Friday, September 18, 2020

નિયમિત વઝુ કરીએ : ડૉ. મહેબૂબ દેસાઈ

સમગ્ર ભારત કોરોનાની મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે. એવા સમયે વારંવાર હાથ ધોવા અને સ્વચ્છ રહેવા પર વિશેષ ભાર આપવામાં આવી રહ્યો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માધ્યમો દ્વારા પણ તેનો પ્રચાર થઇ રહ્યો છે. એ સૂચનાઓ સાંભળી મને ઇસ્લામનો વઝુ કરવાનો નિયમ યાદ આવી ગયો. ઇસ્લામમાં પાંચ સમયની નમાઝ પૂર્વે વઝુ કરવાનો સિધ્ધાંત છે. જેનો મૂળભૂત ઉદેશ નમાઝ પૂર્વે સ્વચ્છતા અને પવિત્રતા કેળવવાનો છે. આરંભ કાળથી જ ઇસ્લામમાં સ્વચ્છતાનું વિશેષ મહત્વ રહ્યું છે.

હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે,

"ગંદા લોકો ખુદાના ખરાબ બંદા છે" 

"હઝરત ઈમામ સાદીકે કહ્યું છે,

"હંમેશા સ્વચ્છ વસ્ત્રો પહેરો"

"દર શુક્રવારે નખ કાપવાથી રક્તપિત, દીવાનાપણું અને અંધાપણાથી બચી શકાય છે"

એક હદીસમાં લખ્યું છે,

"લાંબા નખ નીચે શૈતાન ઊંઘે છે"

આજથી સાડા ચૌદ સો વર્ષ પહેલા પણ સ્વચ્છતાનું મહત્વ ઇસ્લામના પયગંબર હઝરત મહંમદ સાહેબે સ્વીકાર્યું હતું. જેનું ઉત્તમ ઉદાહરણ પાંચ સમયની નમાઝ પહેલા શરીર સ્વચ્છતા માટે વઝુની ક્રિયા  છે.

ઇસ્લામમાં દિવસમાં પાંચવાર નમાઝ પઢવાનું દરેક મુસ્લિમ માટે ફરજીયાત છે. અને નમાઝ પૂર્વે વઝુ કરવું પણ ફરજીયાત છે. વઝું શબ્દ વઝઝઅ પરથી ઉતારી આવ્યો છે. જેનો શાબ્દિક અર્થ થાય છે ધોવું કે પાક થવું. ઇસ્લામી પરંપરા મુજબ નમાઝ પૂર્વે વઝુ કરવું ફરજીયાત છે. એ ક્રિયામાં હાથ, મોં, પગ, કાન, નાક અને માથાના વાળ પાણીથી સ્વચ્છ કરવામાં આવે છે.

ટુકમાં, વઝુમાં શરીરના બહાર દેખતા અવયવો જેવા કે હાથ, પગ, અને આંગળાઓને પાણીથી સ્વચ્છ કરવામાં આવે છે. એ પછી નાકમાં પાણીની છાલક મારી નાક સ્વચ્છ કરવામાં આવે છે. એ પછી કાનને પણ ભીના હાથ દ્વારા સાફ કરવામાં આવે છે. અને માથના વાળ પર પણ ભીના પાણી વાળો હાથ ફેરવવામાં આવે છે. આ ક્રિયા માત્ર દિવસમાં એકવાર નથી કરવાની. દિવસમાં પાંચ સમયની નમાઝ સમયે દરેક મુસ્લિમેં ફરજીયાત કરવાની છે, એ મુજબ ફજર (સૂર્યોદય પૂર્વે), ઝોહર (બપોર) અસર (સાંજ), મગરીબ (સુર્યાસ્ત) અને ઈશા (રાત્રી)ની નમાઝ સમયે વઝુ કરવું ફરજીયાત છે.

મહંમદ સાહેબ (સ.અ.વ.)એ વઝું અંગે કહ્યું છે,

“વઝું વગર નમાઝ કબૂલ નથી થતી. નમાઝની ઈમારતને ટકાવી રાખનાર ચાર સ્તંભો છે. જેમાં વઝુનું સ્થાન મહત્વનું અને અગ્ર છે.”

ઇસ્લામક નિયમ મુજબ વઝુ સમયે શરીરના નીચે મુજબના અવયવોને સ્વચ્છ કરવા ફરજીયાત છે.

૧. સૌ પ્રથમ બન્ને હાથના આંગળા અને કાંડા પાણીથી ત્રણ વાર ધોવામાં આવે છે.

૨. એ પછી મોંમાં પાણી નાખી કોગળા કરવામાં આવે છે. જેથી મોમાં રહેલ કોઈ પણ ખાદ્ય પ્રદાર્થ બહાર નીકળી જાય અને મો સ્વચ્છ થઇ જાય.

૩. નાકમાં પાણી નાખી બન્ને નસકોરા સાફ કરવા જરૂરી છે.

૪. પછી ચહેરા પર પાણીની છાલક મારી મો ધોવામાં આવે છે.

૫. એ પછી પહેલા જમણો અને પછી ડાબો હાથ કોણી સુધી પાણીથી ધોવામાં આવે છે.

૬. એ પછી ભીંજાયેલા હાથ વડે જ માથું, કાન અને ગરદન ની સફાઈ કરવામાં આવે છે.

૭. એ પછી પ્રથમ જમણા પગના આંગળા ઘૂંટી સુધી પાણીથી ધોવામાં આવે છે. અને પછી એજ રીતે ડાબા પગના આંગળા અને ઘૂંટી સુધી પગ ધોવામાં આવે છે. 

આ સમગ્ર ક્રિયાને વઝું કહેવામાં આવે છે.

હઝરત મહંમદ સાહેબ તો ત્યાં સુધી ફરમાવે છે કે

"ઇસ્લામ નિર્મળ મઝહબ છે. હંમેશા સ્વચ્છ રહેવાનો પ્રયાસ કરો. કારણ કે સ્વચ્છ લોકો જન્નત (સ્વર્ગ)માં જશે"

સ્વચ્છતાનો મહિમા દરેક ધર્મ અને સમાજમાં સર્વસામાન્ય છે. હિંદુ ધર્મ પણ સ્વચ્છતાનો અતિ આગ્રહી છે. જો કે એ યુગમાં કોઈ સેનેટાઇઝર કે સાબુ ન હતા. જેથી તેનો કોઈ ઉલ્લેખ ધાર્મિક ગ્રંથોમાં ન હોય તે સ્વભાવિક છે. પણ આજના સંદર્ભમાં આપણી પાસે સેનેટાઇઝર કે સાબુ છે. જેથી સ્વચ્છતાના પ્રતિક સમાન વઝુંના સમયે તેનો ઉપયોગ કરવામાં આવે તો સમાજમાંથી કોરોનાના કહેરને આપણે અવશ્ય નાબૂદ કરી શકીશું.

 


No comments:

Post a Comment