Wednesday, March 25, 2020

“વહદત ઉલ વજૂદ” : “સર્વ શક્તિમાન ખુદા ઈશ્વર” : ડૉ. મહેબૂબ દેસાઈ



સૂફી પરંપરા પર પીએચ.ડી.કરતા એક વિદ્યાર્થીએ વોટ્સઅપ પર મને પૂછ્યું “વહદત ઉલ વજૂદ” એટલે
શું ? મેં તેને ટૂંકો ઉત્તર આપતા લખ્યું,
“સર્વ શક્તિમાન ખુદા ઈશ્વર”
પણ આ તો તેનો શાબ્દિક અર્થ થયો. તેનો આધ્યાત્મિક અર્થ તો વિશાળ છે. ગહન છે. દરેક ધર્મના માનવીએ જાણવા જેવો છે. ઈશ્વર ખુદા માટે સૂફી પરંપરામાં વપરાતો આ શબ્દ એકેશ્વરવાદનો પર્યાય છે. ખુદા કે ઈશ્વર સર્વ વ્યાપી છે. સર્વ શક્તિમાન છે. “કણ કણ મેં  ભગવાન” ઉક્તિને તે સાકાર કરે છે.
“વહદત ઉલ વજૂદ” શબ્દ મૂળભૂત રીતે ફારસી ભાષાનો છે. “વહદ્ત” શબ્દનો અર્થ થાય છે એક હોવું, એકત્વ, એકતા, અદ્વેતભાવ, ઈશ્વર એક હોવાનું માનવું. ટુકમાં એકેશ્વરવાદ. એવો જ એક બીજો શબ્દ પણ જાણીતો છે. વજૂદ અર્થાત અસ્તિત્વ. એક ખુદા(ઈશ્વર)નું જ અસ્તિત્વ છે. “વાજિબુલ વજૂદ” અર્થાત જેનું અસ્તિત્વ બીજા ઉપર આધારિત નથી. પોતાની શક્તિથી જ અસ્તિત્વમાં આવેલ. અર્થાત કાયનાત, દુનિયાનો સર્જક ખુદા કે ઈશ્વર.   
કુરાને શરીફમાં એવી અનેક આયાતો ખુદાની સર્જનાત્મકતા અને તેના સર્વ વ્યાપી અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. આ આયાતોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ખુદા સર્વવ્યાપી છે. અલબત માનવી તેને જોઈ સકતો નથી. પણ તેના અસ્તિત્વનો અહેસાસ કરી સકે છે. સમગ્ર બ્રહ્માંડ પર ખુદાની નજર છે. ખુદા કે ઈશ્વર તેના દરેક બંદા કે ભક્તની ફરિયાદ સાંભળે છે. તેના દરેક કાર્યોથી વાકેફ છે.
જો કે આ વિચાર માત્ર કુરાને શરીફમાં જ નથી. વિશ્વના દરેક ધર્મના કેન્દ્રમાં છે. દરેક ધર્મ ગ્રંથમાં મૌજુદ છે. કુરાન, બાઈબલ અને વેદોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જેમ કે
કુરાને શરીફની અનેક આયાતો ખુદા સર્વ વ્યાપી હોવાની સાક્ષી પૂરે છે.  
“સર્વ સ્તુતિ ઈશ્વર-ખુદા માટે છે. તે આકાશ અને પૃથ્વીનો નિર્માતા છે. તે દેવદૂતોને પોતાના
સંદેશવાહક બનાવે છે. બબ્બે ત્રણ ત્રણ અને ચાર-ચાર પાંખવાળા દેવદૂત ! સૃષ્ટિમાં ઈચ્છે તેને
અધિક આપે છે. તે બધું કરવાને સમર્થ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.”
“શું અમે ભૂમિને તમારી શૈયા નથી બનાવી ? અને પર્વતોને મેખ ? અને અમે તમને જોડી જોડી
બનાવ્યા. અને અમે તમારી નિંદ્રાને વિશ્રામનું સાધન બનાવી. અને રાત્રીને તમારો પરદો બનાવી.
અને આજીવિકા માટે દિવસ બનાવ્યો.”
“મનુષ્ય એટલું જાણતો નથી કે અમે તેને પાણીના એક બિંદુમાંથી નિર્માણ કર્યો છે ? તેમ છતાં તે ખુલ્લમ
ખુલ્લા ઝગડાખોર બન્યો છે.”
“અને અમારી સાથે તે અન્ય વસ્તુની સરખામણી કરે છે. અને પોતાની ઉત્પતિ ભૂલી ગયો છે. કોણ
જીવતા કરશે એ શરીરને જે સડી ગયા છે.”
“અને જેણે આકાશ અને પૃથ્વીનું નિર્માણ કર્યું, જે સર્વસૃષ્ટા છે. સર્વજ્ઞ છે.”
“જયારે એ કોઈ વસ્તુનો સંકલ્પ કરે છે, ત્યારે કહે છે “થઇ જા” અને તે થઇ જાય છે.”
“આકાશ અને પૃથ્વીનું રાજ્ય અલ્લાહનું છે. એ ચાહે તે નિર્માણ કરે છે. ચાહે તેને પુત્ર આપે છે, ચાહે
તેને પુત્રી આપે છે. અથવા તો બન્ને આપે છે. અને ચાહે તેને નિઃસંતાન રાખે છે. નિઃસંદેહ એ જ્ઞાતા છે,
સમર્થ છે.”
કુરાને શરીફની એક આયાતમાં કહ્યું છે,
“જે માનવી પોતાના હદયમાં ખુદાને સ્થાન નથી આપતો, તેના હદયનો કબજો શૈતાન લઇ લે છે.”
અને એટલે જ રહસ્યવાદ અને આધ્યાત્મિકવાદ તરફ આકર્ષિત માનવી ખુદાની નિકટતા કેળવવા
શૈતાનથી પોતાના હદયને દૂર રાખવા પ્રયત્ન કરે છે. ખુદા દરેકની આસપાસ છે. તે દરેકના
હદયમાં વસે છે. અને એ જ પુરા બ્રહ્માંડનો સર્જક છે. આ અહેસાસ જ માનવીને “વહદત ઉલ વજૂદ”ના
દીદાર કરાવે છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“એ લોકો, પોતાના ખુદાનો ડર રાખો, જેણે તમને એક બુંદમાથી પૈદા કર્યા છે.”
એ જ રીતે ખુદા કે ઈશ્વર કોઈ એક ધર્મ કે જાતીનો જ નથી.  તે તો સમગ્ર માનવજાતનો સર્જક અને રક્ષક છે. કુરાન-એ -શરીફની એક આયાતમાં કહ્યું છે,
રબ્બીલ આલમીન " અર્થાત "સમગ્ર માનવજાતના અલ્લાહ"
કુરાન-એ-શરીફમાં ક્યાંય "રબ્બીલ મુસ્લિમ" અર્થાત "મુસ્લિમોના અલ્લાહ" કહ્યું નથી.
અલ્લાહ અને ઈશ્વર બન્ને માનવજાતની મૂળભૂત આસ્થા છે. નામ અલગ છે.પણ સ્વરૂપ એક છે. અલ્લાહના સ્વરૂપ અંગે ઇસ્લામિક ગ્રંથોમાં કહ્યું છે,
"
અલ્લાહ એક શબ્દ નથી. એ ઈમાન છે. એ એક વચન  નથી. બહુવચન છે. અલ્લાહને કોઈ લિંગ નથી. તે નથી પુલિંગનથી સ્ત્રીલિંગ. અલ્લાહ કોઈ 
વ્યક્તિ કે વસ્તુ પર આધરિત નથી.પણ સૌ સજીવ અને નિર્જીવ તેના પર આધરિત છે. તે શાશ્વતસનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે."
કુરાન-એ-શરીફમાં આગળ કહ્યું છે,
"
અલ્લાહ પરમ કૃપાળુ છે. તેને કોઈ સંતાન નથી. તે કોઈનું સંતાન નથી. તેની સમકક્ષ કોઈ નથી "
અર્થાત અલ્લાહ સાથે નાતો બાંધનાર સૌ તેના સંતાનો છે. તેમાં કોઈ જાતિધર્મ કે રંગભેદને સ્થાન નથી. 
અલ્લાહ તેને ચાહનાર તેના સૌ બંદાઓને ચાહે છે. તે સૌનું ભલું ઇચ્છે છે. અલ્લાહથી ડરનારતેની ઈબાદતમાં 
રત રહેનાર સૌ અલ્લાહને પ્રિય છે.
ટૂંકમાં “વહદત ઉલ વજૂદ”  અર્થાત અલ્લાહ ઈશ્વર સર્વ શક્તિમાન છે. અને તે સમગ્ર માનવજાતના છે.


No comments:

Post a Comment