Thursday, December 24, 2020

અલગારી સૂફી સંતો અને મારી લેખન તસ્બી : ડૉ. મહેબૂબ દેસાઈ

 હમણાં બે સુંદર પુસ્તકો વાંચવામાં આવ્યા. પ્રથમ “અલગારી સૂફી સંતો” અને બીજું “મારી લેખન તસ્બી” આજે એ બે પુસ્તકોની વાત કરવી છે. સૂફી વિચાર અને સંતો અંગે આજકાલ લોકોનો રસ વિસ્તરતો જાય છે. પરિણામે સૂફી સંતો, વિચારો અને સિલસિલા અંગે અવારનવાર રાહે રોશનના વાચકો પુછપરછ કરતા રહે છે. શ્રી ભૂપતરાય ઠાકર લિખિત “અલગારી સૂફી સંતો” (પ્રવીણ પ્રકાશન, રાજકોટ)નામક નાનકડું પુસ્તક જિજ્ઞાસુઓની અનિવાર્યતાને સંતોષે છે. આ અગાઉ પણ ભૂપતરાય ઠાકરના બે આધ્યાત્મિક પુસ્તકો “અગિયાર ગંગા સતી અને પાંચ મીરા” તથા “ભવવહી” પ્રસિદ્ધ થયા છે. તેમનું તાજું પુસ્તક “અલગારી સૂફી સંતો” એ જ ભાવ સાથે લખાયેલું છે. પુસ્તકના આરંભમાં અર્પણના પૃષ્ઠમાં તેઓ લખે છે,

“સૂફીવાદના દરવાજે કોઈ મુસ્લિમ નથી, કોઈ નથી ખ્રિસ્તી, નથી કોઈ સદગુણી કે નથી પાપી. હોય છે અલગારી સૂફી સંતો.”

“રાહે રોશન” ની સૂફી લેખમાળાથી તેઓ ખાસ્સા પ્રભાવિત થયા છે. તે તેમના અર્પણ અને આભારના સૌજન્યથી ભાસે છે. ૯૬ પૃષ્ઠોમાં પથરાયેલ આ નાનકડા પુસ્તકમાં ૨૪ સૂફી સંતોના ટૂંકા જીવન વૃતાંત આપવામાં આવ્યા છે. જેમાં જલાલુદ્દીન રૂમી, મન્સૂર, ખ્વાજા ગરીબ નવાઝ, મોયુદ્દીન ચિસ્તી, રાબિયા, બાબા ફરીદ ,શેખ સાદિક, અમીર ખુશરો, ઉમર ખૈયામ, કબીર, લલ્લેશ્વરી  જેવા નામી સંતોનો સમાવેશ થાય છે. સૂફી સંતોના જીવન કવનને અત્રે સરળ શૈલીમાં મુકવામાં આવેલ છે. સાથે સૂફી સંતોની કેટલીક રચનાઓ પણ પુસ્તકના આરંભ અને અંતમાં આપવામાં આવી છે. અલબત્ત સૂફી સંતોના જીવન પ્રસંગો જાણીતા છે, છતાં સરળ ભાષામાં આલેખ્યા હોય વાંચવા ગમે છે. સૂફી સંત ઉમર ખૈયામના જીવન પ્રસંગોને અંતે તેની એક તત્વબોધ સમી રૂબાઈને ગુજરાતીમાં રજુ કરતા લેખક લખે છે,

 

“તારી જૂલ્ફોથી કરી મેં જો ઘડીભર છેડછાડ

 ભૂલથી પણ માનજે ના એને દાનતનો બગાડ

 ગૂમ થયેલું મારુ દિલ એમાં નજર આવ્યું મને

 એટલે વાત્સલ્ય ઉભરાયું અને કીધો મેં લાડ”

 

“દિલના જખ્મોને જગત આગળ કદી ખોલું નહિ

 પ્રેમના એ રત્ન મોંઘા પથ્થરે તેને તોલું નહિ

 એમ લાગે તુજ વિના પણ અન્ય સાંભળનાર છે

 તો મરી જાઉં પરંતુ એક શબ્દ પણ બોલું નહિ.”

 

 

અત્રે એક બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે સૂફી  વિચારકો અને સૂફી સંતોમાં ભેદ છે. વિચારકોએ સૂફી વિચારના પ્રચાર પ્રસારમાં યોગદાન આપ્યું છે. જયારે સંતોએ સૂફી  વિચારોને આચરણમાં મૂકી તેનો પ્રચાર પ્રસાર કર્યો છે. ઈતિહાસ ગવાહ છે કે સૂફી સંતોના પવિત્ર જીવન કવને જ સમાજના આચરણમાં પરિવર્તન કર્યું છે. પુસ્તક એકવાર વાંચવા જેવું ખરું.  

અન્ય એક પુસ્તક શ્રી ઈબ્રાહીમ ત્રવાડીનું “મારી લેખન તસ્બી” (પ્રવીણ પ્રકાશન, રાજકોટ) પણ આધ્યાત્મિક વિચારોનો સુંદર સંગ્રહ છે. ઉર્દુ કે એરેબીક ભાષામાં માળાને તસ્બી કહે છે. ૧૧૨ પૃષ્ઠોના આ પુસ્તકની વિશેષતા એ છે કે રમઝાન માસમાં લેખકે પોતાના ફેસબુક પેઈજ પર મુકેલ ઇસ્લામિક અને આધ્યાત્મિક ૩૩ વિચારોનો તે સંગ્રહ છે. એ વિચારો પર વિશ્લેષણ કરનાર લેખકના મિત્રો અતુલ રાવ, અશોકભાઈ જોશી, શબાના માંકડ, મુસ્લિમ ત્રવાડી અને અતુલ પટેલનું વિશ્લેષણ અને ટીપ્પણી પણ પુસ્તકમાં સામેલ કરવામાં આવ્યા છે. ઇલેક્ટ્રોનિક સંચાર માધ્યમના હકારાત્મક અને ઉદેશ લક્ષી ઉપયોગનું આ આદર્શ દ્રષ્ટાંત છે.

આ અંગે લેખક તેમની પ્રસ્તાવનામા લખે છે,

“મેં નક્કી કર્યું કે રમઝાન મહિનાના ત્રીસેય દિવસ દરમિયાન હરરોજ એક લેખ- મણકો લખવો અને બીજા ક્રમાંકના મણકાનું નામ “તસ્બી “ રાખેલ. ત્રીસ મણકા પુરા થયા પછી લાગ્યું કે ઇસ્લામિક તસ્બીના ૩૩ મણકા હોય છે, તેમજ હિંદુ પૌરાણિક ગ્રંથો પ્રમાણે ૩૩ કરોડ દેવ દૈવીઓ છે, એટલે ૩૩ લેખ-મણકા લખવા ઠીક રહેશે.”

આમ એ ૩૩ મણકાઓનો સંગ્રહ “મારી લેખન તસ્બી” નું સર્જન થયું. લેખકની કલમમાં સાદગી અને સરળતા ભાસે છે. મણકાઓની પસંદગી પણ આધ્યત્મિક ભાવોને સંતુષ્ઠ કરે છે. હઝરત મહંમદ પયગંબરની જીવનચર્યા પદ્ય શૈલીમાં મણકા ૮માં ટૂંકમાં સરળ ભાષામાં આપવામાં આવી છે. જેનું થોડું આચમન કરીએ.

 

“થયો જન્મે એક પયગંબરનો નામ તેનું મોહંમદ

 ગુમાવી દીધો સાયો વાલિદાનો બચપણમાં

 થયો ઉછેર રણમાં, અજ્ઞાનતા અને વહેમોથી ભરેલા મુલ્કમાં

 જન્મદાતા માતા અમીના, દૂધ માતા હલીમા.

 કર્યું પાલનપોષણ કાકા અબુતાલિબ અને પાલક માતાએ,

 કામકાજે, ધંધાર્થે ફરતા તેઓ દેશ પરદેશ.

 કરતા વસવાટ સામાન્યજનો વચાળે

 કર્યો સંચય અનુભવો અને ડહાપણનો.

 ઓળખાયા “અમીન” (ભરોસાપાત્ર) તરીકે

 રાખતા સદા સહાનુભૂતિ ગરીબો, અનાથો અને વિધવાઓ પ્રતિ

 દૂર વહેમોને કરવા સદા સંઘર્ષ કરતા.”

હઝરત મહંમદ સાહેબનું આવું સુંદર જીવન વૃતાંત આલેખનાર  ઈબ્રાહીમભાઈ મણકા ૨૩માં લખે છે,

“જો તમે શ્રીમંત હો તો તમારી દોલત કે મિલકત તમારી મર્યાદા મુજબ સખાવત, ખેરાત કે સદકાર્યોમાં વાપરો. અલ્લાહએ- ઈશ્વરે તમોને આ સંપત્તિ આપી છે, તેથી તમારે આ સંપત્તિ અલ્લાહે  ઈશ્વરે દર્શાવેલા માર્ગદર્શન પ્રમાણે ખર્ચવી જોઈએ. જો આ સંપતિ યોગ્ય માર્ગે નહિ વપરાય તો નીચે મુજબની બુરાઈઓ અને મુશકેલીઓનો સામનો કરવો પડે :

·        સંપત્તિ ધરાવનાર કંજૂસ બની જાય.

·        તે કદાચ ગરીબો અને જરૂરતમંદોની જરૂરત અને મુશકેલીઓને ભૂલી જાય

·        તે કદાચ પોતાની સંપત્તિ નકામા અને બિનજરૂરી પ્રસંગો પર વાપરી નાખે અને પરિણામે પોતાના કુટુંબને કે દેશને પણ નુકશાન પહોચાડે.

આવા સુંદર અને મૂલ્યનિષ્ઠ વિચારોનો સંગ્રહ “મારી લેખન તસ્બી” એકવાર વાંચવા જેવો ખરો.

  

 

 

 

 

No comments:

Post a Comment