Monday, May 20, 2019

અખલાક એ એહમદી : ડૉ. મહેબૂબ દેસાઈ



હઝરત મહંમદ પયગમ્બર સ.અ.વ. (પયગંબર સાહેબના નામ પછી લખાતા ટૂંકા શબ્દ સ.અ.વ.નો પૂર્ણ શબ્દ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ થાય છે. જેનો ગુજરાતીમાં અર્થ “તેમના પર અલ્લાહના આશીર્વાદ અને શાંતિ રહો” થાય છે.)માં જે ગુણોનું એકત્રીકરણ કુદરતે કર્યું હતું ,તેને ઇસ્લામી કિતાબોમાં અખલાક એ એહમદી અર્થાત મહંમદ પયગંબર સાહેબના સદગુણો કહ્યા છે. આજે એ અંગે થોડી વાત કરવી છે. મહંમદ સાહેબની નિર્માન સાદાઈ, દરેક વ્યવહારમાં છલકતી માનવતા, એમની કરકસર, હેતની નિષ્ઠા, અડગતા, વિપત્તિમાં સ્વસ્થતા, સત્તા હોવા છતાં નરમાશ અને નિરભિમાન, પ્રાણીઓ તરફ માયા, બાળકો તરફ ઉભરાતો પ્રેમ, શોર્ય અને હિમ્મત, ન્યાયપ્રિયતા અને વિશાળ મન વગેરે જોઈએ છીએ ત્યારે “બલગલ ઉલા બિકમાલે હી” અર્થાત એ ઉચ્ચ સ્થાન પર એ પોતાની આવી પૂર્ણતાથી પહોંચ્યા, વાળી ઉક્તિ સાર્થક લાગે છે.
ખજુર અને જવ જે સસ્તામાં સસ્તા સુલભ હતા, તે જ લેતા અને બાકીનું જરૂરત મંદોને આપી દેતા. પત્નીઓને કામમાં મદદ કરતા, નજર કાયમ નીચી રાખતા, તાકીને કદી જોતા નહી. પોતાના માટે કે કુટુંબ માટે દાન ક્યારેય સ્વીકારતા નહી. કોઈવાર  ખજુરની પેશી જોઇને ખાવાનું મન થાય. પણ કદાચ એ દાનમાં આવી હશે તો ? એ વિચારથી ખાવાં માટે ઉપાડેલી પેશી પાછી મૂકી દેતા. એકવાર તેમના નવાસા હસન નાના હતા ત્યારે એમણે એક ખજુર મોમાં મૂકી દીધી. એ જોઈ તેમને ઠપકો આપતા મહંમદ સાહેબે કહ્યું,
“તું નથી જાણતો આપણા કુટુંબમાં હાશમના સંતાનો ખેરાત નથી ખાતા” અને એ ખુજુર તેમને મોમાંથી બહાર કાઢી લીધો.

એકવાર એક યહુદણે ઝેર નાખેલો ખોરાક તેમને ભોજનમાં પીરસ્યો. આપને વહેમ પડતા પૂછપરછ કરી. અંતે એ યહુદણે કબુલ કર્યું,
“મેં આપને મારી નાખવા ખોરાકમાં ઝેર નાખ્યું હતું.” ત્યાં હાજર લોકોએ તે યહુદણને મારી નાખવા મહંમદ સાહેબ પાસે ઈજાજત માંગી ત્યારે મહંમદ સાહેબ ના પાડતા કહ્યું,
“તેને છોડી મુકો”
મુસાફરીમાં ચાલતા ચાલતા તેમના જોડા નો પટ્ટો તૂટી ગયો. તે સાંધવો પડે તેમ હતો. સાથીઓને જાણ થયા સૌ દોડી આવ્યા. અને પટ્ટો સાંધી આપવા વિનંતી કરી. આપે સૌને ના પડતા કહ્યું,
“એ તો વ્યક્તિ પૂજા છે. એ મને ગમતી નથી.” અને પોતે જ પોતાના જોડાણો પટ્ટો સાંધવા બેસી ગયા.  એકવાર તેમના સાથી ખબ્બાબને કોઈ કામ અર્થે બહાર મોકલવો પડ્યો. તેના ઘરમાં ભારે કામ કરનારા કોઈ ન હતું. એટલે મહંમદ સાહેબ ખુદ ખબ્બાબની ઊંટણીઓ દોવા નિયમિત તેમના ઘરે જતા. હદીસમાં છે કે મહંમદ સાહેબ કુમારિકાઓ કરતા પણ શરમાળ અને વિનમ્ર હતા. કોઈનેય કઠોર વચનો ન કહેતા. તેમના ચહેરાના હાવભાવ પરથી ખબર પડી જતી કે તેઓ નારાજ છે કે ખુશ.
એકવાર કોઈએ કહ્યું કે પ્રાર્થનામાં મુઆઝ કુરાનની લાંબી આયાતો પઢે છે. ત્યારે મહંમદ સાહેબે ફરમાવ્યું,
“સમૂહ પ્રાર્થના બહુ લાંબી ન કરવી. કેમકે એ સમુહમાં નબળા, અશક્ત અને વૃદ્ધ લોકો પણ હોય છે.”
અરબસ્તાનમાં બાગાયતી જમીન અને મિલકત દુર્લભ ગણાય. મખૈરિક નામના એક અમીરે મહંમદ સાહેબને પોતાની જમીનમાંથી સાત બગીચા ભેટ આપ્યા. મહંમદ સાહેબે તેને “વકફ” કરી દીધા. અર્થાત એ બગીચા તેમને લોકહિતાર્થે અર્પણ કરી દીધા. એ બાગોની ઉત્પતિ ગરીબોને, હાજતમંદોને વહેચી દેવામાં આવતી. એકવાર એક માણસે મિત્રો માટે કઈંક ભોજન બનાવવા મહંમદ સાહેબ પાસે સામગ્રી માંગી. આપે ફરમાવ્યું,
“આયશા પાસે જા, ને વિનતી કર તો તને લોટ આપશે.”
પેલા માનવીએ હઝરત આયશાને વિનતી કરી. હઝરત આયશાએ સાંજના ભોજન માટે પણ કઈ રાખ્યા વગર થેલી ભરીને લોટ આપી દીધો. આવું તો ઘણીવાર બનતું. ગફ્ફાર કબીલાનો એક માણસ પયગંબર સાહેબને ત્યાં રોકાયો. ઘરમાં માત્ર થોડું બકરીનું દૂધ હતું. તે મહેમાનને આપી દીધું. અને પયગંબર સાહેબ ભૂખ્યા પેટે સુઈ ગયા.
ઇસ્લામ ધર્મ કઠોર તપનું જીવન ઉત્તેજતો નથી. એટલે મહંમદ સાહેબ દુનિયાની સારી ચીજોને આવકારતા પણ એશ આરામનું જીવન મહંમદ સાહેબ ક્યારેય પસંદ કરતા નહી. કેમ કે ભોગ વિલાસ મર્દાનગી હરે છે. પયગંબર સાહેબ જાડું કપડું પહેરતા. ઊની વસ્ત્રો પસંદ કરતા. એવા જ કપડામાં તેઓ વફાત (અવસાન) પામ્યા. મહંમદ સાહેબ કહેતા,
“મુસાફરીમાં જેટલું આપણી પાસે રાખીએ એથી વધુ આ દુનિયામાં આપણે ન રાખવું જોઈએ.”
એકવાર એક સહાબીએ આપણે પૂછ્યું, “આપને તકીઓ જોઈએ છીએ ?”
આપે ફરમાવ્યું,
“મુસાફર ઝાડના છાયા નીચે થોડીવાર બેસે ને પછી ચાલતો થાય, એથી વધુ મારો સંબંધ જગત સાથે નથી.”
કરાર કે સંધી થાય તો મહંમદ સાહેબ તેનું ચુસ્ત રીતે પાલન કરતા અને કરાવતા. મક્કા જીતાયું ત્યારે વેર લેવાની પૂરી તક હતી. પણ મહંમદ સાહેબે તમામ ત્રાસવાદીઓને માફ કરી દીધા. ખૂન કરવાનો પ્રયત્ન કરનારને ક્ષમા આપી. મહંમદ સાહેબની આવી ઉદારતાને કારણે તેમાંના કેટલાયનું હદય પરિવર્તન થયું અને તેઓ ઉમદા ધર્મ પ્રચારકો બની ગયા.
આ તો હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના અખલાકનો અલ્પ અંશ છે. જો તેમના જીવનના અંશ માત્રને પણ આપણે જીવન ઉદેશ બનાવએ, તો સાચા ઇન્સાન બન્યાનું ગૌરવ અવશ્ય લઈ શકાય.


1 comment:

  1. સર મારે તમારા ઈસ્લામ વિશે લખાયેલ પુસ્તકો મેળવવા છે કયાથી મળશે? મહે.કરી જણાવશો રાજકોટ પ્રવિણ પુસ્તક ભંડાર માં તપાસ કરી પણ ત્યાં નથી ઈસ્લામ વિશે ના તમારા પુસ્તક વાચવા ની અને સમજવા ની ખુબ તાલાવેલી છે સર જવાબ આપશો ..
    ઈમેલ ..ahirhareesh@gmail.com
    9662407202

    ReplyDelete