Sunday, September 13, 2020

ઇસ્લામિક તહેજીબ : ડૉ. મહેબૂબ દેસાઈ

 આજે મારે વાત કરવી છે ઇસ્લામના એવા બે નિયમોની કે જે સામાન્ય નિયમો કરતા અપવાદરૂપ છે. હિન્દુ ધર્મમાં બાળકને દત્તક લેવાની પ્રથા આવકાર્ય છે. પણ ઇસ્લામમાં બાળકને દત્તક લેવાની મનાઇ કરવામાં આવી છે. જેમ કે એક બાળકી જેનું નામ શામ છે. તેના પિતાનું તેની  બાલ્ય અવસ્થામાં જ અવસાન થાય છે. તેની માતા બીજા લગ્ન કરે છે. પણ  એ બાળાના નામ પાછળ તેના અસલ પિતાનું નામ જ રાખવામાં આવે છે. તેના અભ્યાસથી માંડીને તમામ દસ્તાવેજોમાં તેના અવસાન પામેલ પિતાનું નામ જ રાખવાનો ઇસ્લામમાં આદેશ છે. ઈસ્લામિક નિયમ મુજબ ન તો આપ કોઈ બાળકને દત્તક લઇ શકો છો. ન આપ કોઈ બાળકને પિતાનું નામ આપી શકો છો.  જે પિતાએ તેને જન્મ  આપ્યો હોય, તેજ તેનો સાચો પિતા જીવનભર રહે છે. ઇસ્લામના  કાનૂન મુજબ બાળકના મૂળ પિતાના નામમાં કોઈ જ પરિવર્તન કરી શકાતુ નથી. અર્થાત ઇસ્લામમાં પુત્ર કે પુત્રીને દત્તક લેવાની મનાઈ છે.

એ જ રીતે કોઈ પણ ઇસ્લામી અનુયાયી પોતાની પત્નીને મજાક કે ગુસ્સામાં “મા” કહી શકતો નથી. આ અંગે કુરાન-એ-શરીફના ૨૧માં પ્રકરણની સૂર એ અહ્ઝાબમાં વિગતે બન્ને બાબતોનું વિવરણ આપવામાં આવ્યું છે. તેમાં કહ્યું છે,

 

“અલ્લાહ એ કોઈ માનવીની છાતીમાં બે દિલ બનાવ્યા નથી. તમારી જે ઓરતો ને તમે માં કહી બેસો છો તેણીઓ ને તમારી સગી માઓ બનાવી દીધી નથી. અને ન તમારા પાલક પુત્રોને તમારા સગા દીકરા બનાવ્યા છે. એ તો તમારા મોની વાત છે. અને અલ્લાહ સત્ય વાત કહે છે. અને તે જ સીધો માર્ગ બતાવે છે. પાલકોને તેમના સગા બાપના સબંધ મુજબ જ બોલાવો એ જ અલ્લાહને ત્યાં પૂરો ન્યાય છે. પછી જો તમે તેમના બાપના નામને જાણતા ન હો, તો તેઓ ધર્મમાં તમારા ભાઈ અને તમારા મિત્રો છે.”

 

આ આયાતમાં કહ્યા મુજબ ૧. તમારી પત્નીને તમે ભૂલમાં કે મજાકમાં પણ “મા” ન કહો. અલ્લાહના આદેશ મુજબ તે અયોગ્ય છે. ૨. કોઈ પણ ઇસ્લામના અનુયાયી કોઈ પુત્ર કે પુત્રીને દત્તક લઇ શકે નહિ. અલબત્ત તેનું પાલન પોષણ કરવાની જવાબદારી સ્વીકારી શકે. પણ તેના નામ સાથે તેના અસલ પિતા અને માતાનું નામ જ રાખવું ઇસ્લામિક આદેશ મુજબ અનિવાર્ય છે. કોઈ ખાસ સંજોગો કે કારણો સર જો તેના માતા કે પિતાનું નામ જાણી શકાય તેમ ન હોય તો પણ તેને પોતાનું નામ આપવા કરતા પોતાના ધર્મ ભાઈ કે ધર્મ સંતાન તરીકે જ ઓળખ આપવી યોગ્ય છે.

 

આ આયાતમાં ખુદાએ દરેક માનવીને એક જ દિલ હોય છે, તેમ કહ્યું છે. તેવી જ રીતે કોઈ સગી બે માઓ કે સગા બાપ થઇ સકતા નથી. તેથી કુરાન એ શરીફ આવા ઉપજાવી કાઢેલા સબંધને સાચા તથા કુદરતી સબંધથી જુદા પાડવા ખાતર એ રીવાજોને વખોડી તેના હુકમો રદ કરે છે. 

દરેક માનવી સાથે તેના અસલ પિતાનું નામ જ જોડાવું ન્યાયની રુએ વ્યાજબી છે. પાલક પુત્ર બનાવનાર કઈ અસલ પિતા બની જતો નથી. કોઈ પ્રેમવશ દીકરો, બેટા, બાપ કે માં કહે તે વાત જુદી છે. પરંતુ વંશાવલીના સબંધો કે તેના હુકમોમાં જરા પણ પરિવર્તન થવું ન જોઈએ. ઇસ્લામના આરંભમાં હઝરત મહંમદ સાહેબે (સ.અ.વ.)એ તેમના ગુલામ ઝૈદ બિન હારીસને આઝાદ કરી પોતાના પાલક પુત્ર બનાવ્યા હતા. જેથી લોકો પ્રચલિત રીવાજ મુજબ તેને ઝૈદ બિન મુહંમદ કહેતા હતા. પણ આ આયાત ઉતર્યા પછી તેને ઝૈદ બિન હારીસ કહેવા લાગ્યા હતા.

 

ટૂંકમાં પિતાના અવસાન પછી પુત્રીના માતા બીજા લગ્ન કરે તો પણ તેના નામ પાછળ તેના ગુજરનાર પિતાનું જ નામ રાખવાનો આદેશ કૃરાને શરીફની આ આયાતમાં જોવા મળે છે. વળી, દત્તક પુત્ર કે પુત્રી લેવાની બાબતનો પણ અસ્વીકાર અત્રે કરવામાં આવેલ છે. તેમને વારસામાં કોઈ અધિકાર આપવામાં આવતો નથી. પણ પાલક પિતા ઈચ્છે તો તેને પોતાના વારસામાંથી ભેટ આપી શકે છે. પણ વારસદાર બનાવી શકે નહિ.

  

 

 

 

 

No comments:

Post a Comment