Thursday, February 11, 2021

સૂફી સંત ચિરાગ દેહલવી : ડૉ. મહેબૂબ દેસાઈ

નસીરુદ્દીન મહમૂદ ચિરાગ દહેલવી અર્થાત ચિરાગ  દિલ્લી (૧૨૭૪-૧૩૬૫)૧૪ શતાબ્દીના રહસ્યવાદી કવિ અને ચિશ્તીયા પરંપરાના સૂફી સંત હતા. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં ઈ.સ. ૧૨૭૪માં થયો હતોદહલવીના પિતા સૈયદ મહમૂદ યાહયા અલહસ્ની પશ્મીનાનો વેપાર કરતા હતાતેમના દાદા યાહયા અબ્દુલા લતીફ અલહસ્ની પૂર્વ ઈરાનના ખારોસનથી લાહોર આવ્યા હતા. અને એ પછી અવધમાં આવી વસ્યા હતા. નવ વર્ષની વયે તેમના પિતાનું અવસાન થયું. અને તેમણે અબ્દુલ કરીમ શેરવાની પાસેથી પ્રારંભિક શિક્ષા મેળવી. એ પછી તેમણે ઇફ્તિખાર ઉદ દિન ગીલા સાહેબ પાસેથી પણ શિક્ષણ મેળવ્યું. ૪૦ વર્ષની વયે તેઓ અયોધ્યાથી દિલ્હી આવીને વસ્યા. અને નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય બન્યા. અને જીવનભર નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય બની રહ્યા.

તેમના જીવનના અનેક કિસ્સા જાણીતા છે. પ્રારંભમાં સુલતાન મુહમ્મદ તુગલક ( દિલ્હી સુલતાન ૧૩૨૫ થી ૧૩૫૧) કેટલાક લોકોની કાન ભંભેરણીને કારણે તેમનો વિરોધી હતો. એનકેન પ્રકારે હઝરતને પરેશાન કરવા તે પ્રયાસ કરતો. એક વાર હઝરત ચિરાગ દહેલવીનું અપમાન કરવા અને તેમને સાજ કરવાના ઈરાદાથી સુલતાન મુહમ્મદ તુગલાકે હઝરતને શી ભોજન માટે દાવત આપી. દોસ્ત કે દુશ્મન જયારે પણ પ્રેમથી નિમંત્રણ આપે ત્યારે ઇસ્લામી શરીયત મુજબ જવું જોઈએ. હઝરત પણ શાહી ભોજનનું નિમંત્રણ સ્વીકારી મહેલમાં પહોંચ્યા. સુલતાને ભોજન ચાંદી અને સોનાના વાસણો પીરસ્યું. સુલતાન જાણતો હતો કે હઝરત આવા વાસણોમાં ભોજન કરવાનો ઇનકાર કરી દેશે. પરિણામે શાહી ભોજન નો ઇનકાર કરવાના ગુના સબબ હઝરતને કેદની સજા કરી જેલમાં નાખી દઈશ.

હઝરત ચિરાગ દહેલવી સુલતાનની મંશા પામી ગયા. તેમને સોના ચાંદીના વાસણોમાં પીરસેલું ભોજન સોના ચાંદીની થાળીમાં લેવાને બદલે પોતાના ડાબા હાથની હથેળી પર મુક્યું અને જમણા હાથથી અલ્પ ભોજન લઇ આરોગ્યું . આમ સુલતાનની હઝરતનું અપમાન કરી જેલમાં નાખવાની મુરાદ પૂરી ન થઇ. પણ તેમના આ કૃત્યથી સુલતાન પ્રભાવિત થયા. અને તેમણે હઝરતને સોનાની અશરફીઓ અને મલમલના તાકા ભેટ આપ્યા. પણ હઝરત એ ભેટો તરફ નજર પણ કર્યા વગર, સુલતાનને સલામ કરી શાહી દરબાર છોડી ચાલતા થયા. સુલતાન હઝરત ચિરાગ દહેલવીની ખુદ્દારી અને સંત પરાયણતા એક નજરે તાકી રહ્યા.

 

તેમના ઉપદેશોમાં મુલ્યોનું જતન અને જીવનના રહસ્યો અભિવ્યક્ત થતા હતા. તેઓ કહેતા,

“મનુષ્યના પ્રત્યેક અંગમાં શહવત (વાસના) અને લાલચ છુપાયેલા છે. જ્યાં સુધી મનુષ્ય પોતાના અંગોને આ વાસનાઓ અને લાલચોથી મુક્ત નહિ કરે, ત્યાં સુધી એ કોઈ પણ મંઝીલ પર પહોંચી નહિ શકે.”

 

આપ એક ઉપદેશમાં જણાવે છે,

“તૌબા (પ્રાયશ્ચિત) છ પ્રકારની હોય છે

૧. તૌબા એ જબાન ૨. તૌબા એ ચશ્મ ૩. તૌબા એ ગોશ ૪. તૌબા એ દસ્ત ૫. તૌબા એ પા ૬. તૌબા એ નફસ

જેણે આ છએ પર કાબુ મેળવ્યો એ ખુદાનો પ્યારો બંદો બની ગયા.”

તેઓ કહે છે,

“કુરાન શરીફના વાંચનથી બે લાભો થયા છે

૧. આંખની દ્રષ્ટિ ક્યારેય ઓછી થતી નથી

૨. કુરાન શરીફનું અધ્યન આંખની બીમારીઓથી દૂર રાખે છે.”

 

તેમના ઉલ્લેખનીય શિષ્યોમાંના એક હતા બંદે નવાઝ, જે તૈયમુરના આક્રમણને કારણે ઈ.સ. ૧૪૦૦માં  દોલતાબાદમાં જઈ વસ્યા હતા. અને ત્યાંથી બહામની શાસક ફિરોઝ શાહ બહામનીના નિમંત્રણથી કર્નાટકના ગુલબર્ગમાં જઈને વસ્યા હતા. ત્યાજ તેમણે પોતાના જીવનના અંતિમ ૨૨ વર્ષો કાઢ્યા અને ચિશ્તીયા સિલસિલાનો પ્રચાર કર્યો. ઈ.સ.૧૪૨૨માં તેમનું અવસાન થયું. ખ્વાજા બંદે નવાઝની દરગાહ આજે પણ ગુલબર્ગ શહેમાં મૌજુદ છે અને હુંદુ મુસ્લિમ બન્ને સમાજમાં તેમની શ્રધ્ધા પ્રવર્તે છે.

 

હઝરત તેમના આધ્યાત્મિક ગુરુ નિઝામુદ્દીન ઓલિયાના સૂફી વિચારોથી થોડા વિપરીત હતા. સમા અર્થાત સૂફી પરંપરામાં દરગાહ પર કવ્વાલી ગાવાની પ્રથાને તેઓ માનતા ન્ હતા. આજે પણ તેમની દરગાહ પર કવ્વાલી થતી નથી. તેમનું અવસાન ૮૨ વર્ષની વયે ૧૭ રમઝાન હિજરી ૭૫૭ અર્થાત ઈ.સ. ૧૩૫૬માં થયું. અને તેમેણ દક્ષિણ દિલ્હીમાં દફનાવવામાં આવ્યા. તેમના અવસાન પછી તેમનો મકબરો ઈ.સ. ૧૩૫૮માં દિલ્હીના સુલતાન ફિરોઝ શાહ તુગલક (૧૩૫૧-૧૩૮૮)દ્વારા બાંધવામાં આવ્યો હતો.હઝરત ચિરાગ દેહલવીને “રોશન ચિરાગ એ દિલ્હી” નો ખિતાબ આપવામાં આવ્યો હતો. જેનો અર્થ થયા છે દિલ્હીની પ્રબ્ધ્ધ રોશની”. આજે દક્ષિણ દિલ્હીનો આ વિસ્તારમાં “ચિરાગ દિલ્હી” નામે જાણીતો છે. 

No comments:

Post a Comment