Saturday, March 21, 2020

“હઝરત અલી (અ.સ.)ના બોધ વચનો” અદભૂત ગ્રંથ : ડૉ. મહેબૂબ દેસાઈ



સિરાજ ના પ્રખ્યાત ફારસી કવિ હાફેજ ફરમાવે છે,
“હંમેશા શિખામણ ધ્યાનથી સાંભળ કેમકે ભાગ્યશાળી યુવાનો ડાહ્યા વૃદ્ધાની શિખામણ પોતાના જીવ કરતા પણ વહાલી ગણે છે.”
આ વિધાન આજથી ૯૫ વર્ષ પહેલા ૧૯૨૫ પ્રસિદ્ધ થયેલ “હઝરત અલી (અ.સ.)ના બોધ વચનો”નામક ગ્રંથના આરંભમાં આપવામાં આવેલ છે. જે ગ્રંથની મહત્તા વ્યક્ત કરે છે. ગ્રંથમાં બે બોલ લખનાર એક હિંદુ સજ્જન મેં.પા. માદાન લખે છે,
“હઝરત અલી જેવા મહાન પુરુષના બોધ વચનો વિષે મારા જેવા ગયર ઇસ્લામી ઇસ્લામી આલમને કઈ પણ કહેવાનો દાવો કરે તે લુહારવાડે સોઈ વેચવા જવા બરાબર ગણાશે. હઝરત અલી એકલા જ ઇસ્લામના જ નહિ પણ દુનિયાના મહાન પુરુષ હતા. તેમણે ઇસ્લામ દ્વારા આખી દુનિયાની સેવા કરી છે.”
ઇસ્લામના ચોથા ખલીફા અને હઝરત મહંમદ સાહેબના જમાઈ  હઝરત અલીના બોધ વચનો સંગ્રહ  ૧૯૨૫માં “હઝરત અલી (અ.સ.)ના બોધ વચનો” ના નામે પ્રસિદ્ધ થયો હતો. અલબત્ત એ અસલ ગ્રંથતો આજે ઉપલબ્ધ નથી. પણ તેની ઝેરોક્ષ નકલ મારા પુસ્તકાલયમાં સંગ્રાહેલી છે. ૮ માર્ચના રોજ હઝરત અલીના આવી રહેલ જન્મદિવસ નિમિત્તે એ સંગ્રહના થોડા બોધ વચનોની આજે વાત કરીએ.
  એકવાર હઝરત મહંમદ પયગંબર સાહેબે ફરમાવ્યું હતું,
 ‘હું ઇસ્લામનું શહેર છું અને અલી તેનો દરવાજો છે. જેમ શહેરમાં દાખલ થવા માટે દરવાજામાંથી પસાર થવું પડે છે, તેમ ઇસ્લામની આધ્યાત્મિક વિદ્યા સંપાદિત કરવા દરેકે હઝરત અલીનો  વસીલો લેવો પડશે.”
“હઝરત અલી (અ.સ.)ના બોધ વચનો” ગ્રંથમાં હઝરત અલીના ૭૭૫૦  બોધ વચનો સંપાદિત છે. આ ગ્રંથ મૂળભૂત રીતે  અરબી ભાષામાં લખાયેલો હતો. તેનો ગુજરાતી અનુવાદ સૈયદ  સદરુદ્દીન  દ્વારા કરવામાં આવેલ છે.  લગભગ ૫૦૦ પૃષ્ઠ  અને ૯૧ પ્રકરણોમાં પથરાયેલ આ ગ્રંથમાં દરેક વિષય ઉપર હઝરત અલીના બોધ વચનો જોવા મળે છે. ગ્રંથના આરંભમાં ગ્રંથ વિષેના કેટલાક અભિપ્રયો પણ ગ્રંથની વિશિષ્ટ વ્યક્ત કરે છે.  
આજે એ થોડા બોધ વચનો ને માણીએ.
“સત્ય એક સારો વસીલો છે અને ક્ષમા એક ઉત્તમ માર્ગ છે.”
“વાયદો પૂરો કરવો એ મોટા ગુણ છે અને શુદ્ધ મિત્રતા ઉત્તમ સંબંધ છે”
“નમ્રતાથી માણસની આબરુ વધે છે અને અહંકારથી ઘટે છે.”
“અકલમંદી સૌંદર્ય છે અને મૂર્ખતા એ દૂષણ છે”
 “ઇન્દ્રિયોની  વાસનાઓ  નઠારા કામો તરફ ઉશ્કેરે છે અને દુનિયાની આસક્તિ ખુદાની યાદ ભુલાવે છે.”
 “દુર્ગુણી માણસ છડેચોક નિર્લજપણું કરે છે.” 
 “દાનઆફત અને દુઃખ મટાડવાનું સાધન છે.”
 “ઉપકાર માનવો એ ઉપકાર કરવા કરતા ઉત્તમ છે.”
“બુદ્ધિમાન તે છે જે પોતાની ઈચ્છાઓની લગામ પોતાના હાથમાં રાખે છે અને દાની તે છે જે પોતાની ઈચ્છા ઉપર વિજય મેળવે છે.”
 “નમાજ ખુદાનો મજબૂત કિલ્લો છે અને શૈતાનને ફજેત  કરવાનું સાધન છે.” 
“નમાઝ  ખુદાની રહેમત (કૃપા) ઉતરવાની સીડી છે.”
“જે વધારે ઉદાર છે તે  વધારે બહાદુર છે અને જે વધારે શરમદાર છે તે વધારે બુદ્ધિશાળી છે.”
 “સૌથી વધારે ખરાબ આત્મશ્લાઘા છે અને સૌથી ઉત્તમ વિગ્રહ પોતાના મન સાથે કરવામાં આવે તે છે.”
“દુઃખ સમયે જે ધૈર્ય રાખે છે તે ઉત્તમ માનવી છે.”
 “કુટેવો  બદલવી એ સૌથી મોટી સિદ્ધિ છે અને સ્વાદને  ત્યજવો  સૌથી મોટી ભક્તિ છે.”
“જે માણસ દુનિયા વિષે સારી ધારણા રાખે છે તે ભારે મુસીબતમાં પડે છે.”
“જે માણસ મૌતને યાદ રાખે છે તે દુનિયાની થોડી નેમતોથી પણ સંતોષ માને છે.”
“જે માણસ પરોપકાર કરે છે તેને માટે બધા માર્ગો સરળ બની જાય છે.
“જે માનવી ખુદાને હંમેશા યાદ કરે છે, ખુદા તેના દિલને જીવંત અને બુદ્ધિની પ્રકાશિત રાખે છે.”
“હે નેકી (સદ્કાર્ય) કરનારાઓ તમારી નેકીનો દેખાડો ન કરો, જાહેર કરેલી નેકી નેકી નથી રહેતી.”
“હે આદમની ઔલાદ જયારે તને ખુદાની બક્ષિશો નિરંતર મળ્યા કરે છે, ત્યારે તેની નાફરમાનીથી બચ  અને તેની સુરક્ષા કર.”
“વિદ્યા રાજા છે. અને ધન રૈયત છે. વિદ્યા ખુદા તરફ જવાનો માર્ગ દેખાડે છે. અને ઈબાદત ખુદા તરફ જવાનો રસ્તો સહેલો કરે છે.”
“માલ અને ઔલાદ દુનિયાની ઝીંદગીનો શણગાર છે. સદકાર્યો પરલોકની ખેતી છે.”
“સત્ય આચરણ, વિશ્વાસ, પરહેજગારી, ધૈર્ય, અને ખુદની મરજી પર ખુશ રહેવું એનું નામ ઈમાન”
“ક્રોધને પી જા જેથી સહનશીલતામાં વૃદ્ધિ થશે.”
“જેમણે ઘણી દોલત એકઠી કરી, પોતાની આસપાસ સુરક્ષા કવચ રાખ્યું અને ચિરંજીવી બની રહેવાના ભૂલભર્યા સપના જોયા એ લોકો ક્યાં છે ?”
આવા ગ્રંથો આપણી સાંસ્કૃતિક ધરોહર છે. જેનું જતન અને આચરણ સામાજિક સંવર્ધન માટે આજે પણ અનિવાર્ય છે અને રહેશે.


No comments:

Post a Comment