Monday, May 20, 2019

ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ ઈફ્તીયારી : ડૉ. મહેબૂબ દેસાઈ


  
ગત રમઝાન માસનો ચોથો રોઝો અને ૧૦મી તારીખ હતી. એ દિવસે શુક્રવાર હતો. જુમ્માની નમાઝ પછી સાજે સાત વીસની એર ઇન્ડિયાની ફ્લાઈટમાં મારે અમદાવાદથી મુંબઈ જવાનું હતું. અને મુંબઈથી રાત્રે ૧.૦૫ની હોંગ કોંગની  ફલાઈટ પકડવાની હતી. જો કે આમ તો હું રમઝાનમાં મુસાફરી કરવાનું ટાળું છું. પણ જેટ એરવેઝની સમસ્યા સર્જાતા મારો આખો પ્રવાસ કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઇ ગયો. એટલે નાછૂટકે મારે રમઝાનમાં મુસાફરી કરવાનો વખત આવ્યો.
ઇસ્લામમાં સફર અર્થાત મુસાફરીમાં નમાઝ અને રોઝા બન્નેમાં સરળતા આપવામાં આવી છે. નમાઝ અંગે અલ સુરે નીસા (૪.૧૦૧)માં કહ્યું છે,
“અને જયારે આપ સફરમાં હો ત્યારે નમાઝ ટૂંકી કરી શકો છો. તેમાં કોઈ ગુનો નથી.”
અર્થાત ચાર રકાત નમાઝ તમે બે રકાત પઢી શકો છો. પણ ફજર અને મગરીબની નમાઝ ટુકી જ છે, તેથી તેને ટૂંકી કરવાની જરૂરી છે. એ જ રીતે સફરમાં તકલીફ પડે તેમ હોય તો રોઝા ન રાખવાની ઈજાજત પણ ઇસ્લામમાં આપવામાં આવી છે. પણ ચોથા રોઝે રમઝાનની પ્રથમ જુમ્મા (શુક્રવાર) હતી. વળી, મારી ફલાઈટ સાંજની ૭.૧૦ની હોય મેં એ રોઝો જતો કરવાનું મુનાસીબ ન માન્યું. સમસ્યા એટલી જ હતી કે રોઝો ૭.૨૦સે છૂટતો હોય એ સમયે હું પ્લેનમાં હોઉં. એટલે પ્લેનમાં મારે ઇફ્તીયારીની વ્યવસ્થા કરવી પડે. મારી પત્ની સાબેરાને તેની ચિંતા હતી. પણ મેં સાબેરાને કહ્યું,
“તું એની ચિંતા ન કર હું એરપોર્ટ પર જઈ કઈંક વ્યવસ્થા કરી લઈશ.”
સાંજે લગભગ પાંચેક વાગ્યે સાબેરા તથા મારા સાળા અબ્દુલ રહેમાન અને ગુલામનબી મને એરપોર્ટ પર મૂકી ગયા. બોર્ડીંગ અને સિક્યુરીટી પતાવી હું ગેટ નંબર ત્રણ પર આવ્યો. મારી પાસે અમેરિકન એક્સપ્રેસનું લોન્જ કાર્ડ હતું. મેં વિચાર્યું લોન્જમાં પૈસા ભરી ત્યાંથી ઇફ્તીયારી માટેનું ભોજન પેક કરાવી લઈશ. અને પ્લેનમાં રોઝો છોડવાનો સમય થયે, ભોજન કરી લઇશ. પણ લોન્જવાળાએ મને ભોજન પેક કરી આપવાની ના પાડતા કહ્યું,
“હમ ખાના પેક કર કે નહિ દેતે આપ અહી પર ખા લીજીએ.”
“લેકિન મેં રોઝદાર હું અભી નહિ ખા સકતા”
એ મારી સમસ્યા સમજી ગયો એટલે મને રસ્તો બતાવતા કહ્યું,
“પાસ મેં એક રેસ્ટોરન્ટ હૈ જો આપકો ખાના પેક કર દેંગે”
મેં એ રેસ્ટોરન્ટ તરફ કદમો માંડ્યા. મનમાં વિચારતો હતો જો એ ભોજન પેક ન કરી દે તો, વેફરનું એક પેકેટ લઇ લઈશ. તેનાથી થોડી રાહત થઇ જશે. પછી મુંબઈ પહોંચી નિરાતે ભોજન કરીશ. રેસ્ટોરન્ટના કાઉન્ટર પર એક યુવાન બેઠો હતો. તેને મેં મારી સમસ્યા કહી. અને તે બોલી ઉઠ્યો,
“અરે સાહબ, આપ યહાં આરામ સે બેઠે. મેં આપ કો સબ ઇન્તજામ કર દેતા હું.”
અને તેણે મને વેજીટેબલ બિરિયાની અને એક બોટલ પાણી પેક કરીને આપ્યા અને કહ્યું,
“અભી બોડીંગ નહિ હુવા. આપ યહાં આરામ સે બેઠે. મેરા વેઈટર બોડીંગ હોને પર આપ કો બતા દેગા.”

લગભગ ૬.૫૦.એ બોર્ડીંગ શરુ થયું. હું પ્લેમમાં પ્રવેશ્યો. સાતને વીસનો સમય થયો ત્યારે મારું પ્લેન અમદાવાદથી લગભગ ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ ઉડી રહ્યું હતું. મેં પેક કરીને લાવેલ ભોજન કાઢ્યું. અને એર હોસ્ટેસને એક પાણી નો ગલાસ આપવા વિનતી કરી. એટલે તેણે મને સ્મિત કરતા પૂછ્યું,
“આપ રોઝે સે હૈ ?”
“જી” અને તે સસ્મિત કરી ચાલી ગઈ. મારી બાજુમાં એક ગુજરાતી હિંદુ બિરાદર બેઠા હતા. અમારી વાત સાંભળી તેમણે પોતાની હેન્ડ બેગમાંથી લીબું પાણીની પેક બોટલ કાઢી અને મને આપતા કહ્યું,
“વડીલ, આ લીંબુ પાણીની બોટલથી આપ રોઝો છોડો, તો થોડુંક પુણ્ય મને પણ મળશે.”
હું તેમની ધાર્મિક સદભાવના જોઈ રહ્યો. મેં કહ્યું.
“મારી પાસે પાણીની બોટલ છે.”
“પાણી કરતા લીંબુ પાણી આપને થોડી વધુ શાતા આપશે.”
“શાતા” શબ્દ સાંભળી મેં પૂછ્યું “આપ જૈન છો ?” તેમણે સસ્મિત હા પાડી. અમારી વાત ચાલતી હતી, ત્યાજ  એરહોસ્ટેસ બહેન ટ્રેમાં પાણીની બોટલ, ગ્લાસ અને એક ભોજન પેકેટ લઈને આવી ચઢ્યા.
“યે ભોજન હૈ ઔર પાની કી બોટલ ઔર ગ્લાસ. આપ આરામ સે રોઝા છોડીએ. કિસી ઔર ચીજ કી જરૂરત હોતો મુઝે અવશ્ય યાદ કીજીયે ગા .”
મેં કહ્યું,
“શુક્રિયા મેડમ, મેં ભોજન લેકે આયા હું.”
તેણે સ્મિત વેરતા કહ્યું,
“આપ કો ભોજન હમ દેન હી વાલે થે. પર આપ કા રોઝા હૈ ઈસ લીયે હમ આપકો જલ્દી દે રહે હૈ” 
અને તે મારી સામેની ખુરસીના ડેસ બોર્ડ પર મૂકી ચાલી ગઈ.
ઇફ્તીયારીની તમામ સામગ્રી લીંબુનું શરબત, વેજીટેબલ બિરિયાની, બે સમોસા, ઓરેંગ જ્યુસ અને ઠંડા પાણીની એક બોટલા ત્રીસ હજાર ફૂટની ઉંચાઈ એ મારી સામે હતા. અને હું પ્લેનની બારીમાંથી ખુદાની આ રહેમતનો શુક્ર અદા કરી રહ્યો હતો. ખુદાએ કહ્યું છે,
“રોઝદાર મારો પ્યારો બંદો છે. તેની દરકાર રાખવાનું કાર્ય હું ખુદ કરું છે”
એ વિધાનની સત્યતા ત્રીસ હજાર ફૂટની ઉંચાઈએ મેં અનુભવી. અને હું ખુદાની ખુદાઈથી ભીજાઈ ગયો.

No comments:

Post a Comment