મસુદી અલ : ઇસ્લામી ઇતિહાસના હીરોડોટ્સ
ડો.મહેબૂબ દેસાઈ
નવમી સદીમાં બગદાદ (ઈરાન)માં જન્મેલ અબુ અલ હુસૈન અલી ઈબ્ન હુસૈન અલ મસુદીને ઇસ્લામી ઇતિહાસના પિતા - હીરોડોટ્સ કહેવામાં આવે છે. ઇસ્લામી ઇતિહાસના તેઓ પ્રથમ ઇતિહાસકાર હતા,જેમણે ઈતિહાસ અને ભૂગોળનો વૈજ્ઞાનિક અભિગમ સાથે અભ્યાસ કર્યો અને તેનું લેખન કર્યું. તેમનો બહુ જાણીતો ગ્રન્થ
"મરુજ અલ વહાબ વ મદીન અલ જવાહર" ( સુવર્ણ અને હીરાની દાસ્તાન) છે. આ ગ્રન્થ ૩૦ ભાગોમાં લખાયલો છે. તેમનો અન્ય એક ગ્રન્થ "અલ અશરફ" પણ
ઈતિહાસ લેખનની તેમની શૈલીની ઓળખ કરાવે છે.
બાળપણથી જ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા અને અદભૂત યાદ શક્તિ ધરાવનાર અલ મસુદી પુસ્તકોના વાંચન કરતા જાત તપાસના વધુ આગ્રહી હતા.જાત તપાસ દ્વારા મેળવેલ માહિતીના આધરે જ તેઓ લેખન કરતા. તેમના રસના વિષયો વિજ્ઞાન અને ધર્મ હતા.જાત તપાસના આધારે તેઓ લખતા હોઈ તેમણે અનેક દેશોની મુલાકાત લીધી હતી.સીરિયા, આફ્રિકા,ઝાંઝીબાર, મડાગાસ્કર, શ્રીલંકા, ઈરાન,ઓમાન જેવા અનેક દેશોની મુલાકાત લઈ, તેની સંસ્કૃતિ,સભ્યતા અને ધર્મનો ઊંડો અભ્યાસ કર્યા પછી તેના વિષે લખ્યું હતું.પોતાના જીવનકાળ દરમિયાન તેમણે ૨૦ ગ્રંથો લખ્યા હતા.પણ તેમના મોટા ભાગના ગ્રંથો આજે ઉપલબ્ધ નથી.
મસુદીએ ઇસ્લામના પયગમ્બર,તેના ખલીફાઓ અને તેની પેટા જાતિઓનો ઊંડો અભ્યાસ કર્યો હતો.તેમનો એક ગ્રન્થ "અખબાર અઝ ઝમાન" અર્થાત "સમયનો
ઈતિહાસ" એ દ્રષ્ટિએ મહત્વનો છે. ત્રીસ ભાગમાં ફેલાયલો આ ગ્રન્થ વિશ્વ ઈતિહાસને આલેખતા વિશ્વકોષ જેવો સમૃદ્ધ છે. જેમાં વિશ્વનો રાજકીય અને માનવ ઈતિહાસ આધારભૂત રીતે આલેખ્યો છે.આ ગ્રંથની મૂળ પરત વિયેનામાં હોવાનું મનાય છે. આ ગ્રંથની વિશાળતા તેના અભ્યાસુઓ માટે કપરી હોઈને ,તેની લઘુ આવૃત્તિ પણ મસુદીએ તૈયાર કરી હતી. આ ગ્રંથને કારણે જ અલ મસુદીની ઇતિહાસકાર તરીકેની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ હતી.
તેમનો અન્ય એક ગ્રન્થ "કિતાબ-અલ-અવાસ્ત" (મધ્યકાલીન ઇતિહાસનો ગ્રન્થ) પણ ઇતિહાસનો અદભૂત ગ્રંથ છે.જેમાં તવારીખ પ્રમાણે ઇતિહાસનું આલેખન કરવામાં આવ્યું છે. અલ મસુદીનો ઈતિહાસ લેખન પ્રત્યેનો અભિગમ મૌલિક હતો.તેમના ઈતિહાસ આલેખનમાં સામાજિક,આર્થિક,ધાર્મિક અને સાંસ્કૃતિક પાસાઓ
કેન્દ્રમાં હતા. સ્થાનિક વેપારીઓ,લેખકો,શિક્ષકો અને આમ પ્રજા સાથેના સંવાદો દ્વારા મેળવેલ માહિતીનો તેમણે ઈતિહાસ લેખનમાં બહોળો ઉપયોગ કર્યો હતો.
તેમના લેખનમાં ઇસ્લામ ઉપરાંત હિંદુ અને જર્થોસ્ત ધર્મનો પણ સમાવેશ થાય છે.
અલ મસુદી જીવનભર ફરતો રહ્યો હતો. ઈ .સ. ૯૪૫મા દમીસ્કમાં ગયો.અને જીવનના અંતિમ દિવસો ત્યાજ રહ્યો. ઈ.સ.૯૫૭મા તેનું અવસાન થયું. તેનો અંતિમ ગ્રન્થ "કિતાબ અત તનવીર વા અલ ઈશરફ " (નોંધણી અને ચકાસણી) હતો.
No comments:
Post a Comment