Tuesday, May 28, 2019

સૂફીસંત બુલ્લે શાહ : ડૉ. મહેબૂબ દેસાઈ



ઉત્તર ભારત અને ખાસ કરીને પંજાબમાં પ્રસિદ્ધ સૂફી સંત અને કવિ બુલ્લે શાહને કોણ નથી ઓળખાતું ? તેમનું મૂળ નામ અબ્દુલ શાહ હતું. પણ તેઓ બુલ્લે શાહ કે બુલ્લા શાહ તરીકે જાણીતા છે. તેમના જીવન કવન અંગે વિસ્તૃત અને આધારભૂત વિગતો બહુ જુજ પ્રાપ્ત થાય છે. તેમનો જન્મ ઈ.સ. ૧૬૮૦માં તેમના પિતાના ગામ ગીલાનીયામાં થયો હતો. તેમના પિતા શાહ મુહમ્મદ અરબી, ફારસી અને કુરાન એ શરીફના  જ્ઞાતા હતા. તેઓ આજીવિકા અર્થે “પાંડો કે ભટ્ટીયા” નામક ગામમાં આવીને વસ્યા હતા. એ સમયે બુલ્લી શાહની વય છ વર્ષની હતી. બુલ્લે શાહ જીવનભર ત્યાં જ રહ્યા. ઈ.સ. ૧૭૫૭માં બુલ્લે શાહનું અવસાન થયું. આજે પણ તેમની મઝાર એ જ ગામમાં લોકોની આસ્થાનું કેન્દ્ર બની જીવંત છે. બુલ્લે શાહનું બચપન તેમના વિદ્વાન પિતાની છત્રછાયામાં પસાર થયું હતું. પ્રારંભિક સંસ્કાર અને શિક્ષણ તેમને તેમના પિતા દ્વારા જ પ્રાપ્ત થયા હતા. બુલ્લે શાહએ પ્રાથમિક શિક્ષણ કસૂર ગામના હઝરત મુર્તજા જેવા ખ્યાતનામ વિદ્વાનો પાસેથી પણ લીધું હતું. અરબી, ફારસી સાથે તેમણે ઇસ્લામ અને સૂફી પરંપરાનો ગહન અભ્યાસ કર્યો હતો. બુલ્લે શાહનું ખાનદાન સૈયદ હતું. જયારે તેમના ગુરુ (મુર્શીદ) ઈનાયત શાહ અરાઈ નામક નીચી  જાતિના હતા. આથી તેમના કુટુંબીજનોએ તેમને ઈનાયત શાહનો સંગ છોડી દેવા ખુબ સમજાવ્યા. પણ બુલ્લે શાહે પોતાના ગુરુ ઈનાયત શાહ સાથેનો સત્સંગ જીવનભર જાળવી રાખ્યો.
ઈનાયત શાહ સાથેની તેમની પ્રથમ મુલાકાતનો એક કિસ્સો જાણીતો છે. એક દિવસ બુલ્લે શાહ તેમના મનોમન માની લીધેલા ગુરુ ઈનાયત શાહને મળવા ગયા. તેમની પાસે પહોંચ્યા એ સ્થાન પર ચારે બાજુ આંબાના વૃક્ષો હતા. અને તેના પર કેરીઓ લટકતી હતી. જેવા બુલ્લે શાહ આંબાના વૃક્ષો પાસે પહોંચ્યા, ઝાડ પરથી કેરીઓ ટપો ટપ નીચે પડવા લાગી. એ જોઈ ઈનાયત શાહ બોલી ઉઠ્યા,
“એ નૌજવાન તે આ કેરીઓ કેમ તોડી ?”
બુલ્લે શાહ બોલ્યા,
“સાંઈ, ના તો હું ઝાડ પર ચડ્યો છું, ના મેં પથ્થર મારી કેરી તોડી છે. એ તો હું આવ્યો ત્યારે તેના મેળે જ ઝાડ પરથી પડવા લાગી છે.”
ઈનાયત શાહ બુલ્લે શાહનો આધ્યાત્મિક પ્રભાવ જોઈ બોલ્યા,
“અરે, તું તો ચોર પણ છે, અને ચતુર પણ છે.”
અને બુલ્લે શાહ ગુરુ ઈનાયત શાહના કદમોમાં બેસી ગયા અને બોલ્યા,
“ખુદાને પ્રાપ્ત કરવા મારે તમારા જેવા ગુરુની જરૂર છે.”
ઈનાયત શાહએ તેમના માથા પર હાથ મુકતા કહ્યું,
“ખુદાને પ્રાપ્ત કરવાનું કાર્ય તો એવું છે કે એક વૃક્ષને તેના મૂળમાંથી ઉખાડી બીજી જમીનમાં વાવવું.”
બુલ્લે શાહ તેમને ગુરુને અનહદ માન આપતા. એકવાર તેમને મક્કા જવાની ઈચ્છા થઇ. તેમણે તેમના ગુરુને પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું,
“ખુદાના પયગંબર મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે, જેણે મારી કબ્રના દીદાર કર્યા, તેણે મને જીવિત જોયો. એટલે મારી મદીના જવાની ઈચ્છા છે. મને ઈજાજત આપો.”
ઈનાયત શાહે કહ્યું,
“બેશક, પણ બે ત્રણ દિવસ પછી જવા માટે નિકાલ જે.”
બુલ્લે શાહ બે દિવસ રોકાઈ ગયા. બીજે દિવસે રાત્રે બુલ્લે શાહને સ્વપ્ન આવ્યું. તેમાં તેમને હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) સાહેબના દીદાર (દર્શન) કર્યા. સ્વપ્નમાં મહંમદ સાહેબે તેમને પૂછ્યું તારા ગુરુ બુલ્લે શાહ ક્યાં છે ? બોલાવ તેમને.”
બુલ્લે શાહ તેમના ગુરુને પોતાના શોહર અર્થાત પતિ માનતા હતા. એકવાર એક નવપરણિત કન્યા પોતાના  વાળ સંવારતી હતી. એ જોઈ બુલ્લે શાહએ તેને પૂછ્યું,
“તું તારા વાળ શા માટે સંવારે છે ?”
પેલી કન્યાએ જવાબ આપ્યો.”મારા પતિને રીઝવવા”
બુલ્લે શાહ એ સાંભળી બોલી ઉઠ્યા,
“મારા વાળ પણ તું સંવારી દે. હું પણ મારા ગુરુને રીઝવવા માંગું છું”
અને પેલી કન્યાએ બુલ્લે શાહના વાળ સંવારી દીધા. એ જ દશામાં બુલ્લે શાહ પોતાના ગુરુ પાસે પહોંચી ગયા. અને તેમને પ્રસન્ન કરવા તેમની સામે મસ્ત બની ખુદાનો ઝીક્ર કરવા લાગ્યા.  
બુલ્લ્ર શાહ અનુભવ દ્વારા મળેલ જ્ઞાનને વધુ પ્રાધાન્ય આપતા હતા. તેઓ કહેતા,
“એક અલીફ પઢલો મુક્તિ મિલ જાયેગી.” ઉર્દુમાં અલ્લાહના નામનો પહેલો શબ્દ અલીફ છે. તો વળી ક્યારેક કહેતા,
“પોથી પઢના બંધ કરો યાર, તુમ્હે તો બસ એક અલીફ અક્ષર હી કાફી હૈ”
બુલ્લે શાહ દ્રઢ પણે માનતા કે સમાજમાં સંપ્રદાયિક કલહનું મૂળ કારણ પંડિતો છે અથવા તેમની પોથીઓ અર્થાત તેમના ગ્રંથો છે.
આજ વાત કબીરે પણ કહી છે,
“તું કહેતા પોથી કી લેખી, મેં કહેતા અખિયન દેખી”
ગુરુ નાનક પણ આ જ કહે છે,
“ભલે હી સારી ઉમ્ર પઢતે રહો, ભલે હી અપની સારી સાંસ પઢાઈ મેં લગા દોતો, લેકિન સાર્થક બાત તો એક હી હૈ હરી કે સ્મરણ કે સિવાઈ સબ અહંકાર હૈ, સીર ખપાઈ હૈ”
આવા જ્ઞાની સૂફી સંત બુલ્લેશાહને સલામ.

No comments:

Post a Comment