ઇસ્લામી ઇતિહાસના પિતા : હિશાબ ઈબ્ન અલ ક્લબી
ડો. મહેબૂબ દેસાઈ
પૂર્વ ઇસ્લામી ઈતિહાસ લેખનના પાયાના પથ્થર સમા હિશાબ ઈબ્ન અલ ક્લબીનો જન્મ ઈ.સ. ૭૪૭મા ઈરાકમાં થયો હતો. તેઓ અબુ અલ મુનવીર નામે પણ જાણીતા છે. તેમને ઇસ્લામી ઈતિહાસ લેખનના પિતા પણ કહેવામાં આવે છે. તેમના પિતા પણ મોટા વિદ્વાન હતા.બગદાદમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર હિશાબે પોતાના જીવનકાળ દરમિયાન કુલ ૧૯ ગ્રંથો લખ્યા હતા. પરંતુ આજે માત્ર તેમના ત્રણ ગ્રંથો જ ઉપલબ્ધ છે.
ઇસ્લામી ઈતિહાસ લેખનનો આરંભ કરનાર હિશાબીની ઈતિહાસ લેખન શૈલી અત્યંત રસપ્રદ હતી.ઘટનાઓનું આલેખન તેઓ બખૂબી કરતા. ઈતિહાસ લેખનમાં તેઓ તથ્ય અને સાક્ષીઓને પ્રાધાન્ય આપતા. આરંભમાં તેમણે આરબો અને તેમના ધર્મના ઇતિહાસનું આલેખન કર્યું હતું. તેમણે લખેલ ગ્રન્થ " અલ ખ્યાલ "માં તેમની ઈતિહાસ લેખનની શૈલી વ્યક્ત થાય છે. "અલ ખ્યાલ" અર્થાત વ્યવહારુ જ્ઞાન. આ ગ્રંથમાં તેમણે ઇસ્લામ પૂર્વેના વિચારો અને ગીતોનો પરિચય આપ્યો છે.તેમનો બીજો ગ્રંથ " જ્મ્હારાત અલ નસબ " ખુબ વખણાયો હતો. " જ્મ્હારાત અલ નસબ " અર્થાત "પેઢીનામું". આ ગ્રંથમાં તેમણે ઇસ્લામ પૂર્વેના અરબસ્તાનના સામાજિક, ધાર્મિક, સાહિત્યક અને રાજકીય ઇતિહાસની રસપ્રદ વિગતો આલેખી છે.ઇસ્લામના આગમન પૂર્વેના અરબસ્તાનને પામવા માટે આ
ગ્રન્થ આજેપણ આધારભૂત ગણાય છે.
તેમનું અન્ય એક પુસ્તક છે " કિતાબ- અલ -અસ્નામ ", અર્થાત "વિચારોનો સંગ્રહ ". આ ગ્રંથમાં તેમણે સૌ પ્રથમવાર ખુદની પરિકલ્પના કરી હતી. કુરાન-એં-શરીફના અવતરણ પહેલા ખુદાની કલ્પના કરનાર હિશાબનું આ પુસ્તક એં દ્રષ્ટિએ ક્રાંતિકારી હતું. ઇસ્લામ પૂર્વેના આરબ સમાજમાં ખુદાની કલ્પનાને સાકાર કરતું આ પુસ્તક આજે પણ ઇસ્લામી ઇતિહાસના અભ્યાસુઓ માટે માર્ગદર્શક બની રહ્યું છે.ઇસ્લામી સાહિત્યના અભ્યાસુઓ તેને "ઇસ્લામી કાવ્ય " તરીકે બિરદાવે છે.
હિશાબ બિન અલ ક્લબીનું અવસાન ઈ.સ. ૮૧૯ અથવા ૮૨૧મા કુફામાં થયાનું માનવામાં આવે છે.ઇસ્લામી ઈતિહાસ લેખનનો પાયો નાખનાર હિશાબ ક્લબી આજે પણ ઇસ્લામી ઇતિહાસના પિતા તરીકે જીવંત છે.
No comments:
Post a Comment