Friday, January 4, 2019

“જયહિન્દ” અને “વન્દેમાતરમ” : ડૉ. મહેબૂબ દેસાઈ


એક સમયે ભારતના મુસ્લિમો “વન્દેમાતરમ”નું ગાન નથી કરતા અથવા ધાર્મિક બાદને કારણે તેઓ એ રાષ્ટ્રીય ગીત ગાતા નથી એવી ચર્ચા ચાલી હતી. એ સમયે પણ ઇસ્લામના વિદ્વાન મૌલવી સાહેબોએ વારંવાર કહ્યું હતું,
“કુરાને શરીફમાં એક શબ્દ છે " તયમ્મુમ " જેનો અર્થ થાય છે. જયારે વઝુ (નમાઝ પૂર્વે પવિત્ર થવાની ક્રિયા) કરવા માટે પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે જે સ્થળે તમે હોવ ત્યાની મીટ્ટી-માટીને હાથ, પગ અને મોં પર ફેરવી દો તો પણ નમાઝ માટેની પવિત્રતા પ્રાપ્ત થઈ જાય છે. જે ધર્મમાં વતનની મીટ્ટી-માટીને પવિત્રતા માટેના માધ્યમ જેટલી અહેમિયત આપવામાં આવી હોય, તે ધર્મ વતન પ્રેમને વ્યક્ત કરતા ગીત "વન્દેમાતરમ" ને ગાવાની પાબંધી કેવી રીતે કરી શકે ?

ઈ.સ.૧૮૭૫ના દુર્ગા પુજાના તહેવાર નિમિતે બંકીમચંદ્ર ચટોપાધ્યાય (૧૮૩૮-૧૮૯૪)પોતાના વતન કાન્તાલ્પાડા ટ્રેનમાં જઈ રહ્યા હતા.ટ્રેનના ડબ્બાની બહાર દેખાતા ખેતરો, વૃક્ષો , ફૂલો, ફળો ,નદી , ઝરણાંને જોઈ બંકિમચંદ્રને પ્રેરણા મળી. અને તેમણે ટ્રેનના ડબ્બામાં જ એક ગીત રચ્યું.એ ગીત એ જ "વંદેમાતરમ". પછી તો તેમણે એ ગીત તેમની નવલકથા "આનંદમઠ"માં મુક્યું. આનંદમઠ નવલકથામાં એક મુસ્લિમ અંગ્રેજ શાશકો સાથે મળીને આમપ્રજાનું શોષણ કરે છે. એ શોષણ સામે પ્રજા પ્રચંડ બંડ પોકારે છે.અને ત્યારે પ્રજા "વંદેમાતરમ" ગાય ઉઠે છે. રાષ્ટ્રીય જાગૃતિ પ્રેરક આનંદમઠ નવલકથાને કારણે "વંદેમાતરમ" ગીત કાફી પ્રચલિત થયું. પરિણામે ઈ.સ.૧૮૯૬માં કલકત્તા મુકામે કોંગ્રસનું અધિવેશન મળ્યું ત્યારે એ અધિવેશનમાં રવીન્દ્રનાથ ઠાકુરે પ્રથમવાર વંદેમાતરમ" ગીત સ્વર અને સંગીત સાથે ગાયું.એ અધિવેશનના પ્રમુખ એક પ્રખર મુસ્લિમ મહંમદ રહેમતુલ્લા સયાની હતા. જેમણે પણ એ ગીત લોકો સાથે ગર્વ ભેર ગાયું હતું. ઈ.સ.૧૯૦૫ના બંગાળના ભાગલા પછી ભારતમાં સ્વદેશી આંદોલન સક્રિય થયું.એ આંદોલનમાં બંગાળના મુસ્લિમો જુસ્સા પૂર્વક "વંદેમાતરમ" ગીત ગાતા. આ અંગે ગાંધીજી લખે છે,
"બંગભંગ સમયે "વંદેમાતરમ" ગીત હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમું હતું"
ઈ.સ. ૧૯૦૬માં કોંગ્રસનું બાવીસમું અધિવેશન કલકત્તામાં મળ્યું . ત્યારે જ "વંદેમાતરમ"ને રાષ્ટ્રગીતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદી મહમદઅલી જીન્ના પ્રાંરભના દિવસોમાં "વંદેમાતરમ" ગીત ઉત્સાહ પૂર્વક ગાતા. પણ ૧૯૩૫ પછી તેમનો રાજકીય અભિગમ બદલાયો અને ૧૯૩૭માં તો જીન્નાએ "વંદેમાતરમ" ગીતનો સખ્ત વિરોધ કર્યો. પરિણામે મૌલાના આઝાદ,પંડિત નહેરુ , સુભાષચન્દ્ર બોઝ અને આચાર્ય નરેન્દ્ર દેવની એક સમિતિ રચાય.તેમણે આ ગીતનો પૂર્ણ અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું ,
“ગીતની પ્રથમ બે પંક્તિ ગાવા અંગે મુસ્લિમો માટે કોઈ ધર્મબાદ નથી.ગીત રાષ્ટ્રીય ગીત તરીકે પૂર્ણ યોગ્ય છે"
જો કે આ જ વિચારને અલીબંધુઓ મૌલાના શોકતઅલી અને મોહંમદઅલીએ વર્ષો પૂર્વે વ્યક્ત કર્યો હતો અને રાષ્ટીય ચળવળમાં"વંદેમાતરમ" ગીત અનેકવાર ઉત્સાહભેર ગાતા જોવા મળ્યા હતા.

એવો જ બીજો એક પ્રસંગ હમણાં જ બન્યો. થોડા દિવસો પૂર્વે શાળાઓમાં હાજરી પૂરતા સમયે “જય હિંદ” બોલવા અંગે પણ નિરર્થક ચર્ચાઓ શરુ થઈ છે. વર્ષોથી શાળાઓમાં હાજરી પૂરતા સમયે “યસ સર” અથવા “ જી સર” જેવા શબ્દો સાંભળવા મળતા હતા. પણ હવે તેના સ્થાને “જયહિન્દ” સાંભળવા મળશે. એ સાચ્ચે જ આનંદની બાબત છે. થોડા સમય પહેલા એ અંગેનો આદેશ દરેક શાળાને આપવામાં આવ્યો છે. આ નિયમ દરેક શાળાને લાગુ પડે છે. ઇસ્લામિક શાળાઓ અને મદ્રેસાઓમા પણ હાજરી પૂરતા સમયે પોતાની હાજરી દર્શાવવા મુસ્લિમ બાળકોએ પણ “જયહિન્દ” શબ્દ ઉચ્ચારવો પડશે. પરિણામે મુસ્લિમ શાળાના શિક્ષકો અને સંચાલકોએ પણ પોતાના બાળકોને હાજરી પૂરતા સમયે “જયહિન્દ” શબ્દ બોલવાની સુચના આપી છે. જે ખરેખર ઇસ્લામિક મઝહબમા પણ આવકાર્ય છે.
અત્રે “જય હિંદ” શબ્દનો ઈતિહાસ પણ જાણવા જેવો છે. “જય હિંદ” શબ્દના પ્રયોજક એક મુસ્લિમ  સૈયદ આબિદ હસન સફરાની (૧૯૧૧-૧૯૮૪) હતા. જેઓ સુભાષ ચદ્ર બોઝના સાથી હતા. આઝાદ હિંદ ફોજના અગ્ર સિપાઈ હતા. સુભાષ ચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજના સિપાઈઓ યુનિફોર્મમા એકબીજા સાથે કયા શબ્દમાં અભિવાદન કરે તે અંગે વિચારી રહ્યા હતા. એવા સમયે આબિદ હસને નેતાજીને “જય હિન્દુસ્તાન કી” શબ્દ સૂચવ્યો હતો. જેનું ટૂંકું સ્વરૂપ નેતાજીએ શોધી કાઢ્યું અને આમ “જયહિન્દ” શબ્દ આઝાદ હિંદ ફોજમા અભિવાદના માધ્યમ તરીકે પ્રસિદ્ધ થઈ ગયો.

આ નિયમના અમલ અંગે અનેક મૌલવી સાહેબોએ પોતાના પ્રતિભાવો આપ્યા છે. અને કહ્યું છે કે જયહિન્દ શબ્દ દેશભક્તિનું સૂચક છે, ઈસ્લામી શાળાઓ કે મદ્રેસાઓમાં તેનો ઉપયોગ આવકાર્ય છે. આ આ અંગે દારુલ ઉલુમ, રામપુર, સુરતના મૌલવી મુફ્તી મહંમદ મેમન કહે છે,
“ ”જયહિન્દ” અને “જયભારત” શબ્દનો અર્થ થયા છે હિંદ અને ભારતનું મસ્તક હંમેશા ઊંચું રહે અને તે હંમેશા વિકાસ કરતો રહે.વળી, “જયહિન્દ” શબ્દ મૂળભૂત રીતે ભારતને આપનાર એક મુસ્લિમ સ્વાતંત્ર્ય સૈનિક હતા. તેમનું નામ સિપેહસલાર આબિદ હસન સફરાની છે. જેમણે ૧૯૪૨ની હિંદ છોડો લડતમાં “જયહિન્દ”નો નારો આપ્યો હતો. એટલે મુસ્લિમ બાળકો હાજરી માટે “જયહિન્દ” શબ્દ બોલે તેમાં કોઈ મઝહબી બાદ બિલકુલ ન હોઈ શકે.” 

ટૂંકમા કોઈ ધર્મ કે મઝહબ દેશ કે રાષ્ટ્રના પ્રેમ વચ્ચે આવતો જ નથી. કારણ કે દેશ અને રાષ્ટ્ર વગર મઝહબ અને તેના અનુયાયીઓનું વજૂદ નથી. પ્રજાસત્તાક દિનની ઊજવણી સમયે આપણે આ સત્યને સૌને પ્રથમ સ્વીકારીએ એ જ  અભ્યર્થના.






1 comment:

  1. રસપ્રદ અને આજના દિવસોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર...

    ReplyDelete