Wednesday, March 25, 2020

“વહદત ઉલ વજૂદ” : “સર્વ શક્તિમાન ખુદા ઈશ્વર” : ડૉ. મહેબૂબ દેસાઈ



સૂફી પરંપરા પર પીએચ.ડી.કરતા એક વિદ્યાર્થીએ વોટ્સઅપ પર મને પૂછ્યું “વહદત ઉલ વજૂદ” એટલે
શું ? મેં તેને ટૂંકો ઉત્તર આપતા લખ્યું,
“સર્વ શક્તિમાન ખુદા ઈશ્વર”
પણ આ તો તેનો શાબ્દિક અર્થ થયો. તેનો આધ્યાત્મિક અર્થ તો વિશાળ છે. ગહન છે. દરેક ધર્મના માનવીએ જાણવા જેવો છે. ઈશ્વર ખુદા માટે સૂફી પરંપરામાં વપરાતો આ શબ્દ એકેશ્વરવાદનો પર્યાય છે. ખુદા કે ઈશ્વર સર્વ વ્યાપી છે. સર્વ શક્તિમાન છે. “કણ કણ મેં  ભગવાન” ઉક્તિને તે સાકાર કરે છે.
“વહદત ઉલ વજૂદ” શબ્દ મૂળભૂત રીતે ફારસી ભાષાનો છે. “વહદ્ત” શબ્દનો અર્થ થાય છે એક હોવું, એકત્વ, એકતા, અદ્વેતભાવ, ઈશ્વર એક હોવાનું માનવું. ટુકમાં એકેશ્વરવાદ. એવો જ એક બીજો શબ્દ પણ જાણીતો છે. વજૂદ અર્થાત અસ્તિત્વ. એક ખુદા(ઈશ્વર)નું જ અસ્તિત્વ છે. “વાજિબુલ વજૂદ” અર્થાત જેનું અસ્તિત્વ બીજા ઉપર આધારિત નથી. પોતાની શક્તિથી જ અસ્તિત્વમાં આવેલ. અર્થાત કાયનાત, દુનિયાનો સર્જક ખુદા કે ઈશ્વર.   
કુરાને શરીફમાં એવી અનેક આયાતો ખુદાની સર્જનાત્મકતા અને તેના સર્વ વ્યાપી અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. આ આયાતોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે ખુદા સર્વવ્યાપી છે. અલબત માનવી તેને જોઈ સકતો નથી. પણ તેના અસ્તિત્વનો અહેસાસ કરી સકે છે. સમગ્ર બ્રહ્માંડ પર ખુદાની નજર છે. ખુદા કે ઈશ્વર તેના દરેક બંદા કે ભક્તની ફરિયાદ સાંભળે છે. તેના દરેક કાર્યોથી વાકેફ છે.
જો કે આ વિચાર માત્ર કુરાને શરીફમાં જ નથી. વિશ્વના દરેક ધર્મના કેન્દ્રમાં છે. દરેક ધર્મ ગ્રંથમાં મૌજુદ છે. કુરાન, બાઈબલ અને વેદોમાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જેમ કે
કુરાને શરીફની અનેક આયાતો ખુદા સર્વ વ્યાપી હોવાની સાક્ષી પૂરે છે.  
“સર્વ સ્તુતિ ઈશ્વર-ખુદા માટે છે. તે આકાશ અને પૃથ્વીનો નિર્માતા છે. તે દેવદૂતોને પોતાના
સંદેશવાહક બનાવે છે. બબ્બે ત્રણ ત્રણ અને ચાર-ચાર પાંખવાળા દેવદૂત ! સૃષ્ટિમાં ઈચ્છે તેને
અધિક આપે છે. તે બધું કરવાને સમર્થ છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી.”
“શું અમે ભૂમિને તમારી શૈયા નથી બનાવી ? અને પર્વતોને મેખ ? અને અમે તમને જોડી જોડી
બનાવ્યા. અને અમે તમારી નિંદ્રાને વિશ્રામનું સાધન બનાવી. અને રાત્રીને તમારો પરદો બનાવી.
અને આજીવિકા માટે દિવસ બનાવ્યો.”
“મનુષ્ય એટલું જાણતો નથી કે અમે તેને પાણીના એક બિંદુમાંથી નિર્માણ કર્યો છે ? તેમ છતાં તે ખુલ્લમ
ખુલ્લા ઝગડાખોર બન્યો છે.”
“અને અમારી સાથે તે અન્ય વસ્તુની સરખામણી કરે છે. અને પોતાની ઉત્પતિ ભૂલી ગયો છે. કોણ
જીવતા કરશે એ શરીરને જે સડી ગયા છે.”
“અને જેણે આકાશ અને પૃથ્વીનું નિર્માણ કર્યું, જે સર્વસૃષ્ટા છે. સર્વજ્ઞ છે.”
“જયારે એ કોઈ વસ્તુનો સંકલ્પ કરે છે, ત્યારે કહે છે “થઇ જા” અને તે થઇ જાય છે.”
“આકાશ અને પૃથ્વીનું રાજ્ય અલ્લાહનું છે. એ ચાહે તે નિર્માણ કરે છે. ચાહે તેને પુત્ર આપે છે, ચાહે
તેને પુત્રી આપે છે. અથવા તો બન્ને આપે છે. અને ચાહે તેને નિઃસંતાન રાખે છે. નિઃસંદેહ એ જ્ઞાતા છે,
સમર્થ છે.”
કુરાને શરીફની એક આયાતમાં કહ્યું છે,
“જે માનવી પોતાના હદયમાં ખુદાને સ્થાન નથી આપતો, તેના હદયનો કબજો શૈતાન લઇ લે છે.”
અને એટલે જ રહસ્યવાદ અને આધ્યાત્મિકવાદ તરફ આકર્ષિત માનવી ખુદાની નિકટતા કેળવવા
શૈતાનથી પોતાના હદયને દૂર રાખવા પ્રયત્ન કરે છે. ખુદા દરેકની આસપાસ છે. તે દરેકના
હદયમાં વસે છે. અને એ જ પુરા બ્રહ્માંડનો સર્જક છે. આ અહેસાસ જ માનવીને “વહદત ઉલ વજૂદ”ના
દીદાર કરાવે છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“એ લોકો, પોતાના ખુદાનો ડર રાખો, જેણે તમને એક બુંદમાથી પૈદા કર્યા છે.”
એ જ રીતે ખુદા કે ઈશ્વર કોઈ એક ધર્મ કે જાતીનો જ નથી.  તે તો સમગ્ર માનવજાતનો સર્જક અને રક્ષક છે. કુરાન-એ -શરીફની એક આયાતમાં કહ્યું છે,
રબ્બીલ આલમીન " અર્થાત "સમગ્ર માનવજાતના અલ્લાહ"
કુરાન-એ-શરીફમાં ક્યાંય "રબ્બીલ મુસ્લિમ" અર્થાત "મુસ્લિમોના અલ્લાહ" કહ્યું નથી.
અલ્લાહ અને ઈશ્વર બન્ને માનવજાતની મૂળભૂત આસ્થા છે. નામ અલગ છે.પણ સ્વરૂપ એક છે. અલ્લાહના સ્વરૂપ અંગે ઇસ્લામિક ગ્રંથોમાં કહ્યું છે,
"
અલ્લાહ એક શબ્દ નથી. એ ઈમાન છે. એ એક વચન  નથી. બહુવચન છે. અલ્લાહને કોઈ લિંગ નથી. તે નથી પુલિંગનથી સ્ત્રીલિંગ. અલ્લાહ કોઈ 
વ્યક્તિ કે વસ્તુ પર આધરિત નથી.પણ સૌ સજીવ અને નિર્જીવ તેના પર આધરિત છે. તે શાશ્વતસનાતન અને સંપૂર્ણ પ્રભુત્વશાળી છે."
કુરાન-એ-શરીફમાં આગળ કહ્યું છે,
"
અલ્લાહ પરમ કૃપાળુ છે. તેને કોઈ સંતાન નથી. તે કોઈનું સંતાન નથી. તેની સમકક્ષ કોઈ નથી "
અર્થાત અલ્લાહ સાથે નાતો બાંધનાર સૌ તેના સંતાનો છે. તેમાં કોઈ જાતિધર્મ કે રંગભેદને સ્થાન નથી. 
અલ્લાહ તેને ચાહનાર તેના સૌ બંદાઓને ચાહે છે. તે સૌનું ભલું ઇચ્છે છે. અલ્લાહથી ડરનારતેની ઈબાદતમાં 
રત રહેનાર સૌ અલ્લાહને પ્રિય છે.
ટૂંકમાં “વહદત ઉલ વજૂદ”  અર્થાત અલ્લાહ ઈશ્વર સર્વ શક્તિમાન છે. અને તે સમગ્ર માનવજાતના છે.


Saturday, March 21, 2020

કુરાન-સાર : વિનોબા ભાવે : ડૉ. મહેબૂબ દેસાઈ



આચાર્ય વિનોબા ભાવે ( ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૫- ૧૫મી નવેમ્બર, ૧૯૮૨)નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોદા, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમણે દશ વર્ષ ની કુમળી વયે આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાનાં જીવનનાં આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યાં હતાં. વિનોબા ભાવે ગાંધીયુગના એવા ચિંતક હતા કે જેમણે ગીતા અને કુરાનનું ઊંડાણથી અધ્યન કર્યું હતું. ગીતાના શ્લોક જેટલા શુદ્ધ ઉચ્ચારો સાથે તે બોલતા એટલી જ કુરાનની આયાતો પણ શુદ્ધ એરેબીક ઉચ્ચારો સાથે પઢતા. અબુલ કલામ આઝાદ એકવાર વર્ધામા ગાંધીજીને મળવા આવ્યા, ત્યારે ગાંધીજીએ વિનોબાને કુરાનનો પાઠ કરવા કહ્યું. વિનોબાજીએ એવી સુંદર લઢણ અને શુદ્ધ ઉચ્ચારો સાથે કુરાનની આયાતો પઢી કે મૌલાના આઝાદ દંગ રહી ગયા. એ યુગમાં એક અનુયાયીએ વિનોબાજીને પૂછ્યું,
"આજકાલ તમે આધ્યાત્મનો વિશેષ ઉલ્લેખ કરો છો. આ આધ્યાત્મ એટલે શું ?"
વિનોબાએ તેનો ઉત્તર આપતા કહ્યું,
"આધ્યાત્મ એટલે
૧. સર્વોચ્ચ નૈતિક મૂલ્યો
૨. નૈતિક જીવન વિશેની અતુટ શ્રધ્ધા
૩. જીવન માત્રની જ્ઞાન અને ભાન રાખનારી નિર્મળ શ્રદ્ધા
૪. મૃત્યુ પછી જીવન સાતત્ય અંગેનો અતુટ વિશ્વાસ."
વિનોબાજીના ઉપરોક્ત આધ્યાત્મ વિચારોના કેન્દ્રમા આપણા બે મહાન ગ્રંથો ગીતા અને કુરાન પડ્યા છે. જેમાં ધર્મના ક્રિયાકાંડોથી પર માત્રને માત્ર મુલ્ય નિષ્ઠ વિચારો અભિવ્યક્ત થયા છે. કુરાને શરીફ ના ઊંડાણ પૂર્વકના અભ્યાસ પછી વિનોબાજીએ “કુરાનસાર” નામક એક પુસ્તક લખ્યું હતું. આજે એ નાનકડા પુસ્તક “કુરાનસાર”ની વાત કરવી છે. “રાહે રોશન”ના અનેક ગેરમુસ્લિમ વાચકો વારંવાર કુરાન વાંચવા કે તેનું અધ્યન કરવા કોઈ ગુજરાતી પુસ્તક સૂચવવા કહે છે ત્યારે તેમને સૌ પ્રથમ વિનોબાજીનું “કુરાનસાર” પુસ્તક એકવાર વાંચવાની અવશ્ય ભલામણ કરું છું. એવા વૈચારિક અને ભાષાકીય સરળતા અને સુંદરતાથી શણગારેલા નાનકડા પુસ્તકની આજે વાત કરવી છે. આ પુસ્તક અંગ્રેજી, ગુજરાતી અને મરાઠીમાં પ્રસિદ્ધ થયેલા છે. તેની પ્રસ્તાવનામાં વિનોબા જી લખે છે,
“વરસોથી ભૂદાન નિમિતે મારી પદયાત્રા ચાલી રહી છે, જેનો એકમાત્ર ઉદેશ દિલોને જોડવાનો રહ્યો છે. બલકે મારી જિંદગીના બઘા કામો દિલોને જોડવાના એકમાત્ર ઉદેશથી પ્રેરિત છે. આં પુસ્તકના પ્રકાશન પાછળ એ જ પ્રેરણા છે. હું આશા રાખું છું કે પરમાત્માની કૃપાથી તે સફળ થશે.”
પુસ્તકના મરાઠી સંસ્કરણની પ્રસ્તાવનાના આરંભમાં જ વિનોબા જી લખે છે,
“એક બાજુ પાકિસ્તાન યાત્રાની અમારી તૈયારી ચાલી રહી હતી. ત્યારે બીજી બાજુ કાશીમાં “કુરાન-સાર”ની અંગ્રેજી આવૃત્તિ મુદ્રણ મુક્ત થઇને પ્રકાશન માર્ગે હતી. છાપાઓમાં તેના સમાચાર આપવામાં આવ્યા.  તેટલા પરથી કરાંચીના છાપાઓએ કલકલાટ મચાવી મુકાયો. બીજે પણ તેના અનુકૂળ પ્રતિકુળ પ્રત્યાઘાત ઉઠયા. ગ્રંથ પ્રકાશિત થાય તે પહેલા જ તેનું દુનિયાભરમાં પ્રકાશન થયું. આમારા આશાદેવી કહે છે, અમેરિકાની રૂઢ ભાષામાં કહેવું હોય તો “કુરાન-સાર”નો દસ લાખ ડોલર પ્રચાર થયો. તે આ વિશ્રુત ગ્રંથ હવે મરાઠીમાં પ્રકશિત થઇ રહ્યો છે.”
આવા અદભૂદ ગ્રંથ “કુરાન-સાર”માં કુરાને શરીફની મુલ્ય નિષ્ઠ આયાતોનું સરળ ગુજરાતીમાં અનુવાદ વિનીબાજીએ સુંદર રીતે કર્યું છે.  કુરાને શરીફના ત્રીસ પ્રકરણો અને નેવું  વિષયોને આવરી લેતા આ નાનકડા ગ્રંથના પ્રથમ પ્રકરણનું નામ છે “મંગલાચરણ” સૂરા “અલ ફાતિહા”નું ગુજરાતી કરતા લખ્યું છે,
૧. પ્રારંભ કરું છું પરમાત્માના નામથી, જે પરમ કૃપાળુ, અતિ કરુણાવાન છે.
૨. પ્રત્યેક સ્તુતિ પરમાત્માને માટે જ છે, જે સમસ્ત સંસારનો પાલનહાર છે.
૩. પરમ કૃપાળુ, અતિ ગુણવાન.
૪. અંતિમ દિનનો માલિક.
૫. (હે પરમાત્મા ) તારી જ અમે ભક્તિ કરીએ છીએ અને તારી પાસે જ યાચના કરીએ છીએ.
૬. અમને સીધો રસ્તો બતાવ.
૭. રસ્તો એ લોકોનો, જેમના ઉપર તે દયા કરી છે, ન કે એમનો જેમના ઉપર તારો પ્રકોપ થયો, તેમ જ ન એમનો જેઓ ભ્રમિત થયા.”
ગ્રંથના અન્ય પ્રકરણો વિવિધ વિષયો પર આધારિત છે. કુરાને શરીફમાં ઈશ્વર, જ્ઞાન, દયા, ભક્તિ, નામસ્મરણ, પ્રાર્થના, ધર્મ, અહિંસા, બ્રહ્મચર્ય, માનવતા, વાકશુદ્ધિ, આસ્વાદ, સુધ્ધ જીવિકા, શિષ્ટાચાર, સત્ય, મહંમદ પયગંબર, તત્વજ્ઞાન, કર્મ વિપાક વિષયક વિચારોને અત્રે તારવીને તેનું શુદ્ધ ગુજરાતી અત્રે આપવામાં આવેલ છે. જેમ કે શિષ્ટાચાર વિષયક પ્રકરણમાં સભા વ્યવસ્થા અંગે કુરાને શરીફની એક આયાતનું ગુજરાતી કરતા લખવામાં આવ્યું છે,
“હે શ્ર્ધ્ધવાનો ! જયારે તમને કહેવામાં આવે છે કે સભામાં જગ્યા બીજા માટે કરી આપો દો તો જગ્યા કરી આપો. ઈશ્વર તમારા માટે મોકળાશ કરી દેશે, અને જયારે તમને ઉઠવાને માટે કહેવામાં આવે, ત્યારે ઉઠી જાવ. તમારામાંથી જે શ્રધ્ધા રાખે છે તથા જ્ઞાન રાખે છે, પરમાત્મા એમની શ્રેણી ઉચ્ચ કરી દેશે. જે કાંઈ તમે કરો છો, તેનાથી ઈશ્વર જાણકાર છે.”
માનવતા વિષયક પ્રકરણમાં વિશિષ્ટ વાણી મથાળા નીચે લખવામાં આવ્યું છે,
“અને ઈશ્વરે આદમને બધી વસ્તુઓના નામ શીખવી દીધા, પછી એ વસ્તુઓને સન્મુખ પ્રસ્તુત કરી અને કહ્યું, જો તમે સાચા જ્ઞાની હો તો આના નામ બતાવો.”
ટૂંકમાં કુરાને શરીફના અર્કને સરળ ભાષામાં પામવા ઈચ્છતા દરેક માનવીએ આ નાનકડા ગ્રંથનું એકવાર તો આચમન કરવું જ રહ્યું.