ઇતિહાસકાર ઈબ્ન ઇશાક : મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખનાર
ડો. મહેબૂબ દેસાઈ
ઇસ્લામના ઇતિહાસમાં ઈબ્ન ઇશાકનું નામ ઘાટા અક્ષરોમાં લખાયેલ છે. મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખવાનો યશ ઈબ્ન ઈશાકને જાય છે.ઈબ્ન ઇશાકનું મૂળ નામ તો ઘણું લાંબુ છે. મુહંમદ ઈબ્ન ઇશાક ઈબ્ન યાસીર ઈબ્ન ખિયાર. પણ ઇસ્લામી ઇતિહાસમાં તેઓ ઈબ્ન ઇશાક તરીકે જાણીતા છે.ઈ.સ. ૭૦૪મા મદીનામાં જન્મેલ ઈબ્ન ઇશાકના પિતા આરબોના કેદી હતા. ઇસ્લામનો અંગીકાર કરતા તેમને મુક્ત કરવામાં આવ્યા.એ પછી તેઓ મદીનામાં આવી વસ્યા. નાનપણથી જ ઇશાક મુહંમદ સાહેબના નામ અને કામથી પ્રભાવિત હતા. પરિણામે નાનપણથી પિતા અને કાકા સાથે તેઓ મુહંમદ સાહેબની વિગતો એકત્રિત કરવા લાગ્યા હતા. તેમનો એ શોખ ગાંડપણની હદ સુધી વિસ્તર્યો. દિનપ્રતિદિન ઇશાક તેમાં ઊંડા ઉતરતા ગયા. અને એક દિવસ એવો આવ્યો કે તેઓ મુહંમદ સાહેબની આધારભૂત વિગતો માટેનું સ્રોત બની ગયા.
ઈબ્ન ઇશાકે અભ્યાસનો આરંભ અલેક્ઝાન્દીયમાં કર્યો હતો. ત્યાંથી તેમનું કુટુંબ ઈરાક આવી વસ્યું.ઈરાકના જઝીરહ અને હિરણ પ્રદેશમાં થોડો સમય તેઓ રહ્યા.અને પછી બગદાદમાં આવી વસ્યા. બગદાદમાં વસવાટ દરમિયાન જ ઇશાકે મુહંમદ સાહેબ અંગે જાણવાની શરૂવાત કરી હતી.એ પછી મદીના આવી મુહંમદ સાહેબ અંગે બાકાયદા સંશોધન આરંભ્યું. સંશોધને અંતે તેમણે મુહંમદ સાહેબનું સૌ પ્રથમ જીવનચરિત્ર લખ્યું. ઇન્બ ઇશાકે લખેલા મુહંમદ સાહેબના એ જીવનચરિત્રને ૬૦ વર્ષ પછી પુનઃ સંશોધિત કરી ઈબ્ન હિશામે પુનઃ પ્રકાશિત કર્યું. એજ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ એ. ગુલ્લ્યુંમે ૧૯૫૫મા "ધી લાઇફ ઓફ મુહંમદ" નામે કર્યો હતો.
ઈબ્ન ઇશાકે લખેલ મુહંમદ સાહેબના જીવનચરિત્રની ઘણાં ઇસ્લામી વિદ્વાનોએ ટીકા કરી છે. જેમાં મલિક ઈબ્ન અનસ મોખરે છે. ઈબ્ન હન્બલ નામક ઇસ્લામી ઇતિહાસકાર પોતાનો પ્રતિભાવ આપતા લખે છે,
"ઈબ્ન ઇશાક મુહંમદ સાહેબના જીવનચરિત્રના આધારભૂત લેખક છે. પણ મુહંમદ સાહેબના જીવનના પૂર્ણ અભ્યાસુ નથી"
એ સત્યનો સ્વીકાર કરીએ તો પણ ઈ .સ. ૭૬૭માં બગદાદમાં અવસાન પામેલ ઈબ્ન ઇશાકનું નામ મુહંમદ સાહેબનું પ્રથમ જીવનચરિત્ર લખનાર લેખક તરીકે ઇસ્લામિક ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાયેલું રહેશે.
No comments:
Post a Comment