ફારસી હંમેશા છ બાબતો પર નવાઈ વ્યક્ત કરતા. એ છ બાબતોમાં ત્રણ બાબતો એમને રડાવતી અને ત્રણ બાબતો તેમને હસાવતી. જે ત્રણ બાબતો તેમને રડાવતી એ હતી,

૧. હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) અને તેમના સહાબીઓ (અનુયાયીઓ)નો વિયોગ

૨. મૃત્યુનો ભય અને મૃત્યું પછીની ઘટના.

૩. કયામતને દિવસે અલ્લાહના ફરિશ્તા જબ્બાર અને કહહાર પાસે કર્મોનો હિસાબ આપવા ઉભા થવું.

અને જે ત્રણ બાબતો આપને હસાવતી હતી તે હતી,

૧. માણસ દુનિયાની તલબ (ઈચ્છા) કરે છે. પણ મૃત્યું તેની તાકમા હોઈ છે.

૨. માનવી પરલોકની દુનિયાથી ગાફેલ હોય છે. પણ તેની પ્રત્યેક હિલચાલ પર ખુદાની નજર હોઈ છે.

૩. માનવી દુનિયામાં ઘણું હસે છે, પણ તેને ખબર નથી કે ખુદા તેનાથી રાજી છે કે નારાજ.

 

સલમાન ફારસીના કેટલાક સદવિચારો માણવા જેવા છે.

ઇન્સાન ખુશી અને ગમ બંનેમાં ખુદાને યાદ કરે. એ જ સાચી બંદગી છે

જે ઇન્સાન ખુશી વખતે પણ અલ્લાહને યાદ કરે છે, તેનો અવાજ ફરિશ્તાઓ ઓળખી જાય છે.અને દુઃખમાં અલ્લાહની મદદ તેને તુરત સાંપડે છે

ઉંમર ઘણી ઓછી છે. અને ઇલ્મ (જ્ઞાન) ઘણું વધારે છે. જેટલા ઈલ્મની દિન અને દુનિયા માટે જરૂર છે. તેને અવશ્ય હાસિલ (પ્રાપ્ત) કરો. બાકીનાને છોડી દો

જો બુરાઈ જાહેરમાં કરતા હોય તો નેકી પણ જાહેરમાં કરો. અને જો બુરાઈ છુપાવીને કરો તો નેકી પણ છુપી રીતે કરો. બંનેના પલ્લા સરખ રાખો.

હઝરત સલમાન ફારસીનો અંતિમ સમય આવ્યો. લોકો તેમના ખબર અંતર પૂછવા આવતા અને રડતા. એ જોઈ સલમાન પણ ચોધાર આંસુએ રડતા. તેમને રડતા જોઈ તેમના મિત્ર અસદ બીન અલી બક્કરને નવાઈ લાગી. તેમણે સલમાન ફારસીને પૂછ્યું,

આપ શું કામ રડો છો ? જેનાથી હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) ખુશ હોઈ તેને આખીરતની

શી ચિંતા ?

સલમાન ફારસી રુદનને અટકાવતા બોલ્યા,

હું નથી મોતથી ડરતો, ન મને દુનિયામાં રહેવાની ઈચ્છા છે. હું તો એટલા માટે રડું છું કે મારી પાસે દુન્વયી(દુનિયાનો) સામાન બેહદ છે. હું ઉપર જઈ ખુદાને શું જવાબ આપીશ ?

જે દુન્વયી સામાન માટે સલમાન ફારસી ચોધાર આંસુઓથી રડતા હતા, તેની કિંમત ૧૫-૨૫ દીહરમ અર્થાત ચાર-પાંચ રૂપિયાથી વધારે ન હતી.

સલમાન ફારસીનું અવસાન ખલીફા હઝરત ઉસ્માનના શાસનકાળમા ૧૦ રજ્જ્બુલ મુરજ્જ્બ હિજરી સન ૩૩મા થયું હતું. તેમની મઝાર મુબારક ઈરાનના મહત્વના શહેર માદાઈનમા આવેલી છે.

 

 

No comments:

Post a Comment