હમણાં એક ફિલ્મી ગીતમાં “અચ્છા તો ચલતા હું, દુવા
મેં યાદ રખના” સાંભળવા મળ્યું. બહુ ઓછા લોકો જાણતા હશે કે એ ઇસ્લામિક તહેજીબ
કે સંસ્કારનો એક ભાગ છે. તેમાં એક વિવેક અને વિનંતી છે. જયારે બે મુસ્લિમ બિરાદરો
દુવા સલામ પછી છુટા પડે છે ત્યારે એક બીજાને અવશ્ય કહે છે “દુવા મેં યાદ રખના”.
અર્થાત તમે જયારે ખુદા પાસે પ્રાર્થના કરો, દુવા માંગો, ત્યારે તેમાં મને પણ યાદ
રાખશો. આવા અનેક ઇસ્લામિક શબ્દો છે જે ખાસ પ્રસંગોએ સાંભળવા મળે છે. આજે એવા
કેટલાક ઇસ્લામિક તહેજીબ અર્થાત સંસ્કાર વ્યક્ત કરતા શબ્દોની વાત કરવી છે. જે શબ્દો
મુસ્લિમ બિરાદરો પોતાના જીવન વ્યવહારમાં વારંવાર ઇસ્તમાલ કરે છે.
સૌ પ્રથમ તો મારા લેખોમાં હંમેશા હજરત મહંમદ
પયગમ્બર સાહેબ સાથે વપરાતા સ.અ.વ. અક્ષરોનો અર્થ વાચકો જાણવા ઉત્સુક છે. ઇસ્લામના
એકમાત્ર પયગમ્બર મહંમદ સાહેબના નામ સાથે જ સ.અ.વ. અક્ષરો મુકાય છે. સ.અ.વ. એ એક
પ્રકારની દુવા-પ્રાર્થના છે. સ.અ.વ. અક્ષરોનો પૂર્ણ ઉરચાર “સલ્લલ્લાહો અલયહે
વસલ્લમ” થાય છે. તેનો અર્થ “તેમના પર અલ્લાહના આશીર્વાદ અને શાંતિ વરસો” થાય
છે.’ મહંમદ સાહેબ સાથે કેટલાક ઇસ્લામિક ગ્રંથોમાં માત્ર સ.અ. પણ લખવામાં આવે છે.
જેનો પૂર્ણ ઉરચાર “સલતાતુલ્લાહે અલયહે” થાય છે. એટલે કે “તેમના ઉપર
અલ્લાહની રહેમત રહો.”
એ જ રીતે મહંમદ સાહેબ માટે હંમેશા “પયગમ્બર”
શબ્દનો પ્રયોગ થાય છે.પયગંબર શબ્દ “પૈગામ” પરથી આવ્યો છે. “પૈગામ”
એટલે સંદેશ. પૈગામ લાવનાર એટલે પયગમ્બર. એ અર્થમાં ખુદાનો પૈગામ લાવનાર મહંમદ
સાહેબને પયગમ્બર કહેવામાં આવે છે. ઇસ્લામના અન્ય મહાનુભાવો, પયગમ્બરો
કે ઓલિયાઓને માનવાચક સંજ્ઞાઓ સાથે સંબોધવામાં આવે છે. એ માટે “અ.સ.” શબ્દનો
પ્રયોગ થાય છે. અ.સ.નો પૂર્ણ ઉરચાર ‘અલયહસ સલામ’ થાય છે એટલે કે તેમના ઉપર
સલામ, એ જ રીતે “ર.અ.” શબ્દનો પ્રયોગ પણ થાય છે. “ર.અ.”નો
પૂર્ણ ઉરચાર “રહેમતુલ્લાહ અલયહી” થાય છે.
જેમ જયશ્રી કૃષ્ણ, જય જિનેદ્ર, જય સ્વામીનારાયણ કે
જય માતાજી શબ્દ જે તે સમાજના અભિવાદનની ઓળખ બની ગયા છે, તેમ મુસ્લિમ બિરાદરોમાં અભિવાદ
માટે “અસલ્લામુ અલૈકુમ” શબ્દ વપરાય છે. એક મુસ્લિમ બીજા મુસ્લિમને મળે છે
ત્યારે “અસલ્લામુ અલૈકુમ” શબ્દનો પ્રયોગ કરે છે. તેમાં કોઈ જય કે વિજયની
વાત નથી. તેનો અર્થ થાય છે, “અલ્લાહ આપના પર શાંતિ-સલામતી બરકરાર રાખે”. તેના ઉત્તરમાં
મુસ્લિમ બિરાદર “વઆલેકુમ્ અસ્લામ” કહે છે. તેનો અર્થ પણ એ જ છે, “અલ્લાહ
આપ ઉપર પર શાંતિ અને સલામત વરસાવે.” એ જ રીતે કોઇ પણ મુસ્લિમ કોઈ પણ કાર્યના
આરંભ પૂર્વે “બિસ્મિલ્લાહ” કહેવાનું પસંદ કરે છે. જેનો અર્થ થાય છે. “શરૂ
કરું છું અલ્લાહના નામથી.”
જયારે કોઈ મુસ્લિમ બિરાદર પોતાની ભૂલ થઈ જાય ત્યારે
તે એક શબ્દ અવશ્ય બોલે છે, “અસ્તગફેરૂલ્લાહ” જેનો અર્થ થાય છે “અલ્લાહ
પાસે માફી માગું છું.” ખુદાની કોઈ રહેમત અર્થાત કૃપા ગમી જાય અથવા કોઈ સારું
કાર્ય કે ઘટના તેના જીવનમાં બને કે દ્રષ્ટિગોચર થાય ત્યારે મુસ્લિમ એક શબ્દ અવશ્ય
બોલે છે અને તે છે, “સુબહાનલ્લાહ” અર્થાત “ખુદા પ્રશંશનીય છે.”
નમાજ માટે આમંત્રણ આપતી ક્રિયાને “અઝાન”
કહે છે. અઝાનના આરંભમાં જ ‘અલ્લાહુ અકબર’ શબ્દનો પ્રયોગ થાય છે. “અલ્લાહુ
અકબર” એટલે ઇશ્વર-ખુદા સૌથી મહાન છે. આજે આભાર માનવા માટે “થેંક્યું” અંગ્રેજી
ભાષાનો હોવા છતાં આપણા વ્યવહારમાં આમ થઈ ગયો છે. પણ ઇસ્લામમાં આભાર માટે પણ એક
સુંદર શબ્દ “જઝાકલ્લાહ” વપરાય છે. અર્થાત્ “તમારા આ સદ્કાર્ય માટે
અલ્લાહ તમને અચૂક બદલો આપે.”
જીવનના દરેક વ્યવહારમાં ઇસ્લામએ માનવીય અભિગમ
સાથે ખુદાને યાદ કરવાના માર્ગો ચિંધ્યા છે. જેમ કે બુખારી શરીફની એક હદીસ છે કે
જયારે તમે કોઈ ઊંચી જગ્યા પર ચઢી રહ્યા હો, ત્યારે અચૂક
“અલ્લાહુ અકબર” કહો. જેનો
અર્થ થાય છે ઈશ્વર-ખુદા મહાન છે. એ જ રીતે જયારે કોઈ ઢાળ ઉતરી રહ્યા હો, ત્યારે “સુબાહન
અલ્લાહ” કહો. અર્થાત અલ્લાહનો શુક્ર છે. આપણે ત્યારે અભિવાદન પછી “કેમ છો પૂછવાનો
વ્યવહાર છે” એક મુસ્લિમ બીજા મુસ્લિમને જયારે આ રીતે પૂછે છે ત્યારે તેના
જવાબમાં કોઈ પણ મુસ્લિમ “અલ્હમદોલિલ્લાહ” કહે છે. કોઈ મુસ્લિમને કોઈ કામમાં
સફળતા મળે કે કોઈ ખુદાઈ મદદ મળી જાય ત્યારે પણ તે “અલ્હમદોલિલ્લાહ” કહે છે.
કોઈ મુસ્લિમ કોઈ નાના મોટા, સહેલા કે કપરા કામનો ઈરાદો કરે અથવા તે કરવાનું વિચારે
ત્યારે અવશ્ય કહે છે “ઇન્શાહઅલ્લાહ”. એજ રીતે કોઈ મુસ્લિમ તમારા પર અહેસાન
કરે અથવા તમારી તારીફ કરે ત્યારે “જજાકઅલ્લાહુ ખૈર” કહેવામાં આવે છે. છીંક
આવે ત્યારે કોઈ પણ મુસ્લિમ “અલ્હમદોલિલ્લાહ” કહે છે અને છીંક સમયે પાસે
ઉભેલ મુસ્લિમ “યરહમુકલ્લાહ” કહે છે. કોઈ સારી વસ્તુ કે કાર્ય નજરે ચઢે ત્યારે
મુસ્લિમ “માશાલ્લાહ લા કુવ્વતા ઇલ્લાબિલ્લાહ”
કહે છે. ઘરમાં પ્રવેશ કરતા સમયે “બિસ્મિલ્લાહ” કહો. જયારે ઘરની બહા
નિકળતા પહેલા “બિસ્મિલ્લાહ તવક્કલતુ ઈલ્લલ્લાહ મહમ્દુર રસુલ્લ્લાહ”
કહેવાનું રાખો. કોઈના અવસાનના ખબર જયારે કોઈ મુસ્લિમ સાંભળે છે ત્યારે તે અવશ્ય કહે
છે “ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઈલૈહી રાજિઉન” અર્થાત “આપણે ખુદા પાસેથી
આવ્યા છીએ અને આપણે ખુદા પાસે જ પાછા જવાનું છે”.
ઇસ્લામી સંસ્કૃતિની તહેઝીબ અને તમીઝને વ્યકત કરતા
આ શબ્દો ઇસ્લામના સાચા ઉદ્દેશને વારંવાર વ્યકત કરતા નથી લાગતા?
હલાલા પ્રથા પર તમારું શુ મંતવ્ય છે ?
ReplyDelete