Saturday, June 16, 2018

જય શ્રી ખુદાતાલા : ડૉ.મહેબૂબ દેસાઈ


આમ તો આપણે ત્યાં એક બીજાને અભિવાદન કરવાના શબ્દો ભિન્ન ભિન્ન છે. એ અંગે થોડી વાત આપણે અગાઉ કરી છે. પણ કેટલાક અભિવાદન શબ્દો વ્યક્તિના વ્યક્તિત્વમાથી સ્ફૂરતા હોય છે. એવું જ એક સંબોધન હું જયારે મારા સહ અધ્યાપિકા બહેન, જાણીતા કવિયત્રી તથા ભગવત ગીતાના ઊંડા અભ્યાસુ એવા ડૉ.રક્ષાબહેન દવેને  ફોન કરું છું, કે તેઓ મને વોઈસ મેલ પર કોઈ વાતનો આરંભ કરે છે, ત્યારે સાંભળવા મળે છે. તેમનું એ અભિવાદન સૌથી અલગ અને નિરાલું છે. રક્ષાબહેન મારી સાથે હમેશા વાતનો આરંભ “જય શ્રી ખુદાતાલા”થી જ કરે છે, અને વાતનો અંત પણ એ જ શબ્દથી કરે છે. અભિવાદની તેમની આ પરંપરા મારી સાથે લગભગ ત્રીસ વર્ષ જૂની છે. હું ભાવનગરમાં તેમની સાથે ગાંધી મહીલા કોલેજમા સહ અધ્યાપક હતો ત્યારે પણ રોજ સવારે કોલેજમાં આગમન સમયે તેઓ “ગૂડ મોર્નીગ” કહેવાને બદલે હંમેશા મને “જય શ્રી ખુદાતાલા” કહેતા. જયારે હું તેના ઉત્તરમા તેમને “જય શ્રી કૃષ્ણ” કહેતો. જો કે તેમની આ પરંપરાનો આરંભ તેમણે મારાથી ઘણા સીનીયર એવા કોલેજના પી.ટી. અધ્યાપિકા શ્રીમતી ફતુમાબહેન મર્ચન્ટથી કર્યો હતો. મેં એકવાર તેમને તેમની અભિવાદનની આ રીતે અંગે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું,
“મહેબૂબભાઈ, જય શ્રી કૃષ્ણ એ એક સુંદર સૂત્ર છે. જય એટલે જય થાઓ. કૃષ્ણ એટલે ભગવાન. અર્થાત ભગવાનનો જય થાઓ. મારી કે તમારી ઈચ્છા કે અપેક્ષાઓનો જય નહિ, પણ ભગવાનની ઈચ્છાનો જય થાઓ. એ જ રીતે જય ખુદાતાલા એટલે ખુદાનો જય થાઓ. ખુદાને જે ગમે તેનો જય થાઓ. કારણ કે એ જ સાચો જય છે. મહેબૂબભાઈ, ખુદા અને ભગવાન બધું એક જ છે. આ બધા મુર્ખાઓ છે એટલે ઝગડે છે. આપણે મૂરખા નથી એટલે આપણે નથી ઝગડતા.”
તેમની આ વાત કહેવા માત્રનો આદર્શ નથી. જીવનમાં પણ તેમણે તે વાતને અમલમાં મૂકી છે. ભાવનગરમાં અમે બંને એક લત્તા પ્રભુદાસ તળાવમા રહેતા હતા. ૨૦૦૨મા મારા નિવાસની બારીના કાચ રાત્રે તૂટ્યા. એ સમાચાર એમને સવારે મળ્યા કે તુરત રક્ષાબહેન સવારના પહોરમાં મારા ઘરે આવી ચડ્યા. “જય શ્રી ખુદાતાલા” ના અભિવાદન સાથે મારા બેઠક ખંડમાં બેસતા તેઓ બોલ્યા,
“મહેબૂબભાઈ, તમારું જે કઈ નુકસાન થયું છે તે માટે હું ઘણી શરમ અનુભવું છું. તમારું બધું નુકસાન હું મારા ખિસ્સામાંથી તમને આપવા તૈયાર છું, તમે બધી બારીઓ મારા ખર્ચે રીપેર કરાવી લો. તો જ મને શાતા થશે.
મેં કહ્યું,
“રક્ષાબહેન, મારું આખું ઘર ઇન્સ્યોર છે. ઈન્સ્યોરન્સ કંપની મને બધું વળતર આપી દેશે. તમારી લાગણી બદલ આભાર.”
પણ રક્ષાબહેનના મનનું સમાધાન ન થયું. તેમણે મારા  ઘરની તૂટેલી બારીઓથી વ્યથિત થઈ એક કાવ્ય લખ્યું. ૭ માર્ચ ૨૦૦૪ના રોજ લખાયેલ એ કાવ્ય ૨૦૦૭મા પ્રસિદ્ધ થયેલા તેમના કાવ્યસંગ્રહ “શારદા”ના પૃષ્ઠ ૭૯ પર “અરેરે” નામથી આજે પણ હયાત છે. કાવ્યની નીચે રક્ષાબહેને નોંધમાં લખ્યું છે, “હિંદુ મુસ્લિમ તોફાનો દરમ્યાન પ્રા.મહેબૂબભાઇ દેસાઈની બારીઓ કોઈએ ફોડી તેના અનુસંધાને” એ કાવ્યની થોડી કડીઓ માણવા જેવી છે.
“અરે આખો આ ઉલેચાઇ ગયો દરિયો !
 હવે અહીં  ખાડો રે ખાડી !
             અરે રે ખાડો કે ખાડી !
માછલીઓ ગુલતાન હતી કે કેવાં અફાટ પાણી !
ઇતઉત જ્યાં પણ ધૂમો, પાણી ની કમી નથી ક્યાંય જાણી !
ઉઠી અચાનક તરસ, તરસી પીડ ભરેલી રાડો !
              અરે રે રાડો રે રાડો !
ઘાસ-ફૂસ તરણા-પરોણાનો કીધો’તો એક માળો,
પંખી પેઢીઓ ઉછરતા’તા, પંથક ટહુકાવાળો,
અરે ! અચાનક ઉખાડ્યો મૂળથી આંબો પડી ગ્યો આડો.
               અરેરે ! આડો રે આડો”
આજ રક્ષાબહેને આ ઈદ પર મને “ઈદ મુબારક” અર્થે નીચે મુજબનું એક કાવ્ય વોટ્શોપ પર મોકલી સાથે વોઈસ મેલમા કહ્યું,
“આ કોનું કાવ્ય છે એ મને ખબર નથી. પણ મને આ કાવ્ય ગમ્યું છે. તમને પણ જરૂર ગમશે. એટલે આ કાવ્ય સાથે મારા “ઈદ મુબારક” સ્વીકારશો.

ચાલને આજ 'અષાઢીઈદ' અને 'રમઝાનબીજ' ઉજવી લઇએ
તુ જગન્નાથના લાડુ ખાજે નેહું રમઝાનની ખીર
તુ પહેરજે ભગવો મારો નેહું પહેરીશ લીલા ચીર
                                          ચાલને આજ...... 
હું પઢુ કુરાન-એ-શરીફ તારી, તુ પઢને મારી ગીતા
થશે જ્યારે આ યોગ ત્યારે ધેર-ધેર રામ ને સીતા
                                            ચાલને આજ...... 
વેરઝેરની વાતો મેલી,ચાલ ભાઇ-બંધી કરી લઇએ
રામલ્લાહને પ્યારો એવો મીઠો ઇફ્તાર કરી લઇએ
                                             ચાલને આજ...... 
હું હિન્દુ ને તુ મુસ્લીમ,આ નકામી જંજાળ તુ છોડ
દેશ અને દુનિયા જોશે, 'જુગલ'જોડી બેજોડ
                                             ચાલને આજ.....”

મને લાગે છે આજે આવા અનેક રક્ષાબહેનોની આપણા સમાજને તાતી જરૂર છે. ખુદા એ મુરાદ પૂર્ણ કરે એવી દુવા : આમીન. 

No comments:

Post a Comment